સ્ત્રી અને પુરુષ ચાલ્યું છે બધું …
સ્ત્રી ને જ્યાં સુધી સ્ત્રી બની ને રેહવું છે ત્યાં સુધી એનો ઉદ્ધાર નથી, અને પુરુષ ને જ્યાં સુધી પુરુષ બની ને રેહવું છે ત્યાં સુધી એણે સતત ઝાપટો ખાવાની છે..!!
સ્ત્રી જોડે “લચક” છે તો પુરુષ ની “ટણી” ,
બંને એમના પોતાના દુશ્મન ..!!
જરાક વધારે લચીલાપણું દેખાડ્યું તો ગઈ ,અને ટણી કરવા ગયો તો એ પણ છપ્પનના ભાવમાં જાય..!!
શોષણ થાય છે સ્ત્રી નું , તો આ ઘોર કલિયુગમાં પુરુષ નું પણ ક્યાં ઓછું થાય છે ?
પુરુષ ગાળો બોલી ને ભડાસ કાઢે તો સ્ત્રી હવે ક્યાં પાછળ છે ?
પુરુષ ધુમાડા કાઢે કે પીવે તો સ્ત્રી ક્યાં પાછળ છે ?
કદાચ જેન્ડર નો ફર્ક ઓછો છે ,
સમાજિક વર્ગ પ્રમાણે ફર્ક વધારે છે ,
હા શારીરિક મારઝૂડ પુરુષ કરી શકે છે તો સામે માનસિક પીડા સ્ત્રી પણ ભયાનક આપી શકે છે..!
સંસારના ઘંટીના પડમાં બધાએ પિસાવાનું હોય છે , પણ કોઈક ની ચીસ મોટી હોય અને કોઈક ની અંદર ભીતરમાં સમાઈ ને ઓગળી જતી હોય છે..!!
પુરુષ ને નફફટ ,નાલાયક,ખરબચડો અને નાગો ધારી લેવામાં આવે છે સામે પક્ષે સ્ત્રી ને લજ્જા ,ચરિત્ર ,માસુમ ,મુલાયમ વગેરે વગેરે સાથે જોડી ને જોવામાં આવે છે..!
જેમ સો ભાયડા ભાંગી ને એક બની હોય એવી સ્ત્રી મળે , તેમ સો બાયડી ભાંગી ને એક પુરુષ બન્યો હોય એવો હેતાળ પુરુષ પણ દુનિયામાં હોય છે..!
ઓવર ઓલ પ્રકૃતિ સામે બંને સાથે રહી ને જ લડતા આવ્યા છે ને ઉત્ક્રાંતિ કરતા આવ્યા છે, જુદા પાડી પાડી ને ચર્ચાઓ કરવામાં મજા આવે પણ અંતે તો હેમ નું હેમ..!!
થોડાક સમય પેહલા એક દીકરી નો આત્મહત્યા કરતા પેહલા નો વિડીઓ ખૂબ ફર્યો, અનહદ ચર્ચાઓ થઇ મને પણ આવ્યો હતો વોટ્સ એપમાં એ વિડીઓ ..!
હિમ્મત જ ના થઇ જોવાની..!!
રીતસર ચાતરી ગયો હું , ના નથી જોવો વિડીઓ ..!!
આજકાલ હું દુઃખથી દૂર ભાગું છું ,ખબર નહિ પણ દુઃખ અને દુઃખી લોકો ની નજીક જવાની હિમ્મત નથી થતી..!!
ના છૂટકે જ જાઉં છું..!
સોશિઅલ મીડિયા ના ચોતરે ચર્ચા ઘણી થઇ એટલે છાપાઓમાં એ વિડીઓ નો આવેલો ટૂંકસાર જાણી લીધો , હ્રદય દ્રવી ઉઠે..!!
ભગવાન એ દીકરીના આત્મા ને શાંતિ આપે ,
આ સમાચાર ની જોડે એવું પણ વાંચ્યું ક્યાંક કે રીવરફ્રન્ટ એ કુવોહવાડો કરવાની જગ્યા થઇ ગઈ છે ,વરસ એક મા કૈક લોકો એ અંત આણ્યા છે..!
આત્મહત્યા કે મરતા માણસના મગજમાં શું ચાલતું હશે અને કેમ આવું થાય છે એના તર્ક સદીઓથી થાય છે ,
જવાબ મેળવવાના પ્રયત્નો ઘણા થયા છે પણ કોઈ નક્કર તારણ મળતું જ નથી, કોઈ એક ચોક્કસ તારણ મળે તો તાત્કાલિક અટકાવી શકાય પણ બધું હજી અંધારે જ છે ,
પણ સાદી ભાષામાં તર્ક આપીએ તો હૈયે હામ ખૂટે તો અંતિમ પગલાં તરફ માણસ જાય..!!
આજકાલના કિસ્સાઓ વાંચીએ છીએ એમાં મોટાભાગે એટલી ખબર પડે કે રૂપિયો ભગવાન નથી પણ ભગવાનથી રતિભાર ઓછો પણ નથી..!!
રૂપિયાના જોરે ઘણું ખેંચી કઢાય છે..! અને અછતના ઉછાળા ગમ્મે તેને ડુબાડે..!!
આ બધામાં અત્યારની લાઈફ અને એમાં નાખવામાં આવેલી સ્ટાઈલ બહુ મોટોભાગ ભજવી જાય છે..!
પરણિત જિંદગીઓ માટે એટલું તો હું ચોક્કસ માનું કે પગભર કર્યા સિવાય દીકરો હોય કે દીકરી પરણાવા જોઈએ નહિ જ ..!!
કેમકે પગભર થયા વિનાના દીકરા ને પરણાવો એટલે વહુ વરસ બે વરસમાં સાસરિયાઓ ના માથે તબલા અને નગારા કુટતી થઇ જાય અને જો સમજદાર હોય તો પિયર ભેગી ,
જો કે સમજદાર તો હોય જ નહિ , કેમ કે સમજદાર હોય તો તો પગભર થયોના હોય એવા ને પરણે શું કામ ?
વર્ષોથી ડોસીઓ કહે છે .. બો`ન ઘરમાંથી વર નહિ થાય ઘરમાંથી વાર થશે , ઘર ને ના પરણતી વર ને પરણજે..!!
એટલે અક્કલ હોય એ વર ને જ પરણે ..!!
હવે બીજા કેસમાં દીકરી ને પગભર કર્યા સિવાય પરણાવો એટલે નક્કી જાણવું કે એના ઘરનું એ સેકન્ડરી મેમ્બર થઇ ને જ રેહવાનું , કાયમ ના ઘરના લોકોના મુડ ,માન ,મોભા ,મન અને મોઢા સાચવવાના , હંમેશા પોતાની જાત ને સમજાવવાની કે ઘરનું કામ એ પણ કઈ કમ નથી ,સ્ત્રી ને શક્તિ કીધી છે અને આમ ને તેમ એવી બધી પોસ્ટ ને લાઈક આપવાની અને શેર કરવાની..!!
એકલી ભણાવી ને કેમ મોકલવાની ? પગભર કરી ને મોકલવાની ..!!
જોડે જોડે વેવલી કે ગાલાવેલી હોય તો મજબુત રીતે મક્કમ કરી ને મોકલવાની ,
પ્રેમ કરવો અને વેવલાવેડામાં બહુ મોટો ફર્ક છે..!!
એક કેસ આવ્યો હતો ..! અરે ભાઈ ત્રાસી ગયો છું ચોવીસ કલાક પ્રેમ કરે ખાલી ચાટવા નો બાકી રાખે છે ,પાણી માંગું તો દૂધ ને પાણી બેઉ લઈને આવે ,મારી નાની નાની વસ્તુઓનું સખ્ખત ધ્યાન રાખે ..
મેં કીધું નસીબવાળો છે અલ્યા ..!
શું ધૂળ નસીબ ? ચોવીસ કલાક હેલિકોપ્ટર નો પંખો ઢક ઢક ઢક માથે ફરતો જ હોય, એટલે આ બીજું સેટિંગ પાડ્યું છે જરાક શ્વાસ લેવાની જગ્યા મળે..!!
લો કર લો બાત ..બાવો સંસાર છોડી જંગલમાં ગયો , બિલાડી પાળી ,બિલાડીના દૂધ માટે ભેંસ લાવ્યા , ભેંસના છાણ વાસીદા માટે કન્યા લાવ્યા અને પ્રેમ થઇ ગયો ઘરનો બળ્યો જંગલમાં ગયો અને ત્યાં સંસાર મંડાઈ ગયો ..!
આ ભાઈ એ તો ના બાવો બન્યો ના બિલાડી પાળી કે ના ભેંસ વસાવી સિધ્ધો જ બીજો સંસાર માંડ્યો..!
મેં કીધું અલ્યા બહુ ડેન્જર ગેઈમ છે આ બબ્બે વાળી રેહવા દે ..’
અરે પણ શાંતિ ક્યાંક તો લેવાની ને ?
મેં કીધું કામ ધંધે વળગાડ તારી ઘરવાળી ને છેવટે સ્કુલમાં નોકરીએ વળગાડ ક્યાંક પ્રી પ્રાઈમરીમાં એટલે એનું મન બીજે ક્યાંક લાગશે અને તને શ્વાસ ખાવા ની જગ્યા મળશે..!!
કર્યું પણ એવું ,
મેડમ ને સ્કુલે લેવા અને મુકવા પચ્ચીસ લાખની ગાડી જાય અને આવે ,પગાર પૂછો તો સાત હજાર રૂર્પરડી..
પેલાનું બીજું છૂટી ગયું કેમકે એમના કામે વળગ્યા એટલે મગજ ને ડાઈવર્ઝન મળ્યું એટલે પ્રેમ ની માત્રમાં ઘટાડો થયો ભાઈ ને માથાડુબ પ્રેમમાંથી ગળા ડૂબ સુધી આવ્યો..!
શ્વાસ લેવા જગ્યા મળી તો બીજું છૂટી ગયું..!!
આવું છે દુનિયામાં .. એકબીજા ને સ્પેસ આપવા માટે અને સમજવા માટે પણ બાહરની દુનિયામાં જવું જરૂરી છે..!
અઢળક પડ્યું હોય ને પગભર થવાની જરૂરિયાત ના હોય તો પણ ઘરની બાહર જવું જરૂરી છે..!!
ચાર દિવાલો જો જિંદગી આપે છે , તો મોત પણ એ જ આપે છે..!
જે પોષતું તે મારતું..!!
ભણતર અને કામ એની સાથે કામ કરવાની જગ્યા પણ હવે બહુ મહત્વની થઇ ગઈ છે , કારણ એવું છે કે એક ના એક કે પછી બે ભાઈ-બેહનની એકલા વાળી પેઢી ને હવે માથે ધોળા થઇ ગયા , અને મીલેનીયર તરીકે ઓળખાતી અત્યાર ની પેઢી ભયંકર એકલી છે..!
એક જ જણ્યા , બીજું નહિ એટલે નહિ ..! કંપની માટે કુતરું પાળીશું પણ છોકરું ધરાર નહિ ..!!
એકલી ઉછરેલી જિંદગી બાળપણ ને તો બાળપણમાં જ કોરાણે મૂકી ને આવી હોય છે, મેચ્યોરીટી અઢાર વર્ષે જ આવી ગઈ હોય એવામાં મેચ્યોરીટી બતાડવા નો મોકો કોણ અને ક્યાં મળે ?
બહુ ગંદુ છે આજકાલ બધું..!!
ભણવું કમાવું અને ઘરની બાહર જઈને કામ કરવું મસ્ટ થઇ ગયું છે ..!
બીજા આડઅસર જેવા ફાયદા પણ ખરા કે બંને ને કામ કરતા હોય એટલે શરીર અને મગજ નો થાક પુષ્કળ લાગે એટલે પથારીમાં પડે એ ભેગા નસકોરા ,
આવનારો દર બીજો દિવસ બુક હોય એટલે કોઈ બીજી કોઈ ઝંઝટ નહિ અને કામવા કામવામાં એવા મશગુલ હોય તે ખર્ચવાની ખબર ના રહે ..બે પૈસા બચે બીજું શું ?
જિંદગી ધડાધડ જાય છે ..!
અર્ધનારેશ્વર ..!!
એક જ મોલ્ડના બે ભાગ છે સ્ત્રી અને પુરુષ ,જુદા પાડી ને ચર્ચા નિરર્થક..!
શિવરાત્રી આવી ગઈ અને ઠંડી શિવ શિવ કરતી ભાગી..!!
ચૈતર વૈશાખના વાયરા ચાલુ થયા છે .. સાચવજો.. કોગળિયું હજી ગયું નથી મંદિરો કે મેચો બધું ય જિંદગી આખી ચાલશે ..!!
નમઃ પારવતી પતે હર હર મહાદેવ
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*