ગઈકાલે એક મિત્ર નો ફોન આવ્યો ..એ શૈશવ્યા , મને બે સ્ટેન્ટ મુકાઈ ગ્યા ..!!
મેં આશ્ચર્ય થી પૂછ્યું ક્યારે ?
કેમ કે હજી ગયા અઠવાડિયે તો મળ્યા હતા ત્યારે એ ફાડાફાડી કરતો હતો કે મારા બધાય રીપોર્ટ નોર્મલ આવ્યા છે ,,!!
ખરેખર નોર્મલ પણ હતા ,
પણ પેહલા તો એબનોર્મલ હતા ને ?
મેં કીધું હવે મોઢે ગળણું બાંધો હવે..!!
જો કે ડાહી સાસરે ના ગ`ઈ ને ગાંડી ને શિખામણ આપી રહી હતી..બો`ન સાસરે જ રે`વાય એ જ આપણું સાચું ઘર છે , ધણી તો ધણી કે`વાય, ચાર ખોટા વેણ કાઢે ને તો કોઈ `દી પ્રેમ એ` ય કરે એમ માવતરે હાલ્યા નો અ`વાય મારી બોન ,હાલ હાલ હવે ઘણું થયું ,ભર ઉચાળા આમ ભાભીઓ ના રાજમાં બહુ પિયર નો પડી રે`વાય..!
તું જા ને ત્યારે સાસરે ..!! શે`ની અહી પિયરમાં પડી મુ`ઈ છે તે..!!
હકીકત શું ?
તો ડાહી ઉર્ફે શૈશવ ના તમામ રીપોર્ટસ ફરી એકવાર એબનોર્મલ છે, ડાયાબીટીસ એ બોર્ડર ક્રોસ કરી ને પાકિસ્તાનમાં પેહ્લો પગ મૂકી દીધો છે,બ્લડ પ્રેશર ચીન દેશ ની જેમ રોજ લોહી પીવે છે એટલે નાછૂટકે ની ગોળી ચાલુ છે , કોલેસ્ટ્રોલ બંગલાદેશમાં જીવી રહ્યું છે..
આવું કેમ થયું ? ડ`હી તું તો સોળ-સોળ વર્ષથી જીમ કરે છે ..
કબૂલાતનામું..
લોકડાઉનમાં ઘરે કસરતો કરી, પણ ખાધું..? અંકરાતિયાં ની જેમ ,સેહજ કોઈ દુકાન ખુલે અને જન્મારામાં નાં ભાળ્યું હોય એટલું હેતંક નું ખાવાનું ઉપાડી લાવતા , ઘરની સામે આવેલી મીઠાઈની દુકાનની તો મેમ્બરશીપ લીધી, બાર મહિનમાં નહિ નહિ તો ય બાર કિલો મીઠાઈ તો ડાહી એકલી જ ખાઈ ગઈ , ગળ્યું એટલું ગળ્યું ને બાકી બધું બળ્યું..!!
ઉપરથી લોકડાઉનમાં કારખાનું ચલાવવાની પરમીશન હતી એટલે કારખાને જઈને પડીકા ની ચા શૈશવ જાત્તે બનાવે સરસ મજાનું મશીન એના માટે વસાવેલું હતું તે એનો ઉપયોગ ભરપુર કર્યો , આખી એસ્ટેટમાં જે આવ્યો હોય એને બોલાવવાનો આવ આવ ચા પીએ કોફું પીએ , રોજ ની મીનીમમ ચાર-પાંચ અને પાછો હોશિયાર તો કેવો .. અરે આવો આવો આપણી ઓફીસ તો સાત આઠ જણ આવે તો પણ સામાજિક અંતર જળવાય એટલી મોટી છે ,આવો આવો ..!
ચા ની કવોન્ટિટી ?
અરે રામ.. કોઈ ને ત્યાં જઈએ તો પેલો “અંજલિ કપ” આવે ને ૧૦ મિલીલીટર નો એવો કપ આવે તો રીતસર એને ઉતારી પાડવાનો..
આના કરતા પેલી કીટલી લઈને ફરો ને, મંદિરમાં જેમ જલ આપે છે એમ, ખોબામાં લઈને માથે ચડાવી લઈશું એટલે ચા આવી ગઈ ..
આખા ગામ ને આવા મેં`ણા માર્યા હોય એટલે આપણે ત્યાં તો રીતસર ચા માટે ના ૬૦ એમએલ અને કોફી માટે તો ૭૫ એમએલ ના કપ વસાવ્યા..!!
પી ..પી.. ડાહી પી..હજી વધારે , પડીકા એક ની બદલે ત્રણ ત્રણ નાખવાના જુદી જુદી ફ્લેવરના અને ઉપરથી વ્હાઈટનર , શૈશવભાઈ ને “કીટલી” તો ફેમસ થઇ ગઈ..!!
વજન ??? તો કહે વજનકાંટો ચીસ પાડી ગયો ..૯૦ કિલો ..!!!
ગેંડાસ્વામી થઇ ગયા .. ગામ આખા ને તંબક તાવડો કેહતા હતા તે તમારી તાવડી તો છેવટે બાહર આવી જ ગઈ..!!
હવે …?
ડોક્ટર ભાઈબંધોના લોહી પીવાના ..!!
ભાઈબંધ પણ મારો જ ને ડોકટર.. અલ્યા શૈશવિયા આવા રીપોર્ટ તો દારૂડિયા ના હોય ,આના કરતા તો તે દારુ પીતો હોત તો સારું હતું ..!!
મેં કીધું એમ નહિ લ્યા ,એટલે દારુ પીવાથી સારું થાય ?
પેલો ડોક્ટરિયો કહે..પી જ લે હવે ,એટલે તને આ જન્મારા નો અફસોસના રહી જાય કે તે નથી પીધો..!! ત્યારે શું વળી ..!!
ગંદી પરિસ્થિતિ આવી પડી જીવનમાં ,એક બે નહિ ત્રણ ચાર ગોળીઓ રોજ લેવાની અથવા તો પછી ભરપૂર ચરી પાળો અને બધું કન્ટ્રોલમાં લાવો ,
આપણાથી એક પગ પાકિસ્તાનમાં અને બીજો બંગલાદેશ એમ જીવાય નહિ..!
હજી ગઈસાલના બધા જ રીપોર્ટ નોર્મલ હતા, ટીએમટી કર્યો તો ડોક્ટર આવી ને બોલે પંદર મિનીટ બહુ થયું , તમે તો મચ્યા જ છો પાર્ટી ,ઉતરો હવે ટ્રેડમિલ ઉપરથી..!
એક્ચ્યુલી મારા રીપોર્ટ ની બાબતે બીજા એક નાલાયક મિત્ર જોડે હું ખરખરો કરતો હતો તો નાલાયક મને કહે .. લે સારું થયું ને બધું બગડ્યું ,તું તો કો- મોર્બીડ થઇ ગયો , જા જી ને વેક્સીન લઇ લે..!!
ભાઈબંધ કોને કીધો ..!!
જો કે પેલા સ્ટેન્ટ મુકેલા ને મેં પણ એવું જ કીધું , હશે ચલ બચી ગયો ગટર, બીજા ત્રીસ વર્ષ હવે કઈ નહિ થાય તને , દવાઓ ચાલુ રાખજે અને હવે ટાર્ગેટ સીધું પોણા બસ્સો કિલોનું ગોઠવ , પેહલા હાથી ની જેમ આરોગતો હતો હવે તું સાત સુંઢવાળા ઐરાવત ની જેમ સાત સુંઢ થી આરોગજે..!! પોઝી..પોઝી ..!
અત્યારે તો ચરી પાળવા નો ઓપ્શન સિલેક્ટ કરી ને જીવન જીવી રહ્યો છું ઘાસ ફૂસ ખાઈ ને, જીવનનું વીસમું ડાયેટિંગ ચાલી રહ્યું છે,
જીવવા માટે ખાવાનું છે એ સત્ય ને સમજવા શૈશવ પાર્ટી તૈયાર જ નથી ,
ખાવા માટે જ જીવવું છે ,
ભરી પડી છે દુનિયા મારા જેવા લોકોથી..!
એક બહુ ગંદો પ્રસંગ,
જુનો ચિઠ્ઠો ..!
અઢી દાયકા પેહલા પૂરી કાયનાત દિલ થી મારી પાછળ પડી હતી , કોઈના થી મારું સુખ જોયું જતું નોહતું , બસ ખીલ્લે બાંધી જ દ્યો હવે તો શૈશવ ને ..!
પરણાવી જ દો , ઉમંગ ભર્યા શૈશવ ને પકડી પકડી ને કોડભરી કન્યાઓ બતાડવામાં આવી રહી હતી , અને બીજી તરફ મિત્રો ની ધડાધડ વિકેટો ઉડતી જતી હતી એટલે થોડોક ચટાકો અમને પણ ચડ્યો હતો કે હવે “સેટ” થઇ જવું પડશે ,
એક ડાળીએ માળો બાંધવો પડશે..!!
માળો બાંધવાની મહેચ્છા , મનોરથ લઈને અમે કૈક મોટા મોટા ઝાડના માળા ફંફોસી નાખ્યા ને અમારા માળા ના ઇન્સ્પેકશન કરાવ્યા..!!
મણીનગર મુકામે એક રવિવાર ની પાંચેક વાગ્યા ની એ સાંજ.. એક સરસ મજાના સુગરી નો હોય એવો સુંદર મજાનો મનોહર માળો , ઘર નાનું પણ મજાનું ,
ડ્રોઈંગરૂમમાં એક એક વસ્તુ એની પ્રોપર જગ્યાએ , અમારા નહિ થયેલા થવા વાળા સાસુ અને સસરા , અમે ડોરબેલ માર્યો એ ભેગા હરખ હરખમાં બારણું ખોલવા આવ્યા અને અમને આવકાર્યા..!!
પેહલી નજરે ઘર અને નહિ થયેલા થવાવાળા સાસુ સસરા ને જોયા અને મનમાં આશા બંધાઈ, અને વિચાર્યું માળો આપણો આવો હોવો જોઈએ , વ્યવસ્થિત ..!!
કોઈકે શીખવાડ્યું હતું કે પરણતા પેહલા કન્યાની માતા ને અને પિતા ને જરૂર જોઈ લેવા-લેવી , કેમ કે પચ્ચીસ વર્ષ પછી મોટેભાગે કન્યા એના માં કે બાપ જેવી લાગતી હોય છે અને એમના જેવું જ વાણી વર્તન કરે..
એટલે અમને એ બંને ને જોઈ ને થયું કે ચાલો વાંધો નહિ આવે પચ્ચીસ વર્ષ સુધી ..!
પછી તો અમારી આંખો આતુરતાથી રાહ જોવે ક્યારે આવે મૃગનયની ,કોકિલકંઠી, મનોહારીણી .. વગેરે વગેરે..!!
મલપતા મલપતા આવ્યા .. અમારા મન ના માળા ની બીજી સળી મનમાં ગોઠવાઈ , ગુથણી ચાલુ ,
ચાલો ત્યારે હવે વાત કરવા નો સમય .. બાજુ ના રૂમમાં એકલા વાતો કરવા મોકલ્યા , જોરદાર શરમાય વાત કરતા એકદમ મૃદુભાષી ,શાંત ,સૌમ્ય ..!!
તીન તાલ ની મધ્ય લયમાં સુમધુર માલકૌંસ ની ગત વાગે જાણે ..!
એક પછી એક મનના માળામાં સળીઓ ગોઠવતી ગઈ અને તાર ગૂંથવા લાગ્યા અમે તો..!!
બસ ઉસ્તાદ બીસમીલ્લાહ ખાન સાહેબ ની પેલી લગ્નોમાં ગુંજતી માલકૌંસ ની વિશ્વવિખ્યાત ચીજ “સા મ ગમ સાં ની સાં ધ ધની ધ મ ગ સા” સુધી લગભગ પોહચી ગયો હતો..!
નાના મોટા સવાલો પૂછ્યા અને સરસ મજાના જવાબો આવે ,
બાળપણથી ખબર કે છોકરી ની જોડે “રેપો ક્રિયેટ” કરવા નો પેહલો અને છેલ્લો નિયમ સેન્સ ઓફ હ્યુમર, અમે પણ એમાં કસાયેલા મંજાયેલા ખેલાડી ..
હાસ્ય ની છોળો છેક બીજા રૂમ સુધી જાય..!!
લગભગ મન નો માળો ગૂંથાઈ ને તૈયાર થઇ ગયો અને અચાનક……
*અમે ભૂલ ભયંકર કરી..!*
ના હવે બદમાશો….હાથ-બાથ નોહતો પકડ્યો કઈ, અસંસ્કારી ,નાલાયકો, નફફટ..!!
અમે મનોહારી માનુની ને સવાલ પૂછ્યો ..બહાર હરવા ,ફરવા નો અને હોટેલોમાં જમવું ગમે ને ?
જય હો… જય હો …!!
તીન તાલ ના મધ્યલયમાં ચાલતી માલકૌંસ ની સિતાર ની ગત એકદમ જ બંધ અને ,
તબલા અને બાંયા બંને ઉપર અચાનક એકતાલ ચડ્યો અને એ પણ કેવો ..?
ધીન ધીન ધાગે તીરીકિટ તુંન નાં ક્ત્તા ધાગે તીરકિટ ધીન નાં .. કરી ને દ્રુત અને અતિદ્રુતલયમાં ને જોડે જોડે વીર રસ નો હમીર રાગ ચાલુ થઇ ગયો..!!
મનોહારીણી એ સમરાંગણમાં એન્ટ્રી લઇ લીધી ..
ના … હો જરાય નહિ … એવી માથાકૂટ કરવાની જ નહિ , આ તે શું વળી ? તદ્દન અસંસ્કારી વાત ,એક તો ભિખારી ની જેમ લાઈનો માં ઉભા રેહવાનું , ઉપરથી એમને રૂપિયા આપવાના અને કોણ જાણે કેટલાય દિવસ નું વાસી ખવડાવે , રૂપિયા પણ બગાડવાના ને પેટ પણ બગડવાનું ,એવા બધા ધંધા મને તો જરાય પસંદ નથી હું બિલકુલ નહિ ચલાવી લઉં ,તમે જે કેહશો ને એ ઘેર બનાવી આપીશ પણ બાહર જમવાની વાત નહિ જ જો હું તમને કહી દઉં કે મારે જીવતે જીવત બાહરનું ખાવાનું “આપણા” ઘરમાં બિલકુલ નહિ આવે..!!
મધુબન મેં રાધિકા “નાં ..ચી” રે ..ગીરીધર કી મુરલિયા “તૂટી” રે ..!! (નાં.. ઉપર સમ આવ્યો જોરદાર ..)
મારો મનનો માળો ભસ્મ થઇ ગયો..!!!
મનોહારીણી ને બહાર નું ખાવાનું જરાકે ય ના ગમે..!!
ક્યા મિલ ગયા ભગવાન તુઝે દિલ કો જલા કે ? અરમાનો કી નગરી મેં મેરી આગ લગા કે ?
પણ આજે તો પચ્ચીસ વર્ષે તીવ્ર ઈચ્છા થઇ ગઈ કે કોને ઘેર ગઈ એ શોધી કાઢવું જોઈએ.. ટીફીન બંધાવા નહિ ,
મનોહારીણી ના મનહરલાલ કેવા છે એ જોવું છે ..!!
ઘૂઘરા જેવા કે પછી મારી જેમ ચીઝ ,બટર, ખાઈ ખાઈ ને વડાપાઉં જેવા ..?
આ ચીઝ ,બટર, પડીકા ફૂડ ની ચાલેલી આંધીમાં મનહરલાલ બચ્યા છે કે પછી શૈશવલાલ જેવી હાલત છે ?
જીભ ના ચટકે મનના માંકડા ઝાલ્યા ઝાલતા રેહતા નથી , અને પછી આવા બ્લોગ લખવા પડે..!!
પત્નીજી કહે છે એડ્રેસ આપ તારી મનોહારીણી નું અને જો બાકી રહી ગઈ હોય તો તારી ડોર ડીલીવરી કરી આવું કદાચ એની જોડે સખણો ચાલે.. ! એ બચી ગઈ ને હું ફસાઈ ગઈ..!!
આવું છે ભાઈઓ અને બેહનો ..
જીવવા માટે ખાવું જ નથી ખાવા માટે જ જીવવું છે..!!
હશે ત્યારે કભી ધૂપ તો કભી છાંવ..!!
કભી ખાવ તો કભી ભૂખા..!!
ફોટા સાત વર્ષ પેહલા ના જીમ ના છે એવું ફેસબુક કહે છે..!!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*