ખબર નહિ પણ કેમ આજે અત્યારે એવું લાગી રહ્યું છે કે કદાચ આવતીકાલે દશેરા ના દિવસે અમદાવાદ નું નામ કર્ણાવતી થઇ જશે..!! અને દશેરા એ ના થાય તો દિવાળી ની આજુબાજુ થાય ..!
મારી સિકસ્થ સેન્સ કે છઠ્ઠી ઇન્દ્રિય આવી એંધાણી આપી રહી છે..!!
ચલો તો અમદાવાદ અને અમદાવાદી ની વાતો આજે ..!!
પેહલા વિસ્તારથી લખી ચુક્યો છું અને લખવાનો મારો પોતાનો હક્ક એટલા માટે છે ઇસવીસન સાલ ૧૯૭૦ ના ભાદરવાની અમાસ ની આવી જ એક સાંજે અમે શાહપુર બહાઈસેન્ટર ડોક્ટર શ્રીમીતી ઈન્દુમતીબેન ફકીરભાઈ પટેલ ના દવાખાનામાં અમે અવતર્યા હતા અને એ દિવસથી આજસુધી કોટ ની રાંગે ચડી ઉતરી પડી ને રમી ને ,નદી સાબરમતીના ભાઠામાં ઉતરી ને ઓરીજીનલ સાબરમતીના પાણીના (અત્યાર જેવા નર્મદાના ગંધાતા લીલવાળા પાણી નહિ, ખાલી જોવું જ ગમે નજીક જાવ તો ગંધાય , ઓરીજીનાલી આ એ પાણી જે ભારત ની આઝાદી લાવ્યું તાણી) કાદવ અને કાંપમાં ખુંપી ને મોટા થયેલા , કે જેણે આશ્રમ રોડ ને બનતો અને જાહોજલાલી ને વરતો જોયો ,અમારા બાઈકના પેટ્રોલ પી પી ને મુઓ સીજી રોડ મોટો થયો અને ગાડીઓના ડીઝલ પી ને નેહરુનગર રોડ ,૧૩૨ ફૂટ ને સરખેજ-ગાંધીનગર હાઈવે ઉછર્યો , ઉછરી રહ્યો છે..!!
હાલમાં અમારું ડીઝલ નખ્ખોદીયો એસ જી હાઈવે પી રહ્યો છે..!!!
ક્યારેક ત્રણ દરવાજાના માથે ચડ્યા તો ક્યારેક ઝુલતા મિનારે ચડી ને ઝૂલ્યા..!!
ઓઢવ ,વટવા ,નરોડા ,નારોલ ,કઠવાડા ,રખિયાલ ,તાવડીપુરા .. પૂર્વના એ વિસ્તારોમાં ભણી ઉતર્યા એટલે કારખાના કરવાના મનસૂબે માથે હેલ્મેટ પેહરી ને પૂર્વ અમદાવાદની લગભગ એકે એક ઇન્ડસટ્રીયલ એસ્ટેટ ની ધૂળ ખાધી અને હજી ખાવા ની ચાલુ છે..!!
અફસોસ એટલો ચોક્કસ કે ભણી ને બજારમાં ઉતર્યા જરાક પાંખો આવી ત્યાં અમદાવાદની મિલો ના ભૂંગળા `ઓલવાઈ` ગયા અને અમદાવાદ આર્થિક રીતે લગભગ પાયમાલ થઇ ગયું હતું..!
પણ નામ જેનું અમદાવાદી `સાલ્લો` ધંધો તો `ગમ્મે` ત્યાંથી ખોળી લાવે..!! રૂપિયા પાડે ..!!
છેલ્લે પોળમાં આવતી ગાય ઉપર સટ્ટો ખેલે બોલ ગાય જમણી જશે કે ડાબી ? કેટલા ખાધા ?
કોઈ ના પોહચે અને દુનિયા આખ્ખી ને પોહચી ને પાછો આવે નાલાલ્ય્ક ઢોર ..!! લાગ આવે તો સામેવાળા ને પણ મારી મારી ને નાલ્લ્લાયક ઢોર (પ્રેમ ની ગાળ છે જે અમદાવાદી જ એકબીજા ને આપી શકે ) બનાવી દે..!!
અમદાવાદ નું એ સરબજાર (શેરબજાર તો નવા નવા આવેલા ઈમિગ્રન્ટ બોલે ) કાળો કકળાટ ,કોણ શું બોલે છે અને શું લે છે અને શું વેચે એ જ ના સમજાય, અંદર રમતા કેટલાય કરોડપતિ થયા ને કેટલાય ના `કરોડ` નો `ક` નીકળી ને `રોડ` ઉપર આવી ગયા પણ બાહર બેઠો ચવાણાવાળો કરોડપતિ થઇ ગયો..!
ચલ એ નીકળ ને .. હેંડ એઈ હવ બહુ થયું હો .. લપેટવા નું ઓછું રાખ, એ ડિસ્કાઉન્ટ ..પડીકા માસ્તર ..
નાસ્તો તો હંમેશા ઓછો જ પડવો જોઈએ એમાં ને એમાં કટિંગ ઉર્ફે અડધી ચા નું ઇન્વેન્શન થઇ ગયું નગરી અમદાવાદમાં..!!
નાસ્તો ઓછો પડવા નું કારણ શું તો કહે કલાક એક નો ટેકો થઇ જાય અને ઘેર જમવાનું ના બગાડે !!!
અને જમવાનું બગાડયું તો ? અમદાવાદી બૈરા (માનાર્થે બહુવચન લેવું ) ક્યાં તો વધે રોટલી ના ખાખરા કરે અને ક્યા તો બીજા દિવસે રોટલી નું શાક કરી ને ખવડાવે ..!! ખાખરા વધી ગયા હોય તો ખાખરા ના ચેવડા બનાવે..!!
સાલ્લુ કશું ય નક્કામું ના જાય ..!!
કેરીઓ હોય તો છોતરાં ધોઈ ધોઈ ને રસ કાઢે અને ગોટલા ધોઈ ને બાફલો બનાવે છેલ્લે “મંઈ” થી ગોટલીઓ કાઢે ..! ખાલી ને ખાલી રસ વિના ના છોતરાં ગાય ને ખવડાવે અને એમાં પણ સ્વર્ગમાં સીટ કન્ફર્મ કરાવે ..!!
પાણીપુરી ની મફત મસાલા પૂરી તો ખરી જ પણ પેહલા સ્ટીલ ની વાડકીઓ આવતી તો ખાટીમીઠી ચટણી વાડકીમાં મફતમાં ભરાવે ને પી જાય ..!!
આખા ગુજરાત ના માણસો બોલે અમદાવાદી ને કોઈ રીતે ના પોહચાય..!!
વેપલા ખેડવા ગામે ગામથી લોકો અમદાવાદ આવ્યા , આ શેહરે દરેક ને સમાવી લીધા , મુંબઈ ની જેમ નહિ કે રોટલો આપ્યો ને ઓટલો નહિ ..!
અહી રોટલા ય મળ્યા ને ઓટલા પણ , હેઈ બે ત્રણ દસકામાં તો મેહનત કરી ને નીતિ રાખી એને મોટી મોટી મહેલ મોલાતો અમદાવાદ એ આપી..!
ફરી મુંબઈ ને એક મેહણું મારી લઉં .. તમારા માટે તો એવું કેહવાય કે મુંબઈ કમાણી મુંબઈમાં સમાણી અમારા માટે એવું નહિ હો..!!
અમદાવાદ આવેલો જણ અમદાવાદમાં તો બે પાંદડે થયો તો થયો પણ ગામડે પણ રૂપિયા મોકલી જાણ્યા હા ..!! જો કે હવે અમુક એ તો બે પાંદડા છોડો મોટા વન વન વાવી ઉછેર્યા છે ..!!અમુક તો મુઆ છેક બેંગકોક જઈ જઈ ને ખર્ચે ,વચ્ચે તો ડાયરેક્ટ ફ્લાઈટ હતી .. પોટેન્શિયલ એરલાઈનો ને પણ ખબર હોં .!!
આ દુનિયામાં હળગી હળગી ભલે જેને અદાણી ને અંબાણી ને ગાળો દેવી હોય તે દે , પણ એમની સફળતા નો મોટો હિસ્સો આ સાબરમતીના પાણી નો છે ..!!
અને રાજકારણીઓ ની વાત કરીએ તો બાપા ભલે કાગડા કુતરા ના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના પાછો નહિ આવું એમ કહી ને પાછા ના આવ્યા પણ સાબરમતીના પાણી ને પેહલા પચાવ્યું વિરોધ કેમ કરવો અને એ પણ જડબેસલાક એ શીખ્યા ને પછી બાપા દોડ્યા ..!!
આજ ની વાત કરીએ તો ભાજપ એ તો અમદાવાદ અને ખાનપુર કાર્યાલય મ્યુઝીયમમાં ફેરવવી નાખવું જોઈએ અને સંઘ પરિવારે મણીનગર કાર્યાલય..!!
અસંખ્ય એવી ઘટનાઓ એ આકાર આપણી નજર સામે લીધો છે કે જેની આવનારા સો વર્ષમાં લોકો કલ્પના પણ નહિ કરી શકે..!!
ઈમરજન્સી હોય કે ૧૯૯૨ ની રથજાત્રા કયો અમદાવાદી કોણ ક્યાં ક્યા કામે લાગ્યું એ આખો ઈતિહાસ હવે લખી ચીતરવો રહ્યો નહિ તો કોક બીજો ચીતરશે તો ખોટો ચીતરશે..!!
સાબરમતીના પાણી પીધેલામાં અડવાણીજી પણ આવે અને અમિતભાઈ પણ આવે , મોદી સાહેબ તો નાં પાડી શકે તેમ જ નથી ..!!!
જીવનના કેટલા વર્ષો અમદાવાદમાં વિતાવ્યા ..?
અઘરું છે મારું અમદાવાદ અને અઘરો છે મારો અસ્સલ અમદાવાદી મિજાજ ..!!
ચલ એઈ હવા આવવા દે, હેન્ડ તો લી .. લઇ લે બે લઇ લે ..સુમડી માં લઇ લે તો એ શેંટણ ને ..!!
અલા આ ફેર તો ઉતરાણ માં હવા જ નહી લા ..! રથ્જત્રા તો યાર્ર અઘરું ટેન્સન છે આ ફેર તો ..!
જબ્બર લાયો બે ..કઈ કઈ થી કાઢે છે બે તું આ બધું ? હેન્ડ આજ તો તારા બાપા જોડે તારો વારો લેવરાવું ,બહુ ચડી છે તારી એવી લેવરી ટાઈટ કરાવું ને જો ..!!
કયો શબ્દ અને કયો અર્થ ભગવદ્ગોમંડળ આખું ફેંદી મારો તો પણ નાં મળે ..!!
બસ આ મારું અમદાવાદ અને હું એનો અમદાવાદી..!
જય હો છેલ્લું નોરતું છે લ્યા એકલા ફાફડા જલેબી ઝાપટવા નીચે ના ઉતરતો બે ચાર ગરબા કરી લેજે ..!
હેન્ડ લ્યા મારે તો ટાઈમ થઇ ગયો હો ઝભલા ઠ્ઠાડવા નો ને પરસેવે પલાળવાનો ..!
હે દુધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે.. ઝીલણ ઝીલવા ગ્યા તા ..!!!
જય અંબે લાલા ..!!
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*