અંતે ગુજરાતમાં પદ્માવતી ઉપર પ્રતિબંધ લાગી ગયો..
બરાબર થયુ છે..પેહલા લખ્યું એમ બોલીવુડને સમજણ પડવી જોઈએ કે પબ્લીસીટી માટે વધારે પડતા કરવામાં આવતા “ખેલ” ક્યારેક મોંઘા પડે..દરેક વખતે કોઈને કોઈ “કોન્ટ્રોવર્સી” ઉભી કરી અને કરોડો કમાઈ લેવા એ રીત ખોટી છે..
મારો થોડાક મિત્રો એ મારો કાન આમળ્યો કે તારા પાસેથી આવી અપેક્ષા નોહતી શૈશવ, કોઈપણ સર્જકને કોઈપણ પાત્ર સાથે લઈને એની સર્જનાત્મકતા ની અભિવ્યક્તિની છુટ્ટી હોવી જોઈએ..
ચોક્કસ દોસ્તો,સર્જક ને અભિવ્યક્તિની છૂટ હોવી જ જોઈએ પણ મર્યાદાનું પાલન પણ સર્જકે કરવું જ રહ્યું..
સર્જનાત્મકતાના નામે હિંદુ દેવી દેવતાઓના નગ્ન ચિત્રો હજી બે દસકા પેહલા જ દોરાઈ ચુક્યા છે..! અને એનો પુરજોશમાં વિરોધ થયો હતો..
એની સામે દલીલ એવી આવી હતી કે આપણે વળી ક્યા મંદિરના થાંભલે શોભતી અપ્સરાઓની મૂર્તિને કપડા પેહરાવ્યા છે ? મહાકવિ કાલીદાસે કયું વર્ણન બાકી રાખ્યું છે..?
વાત તો સાચી,પણ મર્યાદા તો ક્યાંક અને ક્યારેક બંધાવી જ પડે..
મને બરાબર યાદ છે કે હું નવમાં ધોરણના વેકેશનમાં મારા મામાને ઘેર અમરેલી ગયો હતો, સંસ્કૃતના પ્રખર વિદ્વાન “પંડિત” ડો. વસંત પરીખ એ મારા મામા થાય..
અમરેલીમાં હું મામાને ઘેર જેટલા દિવસ રેહતો એટલા દિવસ કોઈ ને કોઈ પુસ્તક વાંચવા મળતું, અને આપડે વાંચી પણ જતા,ત્યારે અશ્વિની ભટ્ટ,હરકિસન મેહતાથી આગળ વધી ને ક.મા.મુનશી સુધી પોહચ્યો હતો, સરસ્વતીચંદ્ર ઉપર પણ નજર પડી ગયેલી..
હવે એક દિવસ મમ્મી અને વસંતમામા બંને ભાઇબેન હિંચકે બેઠા હતા અને મેં માંગણી મૂકી મામા મારે અભિજ્ઞાન શાકુન્તલ વાંચવું છે મને આપો..
મામા એ ઘસીને ના પાડી હજી તમારી ઉંમર નથી કાલીદાસને વાંચવાની,અને મમ્મીએ એમાં હામી ભરી હતી..એ દિવસે મારી જબરજસ્ત છટકી હતી..એવું તે શું છે કે મારાથી કાલિદાસ ના વંચાય..!!??
હવે મમ્મીની હાજરીમાં નાં આવી, અને એ પણ વસંતમામાની એટલે પછી આપડે મહાકવિને વાંચવાનો મોહ ત્યારે જતો કર્યો..
ઉંમર વધતી ગઈ અને વાંચન વધ્યું પછી મહાકવિને વાંચ્યા અને સમજવાની કોશિશ હજી પણ ચાલુ છે..આજે ખાલી એટલું સમજાય છે કે ના કેમ પડી હતી..નવમાં ધોરણ ની ઉંમરે મહાકવિના શૃંગારિક વર્ણનને કદાચ મેં બિલકુલ પોર્ન સ્ટોરીની જેમ જ લીધી હોત અને માટે મને અટકાવવામાં આવ્યો હતો.. નવરસનું ભાન થવું પેહલા નવરસને જોવા, જાણવા, અને પછી માણવાની વાત આવે, આજે માણી શકીએ છીએ..દરેકના નસીબમાં આ વાત નથી હોતી..અને આજે હું સમજી શકું છું કે કોઈપણ સર્જકની કૃતિ એ કોઈપણ વ્યક્તિ માટે નથી હોતી..!!!
પદ્માવતીનો ઈતિહાસ આજકાલ વોટ્સએપ પર ખુબ ફરી રહ્યો છે, અને મીડિયા પણ ગાંડાની જેમ પદ્માવતીના ઈતિહાસની બારીકીઓ ખૂણેખાંચરેથી ફંફોસીને બહાર લાવી રહ્યું છે..
સંજય લીલાની ઘણી બધી ફિલ્મો “માસ” માટે નહિ પણ “ક્લાસ” માટેની રહી છે,પણ પદ્માવતી કદાચ માસ માટેની ફિલ્મ છે અને માસ માટે બનતી કૃતિમાં વધારે પડતા એક્સ્પરીમેન્ટ ના થાય..
એકવાતનો સ્વીકાર કરવો રહ્યો કે આપણે ત્યાં મહર્ષિ વાલ્મીકીની કે તુલસી રચિત રામકથા બેસે, મહર્ષિ વેદવ્યાસ રચિત ભાગવતકથા બેસે,અને દિવસો સુધી હજારો અને લાખ્ખો માણસો આવે,બેસે,..સાંભળે અને ઘેર જાય..
પણ ક્યારેય તમે એવું સાંભળ્યું કે ક્યાંય મહર્ષિ વાત્સાયનના કામસૂત્રની કથા રાખી છે..??
આ દેશ સદીઓથી મર્યાદામાં રહી ને જીવ્યો છે, કોઈ સર્જકે પોતાની કોઈ રચના કરી લીધી તો પછી એને એના “ચોક્કસ” ઓડીયન્સ સુધી જ આપણે જવા દઈએ છીએ,ભારતીય સમાજની આ ખૂબી છે “અવેલેબલ” બધું જ છે છતાં પણ મેળવવા માટે યોગ્યતા અને પાત્રતા કેળવવી પડે, ત્યારે જ તમને ક્યાંક “સાંધો” મળે..!
માસ માટે બનાવેલી પદ્માવતીમાં કદાચ ખોટા એક્સ્પરીમેન્ટ થઇ ગયા છે, આ પેહલા “રામલીલા”માં પણ ખેલ કરવા ગયા અને ભરાઈ પડ્યા અને પછી બધું મૂળેથી બદલાવવાના વારા આવ્યા..
મારી ક્રિયેટીવીટી બતાડવા માટે હું બીજાની ભાવના સાથે ના રમી શકું..!
હું ભારતની ભીડમાં રહીને જીવું છું, અને મને પોહળો થવાની છૂટ ત્યાં સુધી જ છે કે જ્યાં સુધી હું બીજાને વગાડી ના દઉં..નવરાત્રીમાં ગરબા રમવા હોય અને હું કઈ ક “નવું નક્કોર” મારું પોતાનું ઇન્વેન્ટ કરેલું ચાલીસ સ્ટેપનું દોઢિયું રમું અને આજુબાજુવાળા બધાની જોડે અથડાઅથડી કરું, તો બેચારવાર કોઈ માફ કરે પણ પછી તો સીધી “ઝાપટ” જ આવે ભાઈ તારા ઘેર જઈને ગરબા રમ..!
હમણાં હમણાં બે ચાર દિલ્લીના પત્રકારો “હોશિયારી”માં ખીલજીના મકબરા સુધી પોહચી ગયા અને પછી ગુજરાતી નકલખોરોએ પણ ખીલજીના મકબરાની સ્ટોરી કરી..!
“અઘરા” બાકી હો..!
એક ચેનલ લખે છે કે ખીલજીએ તો ભારતને મંગોલ હુમલાથી પ્રોટેકશન આપ્યું નહિ તો ભારતનો ઈતિહાસ કૈક જુદો જ હોય…
અલ્યા ફઈને મૂછો હોત તો કાકા કે`ત..
વાત તો એવી એવી કરે કે જાણે ભારત સદીઓ થી નપાણીયુ જ રહ્યું છે..! ભઈ જા ને હવે…હવા આવવા દે..! તારા કામ નહિ સામ્યવાદી..નક્સલ્યીયા..
એક ભાઈ “જૌહર”ને આત્મહત્યા ગણાવે તો “કેસરિયા”ને શું ગણાવું મૂર્ખતાભરી આત્મહત્યા ?
શરમ આવવી જોઈએ ઉચ્ચ ગૌરવપૂર્ણ બલિદાનને આવા હીનકક્ષાના ઠાલા શબ્દોથી ઉતારી પાડવાના પ્રયત્નો કરનારા લોકો ને..
મને નાનપણથી ઈતિહાસમાં શીખવાડ્યું છે કે અકબર મહાન હતો અને રાણાપ્રતાપ પણ મહાન હતા..!
એક જબરજસ્ત કન્ફયુઝન દિમાગમાં વર્ષો સુધી ચાલ્યું કે આગ્રા જાઉં ત્યારે પ્રાઉડ ફિલ કરું કે મેવાડ જાઉં ત્યારે..?
રાજા માનસિંગ સાચો કે બાપ્પા રાવલના વંશજો..?
ઈતિહાસને ગજબ તોડીમરોડીને આપડી સામે મુકાયો છે..ચિત્તોડગઢના કિલ્લામાં ઉભા રહી ને ગાઈડે દર વખતે કીધું અને બતાડ્યું કે પાણીની વચ્ચે ઉભેલા પદ્મિની મેહલના પેલા અરીસામાંથી પદ્મિનીને ખીલજીએ જોઈ હતી, અને ત્યાં એએસઆઈ એ તકતી પણ મારેલી હતી, હવે કદાચ આ વિવાદ પછી કાઢી લીધી હોય તો નવાઈ નહિ,મહારાવલ રાણા રતનસિંગ અને એ પછીની એમની વંશાવાળીએ ઇસ્લામિક હુમલાઓ સામે જબરજસ્ત ઝીંક ઝીલી હતી અને સતત થતા હુમલાઓ સામે ક્યારેક શિકસ્ત ખાધી પણ હોઈ શકે,અને માટે જ કદાચ સમય સમય પર મેવાડ પોતાની રાજધાનીઓ પણ બદલતું રહ્યું હતું…સાંગાનેર, કુમ્ભ્લગઢ,ચિત્તોડ અને છેલ્લે ઉદયપુર..
ચિત્તોડ ની વાત કરીએ તો ચિત્તોડ એક આજે મૃત કિલ્લો છે,મહારાણી મીરાં એ ચિત્તોડ છોડ્યું પછી ચિત્તોડને શ્રાપ પડેલો છે..મીરાબાઈએ ચિત્તોડ છોડ્યા પછી ચિત્તોડ ક્યારેય ફરી વસ્યું નથી,આબાદ નથી થયું..
ગુજરાત રાજસ્થાનના લગભગ બધા જ કિલ્લા અમે નાનપણથી ભમ્યા છીએ, અને એ પણ જાતે ડ્રાઈવ કરીને..દરેક કિલ્લામાં ગાડી ઘુસાડતી વખતે છેલ્લો ઢાળ ચડાવતી વખતે હંમેશાં ગાડીને પેહલા ગીયરમાં લગભગ લેવી પડે છે, એક તો દરેક કિલ્લાના રસ્તા સાંકડા હોય અને ઢાળ ઉભા..પણ એમાં ચિત્તોડગઢનો ઢાળ ઉભો તો છે જ પણ જોડે જોડે આકરો પણ છે,બહુ પેહલાથી તમારે ગાડી પેહલા બીજા ગીયરમાં રમાડવી પડે નહિ તો તરત જ ગાડી પાછી પડે..!
કેહવાનું તાત્પર્ય એટલું જ છે કે એટલી બધી હાઈટ પર છે ચિત્તોડગઢ કે એને ફતેહ કરવો એ કોઈપણ આક્રમણખોર માટે એ જમાનામાં અત્યંત મુશ્કેલભર્યો રહ્યો હોય..અને છતાં પણ કદાચ ખીલજી ચિત્તોડ સુધી પોહચી પણ ગયો હોય તો પણ એ મારો હીરોના હોઈ શકે..
આજે જીવનના અડતાલીસમાં વર્ષે ભારતીય ઉપમહાદ્વીપના કાશ્મીરથી કોલંબો અને થીમ્પુથી સોમનાથ સુધીના ભ્રમણ પછી એટલું તો ચોક્કસ કહીશ કે મારો હીરો એકપણ ઇસ્લામિક શાસક નથી..
એ ટીપુસુલતાન હોય કે પછી જલાલ્લુદ્દીન..!
પાકિસ્તાની ચિંતક અને વિચારક શ્રી તારક ફતાહ સાચા છે તમે કેમ ઇસ્લામિક શાસકોને હીરો ગણાવો છે ?એમણે તો તમારી કલા,સંસ્કૃતિથી લઈને તમારા વૈભવને નષ્ટ કર્યો છે..! સામે એમ દલીલ કરે કોઈ કે એ બધા પણ તારી જેટલો જ હિન્દને પ્રેમ કરતા હતા..ખોટ્ટી વાત એ લોકો ઈલલીગલ ઇમિગ્રન્ટ હતા અને ઇમિગ્રન્ટસની ત્રણ ચાર પેઢી જે તે દેશમાં જાય એ પછી એમના મૂળિયાં માતૃદેશથી કપાઈ જાય છે,એટલે ત્રીજી ચોથી પેઢીના ઇમિગ્રન્ટને તો જખ મારીને એમના બાપદાદા જ્યાં વસ્યા હોય એ દેશને પ્રેમ કરવો જ પડે છે..!
સિંધુ અને બ્રહ્મપુત્રના મેદાનોમાં ઉછરેલી,વ્યાપેલી સંસ્કૃતિઓની ઘોર ખોદી નાખી વગર ફૂટપટ્ટીએ બ્રહ્માંડના રહસ્યો ઉજાગર કરનારી પ્રજાને રાનરાન અને પાનપાન કરી નાખી અને પછી એમ બોલે કે લખે આપણે તો પેહલેથી જ “આવા” હતા..!
સો વાતની એક વાત ચિત્તોડના કિલ્લામાં જો તમારામાં સેહજ પણ છઠ્ઠી ઇન્દ્રિય જીવતી હોય તો આજે પણ એ કિલ્લાની દિવાલો બોલતી અને લોહી નીતરતી દેખાશે..જૌહરકુંડને તો માટી નાખીને સદીઓ પેહલાથી દાટી દેવાયો છે પણ એની ઉપર ચાલતા કે પગ મુક્તા આજે પણ જીવ નથી ચાલતો..
આ દેશ સતીઓના “સત્ત” થી અને બાપદાદાના “પુણ્ય” ઉજળો છે..!
એક બહુ જૂની કેહવત છે કે “ઝેરના અને સત્તના પારખા ના હોય..”
સંજય લીલા “સત્ત” ના પારખા કરવા ગયા..
કલ્પનામાં પણ જે ના કરાય,ત્યાં ક્રિયેશનનો તો વાત ક્યા આવી..?
એમના હીરો રણબીરે જ બડાશ મારી હતી કે એની અને દીપિકાના સીન છે ફિલ્મમાં અને પછી જ ભડકો થયો હતો..એટલે પેહલા જુવો તો ખરા પછી વિરોધ કરો..
એ વાત ખોટી..!!
પબ્લીસીટી માટે “બેફામ” થયેલા હવે કદાચ પેટભરીને પસ્તાતા હશે કે ખોટો ખીલ્લો ઉપડાઈ ગયો..
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા