ગાંધીનગરમાં ફાઈવ સ્ટાર હોટેલ ખુલી ..!!
જય હો ,જય હો ..!!
ગરીબ અને ગરીબી ના ગુણગાતા લોકો એ ટીકા કરી ભરપુર, પણ આપણને તો ગમ્યું ..!
જાહોજલાલી અને વૈભવ મને તો ગમે છે ને હું એનો હિમાયતી પણ ખરો , ભૌતિકવાદી નું લેબલ લાગે તો જરાક પણ શરમ નહિ આપણને ,
રત્નગર્ભા વસુંધરા માટે એમ કેહવાય છે કે વીર ભોગ્યે વસુંધરા ..!
સમય બદલાયો છે સામી છાતીએ લડી ને વીર બનાવાનો સમય લગભગ પૂરો થતો જાય છે , ડ્રોન હુમલા થઇ ગયા ,
એટલે વીરતા હવે આર્થિક અને ટેકનોલોજીના મેદાનમાં બતાડવાના વારા આવ્યા છે ..!
ટેકનોલોજીકલી સાઉન્ડ છો અને એમાંથી રૂપિયા પેદા કરતા આવડે છે તો એકલી વસુંધરા નહિ આખું બ્રહ્માંડ તમારું છે,
એક અમેરિકન હમણાં અંતરીક્ષ ની યાત્રા કરી ને આવ્યા કે જેમનો પર્પઝ ટુરીઝમ નો હતો ,અને બીજા હવે આજકાલમાં થનગની રહ્યા છે જવા માટે ..!
અંતરીક્ષ ટુરીઝમ ચાલુ થયું છે દુનિયામાં ,અને આપણી પ્રજા હજી આબુ ને ઉદેપુર ભટકે છે .. દારુ શોધવા ..!! રોમ માં રસ અને પેરીસમાં પાત્રા ખાવા છે, સૌથી મોટી કમબખ્તી તો એ છે ગુજરાતી ની કે એને ફરવાનો અને જુદી જુદી જગ્યા જોવાનો આનંદ કરતા તો હું અહિયાં જઈ આવ્યો ફરી ને આવ્યો એવું કેહવા નો આનંદ વધારે છે ,આ ટેવ આજકાલ ની નહિ પણ વર્ષોથી છે અને હવે અલેલ્લ ટપ્પુ ને સોશિઅલ મીડિયા મળ્યું છે ..!!
પેકેજ ટુર ના કન્સેપ્ટ પકડી લીધા ..!!
મને કોઈ કહે કે હું ફલાણી જગ્યાએ ફરવા ગયો હતો ,
ચાલો ઉદાહરણ રૂપે ઉદેપુર લઇ લો પછી ચાલુ પડે ફલાણી હોટેલમાં ગયા હતા, બ્રેકફાસ્ટ અને ડિનર ના વખાણ કરે પછી ક્યાંક એકાદ બે જગ્યાએ ગયો હોય તો એ જગ્યા બોલે અને છેલ્લે લગભગ દારુ ઉપર આવી જાય..!!
પત્યું .. !
કોઈક જગ્યાએ જઈએ તો પેહલા એ જગ્યા વિષે થોડી છાનબીન કરીએ એની ભૂગોળ જાણીએ , ભૂગોળ જોડે જોડાયેલો ઈતિહાસ ,વેધર ,બીજી કોઈ સંસ્કૃતિક વિશેષતા ,ખાન પાન ની વિશેષતા જાણીએ અનુભવ કરીએ, દૂર દૂર ના રિસોર્ટ ઝાલીએ એના કરતા તળ શહેરનો પોતાનો મિજાજ જાણીએ ઓળખીએ, લોકલ ટ્રાન્સપોર્ટ કરીએ ..!
એમાં નું કશું નહિ .. અમે તો અહિયાં ગયા હતા અને ત્યાં ગયા અને સામેવાળી એમ બોલે કે લે તમે ફલાણી જગ્યાએ ના ગયા ? બધું પાણીમાં..!!
ફરી જવું પડશે..!!
સાપેક્ષ જિંદગી જીવતી પેઢી છે આખ્ખી ..!! એમના સુખ અને દુઃખ બધું સાપેક્ષ છે..!! પોતાનું કશું છે જ નહિ નહિ મજા ,નહિ સુખ ,નહિ દુ:ખ ..!
જો કે આજકાલ ની નવી પેઢી ખતરનાક છે ,
હમણાં એક લાલો આઈ.ટી. નો નોકરીયાત છે ,ઘેર બેઠો ઝાડો પેશાબ દબાવી ને એક બેઠકે બાર કલાક બેસી ને રૂપિયા પાડે છે છેલ્લા દોઢ વર્ષથી, લોન ના હપ્તા ભરી ને લીધેલો એને ફ્લેટ કાજળ કોટડી લાગતો થઇ ગયો હતો એટલે એણે એના જેવા ચાર શોધી લીધા અને ગુગલી ની મદદથી પહાડોમાં ક્યાંક જગ્યા શોધી કાઢી , હાઈસ્પીડ ઈન્ટરનેટ નો વહીવટ પાડી દીધો અમદાવાદ બેઠા , હોટેલ ની રૂમ ના ટીવી માં એચડીએમઆઈ પોર્ટ છે કે નહિ એ પણ ચેક કરાવી લીધું ને આખ્ખો કોમ્પ્યુટર નો ડબ્બો ઉપાડી ને પહાડોમાં પોહચી ગયો ..!
રોજ નું મીનીમમ છ કલાક તો કામ કરવું જ પડે એવું હતું પણ બાકીના કલાકો તો મારા બાપ ના ને ..!! ત્યાં એક ભાડે બાઈક નો વહીવટ પણ અહી બેઠા ઠોકયો ,નવી પેઢી ને જે જોઈએ તે મેળવતા આવડી ગયું છે..!!!
એક મહિનો રોકાઈ ને આવ્યો આજુબાજુના ગામો અને રેહણીકરણી બધું જોઈ જાણી અને માણી ને આવ્યો..!!
કોઈ ડોહી કે ડોહો કેહ્શે આ તો હિપ્પીઓ જેવું કેહવાય ..!
પણ દિલથી બોલજો કે હરવા ફરવા ની મજા શેમાં આવે ? થેપલા બાંધી બાંધી ને ફરવામાં કે પછી પહાડોમાં જ્યાં મળે ત્યાં મેગી ખાઈ ને છે..?
નવી પેઢી સખ્ખત નોલેજ ભેગું કરે દરેક વાતમાં, એમને એમની ટુર માટેના બધા કન્સેપ્ટ ક્લીઅર છે, દારુ પી ને ભંડ થઇ ને પડી રેહવું છે તો બસ ભંડ થઇ જાય પછી એક્સ્પ્લોર કરવાની વાત નહિ..!!
અને ભટકવું છે તો ભટકી જ લ્યે ..!
અમારી જેવી વચ્ચે ની પેઢી ખરી સલવાઈ છે, નથી ભટકાતું કે નથી ભંડ થવાતું..!!
અમદાવાદમાં સિંધુ ભવન ઉપર એક પાંચ સિતારા પેહલા અનલોક વખતે ખુલી ,
તૂટી પડી વસ્તી બ્રંચ માટે ..!
લગભગ વીસેક જણ નું ગ્રુપ ગયું ત્યાં અને એક મારા જેવા સળંગ ડાહ્યાએ મેનેજર ને બોલાવ્યો અને કહે .. આ ટેરેસ ગાર્ડનમાં અમારું ટેબલ ગોઠવો ને..!
પેલા મેનેજરે કીધું ચોક્કસ સાહેબ પણ એનો ચાર્જ અલગથી થશે ..
કેટલો ?
દોઢ લાખ ..!
ચુપચાપ ટેબલ ઉપર પાછો ,,,!!!
ફાઈવ સ્ટાર હોટેલમાં આવું છે..! માપમાં રહી ને જીવવા નું હોય અને બ્રંચ માણવા કરતા બીજા ને કેહવા નું હોય કે અમે ફલાણે ગયા હતા..!!
હવે આ ગાંધીનગરમાં ઉભું કરેલું આ સ્ટ્રક્ચર છે એને ચલાવવાની જવાબદારી તો અમદાવાદની જ રેહવાની , કેમકે સરકારી માણસો કેટલો ખર્ચો કરી કરી ને કરે ? કોઈ સરકારી બાબુ ને લક્ઝરી ગાડી લેવી હોય તો પણ સાઢું કે સાળા ને નામે લેવી પડે , નવી ગાડીઓ હવે તો ચેક આપી ને લેવી પડે છે રોકડા ના ચાલે ..! અને આવી પરિસ્થિતિમાં જો મોંઘી હોટેલમાં જમવા જાય સ્વ ખર્ચે અને ઝડપાયો તો …?
નવો ધંધો હજાર દિવસ માંગે ,
હજાર દિવસ ગાંધીનગરમાં ફાઈવ સ્ટાર હોટેલ ચાલી ગઈ તો ગાંધીનગરની રોનક બદલાઈ જશે બાકી તો સી પ્લેન અને હોવરક્રાફ્ટ જેવો ખેલ પડી જશે..!
સી પ્લેન ચલાવવું જ હોય તો કેવડીયા કરતા નખ્ખી અને પીછોલામાં ઉતારવું જોઈએ, પછી જુવો એક સીટ ખાલી ના જાય ..!!
કોલાબા કે તાપીમાં ઉતારો તો પણ ધંધો મળી રહે..!!
બાકી તો રહી વાત પેલા નવા મોટા દૈત એક્વેરિયમ ની , તો ભગવાન કરે ને એનો કારભારો ગુજરાત સરકારના અધિકારીઓ જોડે ના હોય , બાકી તો એકેય માછલું બચે તો સારું ..!! ગુજરાત ટુરીઝમ ની હાલત કેવી જોરદાર છે નહિ ??!!
અમે પણ ત્રણ ચાર એક્વેરિયમ વસાવ્યા છે થોડા ઘણા વર્ષથી અને આ તો માછ કેહવાય ,નાનકડી ભૂલ થાય અને બધું ઉપર લટકી જાય , રાતે બધું ચકચક હોય અને સવાર પડ્યે ઉપર લટકેલું હોય..!!
અરે હા એક બીજી વાત દર વખતે એક સામટી માછલીઓ મરી જાય છે વેધર ચેન્જ ને લીધે અને બધા છાપાવાળા એમ લખે ઓક્સીજન ઓછો થઇ ગયો અને માછલીઓ મરી ગઈ ..!
હમણાં તોક્તે વાવાઝોડું આવ્યું ત્યારે ગુજરાતના ઘણા બધા જળાશયોમાં માછલીઓ એક સામટી મરી ગઈ અને છાપાવાળા ઓ એ છાપી માર્યું કે ઓક્સીજન ની કમી ને કારણે માછલીઓ મરી ગઈ ..!
અરે “વિદ્વાનો” એવું નથી થતું ,જયારે જયારે વાતાવરણમાં અચાનક પલટો આવે અને તાપમાન અચાનક જ દસ પંદર ડીગ્રી ઘટી જાય ત્યારે માછલીઓ એ તાપમાન નો ઘટાડો સહન કરી શકતી નથી અને એના કારણે એમનું મૃત્યુ થાય છે, પંડિતજી ..!!
પણ ચાલે બધું લોલ `મ` લોલ ..!!
ધન ,ધીરજ ને ધક્કા થી ધંધો થાય છે ..!
જોઈએ હવે આટલા બધા કરોડ નાખ્યા પછી ધંધો કેમનો ગોઠવાય છે ..!
આટલા બધા રૂપિયા નાખીએ છીએ ત્યારે અમદાવાદ ના નામ બદલવા કરતા ગાંધીનગર નું નામ બદલવાની પેહલા જરૂર છે ,
ગાંધી ના લેબલે કેટલો ફાયદો કરાવ્યો અને કેટલું નુકસાન એનો હિસાબ કરવા જેવો ખરો ક્યારેક..!!
હિસાબ કોઈક ભૌતિકવાદી માણસ જોડે કરાવવો પડે તેમ છે , સાદગી વાળા જોડે કરાવો તો મહાત્મા મંદિરમાં હોસ્પિટલ ટેમ્પરરી બની હતી એ બધુ પરમેનેન્ટ થઇ જાય.!!
મૂડીવાદ ખર્ચા માંગે ,ફરતો રૂપિયો માંગે , મફત કે સબસીડી આપો એટલે મૂડીવાદ નું મોત ..!!
છાપા ના હેડીંગ આવે છે એક કુટુંબ ને બધું સાયંસ સીટી નું ફરવું હોય તો સેહજે દસ બાર હજાર નો ખર્ચો થાય , ગરીબ મધ્યમ વર્ગ ને ના પોસાય ..!
અલ્યા ના પોસાય તો નહિ જવાનું .. મને પણ અમેરિકાની ટીકીટ ને ડીઝનીલેન્ડ નથી પોસાતું તે હું પોક મૂકી ને રડવા બેસું છું ?
વાતો બધી ભિક્ષુકવેડા ની ..!!
સુધર જાવ .. કમાવ અને ખર્ચો … ખર્ચો દેખાય છે તો કમાવા દોડો..!!
જમણેરી નીતિ છે ..!
પેલું સૂત્ર હવે ભૂલી જવાનું..!!
આધી રોટી ખાયેંગે ઇન્દિરા કો લાયેંગે ના દિવસો ગયા ..!
આધી રોટી ખાવી જ શું કરવા હે ? પૂરી જ જોઈએ અને કમાઈ ને જ ખાવી છે ,પછી જોઈશું વિચારીશું કોને લાવવા..!!!
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*