નવેમ્બર આગળ ધપતો જાય છે,વાતાવરણમાં ઠંડક પણ મસ્ત મસ્ત આવતી જાય છે,સ્વેટર્સ બહાર આવી ગયા છે..!
પરદેસી પંખીડા “ઘર” જોવા પ્લેનો ભરી ભરીને એરપોર્ટે ઉતરતા જાય છે..
રોજ સાંજે અમદાવાદ એરપોર્ટ પર હરખની હેલીઓ ચડે છે, હરખના આંસુડા રેલાય છે..!! “અલ્યા હજી તો સિંગાપોર આવી,આપડા તો અમીરાતમાં છે..કતારમાં આવે છે,”
ડોકા તા`ણી તા`ણીને બાહર ઉભેલી આંખો,અંદર ટ્રોલી ખેંચતા અને ટ્રોલીની આગળ પાછળ દોડતા પેલા ક્યુટ ક્યુટ એમના કાળજાના કટકાને શોધતી હોય છે.. એક એક મિનીટ એક જુગ જુગ ની લાગે અને ઘણી રાહ જોયે પેલા આપ`ડા એનઆરઆઈ પંખીડા બાહર આવે..
મમ્મી..ભઈ..પપ્પા..મામા ..કાકા…કરતી બુમો પડે..રોજ ફેસટાઈમમાં જોતા મોઢા આજે છાતી સરસા ચંપાય,અને બે આંસુડા ક્યાંક ટપકી અને લૂછાઈ જાય..(આ વાત ફક્ત નેવુંની સાલ પછી માઈગ્રેટ થયેલાને જ લાગુ પડે છે..બાકીના માટે કેસ ટુ કેસ સ્ટડી કર્યા પછી નક્કી થાય..)
અને પછી તરત જ સવાલ આવે લગ્નની બધી તૈયારીઓ થઇ ગઈ..? હા બેટા બસ તમારા માપ નોહતા એટલે ખાલી તમારા કપડા જ બાકી છે..!
ઘેર પોહચી અને ફોન ચાલુ થાય અને રોજ સવાર સાંજ કોઈને કોઈને મળવાનું અને જમવાનાના ગોઠવાય..લગ્નોમાં સજીધજીને જવાના થાય..!!!
માગશરના મુર્હ્તોવાળા લગનોની કંકોત્રીઓ એક પછી એક આવતી જાય છે,લાગે છે ડીસેમ્બર આખો ઘેર ખાવા નહિ મળે..કંકોત્રીના થપ્પા જોઇને ઘરવાળાએ લોકરમાં ક્યારે જવું છે એવો સવાલ પૂછી લીધો છે..!!
અમદાવાદ આ વખતે “અરેબિયન મીઠાઈ” ના ચસકે ચડવાનું છે..!!
હમણાં દિવાળી પછી તરત જ એક મિંયાભાઈના લગન હતા,અને પાર્ટી પોહચતી પામતી હતી,અને કેટરિંગ “આપડા” મહારાજ નું હતું એટલે અંદાજ આવી ગયો કે આ સીઝનમાં શું નવો “ખેલ” પડવાનો છે..! અરેબિયન મીઠાઈ અને લેબેનીઝ જોરમાં રહે એવું લાગે છે..
સાધારણ “સરખી” જગ્યાએ બારસોથી લઈને સાડાત્રણ હજારની પ્લેટ પડે છે અને મધ્યમવર્ગ ના લગ્નોમાં ગમે તેટલા તાણી તાણીને ખેલ કરે તો પાંચસો છસ્સોથી નીચે પ્લેટ આવતી નથી..!
જો કે સામે લગ્નોમાં “માણસ” પણ ઘટી ગયું છે, નાના નાના કોમ્પેક્ટ પાર્ટી પ્લોટમાં ત્રણસો ચારસો “માણસ” બોલાવે એટલે બહુ થયું..લાંબા લાંબા વેહવારો હવે લગભગ ઓછા થતા જાય છે, એટલે મોંઘી પ્લેટો અને ઓછું માણસ એમ બે ના ટોટલ કરો તો લગભગ એ જ થાય છે, જે પેહલા હતા તે..!
કોઈ પૂછે કે મોંઘવારી ..વધી કે નહી..?
બોલો વધી કે નહિ..?
બોલો વધી કે નહિ..?(આજકાલ ચૂંટણીની સીઝનમાં બધું ત્રણવાર બોલી અને પુછાવી અને ધાર્યું બોલવાની કોશિશ ઘણી થાય છે,અને મોંઘવારીના મામલામાં તો ખાસ..)
ચોથા પગારપંચથી સાતમાં પગારપંચ સુધીમાં..મોંઘવારી ઘટી ..!!!!?????
આપ`ડે આજકાલ પગારપંચનો હવાલો આપી દઈએ છીએ..!
મારા બેટા ત્રણ ત્રણ વાર પૂછી અને એમનું ધાર્યું આપડા મોઢે બોલાવે છે,અને જો ખરેખર મોંઘવારી ઘટી છે,તો સાતમું પગારપંચ લાગુ પાડ્યું એની બદલે ચોથા પગાર પંચના નિયમો લગાડી અને પાછલી ઈફેક્ટથી છ મહિનાના પગારોમાંથી રૂપિયા કાપી લો..તમારા ઢોરાંના..!!! અને પછી જુઓ ત્રણ વાર નહિ ત્રીસ વાર અને સામે થી કહીશું મોંઘવારી ઘટી ઘટી ઘટી ઘટી ઘટી…!!
એની વે..!!!
સી.જી.રોડની દુકાનોમાં લગ્નસરાની ઘરાકી લગભગ દિવાળી ઉતરે ચાલુ થઇ ગઈ છે..બ્રાઈડલ અને ગ્રુમના કપડા તો ઇવેન્ટ મેનેજરોએ થીમ પ્રમાણે નક્કી કરીને ટ્રાયલ્સ લઈને કમ્પ્લીટ કરી નાખ્યા છે,પ્રીવેડીંગ ફોટો શૂટ પણ લગભગ પુરા થઇ ગયા છે..હનીમુનના બુકિંગ અને પ્લાનીગ બધું કમ્પ્લીટ થઇ ગયું છે બસ હવે ઢોલ ઢબુકે એની રાહ છે..
વર કન્યાના તદ્દન અંગત લોકો સવાર સાંજ સજીધજીને કંકોતરીઓ વેહ્ચવા નીકળી ચુક્યા છે,રોજની આઠદસ આઠદસ કંકોત્રી વેહચાય અને બહારગામની કુરીયર અને ફોન ચાલુ થઇ ગયા છે..
વરકન્યાના માંબાપ પણ પાર્લર અને સેલોં જઈને પ્રીવેડ ટ્રીટમેન્ટ કરાવતા થઇ ગયા છે..આજકાલ લોકોને હવે એક કે બે સંતાન હોય છે અને લગ્ન માટે ઘણું જ આગોતરું રૂપિયા અને ઘરેણાનું થતું હોય છે,વળી રીત રીવાજોનું જોર ઘટતું જાય છે, જુના ફઈ,મામી,માસી આ બધાના વાંધાવચકા હવે ખાસ રહ્યા નહિ,એટલે ઘરના તમામ લોકો અને બંને પક્ષે લગ્નને બહુ જ સરસ રીતે માણતા થઇ ગયા છે..!
ઘણીવાર વરકન્યાના માંબાપ પણ એટલા યંગ હોય અને એટલી સરસ રીતે એન્જોય કરતા હોય કે જોઇને દિલ ખુશ ખુશ થઇ જાય..!!
ગઈ સીઝનમાં એક સરસ મજાના લગ્નમાં અમે ગયા હતા કન્યાની માતા આપડી કોલેજની સીનીયર નીકળી..અને આપડે મોઢામાંથી બોલી ગયા એ આ તો પેલી..
તરત જ અમારા ઘરવાળાએ ચૂંટીયો ભર્યો ..બસ એ હવે,સીનીયર હતી..એની છોકરી પરણે છે..
આપણે પણ સાલું ઝલાઈ જઈએ ને એટલે ડબલ જોર કરીએ પાછા..હા હવે હું ક્યા એનો નંબર લેવા ગયો છું..
સામે પત્નીજી નો ઠંડકથી જવાબ આવ્યો એ તો ફેસબુક કે ઈન્સ્ટા પરથી તું શોધી કાઢીશ..તારી જોડે હજાર રસ્તા છે..!
ગમે તેટલા સીધા રહીએ ને તો પણ પુરુષ માણસની મથરાવટી મેલી જ રે`વાની.. સેહજ સારી દેખાતીના વખાણ કરો કે તરત જ લગામ ખેંચે..! અને તો પણ વાંદરો “ડોકાચીયા” તાણે એટલે ભ્રુકુટીઓ ખેંચાય અને પછી કડક અવાજ આવે બસ હોં..! અટકો અહોયા પરણે એને ગાવ..!
સાલુ ક્યારેક તો એમ થાય કે ખોટા લગન કરી લીધા નહિ..એમાં પણ કો`ક એકા`દો આપણી ઉંમરના વાંઢાને ખુલ્લા ખેતરમાં ચરતો જોઈએને ત્યારે તો ખાસ..!
હશે પણ હવે આપડે તો લાકડાના લાડુ ખાઈ લીધા છે અને બીજા જેટલાને કહીએ છીએ એ કોઈ માનવા જ તૈયાર નથી થતો અને ધન ધતુંડી પત્તુંડી.. ધન ધતુંડી પત્તુંડી.. ધન ધતુંડી પત્તુંડી..કરતા ઢોલ વાગે અને સજીધજીને માટીડો શણગારેલી ગાડીમાં બેસી જાય એની લાડીને લેવા..!
જા ત્યારે શું ..!
અમે તો ઘણો સમજાવ્યો પણ છોરાને પૈણ ચડ્યું હોય..ત્યાં
આજ નો બ્લોગ વાંચીને શ્રીમતીજી ની કોમેન્ટ શું આવશે એ કહું..?( લગ્નના અઢાર વર્ષે એટલી તો ખબર હોય જ ને..)
“આ ખુલ્લા ખેતરમાં ચરી ખાતા સાંઢને “ગામ” કેટલી લાકડીઓ અને પથરા મારે છે ને એ જરા તમારા સાંઢને પુછજો, અહિયાં તો તમે સાંજે ઘેર આવો ત્યારે તમને તમારા ગરમ ગરમ “પૂળા” તૈયાર મળે છે..સાચ્ચે માણસને જે મળ્યું હોય એની કદર જ નથી,ગ્રાસીસ આર ઓલ્વેઝ ગ્રીન ઓન ધ અધર સાઈડ..! ”
હવે આમાંથી આપણે શું લેવાનું ..”ગ્રીન ગ્રાસ”..!!
હે હે હે..!!
એન્જોય ગાઈઝ,આવનારા લગ્નો અને જમણવારો ને..!
અત્યારે સાંજના સાડા પાંચ થયા છે સીજી રોડ ઉપર છું કમ્પ્લીટ જામ છે,એક એક ફૂટ ગાડી આગળ જઈ રહી છે અને દુકાનોમાં લગ્નો ના અને એનઆરઆઈ ચોકઠા દેખાઈ રહ્યા છે..!
આપની સાંજ શુભ રહે..
શૈશવ વોરા