
વર્ષોથી એક ફોટો અમારી ફેક્ટરીમાં લાગેલો છે,ખાસ્સો એવો જુનો ફોટો છે ચાલીસ પચાસ વર્ષ તો પાક્કા..સીતાજી રામચંદ્રજીને સુવર્ણ મૃગ દેખાડી રહ્યા છે અને માગણી કરી રહ્યા છે..!
અમારા કનકકાકા (અત્યારે એ જીવતા હોત તો ૮૮ વર્ષના હોત) મને કેહતા જો આ ફોટો ઘણું બધું કહી જાય છે..ધંધામાં લાલચ રાખવી નહિ ગમે તે થાય,ગમે એટલો નફો દેખાય તો પણ લાલચ રાખીને એની પાછળ દોડવું નહિ, નહિ તો એ લાલચ ઘરમાં હોય એ પણ લઈને જાય..
વાત તો સાચી ઠરી, જેટલીવાર લાલચ રાખીને નફો વધારીને ધંધામાં માલ ધીરી દીધો પછી દરેક વખતે રામાયણ ચાલુ થઇ છે,અને ઘણીવાર તો પાર્ટીઓના ચેક ત્રણ ત્રણ વાર બાઉન્સ થાય અને ના છૂટકે ૧૩૮ કરવી પડી છે, કોર્ટમાંથી પોલીસ સ્ટેશન જઈને સમન્સની બજવણીથી લઈને મોબાઈલ સાયલેન્ટ કરીને કોર્ટમાં જવા સુધીના કેટકેટલા “યુદ્ધ” લડવા પડ્યા છે ત્યારે મૂડી માંડ “ઘરભેગી” થઇ છે..!
ખરેખર અમુકવાર એમ થાય એ નાના નાના પ્રસંગો પણ કેટલુ શીખવાડી જાય..
હવે એ જ ફોટો જોઇને હું કાકાની ઉડાવતો પણ ખરો..કાકા આ ફોટાથી તમારી જેમ અમારે એ પણ શીખવાનું કે ઘરવાળી જે માંગે તે લાવી આપવાનુ..! આટલી ટીખળ કરીને હું અટકી જતો, કાકાએ કાકી જીવ્યા ત્યાં સુધી એમની લગભગ બધી જ ડીમાન્ડ કાકાએ પ્રભુ રામચન્દ્રજીની જેમ પૂરી કરી હતી..
અને ત્યારે કાકાનું સ્ટેટમેન્ટ ફરી જતુ…હા કેમ નહિ..?જેનો હાથ પકડીને લાવ્યા એના હાથમાં એ માંગે ને એ પેહલા વસ્તુ મૂકી દેવાની, અને માંગે તો તો પછી ગમે તે થાય લાવી જ આપવાનુ.. ત્યારે મને ખરેખર બીક લાગતી કે આ બધું જો મારી બાયડીને કાકા શીખવાડશેને તો મારા તો ડૂચા નીકળી જશે..!
ત્યારે તો હું કુંવારો હતો અને મારા માટે છોકરીઓ જોવાનું પુરજોશમાં ચાલતુ મોબાઈલ હતા નહિ, એટલે ક્યારેક કોઈક્વાર લેન્ડ લાઈન ઉપર એક,બે,ત્રણ રીંગો વાગીને ફોન કપાઈ જતા અને હું બહાર માર્કેટમાં હોઉં તો કાકા મને મેસેજ આપે ત્રણ રીંગ નો ફોન હતો..પછી સેહજ ગુસ્સાથી કેહતા હવે જે હોય તે પૂરું કરને હવે.. અને હું સામો થતો તમારા બધાના દિમાગ સડી ગયા છે ફ્રેન્ડશીપ જેવી કોઈ વસ્તુ હોય કે નહિ..!
એ જમાનામાં છોકરીઓ થોડી ઓછી બિન્દાસ્ત હતી, મારી મોમ જોડે તો વાત કરી લે,પણ કોઈ ઉમરલાયક માણસનો અવાજ સંભાળે તો ફોન કાપી નાખે..! અને લેન્ડલાઇન ના મિસકોલ મારે..!
બેક ટુ પત્ની જે માંગે તે લાવી આપવાનુ..વાત આગળ ચાલતી અને હું કાકાની સામે દલીલ કરતો તમારે તો ઠીક છે, કાકી એવી કોઈ ડીમાન્ડ જ નથી મુકતા, અમારી તો બધી આ જમાનાની જોઈ છે તમે..? અને કાકા આંખો ઝીણી કરીને બોલતા..જો બેટા ઘરવાળી જે માંગે એ લાવી આપવાની તાકાત કે હિંમત ના હોયને તો પરણતો જ નહિ..! બાકી તને કહી દઉં કે આજ સુધી તારી કાકી એ એવી કોઈ ખોટી ડીમાંડ નથી કરી..અને તારી આવનારી પણ ખોટી ડીમાંડ ક્યારેય નહિ કરે..અને પછી એમનુ ચાલુ થતું ૧૩૭ રૂપિયા લઈને વિરમગામથી અમદાવાદ આવ્યો હતો,તારી કાકી કરોડપતિની દીકરી પણ રૂમ રસોડામાં મારી જોડે બે જોડ કપડામાં રહી અને..અને મને બે કલાકનું લેકચર પડતુ..
ખરેખર મજા આવતી એમની વાતો સાંભળવાની પત્નીને પ્રેમ કરવો અને નિભાવવો, અરસપરસની બોલાયા વિનાની વાતો, ખાલી સાંજ પડ્યે ઘરમાં પગ મુકો ને સમજી જાય કે આજે શું થયું હશે..
આજે વીસ વીસ વર્ષના વાહણા વાયે મને સમજાય છે કે દુનિયાના ગમે તે છેડે બેઠા હો, સાત આઠ દિવસ થયા હોય પરદેસમાં અને ઈન્ટરનેશનલ રોમિંગના ડોલર બચાવવાની લાહ્યમાં એક કે બે મિનીટની વાત,પણ ખાલી “હલો” બોલો અને સાંભળો એમાં બધું આવી જાય..!
આમ તો આદર્શ દાંપત્યજીવન શિવપાર્વતીનું કેહવાયું છે પણ જોડી હંમેશા રામસીતાની વખણાઈ છે..આંખ ઠરે એવી જોડીને હંમેશા આપણે રામસીતાની જોડી જ કહીએ છીએ, પણ દાંપત્યજીવનના મામલામાં પ્રભુ રામચંદ્રજી થોડા બદનસીબ રહ્યા છે લગ્નના થોડાક જ સમયમાં વિરહ માથે આવ્યો..અને એ પણ ચૌદ ચૌદ વર્ષનો જયારે ઉમામહેશ્વરનું દાંપત્યજીવન સુખથી ભરપુર રહ્યુ..!
રામનો પત્ની પ્રેમ કદાચ એમના વિરહમાં જ હતો,ઘણા લોકો એવા પણ હોય છે જેમણે જીવનભર ક્યારેય પત્નીને ગણકારી જ ના હોય, હંમેશા પત્નીના અસ્તિત્વને ઇગ્નોર કરીને જ જીવ્યા હોય પણ જીવતરના છેડે જયારે ખરેખર પત્ની સદેહે ના રહે ત્યારે બહુ જ જલ્દી પોતાનો દેહ પણ છોડી દે છે..!
આપણી આજુબાજુ અનેકો અનેક લગ્નજીવન ખીલતા,મુરઝાતા,જીવતા,મરતા, મરવા ને વાંકે જીવતા, કે મરી ગયા પછી પણ જીવતા હોય એવા વેરાયેલા પડ્યા હોય છે..સેહજ રસ લઈને નજર કરીએ અને થોડુ એનાલિસિસ કરીએ તો મોટાભાગના લગ્નજીવન આજના ભારતીય સમાજમાં રામસીતાના દાંપત્યજીવન જેવા જ મળે છે..
એક છાપરા નીચે રહીને જુદા છતાં પણ ભેગા ને ભેગા, ચાર દિનો કા પ્યાર બડી લંબી જુદાઈ..સંસારના ચક્રમાં એવા અટવાઈ ગયા હોય કે ક્યારે સવાર પડે અને ક્યારે રાત વીતી એની સમજ જ ના પડે..!
બહુ જ ઓછા એવા દાંપત્યજીવન જોવા મળશે કે જે ઉમામહેશ્વરની જેમ ક્યાંક નાગાધિરાજની ગુફામાં સદીઓ સુધી એકાંતમાં રહીને દાંપત્યજીવન માણતા હોય..!
કારણ ..?
તો કે` આ મનેખનો અવતાર અને હજાર વેન..
જેને દાંપત્યજીવન કહીએ એના વિષે વિચાર કરીએ, એ બધુ તો એકબીજાના વેન પુરા કરવામાં જ વહી જાય છે, અને છેક છેડે એમ થાય કે ચાલ હિસાબ કરીએ તો સંઘરી રાખેલી ચિઠ્ઠીઓ જ ચુર ચુર થઇ ગઈ હોય, અને બેમાંથી એક થવાનો સમય આવી ગયો હોય..!
પછી છેલ્લે રામચન્દ્રજીની જેમ રાજગાદી પર એકલા બેસીને રાજ કરવાના વારા આવે..!
રામરાજ્ય આદર્શ હતું પણ અગ્નિપરીક્ષા લેનારા રાજા રામચંદ્રજી ના હૈયાના ભાર ના ભારા તો ક્યાય છૂટ્યા જ નહિ..એટલે જ “મારા રામ તમે સીતાજીનો તોલે ન આવો..” અને ખરેખર સીતાજી એ કેમ સુવર્ણ મૃગની માંગણી કેમ કરી એ તો રામ જ જાણે..!
કાકા સાચા હતા.. જો બેટા ઘરવાળી જે માંગે એ લાવી આપવાની તાકાત કે હિંમત ના હોયને તો પરણતો જ નહિ..!
અને એ વાત પણ સત્ય પુરવાર થઇ કે કાકીએ જેમ કોઈ ખોટી ડીમાંડ નોહતી કરી એમ આજ સુધી મારી પાસે પણ કોઈ ખોટી ડીમાંડ નથી આવી..
શું સાચું કે શું ખોટું ?
તો પછી એક જ વાત આવે ભાઈ
મારા રામ તારી માયા “ને” માયા રહેલો મારો રામ..
એક શ્લોકી રામાયણ ..
आदौ राम तपो वनादी गमनम् हत्वा मृगा कञ्चनम्।
वैदेही हरणम् जटायु मरणम् सुग्रिव सम्भाषणम्॥
बाली निर्दलनम् समुद्र तरणम् लंका पुरी दाहनम्।
पश्चाद्रावण कुम्भकर्ण हननम् यत्वात रामायणम्॥
જય શ્રી રામ
– શૈશવ વોરા