કોરોના નું કોગળિયું -૩..
કોરોના નું કોગળિયું હવે ધીમે ધીમે પણ મક્કમ પગલે એની આડ અસરો દુનિયા ને બતાડવા લાગ્યું છે, જેમ ભૂતકાળમાં કોલેરા ઉર્ફે કોગળિયું ભારત દેશ ને તબાહ કરી નાખતો હતો એમ આજે ચીન દેશ નું એ તરફનું પેહલું પગલું ભરાઈ ચુક્યું છે..!!
નહિ નહિ તો પણ આશરે વીસેક દિવસ થઇ ચુક્યા છે કોરોના ના કોગળીયા ને ફાટી નીકળે , દુનિયાભરમાં દેહશત નો માહોલ છે, ચીન દેશ જતી મોટાભાગની એરલાઈન્સ એ ઓપરેશન રદ્દ કરી નાખ્યા છે અને એની સીધી અસર એવી છે કે અમદાવાદથી શાંઘાઈ એક કિલો પાર્સલ જે સાહીઠ રૂપિયે લઇ જતા (મીનીમમ એક ટન નો લોડ) એ ભાવ આજે ચારસો રૂપિયે ચાલી રહ્યો છે, અને મોટેભાગે માસ્ક જ જઈ રહ્યા છે એ પણ સીધા રસ્તે નહિ વાયા થઈને, બીજું કશું જતું લગભગ જતું નથી..!!
ચીન દેશમાં એક્સપોર્ટ કરતા મિત્રો જોડે આજે વાત થઇ ત્યાં પોહચી ગયેલા કન્ટેનર્સ ડોક યાર્ડમાં પડ્યા છે , કોઈ છોડાવનાર નથી ..!
કેટલાક ઈમ્પોર્ટર મિત્રો જોડે વાત કરી , ચીનાઓ એમની દુકાન લગભગ અડધા શટરે ખોલી ને બેઠા છે , માલ આપવા તૈયાર છે , પેમેન્ટ લેવા પણ તૈયાર છે ,પણ ચીન દેશના કસ્ટમ્સ અને જહાજ ની અવેલીબીલીટી કેટલી એનો કોઈ જ અંદાજ મળતો નથી..!!
શાંઘાઈનું બારું ખુલ્યું છે, શેનઝેન અને હોંગકોંગના બારા હજી ખુલ્યા કે નહિ એ માટે કોઈ સમાચાર મળતા નથી .. એકવાર બારું ખુલે પછી જહાજ લાંગરે અને માલો ચડે ને મધદરિયે તરતા થાય પછી દુનિયાના શ્વાસ હેઠા બેસે એવી પરિસ્થિતિ છે..!!
કોઈ જ સમાચાર આધિકારિક રીતે આવતા નથી એટલે બધું જો અને તો ઉપર છે , લોક મુખે ચાલતી વાતો સાંભળી ને જ અંદાજો લગાડવાના રહ્યા..!!
એક નાના કારખાનેદાર તરીકે વાત કરું તો કારખાનું જો ભૂલથી કે ઈમરજન્સીમાં પણ અઠવાડિયું પ્લાન કર્યા વિના કારખાનું બંધ રાખવાનું થાય તો એને ફરી ઉપાડતા બીજા બે અઠવાડિયા લાગે અને એમાં પણ સતત પ્રક્રિયા ઉર્ફે ચેઈન રીએક્શન વાળું કારખાનું હોય અને એને આનનફાનનમાં બંધ કર્યું હોય તો ફરી એ કારખાનું ફરી ચાલુ કરવું એટલે નવું જ કારખાનું ચાલુ કરવા જેટલી જેહમત ઉપાડવી પડે ..
એટલે જેટલા દિવસ વધારે કારખાના બંધ રેહશે એટલી પાછળથી મુસીબત વધવાની..!
આજે ગુજરાતી છાપા જાગ્યા છે ,એમને ખબર પડી કે ફાર્મામાં બહુ મોટો પ્રોબ્લેમ છે , પણ ફાર્મા એક નહી લગભગ બધે જ પ્રોબ્લેમ છે ,
આજે જેમના એક્સપોર્ટ યુરોપ છે કે અમેરિકા કે પશ્ચિમ માં છે એમને મહામુશ્કેલીએ કન્ટેનર ઉર્ફે ડબા મળે છે , ચીન દેશથી આપણે મોટા પાયે જે ઈમ્પોર્ટ કરતા હતા અને પછી જે ડબા ખાલી થતા એ ડબા અહીંથી ભરાઈ ને આગળ જતા હવે એ બધું અટક્યું એટલે અહીના કારખાના પણ માલોથી ભરાવવાના ચાલુ થઇ ગયા છે , એક લેવલથી વધારાની ઇન્વેન્ટરી પણ કેટલી ઉભી કરાય ?
એક સમયે અમને માર્કેટિંગમાં એવું શીખવાડતા કે વોચ યોર કસ્ટમર્સ કસ્ટમર
,તમારા ઘરાક ના ઘરાકનું ધ્યાન રાખો તો તમારા રૂપિયા ડૂબવાના ચાન્સ ઓછા છે ,
આજે એ જ સિનારિયો ને ઉલટો લઈએ કે તમારા સપ્લાયરના સપ્લાયર ઉપર નજર રાખો એ ક્યાંક ચીન દેશથી માલ લાવી અને પ્રોસેસ કરી ને તમને નથી ફટકારતો ને ?
અને જો એવું છે તો પછી એની ઇન્વેન્ટરી કેટલી ?
તમારી અને એની ઇન્વેન્ટરી ઉપર તમારા કારખાનાનું ભવિષ્ય નિર્ભર થઇ જશે..!!
ફરી એકવાર , કોઈ જ આધિકારિક ડેટા અવેલેબલ નથી કે મધદરિયે કેટલા જહાજો રખડી રહ્યા છે અને કેટલા માલો કે જે કોરોનાનું કોગળિયું ફાટી નીકળ્યું એની પેહલા નીકળ્યા છે અને એ જહાજો પોતાના ઠેકાણે પોહચી ગયા પછી કન્ટેનરના બારણા ખુલ્યા કે નહિ ?
આપણું મીડિયા અને સોશિઅલ મીડિયા દિવાલ અને ઝુંપડા માંથી ઊંચું નથી આવતું..!
ભાન જ નથી કે ભારત દેશ ની આ બદલાતી સીઝન છે ,રોગચાળો ફેલાશે અને એવામાં દવાઓ ની શોર્ટેજ આવશે તો શું થશે..?
ખેડૂત ખેડૂત કરી ને સબસીડીઓ આપ્યા કરી લગભગ ઉદ્યોગકાર ને ચોર ચીતરી ને મૂકી દીધો , ઉદ્યોગકાર ની પાછળ ઇન્સ્પેકટરો ની ફોજો છુટ્ટી મૂકી દીધી પછી ભાન થયું કે આ તો ખોટું થાય છે અને ત્યારે બજેટના ભાષણમાં પેહલીવાર ઇન્સ્પેકટર રાજ શબ્દ આવ્યો અને હવે ઈઝ ઓફ બીઝનેસ ની વાત આવી , પણ જૂની કાયદાની જંજાળો હજી ઉભી જ છે..
ગમે તેટલા પ્રયત્નો કરો પણ જ્યાં સુધી ભ્રષ્ટાચાર દૂર નહિ થાય ત્યાં સુધી ગ્રોથ નહિ જ મળે અને એના માટે પેહલા ઉદ્યોગકાર એ ચોર એ માઈન્ડ સેટ દૂર કરવું રહ્યું..
જે સમયે ચીન દેશની સામે ઉદ્યોગો એ રક્ષણ માંગ્ય ત્યારે જે તે વખતની સરકારો પાણી માં બેસી ગઈ અને હવે સંકટ બારણે ટકોરા મારી રહ્યું છે , નામ નથી લખતો પ્રોડક્ટ્સના પણ પરિસ્થિતિ એવી છે કે ભારત વીસ હજાર ટન માલ જે વાપરી રહ્યું છે એ માલ ભારતમાં ફક્ત બે હજાર ટન જ બની રહ્યો છે એવા માં અઢાર હજાર ટન માલ ચીન દેશથી આવતો હતો .. હવે શું કરવાનું ?
અત્યારે એક ઓપોર્ચ્યુંનીટી ઉભી થઇ છે ભારત માટે એવું દુનિયાભરના લોકો કહી રહ્યા છે ,અને બાહર ના છાપાઓ વાંચીએ તો એમ લાગે પણ ખરું કે બધી જ પ્રોડક્શન ફેસેલીટી એક જ જગ્યાએ ઉભી કરી અને દુનિયા એ ભૂલ તો નથી કરી ને ?
ચીન દેશ એ અત્યારે દુનિયાનું પ્રોડકશન હાઉસ થઇ ને ઉભું છે , અને દુનિયા આખી નું કારખાનું પેહલા લ્યુનાર વર્ષનું વેકેશન અને પછી કોરોનાના કોગળીયા નું વેકેશન..
રજાઓ ઘણી થઇ ગઈ છે હવે દુનિયાનું આ કારખાનું ખુલવું જોઈએ ઝટ..!!
કઈ વસ્તુ માટે શોર્ટેજ ઉભી થશે એ કળવું મુશ્કેલ છે પણ ચીન દેશ જોડે જોડે દુનિયાના ઘણા દેશો મુશ્કેલીમાં હવે મુકાઈ જાય એવી હાલત દેખાઈ રહી છે..!!
ગામના રૂપિયે ધંધો કરતા ઉધારીયાઓ ને માટે વધારે કપરા દિવસો આવશે ,
આલ્યો માલ નહિ આપે અને માલ્યો માલ માંગશે , એટલે આલિયાની ટોપી માલિયા ને પેહરાવનારા સાવધાન ..
અને હા જો આલીયો માલ આપશે તો મોંઘો આપશે અને માલિયો માલ માંગશે એ પણ સસ્તો…!!
કોરોના નું કોગળિયું લાંબુ ચાલ્યું તો કૈક ટોપીઓ બજારમાં ઉછળવાની છે ..
બેંકો હવે વધુ એનપીએ ભેગી કરવાનાં મૂડમાં નથી હપ્તા ચુક્યા તો જપ્તી પાક્કી ,
જોઈએ હવે છેલ્લા ક્વાર્ટરના આંકડા કેવા આવે છે ..!
કોઈ જંગલી રીલાયન્સના સીમ કાર્ડ પાછા આપવાનું કહે છે ત્યારે ભૂખડીબારશ ને ભાન નથી હોતું કે દેશ આખામાં સૌથી વધારે ટેક્ષ રિલાયન્સ આપે છે ત્યારે તું જે મફત નું જે બધું પામે છે ને એ તને મળે છે..!!
શુભ રાત્રી
શૈશવ વોરા