જગતના તાત ખુશ ખુશ હશે હવે તો..એમના દેવા માફ થઇ ગયા..!!
એમપીની નવી નવી કોંગ્રેસ સરકારની પાછળ ભાજપની સરકારો પણ જોડાઈ ગઈ ..
માફી..માફી..માફી..!
પણ હવે “જગતની માત”નું શું ..?
પેહલા લખી ચુક્યો છું કે જો ખેતી કરતા ખેડૂત “જગતના તાત” છે, તો ઉદ્યોગ “જગતની માત” થી કમ નથી..!!
આ દેશમાં કિસાનોના મદદગાર થવાની હોડ લાગી છે, રીંગણ લઉં બે ચાર લે ને દસ બાર..!!
પણ એક વાત એવી છે કે `ઉદ્યોગ` વિના `ખેતી` પણ સરખી થાય તેમ નથી,પાછલા ચાર દસકામાં ખેતીના ઉત્પાદન વધારવામાં સૌથી વધારે ફાળો `ઉદ્યોગ` નો છે..અને છતાં પણ ઉદ્યોગને બહુ જ ખરાબ રીતે ઇગ્નોર કરવામાં આવી રહ્યા છે..
છેલ્લા બે દસકાથી નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો ને સાવ કોરાણે મૂકી દેવામાં આવ્યા છે અને એની સીધી અસર એવી વધતી બેકારી હવે દેખાઈ રહી છે,
મનમોહનસિંહની સરકાર આવી ત્યાર પછી કોઈ ઉડી ને આંખે વળગે એવી કોઈ સ્કીમ નાના-મધ્યમ ઉદ્યોગને માટે આવી નથી, મનમોહન સરકારે રૂપિયાને તોડી તોડી અને નાનો કર્યો, અને દે ધનાધન લોનો આપી, પણ ઉદ્યોગો ને ઓછી , અને ઓટો અને હોમ લોન વધારે આપી, એની સીધી અસર એવી આવી કે રીયલ એસ્ટેટ માર્કેટ `ફાટફાટ` થયું ,
કોઈ એક ઉદ્યોગકાર રૂપિયા બેંકમાંથી વ્યાજે લાવે, એક પ્રોડક્ટ બનાવે, વેચે અને રૂપિયો ફેરવે આટલી પ્રોસેસ કરે, અને રૂપિયાનું એક સાયકલ ફેરવે એના કરતા ચાર પાંચ જણ ભેગા થઈને જમીન ખરીદી લઈને `સ્કીમ` મુકે તો લગભગ બાર મહીને ત્રીસ ટકાનું વળતર છૂટતું થઇ ગયું હતું..
અને એના કારણે જમીનો અને બાંધકામ ઉદ્યોગમાં આંધળી તેજી ચડી ગઈ..!!
આજે કોઈ એક નાના ઉદ્યોગકાર ને જમીન ખરીદી અને નવો ઉદ્યોગ નાખવો હોય તો જમીન ના જ રૂપિયા જ એટલા બધા થઇ જાય કે આખા પ્રોજેક્ટનું જમીન લેતા લેતા જ બાળમરણ થઇ જાય..!!
મનમોહન સરકાર પછી મોદી સરકાર આવી, અને ચીન અને જાપાન જોડેની “હરીફાઈ” આવી..
વાઇબ્રન્ટ ગુજરાતની આદત પ્રમાણે મોટા મોટા એમઓયુ થયા અને મોટા ઉદ્યોગોને માટે લાલ જાજમ બિછાવાઈ..
ચીન અને જાપાન ની કમ્પેરીઝનમાં થોડાક મોટા ઉદ્યોગ આવ્યા પણ રોજગારીની સમસ્યા ત્યાં ની ત્યાં રહી..!
મનમોહન સરકારે એકડો ખોટો ઘૂંટ્યો અને મોદી સરકારે મીંડા જોડી દીધા..!!
હવે આ મીંડા અને એકડા ની શું અસર પડી ..?
તો છેલ્લા પંદર વર્ષમાં ભારત નામનો દેશ લગભગ ઈમ્પોર્ટ ઉપર નભતો દેશ થઇ ગયો..!!
અને આ જ પરિસ્થિતિ ખેતીમાં પણ હવે ધીમે પગલે આવી રહી છે..આફ્રિકન દેશોમાંથી દાળ ઈમ્પોર્ટ કરવી પડી રહી છે..!
મનમોહન સરકારના સમયમાં નાના અને મધ્યમ ઉદ્યોગો માટે બહુ જ ગંદી રીતે આંગળી કરીને કેહવાતું કે “આ લોકો એ જ દેશ ને પછાતઅવસ્થામાં રાખ્યો છે” , હવે આપણે જાયન્ટ્સની જરૂર છે બધું જાયન્ટ જોઈએ છે એટલે આ `ટુણીયાટો` જ્યાં પડ્યા છે ત્યાં રેહવા દયો ,મોટા મોટા જાયન્ટ્સ લાવો દેશમાં..
આ જાયન્ટ્સ લાવવાની લાહ્યમાં દરેક સરકારો એ જમીનોની લહાણી કરી જાયન્ટ્સ ને , અને પરિણામ સ્વરૂપ જમીનનો સટ્ટો વધારે ખીલ્યો..!!
અને દેશના દરેક નાગરિકના મનમાં દરેક જમીનના દલાલનું બ્રહ્મ વાક્ય મગજમાં ઉતરી ગયું..
“ જુવો ભાઈ માણસો તો દેશમાં વધતા જ રેહ્વાના પણ જમીન થોડી વધવાની છે ..? જમીનનો એકાદો ટુકડો લઇ લ્યો આજે નહિ તો કાલે કમાઈને આપશે .. પડ્યો પોદળો ધૂળ લઇને જ ઉખડે..”
અને નખ્ખોદ વળી ગયું ,
રાષ્ટ્રીય જ્જીજાજી થી લઈને દેશના નાના મોટા તમામ લોકો જમીનોની પાછળ પડી ગયા અને પરિણામ સ્વરૂપ અત્યારે તો લોકો સ્મશાન અને કબ્રસ્તાન ને ફરતે પણ દીવાલો કરે છે નહિ તો કોઈ પચાવી પાડે ..!!
પંદર વર્ષ પેહલા ક્રુડ ,પછી ગોલ્ડ અને પછી ઇલેક્ટ્રોનીક્સ આ ત્રણ નું મેક્સીમમ ઈમ્પોર્ટ હતું અને ઈમ્પોર્ટના આ ચક્કરને તોડવાની મથામણ યુપીએ-૧ થી શરુ થઇ તે આજ દિન સુધી ચાલુ છે પણ ચક્કર તુટવાના કોઈ જ આસાર હજી સુધી દેખાતા નથી..!!
એક જમાનામાં ભારત નો રૂપિયો નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગમાં ફરતો એ આજે જમીનો અને બિલ્ડરના ખીસામાં પોહચી ગયો છે..
અમદાવાદની જ વાત કરીએ તો મિલમાલિક જોડે ગાડીઓ હતી અને રૂપિયો હતો, આજે એ જ રૂપિયો બિલ્ડર પાસે છે ..
બિલ્ડર પાસે રૂપિયો હોવો એ ખરાબ નિશાની નથી, પણ ફક્ત અને ફક્ત બિલ્ડર પાસે જ રૂપિયો અને મિલકત હોવી એ ખરાબ વસ્તુ છે..
આજે જુના કારખાનેદારો ને એમના કારખાનાના પ્રોડક્શન કરી અને જે રૂપિયા કમાવા મળી રહ્યા છે એના કરતા તો વધારે રૂપિયા એમની જમીનો વેચી અને સ્કીમો મુકવાના મળી રહ્યા છે..!
અમદાવાદની પેરીફરીની કોઈપણ જીઆઇડીસી માં ત્રણ હજાર વારના પ્લોટમાં થતા પ્રોડક્શનમાં `પિત્તળ` પણ હાથમાં નથી આવતું..!!
એક જમાનામાં મિલો ની પાછળ આખું રખિયાલ,ઓઢવ, તાવડીપુરા અને એવા બીજા કૈક ઇલાકા અમદાવાદના નભી જતા અને આજે …?
સાણંદમાં મોટે ઉપાડે નેનો આવી પણ પાછળ શું ..? બે ફેઇઝ ભરાઈ ચુક્યા છે એવી વાર્તા ચાલે છે પણ ખરેખર પ્રોડક્શન માં કેટલા..?
જરૂર છે જીઆઇડીસીમાં ડોર ટુ ડોર સર્વે ની..પ્રોડક્શનમાં નાં દેખાય તો એ જમીનો ખાલસા કરવાની અને જે ઉદ્યોગકારને ઉદ્યોગ નાખવો છે તેમને રાહત દરે જમીનો આપવાની..
આજે સબસીડી કે લોન ના વ્યાજ ઉપર માફીની સ્કીમો ઘણી છે પણ કારખાનું નાખવું ક્યાં સ્વર્ણિમ સંકુલમાં ..?
જગતના તાતની વોટ બેંક છે ને તો નાના અને મધ્યમ ઉદ્યોગની પણ વોટ બેંક છે ..લગભગ ૧૨ ટકા વોટ હજી નાના અને મધ્યમ ઉદ્યોગના હાથમાં છે ,
ઉત્પાદન થશે ને તો સરબજાર અને ઈન્સ્યોરન્સ ને બીજા બધા ફાયનાન્સના ધંધા ચાલશે .. બાકી તો જો ઈમ્પોર્ટ કરવું છે તો પછી `ટુરિજમ` ડેવલપ કરવા ના વારા આવશે…
હવે આરબીઆઈના ગવર્નર નવા આવ્યા છે જલ્દીથી બે ત્રણ લાખ કરોડ નાના અને મધ્યમ ઉદ્યોગને માટે છોડો..સમય ઓછો છે..!!
કિસાન મજદૂર બંને ની બાજુ જોવું જ રહ્યું …
બાકી તો ગાંધીનગરમાં પાછું ઘર લેવું પડે,
ભગવાન તમને સો વર્ષના કરે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સમાધિ બને..
યાદ છે ને મોરારજી દેસાઈના અંતિમસંસ્કાર ધરાર મુંબઈની ધરતી ઉપર નોહતા થયા..
ગુજરાતી પ્રધાનમંત્રી ને ગુજરાતમાં જ..
શુભ રાત્રી
શૈશવ વોરા