સોશિઅલ મીડિયા ઉપર એકવાર પેહરેલા કપડાનો વિડીઓ કે ફોટો ફરી ના આવવો જોઈએ..!!
તે ના જ આવવો જોઈએ , લુખેશ ..!!
અરે યાર એક ના એક કપડા હોય અને એના એ જ ચોકઠાં તો પછી જોવું શું ?
હમણાં અમારા એક જીમના ટ્રેઈનર કોઈક મોટી સ્પર્ધામાં ભાગ લઇ રહ્યા છે અને પાર્ટીએ સોશિઅલ મીડિયા ઉપર અર્ધનગ્નથી થોડો વધારે આમ તો પંચાણું ટકા શરીર બતાડતો ફોટો મુક્યો હતો ..
એ મૂકી શકે, આપણે મુકાય ..?
ના ..
એમના માટે એમના શરીર જ એમના શણગાર છે , આપણે તો ઉપર કપડા નાખવા જ પડે નહિ તો ડોઝું દેખાઈ જાય ગામ આખા ને..!!
ખોટી હોશિયારી ચાલે જ નહિ કે મેરા શરીર હી મેરા શ્રીંગાર હૈ..
હેંડ હેંડ છાનીમાની..!
નાગો દેખાઈશ ..!!
ઉપદેશાત્મક કલીપ બહુ ચાલી છે કે લોકો કપડા માટે કેટલા ઓબ્સેસ છે , અને એક કપડામાં એકવાર ફોટો અપલોડ કર્યા પછી નવા કપડા જોઈએ વગેરે વગેરે..!!
અલ્યા હોય હવે ,બધાને બાવા બનાવી દેવા છે ?
જો બધાય બાવા બની જશે સંસારમાં તો પછી આ સંસાર ચલાવશે કોણ ? બધાય જીવ મોક્ષે જતા રેહશે તો સંસારમાં નવી પેઢી જન્મશે કેમની ?
પેહલા પણ લખી ચુક્યો છું અમારા સાસુમાં ની કેહવત એક નૂર આદમી ,હજાર નૂર કપડા ,લાખ નૂર નખરે ને કરોડ નૂર અદા..!!
બધા પાસે અદા ક્યાંથી હોય ? એ તો બચ્ચન દાદા પાસે જ હોય..
અને તો પણ આ કેબીસીની સીઝનમાં બચ્ચન દાદાની ટાઈ ના નોટ જોયા ?
આફરીન .. આપણને ટાઈ નોટનું ઓબ્સેશન ખરું ,પરફેક્ટ રીતે બંધાયેલી ટાઈ નો નોટ હોય તો જામે બાકી ..પપ્પા ની જેમ ડબલ નોટ બાંધવાની અઢળક કોશિશો કરી પણ મારાથી ના થયું તે ના જ થયું અને સાવ સાદી રીતે ડબલ નોટ મારી ને કામ ચલાવું છું..!!
પણ જો જો હવે કેબીસી ખોલો ત્યારે બચ્ચન દાદાની ટાઈ નો નોટ..!!
કલાકારી ઉડી ને આંખે વળગશે ..!!
કપડાની મજા ત્યાં છે કે કયું કપડું આપણને ક્યારે અને કેવી રીતે શોભશે એ નક્કી કરી ને આપણે જો કપડા નું સિલેકશન કરીએ તો કપડા અને આપણે બંને નીખરી જઈએ ..
ચાલીસ લાખના પાટણના પટોળા પેહરી ને હડફા જેવી ચાલ ને મોટી મો ફાડ ઉઘાડી ને મરક્યા કરો તો એ પાટણ ના પટોળાનું અપમાન છે ,એના માટે પછી નીતાબેન અંબાણી જેવી મલપતી ચાલે ચાલવું પડે અને સરસ મજાનું સ્માઈલ જોઈએ ..!!
જો કે આપણી આજુબાજુ ઘણા લોકો આવા કે જે સારા કપડા પેહરી જાણે અને એને દીપાવી જાણે ..!
હું હમેશા મારા ટ્રેઈનર ને કડક રીતે કેહતો હોઉં છું કે ટીશર્ટ મારા શરીરે સરખું દેખાવું જોઈએ એવું બોડી જોઈએ ..
ટીશર્ટ ખરેખર જો શરીરને શોભાવવું હોય તો અપર ચેસ્ટ ભરેલી જોઈએ ,મોટેભાગે મીડ અને લોઅરમાં પ્રજા મચેલી હોય છે પણ અપર ચેસ્ટ હોય ને તો એકવાર ફાંદો છુપાઈ જાય ..
કેમકે મોટાભાગની જીમ કરતી પ્રજા કાર્ડિયો અને એબ્સ મારવામાં મારી જેમ આળસી જાય છે..!!
અને જનરલી એવું થતું હોય કે હાથ પગ દોરડી ને પેટ ગાગરડી ,શોલ્ડરમાં ભલીવાર ના હોય અને `ડોઝા` નું કેન્ટીલીવર ગેરકાયદેસર બાંધકામની જેમ બાહર લટકતું હોય ..!
આવા ગેરકાયદેસર બાંધકામ જેવા લટકતા કેન્ટીલીવર ઉપર ખાલી ને ખાલી માપે સિવડાવેલી શેરવાની શોભે..ઝભ્ભા શોભે..એ પણ બધું સરખું માપ લઈને સીવડાવો તો..!
એક મિત્ર એના લગ્ન માટે શેરવાની લઇ આવ્યો .. તદ્દન મિયાં ફૂસકી જેવો લાગે .. એનું કારણ એવું કે ભાઈ ચાલે ને એટલે એના પગના બંને પંજા સરળ કોણમાં પડે ૧૮૦ ડીગ્રીએ જાય..!!
હવે જયારે ૧૮૦ ડીગ્રીની ચાલ હોય ત્યારે શેરવાનીમાં મિયાં ફૂસકી જ દેખાઈએ..!!
આપણને તો લગ્નો પાર્ટીઓમાં આવું બધું જોવું બહુ ગમે , હમણાં એક નવી ખુલેલી બહુ ગાજેલી ફોફી શોપમાં અમે પત્નીજી જોડે જઈ ચડ્યા ..
એક ભાઈ અને બેન એન્ટર થયા , એટલે પત્નીજી એ પેહલા જ ટકોર કરી દીધી..
જાય પછી કોમેન્ટ કરજે, અને અવાજ ધીમો રાખજે..આટલા વર્ષે પત્નીજી ને ખબર પડી જ ગઈ હોય કે એમના ભરથાર હમણાં ભજિયું તળશે..
બેને ફુલ્લ લેન્થ પેહર્યું હતું ,બેન ખાસ્સા ઊંચા હતા લગભગ પાંચ ફૂટ સાત ઇંચ હાઈટ એટલે ફુલ્લ લેન્થ એ ઉભા હોય તો શોભે, પણ જેવા ચાલે એટલે એમનું ફુલ્લ લેન્થ પેલો રોડ વાળવાનું મશીન નથી ફરતું હોતું બસ એકઝેટ એવું થઇ જાય ..
ફુલ્લ લેન્થ પેહરવા હોય તો હિલ્સ અને ટોટલ કાર્પેટિંગ વાળી જગ્યા પ્લસ બે હાથથી સાધારણ ઊંચું કરી ને ચાલે તો કૈક જામે ,આ તો રોડ વાળવા નું મશીન થઇ જાય..!!
મજા નો સબ્જેક્ટ છે આ કપડા ..
એક ગુઝરા ઝમાનાનો ચિઠ્ઠો ખોલું ..
કોલેજકાળના અમારા વિજાતીય મિત્ર , એમના પિતાશ્રી અત્યંત સાધન સંપ્પન અને સાલ ૧૯૮૮ માં પણ એમને ગાડીઓ લેવા અને મુકવા આવે કોલેજ ..
આપણે સારી એવી દોસ્તી અને આજકાલની પ્રજા જેને ફ્રેન્ડ ઝોન કહે છે ને બિલકુલ એમાં અમે પેહલા જ દિવસથી એન્ટર થઇ ચુકેલા ..
એ જમાનામાં અમારા મિત્ર એકપણ ડ્રેસ એકપણ દિવસ રીપીટ ના થાય એનું અત્યંત કાળજી રાખતી અને છ મહિનમાં ટોક ઓફ ધ કોલેજ .. યાર શૈશાવ્યા આની પાસે છે કેટલા જોડી કપડા ક્યારેય રીપીટ જ નથી થતા..?
અમારા છોકરાઓનું તો જનરલી કેવું હોય કે ઈસ્ત્રીમાંથી આવ્યા હોય અને કબાટમાં મુકાય પછી પેહલું ટીશર્ટ જે હાથમાં આવ્યું એ ચડ્યું, અને ચડ્યું એ દેવ ને ચડ્યું સવારે પેહર્યું તે રાત્રે બદલાય ..
જો કે છોકરાઓમાં પણ ઘણી રાધાઓ એવી હોય કે દિવસના ત્રણ વાર ન્હાય અને બે ત્રણ ચાર વાર કપડા બદલે ,પણ બહુ ઓછી..!
પેલા અમારા કોલેજ મિત્ર ના કેસમાં કપડા નહિ પણ લગભગ બધી એસેસરીઝ પણ નવી જ હોય .. જો કે એમના શરીરે બધું શોભતું પણ ખરું ગોરો વાન અને સપ્રમાણ મેન્ટેન કરેલું શરીર એટલે ,જીન્સ ટીશર્ટ ,ટોપ ,મીડી ,મીની કુર્તી વગેરે વગેરે બધું શોભે..
હવે થયું એવું કે બીજી ફ્રેન્ડઝોન માં વસી રહેલી બીજી સ્ત્રીમિત્રો તરફથી દબાણ આવ્યું કે શૈશાવ્યા તું એને પૂછ કે એની પાસે કપડા કેટલા છે ?
મેં કીધું તમે છો`ડીએ જ પૂછી લ્યો ને , તો કહે સાચો જવાબ ના આવે તને કેહશે ..?
મેં કીધું એવું કેમ ?
તો કહે ..છોડ ને એ બધું અમારે છોકરીઓમાં અંદર અંદર એવું બધું હોય તું પૂછ એને..
એટલે એક દિવસ ..અરે દિવસ તો છોડો, બીજી મીનીટે મારી કિક અને બાઈક ઉડ્યું કેમેસ્ટ્રી બિલ્ડીંગથી સીધું બાયોલોજીમાં ..
પાર્ટી સામે જ આવતી હતી મલપતી ચાલે..
મેં કીધું ચલ કોફી પીવડાવું ,એક મિનીટ તો પાર્ટી ચાલતી અટકી ગઈ અને બોલી ભાંગ પીધી છે તે ? આજે સામેથી ?
એટલે આપણે ઘૂરક્યા આવવું છે ? મને કહે ચલ ..
અમે અમારી બાઈક પાર્ક કરી અને એમની ગાડીમાં ગોઠવાયા કંડકટર સીટ ઉપર..મારુતિ નવી નવી જન્મી હતી અને ભારતવર્ષમાં પા પા પગલા પાડી રહી હતી..!
એ જમાનામાં ફોફી ની શોપ બહુ ઓછી અમદાવાદમાં ,પણ અમારે ખાનપુરમાં કામા હોટેલ ની ખરી અને ત્યાં આપણું “રાજ ચાલે” ..સીધા કામા માં ..
ગજ્જુ (આપણો પાળેલો વેઈટર ) ને બે કોફી ઓર્ડર કરી અને અમે સીધ્ધું પૂછ્યું યાર તારી જોડે કપડા કેટલા છે એકપણ રીપીટ નથી થયું આ દસ મહિનામાં..!
અને વાંદરી એ ચીસ પાડી ઓહ માય ગોડ તું દસ મહિનાથી મારા કપડા ઓબ્ઝર્વ કરે છે ?
મેં એટીટ્યુડમાં આવી ને કીધું એ શુકર કર કપડા જ ઓબ્ઝર્વ કરું છું ..તરત જ બોલી મને વાંધો નથી હો ..ફ્રેન્ડઝોનમાંથી બાહર આવવાનો ઈશારો લાગ્યો એટલે મેં કીધું સીધી વાત કર કેટલા કપડા છે તારી જોડે ..
પાર્ટી મસ્તીએ ચડી કેમ આવું પૂછે છે તને એમ છે કે તું મને એફોર્ટ નહિ કરી શકે ?
અમે જરાક કડક થઈને કીધું….હખણી રેહ્જે ,જેટલું પૂછું એનો જવાબ આપ..
પાર્ટી પોઈન્ટ ઉપર આવી ગઈ સીધી ..કોણે પુછાવડાવ્યું છે ?
મારી આંખો ખુલ્લી …મેં કીધું તને કેવી રીતે ખબર પડી કે કોઈ પૂછાવ્યું છે ?
મને કહે ડોબા ..આ દસ મહિનમાં તે એકપણ વાર મારા કપડા ને એપ્રીશીએટ નથી કર્યા અને આજે સીધ્ધું પૂછે છે કે તારી પાસે કપડા કેટલા ? તો એટલી તો છે મારામાં ..
પોઈન્ટ ..તો હવે ઉવાચો ..
તો સાંભળ પણ આ તારા માટે ..અમે છે ને જોઈન્ટ ફેમીલીમાં રહીએ છીએ અને અમે સગી ત્રણ બેહનો અને બે ભાઈ છીએ ..
વારો આપણો હતો ..એ તારો બાપો ફેમીલી પ્લાનિંગમાં માનતો જ નથી કે શું ? સરકાર ક્યારની બધું મફત આપે છે ..હજી પ્રોડક્શન ચાલુ છે કે હવે મફત મળે છે એવી સમજણ પડી ?
પાર્ટી ગીન્નાઈ તારે મારા બાપ નું ફેમીલી પ્લાનિંગ કરવું છે કે પછી કેટલા કપડા ..?
સોરી સોરી કેરી ઓન ..
અને મારી બીજી ચાર કઝીન સિસ્ટર છીએ બધા પાસે વીસ ત્રીસ જોડ કપડા છે અને અમે એકબીજાના પેહરીએ છીએ એટલે વર્ષે એક જ વાર એક કપડા નો વારો આવે ..
પણ આ વાત તારા માટે ..જેણે પૂછાવ્યું છે એને કહી દે કે એમ ગણી ગણી ને કપડા ના હોય દર મહીને દસ બાર વસાવી લેવાના એટલે બે ચાર વર્ષમાં તારી જોડે પણ ઢગલો થઇ જશે..
આવું છે કપડાપુરાણ ..
બાકી બધાથી ઉપર એક બેઠા રાણી એલીઝાબેથ અને એની ઉપર અમારો કાળીયો શ્રીજી ..
નાથદ્વારા જાવ એટલીવાર નવા કપડા અને નવા શણગાર કશું જ રીપીટ નહિ ..!!
પાઘ બાંધે વા`લો જરકસી ને સુંદર વાઘા સાર..
પટકા તે છે પચરંગના સજિયા તે સોળ શણગાર ..
નીરખ્યા ને નિરખશું એનો પાર ન પામે શેષ ..!!
માધવદાસ કહે હરી મારું માંગ્યુ આપો મહારાજ..
લળી લળી કરું વિનતી મુને દીજો વ્રજમાં વાસ ..
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા