બનારસ હતો આ દિવાળીએ ..
વારાણસીની એક જૂની કેહવત જાણવા મળી ..!
રાંડ ,સાંઢ ,સીઢી(સીડી),ઔર સાઢુ(સાધુ).. ઇનસે જો બચે વો કાશી સેવે ..!!!!
મેં કીધું ભાઈ સમજાણ પાડો..
તો કહે જુના જમાનામાં છેક બિહારથી લઈને બંગાળ સુધી જેટલી સ્ત્રી વિધવા થતી એમને કાશી મોકલી આપવામાં આવતી, આવી વિધવા સ્ત્રીઓને આજીવિકા ના હોવાને કારણે વેશ્યાવૃત્તિમાં ઉતરી જવું પડતું , એટલે કાશી આવો ત્યારે પેહલા તો તમારે એ વિધવાના ચક્કરમાંથી બચવું પડે..
બીજું એ જમાનામાં કાશીમાં રખડતા સાંઢનો બહુ ત્રાસ .. તમને ક્યારે ઉલ્લાળી મુકે અને પરધામ સિધાવી જાવ એ નક્કી નહિ એટલે જો કોઈ સાંઢ ઉલાળી ગયો તો પછી ગયા મણીકર્ણિકા ઘાટે..
ત્રીજું કાશીના ઘાટની સીડીઓ.. બહુ આકરી.. આપણા ત્રણ ચાર પગથીયા ભેગા કરો એટલે એક પગથીયું થાય એટલે ત્યાંથી જો ગબડ્યા તો ગંગાજીમાં તમે,
અને છેલ્લે કોઈ સાધુના ચક્કરમાં આવ્યા તો પણ ગયા ..!!
ટૂંકમાં આ ચારથી બચો તો કાશીનો આનંદ લઇ શકો ..!!
પણ ખરેખર ઘણો આનંદ થયો નવું કાશી અને કાશીવિશ્વનાથની કોરીડોર જોઈ ને ..!
કાશી પણ બહુ બદલાઈ ગયું છે ,
ઉપર વર્ણવેલી ચારમાંથી એક પણ ચીજ મળી નહિ , ઉપરથી ભીખારીઓ પણ એટલા બધા ઓછા થઇ ગયા છે કે કોઈ વધારે પડતો પરોપકારી હોય અને “દાન” કરવું હોય તો ભિખારી શોધવા જવું પડે ..!
ત્રીસેક વર્ષ પેહલા ગયો હતો ત્યારે દારુણ ગરીબી જોઈએ હતી ,ચારેબાજુ માખીઓ બણબણતી અને ગંદકીના ઢગલા,
ખરેખર સુંદર બની છે કાશી આજે..!
બ્રાંડ નરેન્દ્ર મોદીની મજબૂતી ગજ્જબની છે ત્યાં , ગુજરાત સે આયે હૈ એટલું જાણીને તો બનારસી માણસ ઓળઘોળ થઇ જાય ..!!
અહિયાં ઘરઆંગણે ચૂંટણી પંચે જંગના નક્કારા ઉપર આઘાત કરી દીધો છે અને ગુર્જર પ્રદેશે એલાને જંગ થઇ ગયું છે ..!!
પડઘમ છાપામાં ને સોશિઅલ મીડિયા ઉપર જબરજસ્ત સંભળાય છે ..!
લગભગ સાડા ચાર વર્ષ જે કંઈ ધંધા કર્યા છે એ બધાને ભૂલીને તમને અને મને વાહલા થવા આવશે, પણ આપણે રહ્યા ઢોર,
જેને સિક્કો મારવાનો છે એને જ મારીશું અને સામેવાળાને પણ એની ખબર છે,
છતાં પણ નાટકો ચલાવના છે..!
બ્રાંડ નરેન્દ્ર મોદી અહિયાં ગુજરાતમાં પણ મજબૂત છે પણ ગ્રહણ લગાડનારા ઘણા છે અને ક્યારેક અમુક જગ્યાએ એવું પણ લાગે કે ઘર કી મુર્ગી …
અત્યારે તો નગરી અમદાવાદમાં ચોરે અને ચૌટે એક જ સવાલ પુછાય શું થશે ? કેટલી આવશે ?
બે બિલાડી અને વાંદરા જેવો ઘાટ છે ..
ગાંધીનગરની મુન્સીટાપલી જોઈ લ્યો બસ એવો જ ઘાટ વિધાનસભાનો થવાનો છે ..!!
દરેક રાજકીય પક્ષને લગભગ અંદાજ છે જ કે કઈ સીટ એમના હાથમાં છે અને કઈ સીટ વેંહત છેટી છે એમનાથી , એટલે જ્યાં તાકાત મારવાની છે ત્યાં છેલ્લા બે ત્રણ વર્ષોથી તાકાત લગવાઈ રહી છે ,
બીજી સીટો કે જ્યાં પોતાનો ગજ નથી વાગવાનો ત્યાં દરેક એ ઝીણી ઝીણી સોયો ભોંકી રાખી છે ..!!
હવે આ બધામાં આપણી અપેક્ષા શું હોવી જોઈએ ?
તો રાજકીય પક્ષોના ભાઈઓ અને બહેનો ..જયારે તમને લગભગ ખબર જ છે કે ફલાણી સીટ અમારા હાથમાં જ છે તો પછી આઝાદી પછી પેલી ચાલી આવતી પરંપરાને થોભ આપો ..!
“ચૂંટણીમાં ટીકીટ જીતી શકે એવા ઉમેદવારને આપવાને બદલે યોગ્ય અને લાયકાતવાળા ઉમેદવારને ટીકીટ આપો કે જે બાબુશાહી પાસેથી પ્રજાને માટે યોગ્ય લાગતા કામ લઇ શકે..”
આપણે ધ્યાન રાખવું પડે કે જે ૧૮૨ ને થપ્પા મારીને મોકલીશું એ લોકો નક્કી કરશે કે તમને ઓક્સીજન ,પાણી ,અને જમવાનું મફત આપવાનું છે કે પછી એની ઉપર ટેક્ષ લેવાનો ..!!
કોઈ પિત્તળભેજું એમ માનતું હોય કે આપણે ક્યાં ટેક્ષ ભરીએ છીએ????
પિત્તળ, તું પાંચ રૂપિયાની વેફરની પડીકું ખરીદે એમાં વાંચી લ્યે કે કેટલો ટેક્ષ ચુકવે છે ,
સૌથી વધારે ટેક્ષ પિત્તળ તું પેટ્રોલપંપ ઉપર આપે છે ..!!
સમજ્યો,
પણ પિત્તળ, જો તું હમણાં હમણાં નવા નવા બનેલા પુલની નીચે બનેલા શેલ્ટર હોમમાં રેહતો હોય તો તું કદાચ ચોક્કસ ટેક્ષ નથી ભરતો ..!!
કેવી જોરદાર ગુજરાત સરકાર છે નહિ પણ …!! એક બાજુ બનારસમાં “પુણ્ય” કરવા ભિખારી શોધવા પડ્યા, ત્યાં આપણી સરકારે દરેક ચાર રસ્તે ભિખારીને રેહવા ઘરની સગવડ કરી આપી અને બિલકુલ એ ઘરની બાહર જ ભીખ માંગવાની સગવડ કરી આપી ..!!
ઘર અને રોજગારી બધ્ધું જ સરકારે ભીખારીઓને આપ્યું ..
અને આપણને પણ પુણ્યશાળી થવાનો મોકો આપ્યો ..
તમે જુવો એક કાંકરે કેટલા બધા પક્ષી “મારે” છે સરકાર …
ઘરવિહોણાને ઘર ..
ભિક્ષા માંગવાની સગવડ ..
રાહદારીને પુણ્ય કમાવાનો અવસર ..
અને ,અને ..આ જ ભિખારી નડે ટ્રાફિકમાં તો તમે સિગ્નલ તોડો તો પછી તમને દંડ થાય અને એ જ દંડની રકમમાંથી રાષ્ટ્રનો વિકાસ થાય, નવા નવા પુલો બને ..!!!
કેવા કેવા સુંદર વિચારો ધરાવતા લોકોને ચૂંટી ચૂંટીને તમે અને મેં મોકલી આપ્યા છે ..!!!
ધન્ય ધન્ય …!!
લોકશાહી અપનાવી છે એટલે આવું બધું થવાનું..!!
ઓવરઓલ એટલું કહી શકું કે રાજકીય ઈચ્છાશક્તિ એ બહુ મોટો ભાગ ભજવે છે કોઈપણ શેહરની જિંદગી બદલવા માટે ..
તમામ રાજકીય પક્ષો જો નિર્ણય લ્યે કે અમે યોગ્ય ઉમેદવારને ટીકીટ આપીશું અહીં કે ચૂંટણી જીતી શકે તેવાને તો પછી કામ થઇ જાય ,
બાકી તો આપણે ત્યાં બ્રિટીશ જેવું થોડું છે કે પેલા પિસ્તાલીસ દિવસમાં ગાદી છોડીને ઋષિભાઈ સુનકને ગાદીએ બેસાડે ..!!
માથે પડે એટલે ચલ્લ્વવા જ પડે ..!!
અરે હા આ અંગ્રેજોએ દેશીને ગાદીએ બેસાડ્યા છે, પણ બહુ ધ્યાન રાખવા જેવું છે ,
પેહલા એમ કેહવાતું કે બ્રિટીશ સામ્રાજ્યમાં સૂર્ય ક્યારેય અસ્ત નથી થતો .. પણ હકીકત એવી હતી કે ભગવાનને પણ આ લોકો ઉપર ભરોસો નોહતો કે અંધારામાં આ અંગ્રેજ જાત શું કરે ..!!
ભીતિ તો એક વાતની ખરી કે આ જનરલ ડાયરના વંશજ દેશી માણસના હાથમાં બંધૂક પકડાવીને એના જ હાથે કોઈ મોટું પાપ ના કરાવી દે..!
ઋષિભાઈ સાચવજો .. તમારા સાસુ સસરાના પુણ્ય ઘણા છે ,પણ સામે અંગ્રેજ છે ..!
એમની ભૂગોળ સાચવવા ઈતિહાસ બહુ ગંદો ચીતર્યો છે ..!!
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*