આજે સવારે એક ગંદો વિચાર આવ્યો …
છાપું ખોલ્યું અને જોયું તો દેવા માફી ના સમાચારો આવ્યા અને જોડે જોડે કારખાનેથી મેહતાજી નો (એકાઉન્ટન્ટ) મેસેજ આવ્યો જીએસટી ભરવાનો..!!
એની માં ને લાખ્ખોમાં જીએસટી છે અને આજે મારે એ મારા ખાતામાંથી સરકારી ખજાનામાં જમા કરાવવાનો છે..એવું મગજ ગયું છે ..!!
અને ગંદો વિચાર આવ્યો “કરી” નાખો સરકાર નું નથી ભરવો જીએસટી..!
હવે આવો જ વિચાર બધા વેહપારીઓ ને આવે તો..?
શું વેપારીઓ એ ગધેડી પકડી છે દેશ ચલાવવાની ..?
અને છતાં પણ દરેક વેપારીને “ચોર” ગણી ને આજ દિન સુધીની સરકારો ટ્રીટમેન્ટ આપતી આવી છે,
સેન્ટ્રલ એક્સાઈઝ હોય કસ્ટમ્સ હોય કે વેટ હોય જે નામ સરકારો ને આપવું હોય એ આપે એમના દ્વારા ઉઘરાવતા `કર`નું પણ દરેક ડીપાર્ટમેન્ટ નો અધિકારી પોતે દુધે ધોયેલો હોય તેમ “ટ્રેડ” ની જોડે વર્તે,
એક વેપારી ને કેટલા ખાતા જોડે `ડીલ` કરવાનું ..? અને તો પણ એ ચોર..!!
અને જગતના પિતાશ્રી ..???
મારું હાહરું એક નાના કારખાનેદાર એ લોન લીધી અને ભરપાઈના કરી શક્યો તો એના સિબિલ રીપોર્ટની પથારી ફરે, અને જીવનમાં ક્યારેય બીજી લોન એને મળે નહિ ,વત્તા એણે ગીરવે મુકેલી કો લેટરલ, બાય લેટરલ વગેરે વગેરે મિલકતો `જપત` થાય ,એનું કારખાનું પણ જાય ..
ટૂંકમાં કહું તો બધી જ સરકારી એજન્સીઓ ભેગી થઇ ને એવું જાહેર કરી દે કે આ માણસ ધંધો કરવાને લાયક નથી..!!
તો પછી પેલા બની બેઠેલા “પિતાશ્રી”ની મિલકતો કેમ જપ્ત નથી થતી ..?
એમના દેવા પેઢી દર પેઢી માફ જ કર્યા કરવા ના …?
એક બની બેઠેલા ખેડૂત નેતા એ કૈક ઈશા અંબાણી ના લગ્નના ખરચા ઉપર ટ્વીટ કર્યું કે આટલો ખોટો ખર્ચો કરવાની ક્યાં જરૂર હતી એના કરતા ગરીબોનું મફત વસ્તુઓ આપી ને દેશનું કૈક ભલું કરો..!!
અને એના જવાબમાં એક બેહને કચકચાવી ને લખ્યું કે તારા બાપે મફત નિરોધ લઇ લીધો હોત ને તો દેશનું વધારે ભલું થાત..!!
આજે રિલાયન્સ દેશ નો હાઈએસ્ટ જીએસટી પેયર છે..!!
આ દેશના રાજનેતાઓને `કોઈક`ના રૂપિયા નો વહીવટ કરવા મળી જાય છે એટલે પોહળા થઇ ને ફરે છે , આજે ભાજપ ના સમર્થકો એમ બોલતા થયા છે કે કોંગ્રેસ એમના પાર્ટી ફંડમાંથી આપે પણ ભાજપે પણ ક્યારે પાર્ટી ફંડમાંથી કઈ આપ્યું છે..?
આપણા માટે તો એક ને બેસાડો અને બીજા ને ઉઠાડો બધાય સરખા છે..!!
શ્ર્ધેય સંઘ સર ચાલક શ્રી કહે છે જાહેર મંચ ઉપર કે લોકતંત્રમાં અવેલેબલ બેસ્ટ ને શોધી અને મત આપવાનો છે..!!
હરે ક્રિષ્ણ હરે રામ ..!!
એટલે સો ટકા `બેસ્ટ` તો છે જ નહિ, અને મારી તમારી ભાષામાં કહી તો મુઆ બધા `ચોર` તો છે જ..એમાંથી `ઓછો ચોર` શોધવાનો..!
નખ્ખોદ…!!
ક્યાં સુધી આ રીતે જીવશું કેટલી પેઢી આમ ને આમ કાઢવાની ..?
સિત્તેર સિત્તેર વર્ષથી દેવા માફ કરવા પડે છે તો એનો સીધો મતલબ થાય છે કે તમને ખેતી કરતા નથી આવડતું , છોડી દો ..!!
ભલે આવતું કોર્પોરેટ ફાર્મિંગ..!!
જમીનને ખોટી ખોટી ઝાલી રાખી અને પોતે નુકસાન કરે અને આખા દેશ ને નુકસાન કરાવે એનો શો મતલબ છે ?
એક ખેડૂતના જીવનમાં ત્રણ વાર દેવા માફ થાય ,પછી તો દેવા માફ ના જ થવા જોઈએ, એની પછી તો જેમ કારખાનેદાર `ઉઠી` જાય છે અને એના કારખાના જપ્ત થાય છે તેમ એની જમીન પણ જપ્ત થવી જોઈએ..
જમીન અમારી માં છે, માં છે ,કરી રોદણા રડતા ખેડૂત ને શેહરોમાં રેહતા લોકોના ફ્લેટના દર્શન કરાવા રહ્યા જો અહિયાં..મારી ઉપર નું ધાબુ કોઈનું તળિયું છે અને મારું તળિયું કોઈનું ધાબુ છે અને તો પણ અમે જીવીએ છીએ..વચ્ચેની હવામાં ..!!!
બધું જમીન, જમીન ના હોય…!!
જરૂર પડે તો `કટોકટી` નાખી અને જમીનો ને જે લોકો એ ખેતી ની જમીન બિનખેતી કરાવીને `ઇન્વેસ્ટ` કરવા મૂકી રાખી છે એમની પાસેથી, અને ત્રણ વાર દેવા માફ કરાવ્યા છે એવા ખેડૂતો પાસેથી જપ્ત કરી અને પ્રોપર જેમને દેવા માફી કે સબસીડીની જરૂર નથી એવા લોકો ને ખેતી કરવા આપવા ની જરૂર છે..
કોઈ કેહશે કે ઘાતક પગલું છે આ ..
તો શું નોટબંધી ઘાતક નોહતી ..?
હવે વાંસ ડૂબ્યા ભેગા સવા વાંસ..!!
સો વાતની એક વાત કે દર પાંચ સાત વર્ષે જો તમારે દેવા માફ કરાવા હોય તો તમને તમારો કામધંધો કરતા આવડતો નથી , તમે તમારું કામ કરવા માટે ગેરલાયક ઠર્યા છો માટે કામ છોડી દો..!!
અત્યારે તો શેહરી ટેક્ષ પેયર ઉંચો થયો છે , અને લગભગ સોશિઅલ મીડિયા ઉપર ઝુંબેશ ચાલી છે કે અમારા ટેક્ષના રૂપિયા આવી રીતે કેમ બરબાદ કરી શકો..?
સારી વાત છે આ ઝુંબેશ આગળ ચાલવી જ જોઈએ ..
ફક્ત અને ફક્ત ખેડૂતના દીકરા ને ખેતી કરવાનો હક્ક છે એવા કાળા કાયદાને વિદાય આપવાનો સમય છે , જે વ્યક્તિ જન્મથી ખેડૂત છે એ જ ખેતી ની જમીન ખરીદી અને ખેતી કરી શકે એવું કેમ ..?
મારા માંબાપે એ ભણીગણી ડોક્ટર થઇને શું ગુન્હો કર્યો કે હું ખેતી કરવા ખેતીની જમીન ના ખરીદી શકું ..?
આજ ની ખેતી પણ ટેકનોલોજી માંગે છે, અને પેઢી દર પેઢી રોદણા રડી ને શેહરો ના ટેક્ષના રૂપિયા ચાવી જતા ખેડૂતોની પેઢીઓ અપગ્રેડ થઇ નથી, અને એમના ના અપગ્રેડ થવાના પાપ શેહરોના ટેક્ષ પેયર ભોગવી રહ્યા છે..!!
ફરી એકવાર આત્મહત્યા કરતા ખેડૂત તમામ મીડિયાને દેખાય છે ,પણ ટાર્ગેટ એચીવના થવાને લીધે નોકરી કરતા ત્રીસ વર્ષના છોકરા છોકરીના ડાયાબીટીસ અને બ્લડ પ્રેશર કેમ કોઈ ને દેખાતા નથી..?
નાના કારખાનેદારની કુટુંબ સહીતની આત્મહત્યા કેમ દેખાતી નથી ..?
મીડિયા એ પણ આ બાજુ ધ્યાન આપવાની જરૂર ખરી, જો ટીઆરપી વધારવી હોય તો..
ચાલુ કરો કોર્પોરેટ માં `ઝુડાવતા` છોકરા છોકરીના ઈન્ટરવ્યું અને દુઃખ દર્દની દાસ્તાનો ..
નવો કન્સેપ્ટ છે ચાલશે ..ખેડૂત ખેડૂત બહુ થઇ ગયું..!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા