“લાઇક” બિઝનેસ.. કેટલો સીરીયસલી લેવો ?
જરરાય નહિ..!
બાકી આ લાઈક બિઝનેસમાં મોટા મોટા રથી અને મહારથી ભોંય ભેગા થઇ જાય છે ને રણમેદાનમાં ઢોલ ,ત્રાંસા ,કાંસા વગાડનારા અને `બુમો` નહિ પણ પ્રેક્ટીકલી `રાડો` પાડનારા `લાઈકો` ની લંકા લુંટી જાય છે..!!
છેલ્લા કેટલાય વખતથી ફેસબુક ઓગણત્રીસ નવસો લાઈક ઉપર મને રમાડે છે, ત્રીસ હજારનો આંકડો નથી આવતો મારા ફેન પેઈજ ઉપર ..!
તો શું કરવાનું ? રૂપિયા ખરચીને લાઈકો ભેગી કરવાની ?
એવા ગાંડા ધંધા થાય ..?
એવું સાંભળ્યું છે કે બહુ લોકો આ લાઈકો અને ફોલોઅર્સના ચક્કરમાં કરોડપતિ થઇ ગયા પણ હકીકત એ છે કે મને આમાં નો એક્ક્કેય મળ્યો નથી..!
લાઈકો તો છોડો બે-ચાર લેખકોને અને મોટીવેશનલ સિવાય કોઈ પત્તરકાર કે લેખક કે પછી મોટી મોટી ફોજદારી કરતા હોય સોશિઅલ મિડિયા ઉપર ત્યાં પણ ક્યાંય બહુ ભલીવાર ભાળ્યો નથી આપણે ..!!
જો કે ગુજરાતી સિવાયનું આપણને જ્ઞાન પણ ઓછું એટલે બીજી પંચાતો કર્યા વિનાની સીધી વાત કહું તો સોશિઅલ મીડિયા તમને તમારા ધંધામાં સપોર્ટ કરે બાકી એને ધંધો ના બનાવાય..!!
એક વાર્તા લખી હતી “સાયકલ મીટીંગ” , મોટાભાગના જાણતા હશે,
પણ એમાં થયું એવું કે જરાક વાઈરલ થઇ ગઈ અને સાઈટ તૂટી પડી,
જનતા જનાર્દનના મેસેજ ઉપર મેસેજ આવવા લાગ્યા, નથી વંચાતું સાઈટ ચાલુ કરો ,ચાલુ કરો..એટલે ગાંઠનું ગોપીચંદન કરી બધું અપગ્રેડ કર્યું પછી શું ?
તો કહે કંઈ નહિ અગિયાર લાખ વ્યુ આવ્યા પણ હાથમાં કશું નહિ ..!
ચોપડી છપાવવા નીકળ્યો પણ બે-પાંચ-દસ લાખ રૂપિયાની વાર્તા આવી ને અટકી ગઈ..!
હવે એટલામાં ક્યાં મોઢા મારવા જવા…? અને ઘરમાં મા`ડીએ બાંધી લીધો છે..આ બધા લખવાના રવાડે નથી ચડી જવાનું હોં.. કારખાના ચલાવવાના છે આપણે ..!!
પછી નવા છોગાં ચાલુ થયા “ઇન્ફ્લુંયેન્શર” ,
તમે બીજાના જીવનમાં કૈક ફર્ક લાવી શકો તેમ છો .. થોડુક વિચાર્યું ..
એવું ? એમ…?
ટીવી ઉપર ડીબેટો લીધી પ્રોબ્લેમ જાણ્યા અને નવા નવા લોકોને મળ્યા , કોઈ ના જીવનમાં ફર્ક આવ્યો કે નહિ એની તો મને ખબર નાં પડી, પણ મારા જીવનમાં ફર્ક આવ્યો , દુનિયાને જોવાની રીત બદલાઈ ગઈ, બહુ મોટા સમાજને ધ્યાનમાં રાખીને વાત કરતા શીખ્યો ..!
ક્યારેક લખાણમાં પણ નજીકના લોકો ટોકતા થયા કે સેહજ ધ્યાન રાખીને લખો બહુ લોકો વાંચે છે..સેહજ જવાબદાર બનાવ્યો પણ ઝાઝો ફર્ક હવે પાકે ઘડે ક્યાં કાંઠલા ચડે..?
હાથમાંથી કોઈ ને પણ મોબાઈલ છૂટતો નથી એ સત્ય ,પણ લાઈક મારતા બહુ જોર આવે પ્રજાને એ પણ બીજું સત્ય ..!
મોટા મોટા તંત્રી અને મંત્રી , કોઈ જ કારણ વિનાના ઝઘડા ઉભા કરે ત્યારે લાઈમ લાઈટમાં રેહવા મળે ,
બાકી તો હવે પેલું અમેરિકા ગયા અને ત્યાંના કોઈ એનઆરઆઈના ઘેર રોકાયા અને પછી એમ લખે છે અમારે તો એકદમ ઘર જેવો સબંધ અને પર્થમાં મારું બીજું ઘર એટલે ફલાણા કાકા ,
અને સાન ઓઝેમાં મારું ઘર એટલે ફલાણી માસી ..એમાં પબ્લિકને એક જમાનામાં અહોભાવ જાગતો , હવે બધું ઠીક મારા ભ`ઈ થઇ ગયું છે..!!
અને ત્યાંવાળો પણ હોશિયાર થઇ ગયો છે, એને પણ ખબર છે કે એના ઘરની અને ગાડીની આ બધાને કેટલી જરૂર છે એટલે મલાવા કરે છે..!!
જો કે ત્યાં વાળો કે વાળીની તો વાત જ નિરાળી છે ..એકવાર ભૂલથી ..એકદમ ભૂલથી હોં તમે અમેરિકા કેનેડા કે ઓસ્ટ્રેલિયામાં વસતા એનઆરજીના ઘેર જઈને રહી આવો પછી તમે ગયા કામથી .. આખી જિંદગીની તમારી બંધાઈ જાય ..!
મને તો એનઆરઆઈના ફોનનો બહુ ત્રાસ લાગે છે , ત્યાં બેઠા બેઠા અહીની દુનિયા જોવી હોય , બોલો બીજું શું ચાલે છે ..? એમ ..? બીજું શું ચાલે છે ?
તગારુંને નગારું તારા હમણાં કહું એનું લ્યા ..
આટલી જ હતી તો શું લેવા ત્યાં ગયો હતો ?
પણ પેલા લેખકો અને મોટીવેશનલને ખબર છે કે રૂપિયા તો અહીનો ગુજરાતી છોડવાનો નથી એટલે થોડાક ડોલરમાં કૈક મળે તો જામો પડી જાય બાકી..!!
એકવાર એવું બન્યું હતું કે હું ક્યાંક મારા કામે બેઠો હતો અને અચાનક ફોન રણક્યો કોઈ ક ભાઈ અડી ને આઈ રહ્યા હતા મને કહે હું પકવાન ચાર રસ્તે ગાડી પાર્ક કરીને તમારી વાર્તા વાંચું છું કલાક થઇ ગયો છે અને એકસોને સાડત્રીસમાં પાને છું હજી કેટલું આગળ છે ?
મેં કીધું ઘણું જવાનું ભાઈ ..
એ ભાઈ બોલ્યા એમ નહિ એક કલાક તો થઇ ગયો છે બીજા એકાદ કલાકમાં પૂરી થાય તો વાંધો નહિ હું અહિયાં જ ઉભો રહું ..
મેં કીધું ભાઈ બસ્સો સવા બસ્સો પત્તા છે એટલે એ પ્રમાણે નાક્કી કરો ..!
સાંજ પડ્યે એમના મગજ ઉપર સાયકલ મીટીંગની `શર્વરી` છવાઈ ગઈ હતી અને પાર્ટી કૈક ગુજરાતી પિકચરોની ડાયરેક્ટર નીકળી , મને કહે વેબ સીરીઝ બનાવવી છે આવો અત્તારે જ મળવા ,ક્યાં તો હું આવું ..
મેં કીધું ભાઈ ધીરે ધીરે ,, આજે ઊંઘી જાવ કાલે વાત ..!
બીજા દિવસે સવારે ફોન આવ્યો કે સાહેબ બહુ બજેટ વધી જાય તેમ છે હોં ..!!
હર હર ગંગે ..!!
આવી પરિસ્થિતિ છે..
નાટકની બદલે અત્યારે ગુજરાતી પિકચરો બને છે.. એકાદ બે ઘરમાં જ આખું શૂટ ચાલે અને બે ચાર પાંચ દસ બાહરના સીન લઇ લે એટલે સસ્તા ભાડાને સિદ્ધપુરની જાત્રા..!!!
એક રૂપાળા ફિલ્મ ફિલ્મ જોડે જોડાયેલા પોપટને “પશ્મીતા” વાંચવા ઉપર ચડાવ્યો હતો, પેહલા તો ઇકોતેરસો લાઈક જોઈ ને ગાંડો ગાંડો થઇ ગયો , મેં કીધું પેહલા વાંચ પછી આવજે ..!
બીજા દિવસે પાર્ટી હાજર ફાઇનાન્સ વાળો કોઈક શોધું છું યાર ..
મેં કીધું તારા પરમ પૂજ્ય પ્રાત સ્મરણીય ને (પપ્પા )કહે નાખે રૂપિયા ..!!
બદમાશ બોલ્યો ના હોં ..એ ઓછા ના કરાય આ તો કોઈક સરકારી ઓફિસર કે પોલીટીશીયન મળી જાય તો કામ થઇ જાય ..!!!
બોલો સુ કેવું ???
કંઈ જ નહિ ..!!
કથા સાર શું તો ?
“કોઈ લાઈક મારે કે ના મારે ફોરવર્ડ કરે કે નાં કરે બહુ હરખ કે દ:ખ ના લેવા , આપણને ગમે તે કરવું અને હા .. હમણા કૈક કહે છે કે ફેસબુક હવે ઘરડાઓનું સાધન છે જુવાનીયા નીકળી ગયા એમાંથી ..
તે નીકળી જ જાય ને .. પોળના નાકે બેઠેલી ડોશી આવતી જતી બધીને એક્સ રે વિઝનથી સ્કેન કરતી રેહતી એમ જુવાન છોકરા છોકરીઓની ફેસબુક ઉપર ટાઈમ લાઈન સ્ટોક કર્યા કરે ડોહા ડગરાં તો પછી જુવાનીયા તો એમના ખૂણાખંચારા સોશિઅલ મીડિયામાં પણ શોધી જ લ્યે ને..!!
ઇન્સ્ટા અને સ્નેપ સિવાય બીજું ઘણું છે , અને ટીંડર પણ હવે જુનું થઇ ગયું બધો કચરો છે, નવામાં બીજું ઘણું છે ..!
શૈશવકાકાને રૂબરૂ મળવું પડે, અને કોફી પીવડાવી પડે તો જ્ઞાન મળે હો ..!
લાઈક ના મારતા હોં..
પણ છાનામાના છેક સુધી વાંચી લેજો ખરા હોં પણ ..!!
શુભ રાત્રી
Shaishav vora
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*