“બૂચડખાના” એક આખો નવો જ શબ્દ ગુજરાતીઓ માટે આવ્યો,
યુપીના ઈલેક્શનએ આખા દેશ અને દેશના મીડિયાને ચકરાવે ચડાવ્યા અને રીઝલ્ટ આવ્યા પછી તો લગભગ એવી જ પરિસ્થીતી પેદા થઇ છે, કે પછી કરી નાખવામાં આવી છે કે જાણે યોગી આદિત્યનાથ ભારતના પ્રધાનમંત્રી હોય..!
નરેન્દ્ર મોદી કરતા વધારે કવરેજ અત્યારે યોગી આદિત્યનાથ અને “બૂચડખાના”ને અપાઈ રહ્યુ છે અને જે પ્રમાણે મીડિયા બૂચડખાનાના આંકડા “ફેંકી” રહ્યું છે એ જોતા તો એમ જ લાગે કે આપણે ચીન દેશમાં વસીએ છીએ અને પોણું યુપી બૂચડખાના ઉપર જ નભી રહ્યું છે..!
એકા`દી ચેનલે વર્ષે દા`ડે ૧૧,૦૦૦ કરોડનું તો ખાલી રાજ્સ્વનું નુકસાન બતાડ્યુ અને અમુક લાખ ટન મીટ આ બધા ગેરકાયદેસર ચાલતા બૂચડખાના પેદા કરતા હતા..!
બૂચડખાનાની “પ્રોડક્ટ” માટે વપરાતો શબ્દો “બડા” અને “છોટા” બહુ નાનપણમાં અમે શીખી ગયા હતા, અને એનો ફર્ક નાકમાં રોજ આવતો..
ઘીકાંટા (મીટના સમોસા) અને મિરઝાપુર(સરકારી સ્લોટર હાઉસ) બંને એરિયામાંથી સ્કુલેથી ઘેર જતા આવતી બદબૂ ..!
છેલ્લો આંકડો નિર્મલા સીતારમણજી ના કેહવા પ્રમાણે ગુજરાતમાં કાયદેસર એકપણ “બૂચડખાનુ” નથી..
નોનવેજ ખાનારામાં પણ “બડા” ખાવાવાળા બહુ ઓછા હોય છે કેમકે “બડા” ને પચાવવાની તાકાત બહુ ઓછા લોકો ના આંતરડામાં હોય છે..પુછડા છૂટી પડે બડા ખાવામાં અચ્છા અચ્છાના..
”છોટા” તો ઘણા બધા ભચડી જતા હોય છે, અને દારુ પીધા પછી તો “છોટા” જોઈએ જ એવો વણલખ્યો ધારો ઘણી બધી જગ્યાએ જોયો છે,
અમુક અમુક જગ્યાએ તો તમે નોનવેજ નથી ખાતા એમ ..? ..!!! !!!
તારી તો (ગાળ,ગાળ,ગાળ)
આખા દેશમાં વર્ષોથી ચાલતા ગેરકાયદેસર “બૂચડખાના” સામે આંખઆડા કાન કરીને “ જે ચાલે છે એ ચાલવા દો ” ની નીતિ દેશના ઘણા બધા રાજ્યોમાં અત્યાર સુધી ચાલી, અચાનક યુપીના ઈલેક્શનમાં આ બૂચડખાના લાઇમલાઇટમાં આવી ગયા અને નવરી ચેનલોને ધંધો મળી ગયો બૂચડખાના બૂચડખાના ..
એક બહુ સ્ટ્રોંગ મેસેજ મોકલવાનું આ “બૂચડખાના” સાધન બની ગયુ લગભગ બધા જ બૂચડખાના ગેરકાયદેસર હતા, એટલે ઇચ્છાશક્તિ હોય તો તાળા મારવા સેહલા હતા અને આખા હિંદુ સમુદાયને ગમતી વાત હતી એટલે ફાટફાટ ધાબો બોલાવી દીધો..
સરકાર પેહલા કલાકથી જ કામે વળગી છે એવો મેસેજ જતો રહ્યો..!
સદીઓથી શાકાહારી અને બિનશાકાહારી એ બંને વચ્ચે લડાઈ ચાલી રહી છે અને ચાલતી રેહશે..પાયો છે હિંસા અને અહિંસા..
એક જાણીતી હકીકત છે કે દુનિયામાં છે એટલા માણસો અને જાનવરો બધા શાકાહારી થાય તો રોટી રમખાણ ફાટી નીકળે એટલે “જીવો જીવસ્ય જીવનમ” ને સ્વીકારી ચાલવું જ રહ્યું..
યુપીમાં બહુ બધી મોટી “બુમો” એ વાતની હતી કે ગામડાઓમાંથી ઢોરોની ચોરીઓ મોટાપાયે થઇ જતી અને ઢોરો બિચારા સીધા જતા બૂચડખાને,
વસૂકી ગયેલા ઢોરોને તો માલિકો જ મોકલી દે છે,
“આમ નહિ તો તેમ” કરીને પણ દુધાળા પણ ચોરાઈને બૂચડખાને પોહચી જતા, અને એમાં પણ એક સુયોજિત રીતે ઘણી બધી મોટી મોટી માફિયા ગેંગ કામ કરતી..હોમમીનીસ્ટર આઝમખાનની ભેંસો પણ ચોરાઈ ગઈ હતી..જો કે એ તો પાછી આવી ગઈ એવું કેહવાય છે પણ સાચું ખોટુ રામ જાણે ..
આપણા ગુજરાતીઓ માટે તો આ બધી વાતો અચરજ ભરી છે પશુધનની ચોરી અહિયા આપણે ત્યાં પણ થાય છે, પણ નાના પાયે અને મોટેભાગે પાછલે બારણેથી વેચાઈ ગયેલા નાના નાના વાછરડા અને વસૂકી ગયેલી ગાયો ભેંસો જ નાના મોટા ટેમ્પામાં ભરીને આમ તેમ થતી પકડાઈ એવા સમાચાર આપણે જોઈએ છીએ..!
મૂળ પાયાનો સવાલ એ આવે છે કે ગૌવંશની હત્યા પર તો વર્ષોથી પ્રતિબંધ છે છતાં પણ આ સરકારી પરમીટવાળા બૂચડખાના કેવી રીતે ચાલે છે કે પછી કાયદામાં છટકબારી છે ?
ગૌવંશની મોટે પાયે બંગલાદેશમાં ચોરી કરીને “નિકાસ” થાય છે,
અને ઘણા ગોપાલકો સામેથી પણ આપી દે છે,
આમ તો એ સારી વાત છે..!
આજ ના જમાનામાં ક્વોલીટી લાઈફનો કન્સેપ્ટ ચાલે છે, ઘરડું થઇ ગયેલું ઢોર પ્રોપર ખાવા પામતુ નથી, અને એને ખાવા આપવું પોસાય એમ પણ નથી,રસ્તે રખડાવી રખડાવીને મારવું એના કરતા તો પછી ભલે જતુ બૂચડખાને..!
વેહલુ મરશે તો વેહલો નવો જન્મ મળશે ,એના લખ ચોર્યાશી પુરા તો થાય ઝટ..!
ચેનલો મચી છે બૂચડખાનામાં કામ કરતા લોકો બેકાર થઇ ગયા..સરકાર કોઇપણ કામ કરે તો કોઈને કોઈ વાતે ચેનલો એમના નેગેટીવ પ્રોપેગેન્ડા ચાલુ જ રાખે..!
એક તો ગેરકાયદેસર કામ કરવાનું અને પાછુ એમાં સરકારી પ્રોટેક્શન જોઈએ..!
લોકતંત્રની મોટામાં મોટી ખામી..પ્રજાને આડમાં લઈને જે ગોરખધંધા કરવા હોય તે થાય અને પછી સરકારી તવાઈ આવે એટલે પ્રજાને આગળ ધરી દેવાની..!
કોઈ એકાદો સર્વે કરે તો મજા આવે કે કેટલી મોટી મોટી પ્રાઈવેટ સ્કૂલો બિલકુલ ગેરકાયદેસર રીતે બંધાઈ ગઈ અને ચાલુ થઇ ગઈ છે અને એને તોડવા જો સરકારી તંત્ર જાય તો એમાં ભણતા બાળકોના ભવિષ્યનો હવાલો આપી અને સ્કુલ નામનુ “બૂચડખાનુ” ચાલુ રાખવામાં આવે છે..!
કાયદેસર રીતે ચાલતા બૂચડખાના બંધ કરવાનો મતલબ નથી, પેહલા પણ લખી ચુક્યો છું કે ઢોરો માણસોને “કમાવી” આપે તો જ એમને જીવવાનો અધિકાર છે બાકી હવે ઘોર કલિયુગમાં નવી શોધાયેલી દવાઓને લીધે ધરતી પણ માણસ સમાતા નથી તો કામ વિનાના ઢોરો ભેગા કરવાનો મતલબ જ નથી, ઘણા બધાને મારું આ સ્ટેટમેન્ટ કઠશે પણ વાસ્તવિકતાનો સ્વીકાર કરો જ રહ્યો ગૌશાળાની ગાયો જોઈ છે લગભગ મરવાના વાંકે જીવે છે.. બે પાચ દસ જગ્યા સિવાય બધે જ આ હાલ છે ..
હોસ્પિટલમાં પંદર દિવસ મહિનો વેન્ટીલેટર ચાલુ રાખીને ગમે તેવા નજીકના સગાની સ્વીચ ઓફ કરવામાં આવે જ છે અને વાંક કોનો? તો ક્યાં તો તકદીર અને નહિ તો ડોક્ટર..!
ભાઈ તારી સહનશક્તિની હદ આવી ગઈ છે એટલે તે જવા દીધા.!
તો પછી આ તો “ગૌ” છે..!
સિક્કાની બીજી બાજુ
આ જ ગાયો ને બચવવાના નામે ગુજરાતમાં જે ગુંડાગીરી ચાલુ થઇ ગઈ હતી અને એના માટે છેક પ્રધાનમંત્રીજી એ બોલવું પડ્યું હતું કે આ બધું હું નહિ ચાલવા દઉં..!
કેવુ બેલેન્સ માગે છે સમાજ નહિ..!
યુપીમાં ગૌવંશ કાપી ખાનારાની ગુંડાગર્દી અને ગુજરાતમાં બચાવનારાઓ..!
અને આ બધાની વચ્ચે ગૌવંશ તો બિચારો બાપડો ..
એમને બચાવનારાનું જોર વધે તો નર્ક જેવી ભૂખી જિંદગી, અને કાપી ખાનારાનું જોર વધે તો ઝટકાવાળો એક ઝાટકે મારે અને હલાલવાળો ધીમે ધીમે મારે..!
“પ્રોડક્ટ” થઇ ગઈ છે માણસ સિવાયની આખી જીવસૃષ્ટિ
અને ..
માણસ થઇ ગયો છે “સર્વિસ પ્રોવાઇડર”..!
વિચારો કઈ કઈ “સર્વિસ” આપો છો તમે પણ..?
બહુ ના વિચારતા ઊંઘ નહિ આવે, “સર્વિસ” નહિ આપી શકો તો શું..?
આપની સાંજ શુભ રહે
શૈશવ વોરા