ખાધા ની ખબર..
હમણા એક વોટ્સ એપ કલીપ આવી એમાં એક ચાઇનીઝ કપલ કૈક ખાતું હતું ..
અને મને એકદમ જ એક મિત્રનું સ્ટેટમેન્ટ યાદ આવી ગયું ..
અમે ચીન દેશમાં ફરતા હતા ત્યારે એ મિત્ર સ્વાભાવિક રીતે બોલી પડ્યા હતા..
આ મુ`આ ચીનાઓ જયારે જુવો ત્યારે કઈને કઈ મોઢામાં ઘાલતા જ હોય છે, ગમે ત્યારે જુવો તો ખા ખા જ કરતા હોય છે..!!
ત્યારે જ મેં જવાબ આપ્યો હતો કે અલ્યા યાર ખાવામાં તો આપણે ક્યાં પાછળ છીએ ? દે ધનાધન જે મળે એ આપણે પણ `ભચડીએ` જ છીએ ને..!!
જો કે એ મિત્ર નું ઓબ્ઝર્વવેશન ખરેખર સાચું છે..
ચીનાઓ પણ આખો દિવસ કઈનું કઈ ખાતા હોય છે,
અને આપણે પણ ..!!
પેહલા `ત્રણ વાર નહાય એકવાર ખાય`, અને પછી `ત્રણ વાર ખાય એકવાર નહાય` પર આપણે આવી ગયા , ને ત્રણ છોડો હવે તો કેટલીવાર ખાય એનું લગભગ `ભાન` ભુલાવી ચુક્યા છીએ..!!
સતત રીતે કઈ ને કઈ ખાધા કરવાની વૃત્તિ આપણામાં લગભગ ઘર કરી ગઈ છે..
સ્વાદ લઇ અને મજાથી ખાવું ,થોડું ખાઈ અને સંતોષ લેવો, ખાવાનો આનંદ લેવો એ લગભગ ભૂલી ચુક્યા છીએ ..
*ખાવાનું કોની સાથે લઇએ છીએ, ક્યાં ખાઈએ છીએ એનું મહત્વ વધી ગયું છે, ખાવાનું શું છે તમારા ભાણામાં એ ગૌણ થઇ ગયું છે..!!*
ઈંસ્ટાગ્રામના કેટલા સ્ટેટ્સ ભુખ્ખ્ડોના હોય છે ? લગભગ બધ્ધી પ્રજા ખાવાના સ્ટેટ્સ ઠોકે છે..અને કોની જોડે છે એના સ્ટેટ્સ બસ બીજી કોઈ વાત જ નહિ ..
બહુ જ ખરાબ પરિસ્થતિ દુનિયાભરમાં પેદા થઇ છે..
ભોજનનો સંતોષપૂર્વક, રસપૂર્વક, આસ્વાદ લેવાનું ભૂલી અને આપણે કોની જોડે અને ક્યાં ભોજન લઈએ છીએ એને આપણે મહત્વ આપી દીધું છે ..!!!
*આજે જયારે રેસ્ટોરન્ટમાં મિત્ર ,પરિવાર કે પછી બીજા કોઈની પણ સાથે આપણે “જમવા” જઈએ છીએ ત્યારે, સવાલ તમારી જાતને પૂછો કે ખરેખર આપણે `જમવા` જઈએ છીએ ?*
ના ..
*આપણે જમવાને બહાને સમય વિતાવવા જઈએ છીએ , જીભ ને કે પેટને આનંદ આપવા કરતા મનને આનંદ આપવા આપણે જમીએ છીએ ,*
અને માટે જ શું જમ્યા એના કરતા ક્યાં જમ્યા અને કોની જોડે જમ્યા એને મહત્વ વધારે આપી રહ્યા છીએ..!
*કૈક ખોટું નથી કરી રહ્યા આપણે ?*
દરેક રેસ્ટોરન્ટમાં ગયા પછી પેહલા તો ઘણો સમય શું ઓર્ડર કરવો એની મીઠી મૂંઝવણમાં વિતાવીએ છીએ ,આજુબાજુમાં કોણ બેઠું છે ,વેઈટર કેવો કે કેવી છે, એ સુધ્ધા આપણે જોઈ લેતા હોઈએ છીએ ,
નકરું આપણા મનને આપણે જ પેમ્પર કરીએ છીએ..!
અમે પેલી ગાંધીના નામે ચાલતી કાફે ઉર્ફે રેસ્ટોરન્ટમાં ગયા હતા, હવે ત્યાં બધું જ સારું હતું ,
તો પણ એક વાંક અમે શોધી કાઢ્યો કાઉન્ટર ઉપર બેઠલા નું મોઢું તો જુવો જાણે એમને કોઈએ જબરજસ્તીથી અહિયાં બેસાડ્યા હોય અને જાણે બધાયના વાસણ એમણે ઘસવા પડતા હોય એવી રીતે નજરે જોઈ રહ્યા છે ,એક નાનકડું હલકું સ્માઈલ પણ નથી કરતા..!
હવે તમે જ કહો કે પરિવાર સાથે સમય વિતાવવા ગયા હોઈએ, માઈન્ડ વેલ ખાવા નહિ ,ખાવાનું સેકન્ડરી હોય ત્યાં મારે કાઉન્ટર ઉપર બેઠેલા જોડે શું લેવા દેવા ?
પણ ના..
મન ને સંતોષ આપવા ગયા છીએ ને ..!!
અને “હું” કોને કીધો કે કીધી ?
બધુય અપ ટુ ડેટ જોઈએ, અને તો પણ કોઈ નો પણ વાંક અમે કાઢી લઈએ..
ખાવાનું તો ટોટલ સેકન્ડરી..શું મંગાવ્યું અને કેમ મંગાવ્યું એ વાત ભૂલી અને જે મંગાવ્યું એને યંત્રવત પેટમાં પધરાવી અને આજુબાજુ ની દુનિયાની ચર્ચા..
ક્યારેક એવો જમાનો હતો કે મિષ્ટાન, ફરસાણ કે પછી બીજી વેરાઈટી એક સીમિત માત્રામાં ભારતનો જનસાધારણ આરોગતો હતો અને એ પણ બહુ જ ઓછું ,લગભગ બાર મહિનામાં બાર વખત કે બહુ થયું તો તેર વખત ..
ઉત્તરમાં લગભગ સવારે દાળ રોટી કે શાક, દાળ અને દખ્ખણમાં ભાત દાળ ,ક્યારેક જ મિષ્ટાન..
પણ આજે જોઈએ તો દેશભરમાં રસોડા વાનગીઓથી `ઉભરાઈ` રહ્યા છે,
મનના સંતોષ માટે કઈ કેટલા નવા નવા વા`ના દેશભરના રસોડામાં બની રહ્યા છે,
અને તો પણ મેં હજ્જારો એવા બૈરા જોયા છે કે રોજ સાંજે પાંચ વાગ્યે ફોન કરી ને પૂછે..કહું છું આજે શું બનાવું ?
અરે બો`ન મારી, તારે જે રાંધવું હોય ને તે રાંધજે, પણ તું સાંજે શાક લેવા જાય ને ત્યારે પાણીપુરી વીસ રૂપિયાની ખાવાનું ના ભૂલતી..
એકવાર એક સાંજે અમે મિત્રો ચાની કીટલીને બદલે ક્યુરીયોસીટી પાણીપુરીના ખુમચે ગયા હતા , બધા બૈરાઓની વચ્ચે સાંજે પાણીપુરી ખાવા ..
અને ત્યારે પણ અમને તો પાણીપુરી ના સ્વાદ કરતા જે રસપૂર્વક પાણીપુરી ખવાઈ રહી હતી એ પાણીપૂરી ખાતા મુખારવિંદ ઉપર ના સંતોષ જોવાની મજા પડી ગઈ હતી..
પેલી કોઈ સિગારેટની જાહેરાતની ટેગ લાઈન નથી ભર્યો ભર્યો સંતોષ ..બસ એ ભર્યા ભર્યા સંતોષના દર્શન થાય..!
ફક્ત આ એક જ અનુભવ એવો થયો હતો આટલા વર્ષોમાં કે જનતા જનાર્દનને રસપૂર્વક આનંદપૂર્વક કૈક આરોગતા જોઈ બાકી તો મગજ ક્યાંક અને જીભડી ક્યાંક..!!
સાંજે વીસની પાણીપુરી એટલે બિલકુલ અપવાદ..!!
બાકી તો મનથી નક્કી કર્યું એટલે ખાવાનું ,એટલે ખાવાનું જ , એમાં માપ તો જરાય નહિ જ રાખવા નું..!!
રીપીટ ..
આપણે સ્વાદ લેવા માટે જમવાનું લગબગ ભૂલી ચુક્યા છે અને એનું મોટ્ટું કારણ મને લાગે છે કે ચારે તરફ અતિરેક છે ભોજનની વાનગીઓનો..
કોઈ જ વ્યક્તિન ને કોઈ જ પ્રકારના ભોજનની નવાઈ નથી રહી, આખી દુનિયાના `કુઝાઈન` આખી દુનિયાના રસોડામાં બની રહ્યા છે , અને ખુબ જ સહજતાથી સરળતાથી દરેક ને દરેક વસ્તુ ઉપલબ્ધ છે..
બે દિવસ પેહલા દિલ્લીમાં હલ્દીરામમાં બેઠો હતો , ત્યાં `આપણા` ખમણ એક કપલ આરોગી રહ્યું હતું ,
દેશ ના દરેક ખૂણે, દરેક વસ્તુ મળી રહી છે..
એક રીતે સારી વાત છે કે દરેક પ્રાંતની ફ્લેવર દરેક પ્રાંતના લોકો માણી શકે છે,
પણ હવે વિચાર કરવો પડે તેમ છે ,
ખરેખર ભોજન કે વાનગીનો ખરો આસ્વાદ લઈને આપણે માણીએ છીએ કે પછી બસ ખાલી મનમાં ઉગ્યું કે ફલાણી વસ્તુ ખાવી છે એટલે આપણે ઘરમાં બનાવી કાઢી અથવા ઓર્ડર કરી ને બાહરથી મંગાવી લીધી કે પછી બહાર જઈને ભચડી લીધું..!!
સાચી વાત તો એ છે કે *આપણા `મન` એ `પેટ` અને `જીભ` વચ્ચેનું અંતર આપણે ઓછુ કરી નાખ્યું છે*
પેટ એલાર્મ વગાડે કે અલ્યા બસ હવે નહિ, તો પણ ટીવી જોતા જોતા કે વાતો કરતા કરતા જીભડી ભચડે જ રાખે છે ,અને એ ભચડવા ની સજા પેલું મૂંગું હ્રદય અને લીવર ભોગવે છે..!!
મારા પપ્પા એમના દરેક પેશન્ટ ને એમ કહે છે કે જાડુ શરીર દરેક રોગ ની માં..*
મારું પણ આ બધું રાંડ્યા પછીનું ડહાપણ છે..
જીમ કરી ને બલ્કીંગના ચસકામાં નેવું કિલો એ પોહચી ગયો અને બ્લડપ્રેશર ફરી એકવાર ઘૂસ્યું …
આજે ભૂખે મરી મરીને , હળવી કસરતો કરી ને ત્રણ મહીને સાત આઠ કિલો ઉતાર્યું છે ,પણ હમણાં જ નવી નવી દેવગઢી હાફૂસ જોઈ અને મન ચળ્યું છે ..
પણ નહિ ખવાય, હજી બીજું સાત આઠ કિલો કાઢયે જ છુટકો , નહિ તો ગોળીઓ જીવનભર ઘુસી જશે..!!
`મિતાહારી` શબ્દ ડીક્ષનેરીની બહાર જતો રહ્યો છે..
વિકએન્ડ છે આગળ..
ભચડ્યા વિનાના તમે કે હું કોઈ રેહ્વાના નહિ પણ એક પ્રયત્ન ચોક્કસ કરજો વડાપાઉં પણ મંગાવો ને તો શાંતિથી બેસી ચાવી ચાવીને કોળીયો ગળે ઉતારજો ..
પેટમાં સરખો ચવાયેલો માલ મોકલજો , અને પેટ નો એલાર્મ સાંભળવાની કોશિશ કરજો ..એલાર્મ અટકી જજો ..
ખરેખર કૈક ખાધાનો સંતોષ મળશે ,અને ખોટી `કેલરી`ઓ ….
સમજદાર તો બધા જ છીએ પણ .. બળ્યું આ મન ..!!
ખાધાની ખબર રાખવા જ નથી દે`તું …
શુભ રાત્રી
શૈશવ વોરા