છેલ્લા કેટલાક દિવસથી ગુલમોહરના ઝાડમાં પાનખર બેઠી છે બંને ગુલમોહરના ઝાડના લગભગ પાન ખરી ગયા છે ,મને થોડી બીક લાગી એટલે માળીને પકડ્યો ,ભૈયાજી આ ગુલમોહરનું મૂળિયું ચેક કરો ,ઉધઈ પેઠી લાગે છે .. માળીએ કીધું ..ના સા`બ ટેન્શન મત લો કુછ નહિ હૈ , અબ ધીમે ધીમે ઠંડી બઢેગી ઔર દીન છોટે હો જાયેંગે….સાલું પંદર પંદર વર્ષ પાણી પીવડાવીને મોટું કરેલા ઝાડ અને એમાંથી એકદમ જ રોજ ઢગલો પાંદડા ખરે એટલે બીક તો લાગે ને યાર …!!
પણ મળી સાથે વાત કર્યા પછી રીલેક્સ થઇ ગયો અને પીળા પીળા ગુલમોહરના ખરેલા નાના નાના પાંદડાની જમીન પર પથરાયેલી ચાદર જોઈ ને ગરબો યાદ આવી ગયો ,સવારની મસ્ત મસ્ત ઠંડકમાં ..
આજ ગગનથી ચંદન ઢોળાય રે સહિયર મને આસો ના ભણકારા થાય .. કોઈ આવતું ક્ષિતિજથી પરખાય રે આછા ચાંદની ના ઝબકારા થાય…
ડોશી નોમ નું શ્રાદ્ધ ગયું દસમું શ્રાદ્ધ .. બસ નોરતા ને આડે પાંચ દિવસ , ડબગરવાડમાં ભીડ થઇ ગઈ , ઢોલ ના ચામડા મઢાવવા અને નવા ઢોલ , ટીમ્બાની , ઢોલકી , ડ્રમ બધું લેવા માટે અને બધા વાજિંત્રોને ઓર્ડરમાં લાવવા માટેની તૈયારીઓ તડામાર …
લો ગાર્ડન અને નેહરુનગર ચાર રસ્તા પર તો પડે એના કકડા થઇ ગયા છે , ચણીયાચોળી ની ખરીદી ધૂમ ચાલી રહી છે પણ કોઈ નવી વેરાયટી નથી દેખાતી બસ એજ બધો જુનો માલ બજારમાં ફરી રહ્યો છે , એના એ જ કેડિયા અને ચણીયા ચોળી ..
બ્યુટીકમાં ડીઝાઇનર ચણીયા ચોળી વેચાય છે , પાંચ સાત હજારથી લઈને પચ્ચીસ હજાર સુધીના ..નવરાત્રી માટેના લગનો નહિ..!!! એમાં ઘણી વેરાયટી આવી છે , લેહરીયા , ક્રશ ના ,સિલ્ક , કોટન ,ટીસ્યુ , બ્રોકેડ ,ટશર શિફોન ..બધું જાત જાત નું મળે છે અને ટ્રેડીશનલ તો ખરા જ કચ્છી , બાગડી ,આરી ,આભલા ..જેવી ખિસ્સાની ગરમી
ઝભ્ભા અને કેડિયામાં પણ એવો જ ઘાટ છે ..લો ગાર્ડન માં ચારસો થી ચાલુ થાય અને મોટી દુકાનોમાં બે હજારથી લઈને દસ હજાર સુધીના છે , આ વર્ષે એકાદ બે ઝભ્ભા મારે વસાવા પડશે એવું લાગે છે ,આ જીમમાં જઈ જઈને સાઈઝો વધારી છે એટલે ગઈ સાલવાળા ઝભ્ભા થતા નથી ..ખર્ચો માથે આવ્યો છે ..
ભાડે નવરાત્રીના કપડા આપવાવાળાઓ ત્યાં પણ લાઈનો પડી ગઈ છે એડવાન્સ બુકિંગ અને એડવાન્સ રૂપિયા …
નાનામાં નાના માણસ ને પણ નવરાત્રી એટલે પાંચથી દસ હજાર રૂપિયાની ઓછામાં ઓછી ચાકી ચડે … અને પાછળ દિવાળી માથે ઉભી ને ઉભી ..
હશે પણ… મને તો મજા પડી જાય છે હજી પિસ્તાલીસ વર્ષે બે કલાક સળંગ દોઢીયા થાય છે અને બીજી મહત્વની અને સારી વાત તો એ છે કે મારા મિત્રોથી પણ થાય છે એટલે ગ્રુપ જળવાઈ રહ્યું છે અને ઉત્સાહ બરકરાર રહે છે , જોકે દીકરીઓ મોટી થઇ ગઈ છે એટલે એમની સાથે પણ ગરબામાં ફરવાની મજા આવે છે…!!
કેવો સમય જતો રહ્યો એ …!!! યાદ કરું ખાનપુરમાં થતા ખરા અર્થમાં શેરીમાં થતા શેરી ગરબામાં મમ્મી સાથે ફરતા ફરતા ગરબા શીખ્યા અને અત્યારે ક્લબોના નકલી ખાલી નામના શેરી ગરબામાં આપણા સંતાનો સાથે ગરબામાં ફરીએ …!!!!
માતાજી ની કૃપા .. બસ
થોડા જુના દિવસો યાદ આવે છે …પેલા મલ્લા માતા અને ઇંટો અને નદીના કાંપ માંથી ગબ્બર બનાવવાનો અને રોજ રોજ તેલ ઘી ઉઘરાવવા જતા ,પછી પ્રસાદ અને છેલ્લે સાંજે મલ્લા માતાની આરતી કરીને પ્રસાદ ઘેર ઘેર વેહચવા જવાનું , આરતીની થાળી માં પૈસા આવે એમાંથી લહાણી લેવાની અને રોજે રોજ ની કોઈ ક રમકડાની લહાણી ઓ તો હોય જ ..
અમારા કનુકાકા પાનકોરનાકા રમકડા માર્કેટમાંથી થેલીઓ ની થેલી ભરીને સિસોટી , પીપુડા , ચકરડી ,ગોગલ્સ ..અને બીજા નાના નાના રમકડા લાવતા અને અમે ત્રણે ભાઈ બેન ઓટલે લહાણી કરવા બેસતા .. આખી સોસાયટી ગાજી ઉઠતી સિસોટીઓ ના અવાજથી …બધું ક્યાંક ખોવાઈ ગયું છે ..
નથી રહ્યા મલ્લા માતા, નથી રહ્યા એ છોકરા ,અને નથી રહી એ લહાણી હવે તો લહાણી શબ્દ છાપામાં આવે એટલે સમજવાનું કે ઔડા કે મ્યુનીસીપલીટીએ કોઈક પ્લોટ બિલ્ડરોને મફતમાં આપી દીધો હશે …!!!
છાણા ના દેવ ને કોડા ની આંખો .. આ કેહવતને ખરેખર અમે લાગુ પાડતા..કામા હોટલની બાજુની ગલીમાંથી નદીના ભાઠામાં ઉતરતા અને થોડી રેતી થોડો કાદવને ખુંદતા ખુંદતા નદીની વચ્ચો વચ જતા ,રસ્તામાં ગધેડાવાળી એના ગધેડા પર રેતી ભરી ભરીને જતી મળતી અને એ ગધેડાની પાડેલી કેડી પર ચાલતા ..
એકદમ ચીકાશવાળો કાંપ શોધતા અને લાવતા અને એમાંથી મલ્લા માતાની મૂર્તિ બનવતા ,અને એ મૂર્તિની આંખો અમે કોડી ની બનાવતા …!!!!
ઘૂંટણ ઘૂંટણના એ કાદવમાંથી કાંપ શોધીને લાવતા …!!!
હા એક બીજી વસ્તુ હમણા ઘણા સમયથી નવરાત્રીમાં જોઈ નથી , જુના શેરી ગરબામાં લોકો ને માતાજી આવતા આજકાલ કલબો માં કોઈ ને માતાજી નથી આવતા ..!!!
લગભગ એ માતાજી “લાવવાની “ સોરી આવવાની પરંપરા લુપ્ત થતી જાય છે ..
અને ગરબા મોઢેથી ગાવાના અને સાથે સાથે પગેથી ફરવાના એ બધું ખોવાયું છે , ઘોડો ખુન્દ્વાની પરંપરા પણ જતી રહી છે અને સનેડો આવી ગયો …!!
નવા નવા ગરબા આવે છે પણ જુના જેવી મીઠાશ નથી પકડાતી … ઘરમાં દીકરીઓનો ઉત્સાહ ધીમે ધીમે વધતો જાય છે અને પાસ ના વહીવટો ચાલુ થયા છે , થોડા મોંઘા છે બસ્સોથી રૂપિયાથી ચાલુ થાય છે .. રેડિયામાં નવરાત્રીની જાહેરાતો વધતી જાય છે , નવા સ્કુટર ગાડી વેચવા માટે શો રૂમોની સજાવટ શરૂ થઇ ગઈ છે બસ આવતો બુધવાર … અને ઢોલ ઢબુકશે અને રંગત જામશે …
કોઈ આરા તે સુરથી તેડાવો ..મારી માયું ને અંબે માં રમવા ને આવો …
કુમકુમ ના પગલા પડ્યા માડીના હેત ઢળ્યા ..
જોવા લોક ટોળે વળ્યા રે હે ..
માડી તારા આવવાના એંધાણ થયા …
ચાલો ત્યારે સૌને ..જય અંબે
શુભ રાત્રી
શૈશવ વોરા