સદીઓથી ભારતમાં આ એક સવાલ પૂછાતા આવ્યો છે ..
કર્મ બળવાન છે કે ભાગ્ય બળવાન છે , કર્મ ભાગ્યને દોરે છે કે ભાગે કર્મને દોરી જાય છે ?
લગભગ 23- 24 વર્ષનો થાય પુરુષ ત્યાર પછી એને જીવનભર ખૂબ જ પજવતો આ સવાલ છે …
ખૂબ મનન અને ચિંતન થયા આ પ્રશ્ન ઉપર ગ્રંથોના ગ્રંથો લખાયા પણ જ્યારે પ્રેક્ટીકલ લાઇફની વાત આવે ત્યારે બધું જ પોથીમાંના રીંગણા સાબિત થાય છે..
સ્ત્રીના જીવનમાં તો આ સવાલ ઘણો વહેલો આવી ને ઉભો રહે છે, લગ્ન કરવા સરખી ઉંમર થઈ એ મિનિટે એ ભાગ્યને હવાલે થઇ જાય છે ..
જોકે આ જમાનામાં ઘણી બધી ભણેલી-ગણેલી છોકરીઓ કર્મ કરતા ભાગ્યને વધારે પ્રાધાન્ય નથી આપતી, અને પોતે જ કર્મ કરવા લાગી જાય છે ..
તો પણ ક્યારેક તો દરેક ને જીવનમાં એમ લાગે કર્મ ગમે તેટલું કર્યું છતાં એ ભાગ્ય બળવાન ના રહ્યું અથવા ભાગ્યનો સાથ હોત કર્મ સોળે કળાએ ખીલી બાહર આવત..
આપણે માનીએ કે ન માનીએ પણ લગભગ દરેકના જીવનમાં એક સમયે તો આ સવાલ આવીને ઊભો જ રહે છે , અને એમા પણ નિષ્ફળતા મળે, પછી એ કોઈ પણ પ્રકારની હોય … ત્યારે તો ખાસ આ સવાલ આવે છે..!
નાનામાં નાની નિષ્ફળતા પણ જો આવે તો ભાગ્યને જ દોષ દેવામાં આવે છે , અને સફળતા જો ખુબ સરસ અને ખૂબ મોટી હોય તો પછી કર્મ ને આગળ કરવામાં આવે છે..
એક કિસ્સો છે , હમણાં જ તાજેતરમાં બનેલો બનાવ છે ..
અમે ધંધાકીય મિત્રો એનું નામ આપણે મિહીર રાખીએ ..
મિહીર ને સંતાનમાં એક દીકરો અને દીકરી,
મિહિર નો દીકરો પાંચ છ વર્ષ પહેલા બરોડા મેડિકલ કોલેજમાં એડમિશન લઈને ભણવા માટે ગયો , દિકરા નુ અને મિહિર નુ નસીબ થોડુંક બે ડગલા આગળ હતું, એટલે પેમેન્ટ સીટ પર એડમિશન મળ્યું હતુ..
મિહિર પોતે થોડો ઘણો પોહચતો પામતો વ્યવસાયે વકીલ, પણ મોટે ભાગે બહુ જ એથિકલ વકીલાત કરી અને ધીમે ધીમે કરીને પૈસો ભેગો કર્યો હતો ,
પેમેન્ટ સીટ પર એડમીશન લેવાનું હતું અને લગભગ ૬૦ લાખ જેવું પેમેન્ટ પાંચ વર્ષમાં કરવાનું એના ભાગે આવતું હતુ , રકમ ઘણી મોટી હતી મિહિર માટે એટલે પહેલા તો થોડોક એડમિશન લેતા અચકાટ થયો પણ પછી એમ થયું કે ના દીકરાની ઈચ્છા છે અને કરિયર બનતી હોય તો એને ડોક્ટર બનાવી દઈએ અને એમ કરી અને મન મનાવી અને ઍડમિશન લઈ લીધું ..
પણ મેડિકલમાં પહેલા વર્ષમાં જ દીકરો અટકી ગયો , ડેડ બોડી જોઇ ને ચક્કર ખાય , ભણવામાં બિલકુલ ચિત્ત ચોંટે નહિ , કોલેજ ની હોસ્ટેલમાં થી લઇ અને ફલેટ ભાડે કરીને છોકરા નવરાખ્યો, છોકરા ની મમ્મી અમદાવાદ ના ઘરબાર મૂકી ને એની જોડે બરોડા ગઇ ,
પણ એનો દીકરો સતત ત્રણ વર્ષ સુધી ફેલ થયો, અને ક્લિયર જ ના કરી શકે …
એક સમય એવો આવ્યો અને એવું લાગ્યું કે આ સતત મળતી નિષ્ફળતા ને લીધે કદાચ એનો છોકરો આત્મહત્યા સુધી પહોંચી જાય તેમ છે એટલે અંતે બધી જ ફી ભરી અને મેડિકલમાં એડમિશન કેન્સલ કરવું પડ્યું અને અમદાવાદ પાછો લઈ આવી અને બીએસસી માં એડમિશન લેવડાવ્યું ..
બીએસસી માં એનો દીકરો સડસડાટ ત્રણ વર્ષે બીએસસી થઇ ને બહાર નીકળ્યો , પણ પછી કોઈ ચોક્કસ ધંધોધાપો નોકરી કશું જ નહીં, અને લગભગ બીજા ત્રણ વર્ષ સુધી એનો દીકરો જેના પ્રેક્ટીકલી કહીએ કે રખડી ખાધુ એ રીતે રખડી ખાધુ…
28 વર્ષનો દીકરો થઈ ગયો, કમાવવાના નામે એક નાનકડી નોકરી માંડ દસ કે બાર હજાર રૂપિયાનો પગાર મળે..
સમાજમાંથી આજુબાજુ માં પરણાવવા માટે માંગા આવે, શું કરે છે ? કેવી રીતે કરે છે ?ક્યાં નોકરી કરે છે ?કેટલું કમાય છે ?
આવા ઘણા બધા સવાલો ના તીર રોજ સવાર સાંજ મિહિરને વાગતા હતા , પણ વિશે કશો જવાબ આપવાની પોઝિશનમાં નહોતો સમાજને મિહિર ,
મારી સામે મિહિરે ઘણી વખત પોતાના હૃદયની બળતરા કાઢી… કે મારા છોકરા નસીબમાં શું લખ્યું છે
અંતે એક દિવસે મિહિર નો દિકરો એક છોકરીને લઈને સાંજે ઘરે આવ્યો અને સીધી જ મિહિરને અને એના પત્ની ને વાત કરી પપ્પા મારા આની સાથે પરણવું છે ,
મિહીર માટે ખૂબ આંચકાજનક વાત હતી, પણ પારકી દીકરીને લઇને આવેલો એટલે એ મિનિટે મિહિર અને એના પત્ની ગમ ખાઈ ગયા, અને કશું જ બોલ્યા નહીં હા એ હા કરી ,
એ દીકરી સાથે થોડીક વાતો કરી અને એને રવાના કરી .., પછી મિહિરે પોતાના દીકરાને પૂછ્યું કે બેટા તને ખબર છે તું શું કમાય છે ? મારી કમાણી છે એ તારી જ છે .. પણ એ ક્યાં સુધી ? તારે પગભર થવું પડશે અને પછી તું પરણે તો યોગ્ય કહેવાશે
ત્યારે મિહિર ને એવો જવાબ મળ્યો કે તમે મારા પપ્પા છો કે એના પપ્પા છો? તમને મળતા પહેલા હું એના પપ્પાને મળીને આવ્યો છું અને એના પપ્પાએ મને આ સવાલ નથી પૂછયો..અને લોકો જાણે જ છે કે હું કેટલું કામ કરું કમાઉ છું, હું શું કરું છું અને છતાં પણ એમને વાંધો નથી તો તમને શું કામ વાંધો છે ? તમે મારી સાથે આ બધી વાતો શું કરવા કરો છો? મિહીર એ હથિયાર હેઠા મૂકી દીધા ..અને એ છોકરીના પપ્પાને મળવા માટે બીજા દિવસે મિહીર એમની ઓફિસ ગયો ,
અમદાવાદ તો એક ખૂબ મોટા કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં મિહિર ના ભાવિ વેવાઈ ની ઓફીસ ..
પહેલી જ મિટિંગમાં ખુબ સરસ આવ ને આવકારો મળ્યો મિહિરને, થોડી ઘણી આડીઅવળી વાતો થઈ.. બધુ બરાબર જતુ હતુ છતાં પણ મિહિર એ ચોખવટ કરવી જ હતી કે મારો દીકરો ખાસ કંઈ કમાતો નથી,
એટલે છેક ઊભા થતી વખતે એણે પોતાના ભાવિ વેવાઈને કીધું કે મારો દીકરો કશું ખાસ કમાતો નથી , સામાન્ય નોકરી કરે છે
ત્યારે એના ભાવિ વેવાઈ એ કીધું …..હું જાણું છું મિહિરભાઈ પણ મારે એકની એક દીકરી છે, મારો કારોબાર એટલો મોટો છે કે એમા એક દીકરો તો તમારો ક્યાંય સમાઇ જાય, અને તમારો આ એક દીકરો હવે મારો પણ દીકરો છે, અને કદાચ તમારે બીજો દીકરો હોત ને તો એ પણ મારા ધંધામાં સમાઇ જાત એટલો મોટો મારો ધંધો છે.. મારી પ્રહલાદ નગર કોર્પોરેટ રોડ ઉપર એક આખી બિલ્ડિંગ ભાડે આપેલી છે , અને ઍ બિલ્ડીંગ નું ભાડું જ મારે વર્ષે પાંચ કરોડ રૂપિયા આવે છે …તમે બિલકુલ નિશ્ચિંત થઈ જાવ.. અમારે ખાલી સારુ અને સંસ્કારી ઘર અને દીકરો જોઇતો હતો , અને તે અમને મળી ગયો છે..
મિહિરને એના ભાવિ વેવાઈની વાત સાંભળી અને ચક્કર આવ્યા એમને વિશ્વાસ નહોતો થતો, વર્ષે પાંચ કરોડ રૂપિયા ફક્ત ભાડું કેવી રીતે એવુ બને ?
પણ સત્ય હકીકત હતી મિહિર ના દીકરાના ભાગ્યના દ્વાર ખુલી ગયા હતા, સગાઈ નક્કી થઈ ધામધૂમથી સગાઈ કરી લગ્ન પણ થયા અને બધું જ બરાબર સમુસૂતરું ચાલુ મિહીર નો દીકરો એના સસરાના ધંધે ગોઠવાઈ ગયો, ૭૦ હજાર રૂપિયાના બાઈક ઉપર રખડતો છોકરો અચાનક mercedes માં ફરવા લાગ્યો ,
આજે પણ મિહિર ક્યારેક મારી સાથે ચર્ચા કરે છે કે મારા છોકરા પાછળ મહેનત કરી કરીને થાક્યો, મથી મથી ને થાક્યો ..
છોકરાએ પણ ઘણી મહેનત કરી પણ કંઈ જ ફળ ના મળ્યું અને જ્યારે ફળ મળ્યું ત્યારે અપેક્ષા વિનાનું ફળ મળ્યું, ને બેહિસાબ ફળ મળ્યું ..
મને પૂછે છે આવું કેમ ? કયુ પુણ્ય પ્રકાશ્યું ?
મારો જવાબ એક જ હતો ..મને નથી ખબર કે કયું પુણ્ય પ્રકાશ્યું..અને એ તારું પુણ્ય કે તારા બાપ દાદા નું પુણ્ય કે છોકરા ના પોતાનું પરભવનું પુણ્ય , પણ એટલું ચોક્કસ છે જ્યારે કર્મ કરી કરીને માણસ થાકે અને છતાં પણ કર્મફળના મળતું ના હોય ત્યારે એટલું ચોક્કસ સમજવું હવે ભાગ્ય એના દ્વાર ખોલવામાં છે, રાત જેટલી અંધારી કાળી ડિબાંગ થતી જાય એટલું જ પો ફાટવાનું નજીકમાં છે..
તારા દીકરાને કેસ પણ એવું થયું ,બધી જગ્યા એ પછડાઈ ને તારો છોકરો પાછો આવ્યો, અને કદાચ એના નસીબમાં આ લખ્યું હતું , આ બધી જાહોજલાલી લખી હતી , માટે તારો દીકરો અહીંયા પહોંચી ગયો , માટે વધારે વિચાર ના કર જે ચાલે છે તે ચાલવા દે …હું કૃષ્ણની ભૂમિકામાં આવી ગયો અને મેં એને કહ્યું કર્મ કરતો રહે ફળની આશા ભૂલી જા… એ’ને સમયે જ્યારે જે આપવું છે એ ત્યારે તે આપશે, અને જે લેવાનું છે એ એના સમયે લઈ લેવાનો છે..
તને કે મને સમય પૂછવા પણ નહીં આવે , એટલે વધારે વિચાર કર્યા વિના આ સુખના દિવસો છે તો સુખના દિવસો ને માણી લે…
દિવસ-રાત એક કરી અને મથતા લોકો માટે એક અકલ્પનીય ઘટના છે, મોટાભાગે દુનિયાના કર્મશીલ લોકોના નસીબમાં ક્યારે સવાર પડી અને ક્યારે સાંજ પડી એની ખબર જ નથી હોતી,મહેનત કરી કરીને થાકી પણ તો ય બે પાંદડે ના થવાય ,
ઘણા બધા ને એવું હોય કે એક સાંધે ત્યાં તેર તૂટે એક લોન ના હપ્તા પૂરા થયાના હોય , ત્યાં બીજી લોન ઉભી કરવી પડે અને સવારથી સાંજ તૂટતાં રહવું પડે.. પતિ-પત્ની બંને જણા નોકરી કરતા હોય અને પુષ્કળ સ્ટ્રગલ કરતા હોય,કોણ પહેલું પથારીમાં પડ્યું અને કોનું પહેલું નસકોરું બોલ્યું એની બેમાંથી એકેય ને ખબર જ ના પડે , એવી રીતે જીવન જતું હોય ..
અને એવા બધા તમામ લોકો માટે આવા કિસ્સા એક દંતકથારૂપ હોય..
છે ઘણા લોકો એવા છે , જે પોતાના કર્મ ના જોરે આગળ આવ્યા હોય છે, પણ એક બે કિસ્સા ..એકાદ બે ટકા આવા પણ લોકો હોય છે કે જેને ભાગ્ય સાથ આપી દેતું હોય છે અને અચાનક ક્યાંથી ક્યાં પહોંચી જતા હોય છે…
પણ એક વાત ચોક્કસ કે ભાગ્યના જોર આગળ આવેલો માણસ જીવન લગભગ ટણીમાં પસાર કરે છે,
જ્યારે કર્મના જોરે આગળ આવેલો માણસ જીવન ભરપુર આત્મવિશ્વાસમાં પસાર કરે છે ..
અને બંને દેખીતો ફરક એમની પર્સનાલિટીમાં દેખાઈ જ આવે છે , કર્મશીલ માણસ હંમેશા આત્મવિશ્વાસથી છલોછલ ભરેલો હોય છે ત્યારે ભાગ્યના જોરે આવેલો માણસ ફક્ત અને ફક્ત ટણીબાજ હોય છે..
હું તો એવું માનવું કોઈકના ભાગ્યને આડે કેળ નું પાંદડું હોય છે, ને કોઈકના ભાગ્યને આડે લીમડાનું પાંદડું હોય..
લીમડાના પાંદડાં વાળા ના ભાગ્ય દર પાંચ મિનિટે ચમકે અને દર પાંચ મિનિટ પછી ઓલવાઈ જાય ,
અને કેળ ના પાંદડા ના ભાગ્ય વાળા ખાસો સમય અંધકારમાં પસાર કરી અને એક સમય એવો આવે કે કેળનું પાંદડું ખસ્યું એ ખસ્યુ ..પછી જીવનભર ભાગ્ય ઝગારા મારે..
અને કર્મશીલ માણસનું ભાગ્ય કર્મ જેમ જેમ આગળ વધતી જાય એમ એમ ચમકતું જાય અને કર્મ એના ભાગ્ય ને ચમકાવતો જાય અને આગળ વધતો જાય ..
પણ એક વાત તો છે જીવન ચલને કા નામ ચલતે રહો સુબહ શામ..
ચાલો આજે આટલું જ
સૌને શુભ રાત્રી
શૈશવ વોરા