તારક મેહતા દેવલોક સિધાવ્યા..
એક સાથે આખો પાઉડર ગલીનો માળો જાણે સ્વર્ગે સીધાવ્યો હોય એવી ફીલિંગ આવી,જેઠાલાલ,દયા,ચંપકલાલ..હિંમતલાલ માસ્તર,રંજન અને કનુ ચામાચીડ્યો, તંબક તાવડો,સ્મગલર સુંદરલાલ,મલબાર હીલવાળા માસી,માસા રૂપેશ .. મટકાકિંગ મોહનલાલ ,રસિક સટોડીયો.. ટપુ અને વચલી..! વાર તેહવારે વચ્ચે આવતા પારસી કેરેક્ટર ..જીવણલાલ દરજી,ડોકટર હાથી કેટલા બધા..!
આ બધા હવે નહિ મળે જીવનમાં..!!! એકસાથે આટલા બધા લોકો જતા રહે.. આ તો ૨૦૦૧ના ભૂકંપ કરતા પણ મોટી ઘટના ઘટી ગઈ હોય એવું લાગે છે..!
નિરાશા છવાઈ જાય જીવનમાં..લગભગ બાળપણથી ચિત્રલેખા નવું આવે એ ભેગા ઉંધા ચશ્માં ખોલવાના અને એક બેઠકે પુરા કરવાના..રંજન અને કનુ ચામાંચીડીયો તો ઘણા પાઉડર ગલીમાં ઘણા મોડા રેહવા આવ્યા હું તો એ પેહલાનો પાઉડર ગલીના માળામાં રહુછું..કેટલી વાર હિમતલાલ માસ્તરને દમ નાં એટેક આવ્યા અને દાખલ કર્યા, અને કેટલીવાર સુંદરલાલે જેઠાલાલને ફસાવ્યા અને જેઠાલાલનું ધોતિયું તો બાપરે બાપ કેટલી વાર ઉલાળ્યું..સુરતી રસિક સટોડિયાની પેલી (ગાળ) (ગાળ) (ગાળ) અને રંજનના બિલકુલ સ્ત્રીસહજ છતાં પણ જેઠાલાલને ઉક્સાવતા નખરા અને જેઠાલાલના લાખ લાખ ઝાંસા પણ અડગ રેહતી રંજન અને ટપુના મોઢે “રંજન ફોઈ” કેહવુ..
મારો એક ભત્રીજો જે મારાથી બાર તેર વર્ષ નાનો છે અને એ મારી બધી જ સ્ત્રીમિત્રોને આજે પણ ફોઈ કહીને જ બોલાવે છે, કર્ટસી ઉંધા ચશ્માં..! કોલેજના જમાનાથી સાલો મને કેહતો હું કોઈને આંટી કે દીદી નહિ કહું,ક્યાં તો ફોઈ કહું ક્યાં તો કાકી તમે નક્કી કરી આપો નહિ તો હું ફોઈ જ કહીશ..
હવે એ ટેણીયાને શું કેહવું કે જેઠાલાલના દિલના કેટકેટલા “અરમાન” હોય અને રંજનની ચારેબાજુ કૈક “કનુ ચામાચીડિયા” દિવસ અને રાત ઉડતા હોય..અને મારા ભાભી કેહતા કે આ તારા જેઠાલાલને તો બધી તારી કાકી જ બનાવવી હોય પણ તારી એકે “ફોઈ” માનવી જોઈએ ને..!
ટીનએજમાં એક એક છોકરીમાં એ જમાનામાં બધા ને ક્યાંક ક્યાંક વચલી દેખાતી અને એનો બાપ હિમતલાલ જેવો ગાય જેવો હોય એવી આશા રાખતા ..
પોત્તે ના કરી શકતા કારનામા જેઠાલાલના રૂપમાં લોકો જોઈ લેતા અને બધા કારનામા કરવા જતા ઘરમાં રહેલા “ચંપકલાલ” ની એક ગજબની બીક..આજે ચાલીસી ક્રોસ કરીને ખરેખર પાર્ટી કરવાની ઈચ્છા થાય તો પેલા જેઠાલાલની યાદ આવી જાય છે..!
પેહલા મારા બારણામાંથી એક પેટ અંદર પ્રવેશ્યું અને પાછળ ત્રંબકલાલ આવ્યા.. પીંચું કપૂરને હું ત્રંબક તાવડાની જગ્યાએ મૂકીને જોતો..!
ઉંધા ચશ્માંની જોડે આવતી હરકિસન મેહતાની ઘણીબધી વાર્તા પૂરી થઇ ગઈ પણ ઉંધા ચશ્માં ક્યારેય અટક્યા નહિ,અને એકદમ રોજીંદા જીવન અને ટોપિકને પકડી રાખીને વર્ષો વરસપાઉડર ગલીનો આખો માળો જીવતો રહ્યો..!
કૈક લોકો એ કાગળ લખી લખીને મોકલ્યા અલ્યા મેહતા હવે તારે ઘેર તો પારણુ બંધાવ..! પણ ટપુની જગ્યા કોઈને ના આપી અને વચલી જોડેના બાળસહજ પ્રેમને ક્યારેય કિશોરાવસ્થામાં ના આવવા દીધો ક્યારેક સપનામાં ટપુ વચલીને પરણાવી દીધા અને વાચકોને એંધાણી આપી દીધી કે ભવિષ્ય શું છે..પણ એ ભવિષ્યને લાગલગાટ ત્રણ દસકા સુધી વર્તમાનમાં જ જકડી રાખ્યું..ટપુની યુવાની ક્યારેય ના આવી… આવી જબરજસ્ત કારીગરી તો જેઠાલાલના મેહતુ`સ જ કરી શકે..!
દારૂ પીધેલો જેઠાલાલ અને એમનો બેસ્ટી..મેહતુ`સ.. અને બાકી રોજ મેહતા સાહેબ પાડોશીની સાથેની દોસ્તીનો એક અજબગજબનો સંજોગ, અને ભાભીની બેહનપણી રંજન જેના પર ફૂલ ક્રશ છતાં પણ ભાભી પિયર જાય તો મેહતા સાહેબ મારા જ ઘરે જમે..રંજન ગમે તે કરે અને રંજન પર ગમે તેટલો ક્રશ પણ દોસ્તી પેહલા રંજન પછી..!
બિલકુલ નકામો એવો રસિક સટોડીયો અને પંજાબી જસબીરની પારસણ બૈરી, રોજ પીવાનું અને પારસણના હાથ નો માર ખાતો આખો માળો ગજવતો પંજાબી..
પોલીસ જોડે ચોર-પોલીસ રમતો માય ડીયર,માય ડીયર.. કરતો સ્મગલર સાળો સુંદરલાલ અને સાવ ગમાર પણ એમના શ્રીમતીજી જોડે મળી ગયેલા જીવવાળા ટપુની જશોદામાં અને મુંબઈના માળામાં દિવસો કાઢતા ગૃહિણી એવા દયાભાભી.. લગભગ બે ચાર અઠવાડિયે પોક મુકીને એકવાર રડતા..!
અને ટપુના “બાપ” જેઠાલાલને કન્ટ્રોલ કરતા અને કોઈને કોઈ નવા કારસ્તાન કરતા અને જેઠાલાલને ફીટ કરતા એના બાપ ચંપકલાલ..!
એકથી એક ચડે..
મેહતા સાહેબના બે માથાળા બોસ બાબુલાલ અને એમની બોસાણી મંજરીદેવી, બોસ નો વડોદરાથી આવતો અને બોસને બરાબર પજવતો બોસનો હરામી ફાંદેબાજ બનેવી વિભાકર, અને વિભાકરને એક વફાદાર વાણોતરની જેમ કન્ટ્રોલ કરીને પાછો વડોદરા ભેગો કરીને બોસના જીવનની હણાઈ ગયેલી શાંતિને પછી લાવવાની, બોસના પરિવારમાં એમના દીકરાની ક્ર્શ્ચિયન વહુ અને બોસાણી મંજરીદેવીનું કનેક્શન પાછું રંજન જોડે અને મલબાર હિલવાળા માસી જોડે પણ..!
મંજરીબેનના મમ્મી સુલોચના બેન અને સુલુ-બા અને ચંપકકાકાનું જોડે જાત્રાએ જવું અને એ જાત્રામાં બે બળેલા જીવનું મળી જવું અને બિલકુલ શુધ્ધતાથી.. સુલોચનાબેનનું ચંપકલાલને ચંપુ અને ચંપકલાલનું સુલુ સંબોધન.. ક્યાંક થોડા ગલગલીયા કરાવે પણ ઘરડા જીવનો રોમાન્સ ના દેખાય એક મર્યાદા ક્યારેય ના છોડી એ બે ઘરડા જીવે..!
છેલ્લે પાન ખાઈ ને જ્યાંત્યા પિચકારી મારતા પત્રકાર પોપટલાલ અને એમની છત્રી અને એનાથી ચડે એવી ગામડા ગામની પોપટ ની મંગળા.. બારણું બંધ કરીને મંગળા દ્વારા પોપટલાલની થતી ધુલાઇ..પેટ પકડીને હસાવતી..
તારક મેહતાની કાલ્પનિક દુનિયામાં એમની સાથે લાખ્ખો લોકો જીવ્યા અને જીવનના રંગો માણ્યા..! અને મેહતા સાહેબ જ્યાં જ્યાં દુનિયામાં ફર્યા ત્યાં ત્યાં એમનો પાઉડર ગલીના સભ્યોને લઇ ગયા અને વાચકોને ફેરવ્યા..
કેરલા યાત્રામાં ઓપન ટુ સ્કાયવાળુ સંડાસ અને એ સંડાસમાં અમે ખરેખર જયારે કેરલા ગયો ત્યારે પાપા બોલી ઉઠ્યા હતા આ તો પેલુ ચંપકલાલનું સંડાસ..!
મારા લગભગ સ્કુલના જીવનથી ચિત્રલેખા વાંચવાનું ચાલુ થયુ તંત્રી લેખ કે કવર સ્ટોરી વાંચવા અને સમજવા જેટલી બુદ્ધિ ચોથા પાંચમા ધોરણમાં ડેવલપ નોહતી થઇ પણ હા સંદેશમાં આવતું ચકોરનું કાર્ટુન અને ચિત્રલેખાના ઉંધા ચશ્માં ત્યાંથી વાંચનની શરૂઆત..
ધીમે ધીમે આગળ વધતા ગયા,કાંતિ ભટ્ટ અને શીલા ભટ્ટની કલમે દુનિયા જોઈ અને પછી બક્ષી સાહેબ,વાસુદેવ મેહતાની કલમે રાજકીય રંગ અને સ્વામી સચ્ચિદાનંદ,ગુણવંત શાહ,એક પછી એક નામો લીસ્ટમાં વધતા ગયા..સાહિત્યમાં નવલકથા અને એમાં અશ્વિની ભટ્ટ ,હરકિસન મેહતા,થી લઈને છેક મેઘાણી અને પછી તો મહર્ષિ ભૃગુ થી લઈને કાલીદાસ સુધી..વચ્ચે વાત્સાયન અને જયદેવ બધું બહુ વાંચ્યું અને અત્યારે ખાલીને ખાલી માણસ વાંચવાના..
પણ ખરેખર પાઉડર ગલીના એ જર્જરિત માળામાં રેહવાની જે મજા આવી એ કદાચ જિંદગીમાં ફરી ક્યારેય નહિ આવે…
ખરેખર આજે ૨૬મી જાન્યુઆરી ૨૦૦૧ની સાંજ લાગે છે એક સાથે ઘણા બધા સ્વજનોને ભૂલવાનો દિવસ છે..
બે લીટી ની શ્રદ્ધાંજલિ નહિ ચાલે..
હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સહુ લાગીએ,
શરણું મળે સાચું તમારું એહ હૃદયથી માંગીએ,
જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો,
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો…
વળી કર્મનાં યોગે કરી જે કુળમાં એ અવતરે,
ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે,
લાખ ચોરાશી બંધનોને લક્ષમાં લઈ કાપજો,
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો…
સુખ-સંપત્તિ, સુવિચાર ને સતકર્મનો દઈ વારસો,
જન્મો જનમ સતસંગથી કિરતાર પાર ઉતારજો,
આ લોક ને પરલોકમાં તવ પ્રેમ રગ રગ વ્યાપજો,
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો…
મળે મોક્ષ કે સુખ સ્વર્ગનાં આશા ઉરે એવી નથી,
દ્યો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી,
સાચું બતાવી રૂપ શ્રી પ્રભુજી હૃદયે સ્થાપજો,
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો…
-શૈશવ વોરા