સાયરસ મિસ્ત્રીનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું અને ચર્ચાઓ એ જોર પકડ્યું ..!
રોડ સેફટી..સલામતી કેટલી ?
જોગાનુજોગ એ સમયે અમે દ્વારકાધીશને મળવા જઈ રહ્યા હતા ,
પેહલો વિચાર એ આવ્યો કે સરખેજ ચોકડીથી બાવળા જતા લગભગ એક સ્કુટર , મોટરસાયકલ, કે પછી સાયકલવાળો દર અઠવાડિયે એક મરતો વીસેક વર્ષ પેહલા ..!
વર્ષો સુધી માથે હેલ્મેટ મૂકી અને આખા અમદાવાદની ભાગોળે આવેલી બધ્ધી જીઆઇડીસીઓમાં ભમ્યો, ત્યારે પણ બીક લાગતી અને આજે પણ ડર લાગે જ છે, ચાલીસની ઉપર બાઈક, કાયનેટીક કે પછી એકટીવા બિલકુલ ત્યારે નોહ્તો લઇ જતો,બીક લાગતી કોઈ ઉડાડી મુકે તો ..!
કોલેજનો સમય જુદો હતો.. બાઈક ઉપર અનેક ખેલ કર્યા અને બ્રેઈન ઇન્જરી પણ થઇ હતી એકવાર તો..! બધા ડહાપણ જે અહિયાં ઝાડુ છું એ રાંડ્યા પછીના છે… ઉપરવાળાની કૃપા અને માંબાપના પુણ્ય કે આ ધરતી ઉપર છું બાકી તો સપ્તર્ષિના આરે ..!
થોડાક મિત્રો એવા પણ હતા કે શરત લગાવતા એસજી હાઈવે ઉપર ગાડીઓ ભગાવવાની, અને બે ચાર વાર એવી ગાડીઓમાં હું સવારી પણ કરી ચુક્યો છું પણ ગભરુ પ્રકૃતિ થોડી ખરી અને એક ઝાટકો ખાઈ ચુકેલા , બાપુજીની બિહ્ક એટલે કન્ટ્રોલ કરી જતા..!
બે દિવસ પેહલા અમદાવાદથી દ્વારિકા પોહચતા આઠ કલાક લાગ્યા ..ફક્ત રોડ-રોડનો સમય..ઓવરઓલ દસ કલાક ..!!!
રગશિયા ગાડે જ ગાડી ચાલે ..!!!
દુર્ઘટના સે દેર ભલી ..!
બહુ અઘરું થતું જાય છે ધીમે ધીમે રોડ રસ્તા ઉપર ફરવું ..
એક ન્યુઝ પેપરમાં નીતિન ગડકરી સાહેબના હવાલે લખ્યું છે કે અમદાવાદ મુંબઈ હાઈવે ઉપર કૈક વીસ હજાર વેહિકલ ની બદલે એક લાખ વીસ હજારનો વાહનોનો લોડ ફરી રહ્યો છે ..!
અત્યારે ઘણા ગેલહાગરા એમ કહે છે કે બુલેટ ટ્રેઈનની ક્યાં જરૂર છે ?
અહિયાં જરૂર છે ..ભિખારી ..!!!
અમદાવાદથી વાપી અને છેક બીકેસી સુધીમાં જેટલા કારખાના છે એ બધાના શેઠિયા ક્યાં તો મુંબઈ વસે છે, અને ક્યાં તો સુરત,અમદાવાદ ..!!
બુલેટ ટ્રેઈન એને કામની છે, ભીખ્ખુસ ..!!
વિચાર કરો કે સાયરસ મિસ્ત્રી જેવા માધાંતાને પણ રોડ ટ્રીપો કરવી તો પડે જ છે ..
બધે હેલીકોપ્ટર હોય તો પણ લઈને ના જવાય, પણ હા બુલેટ ટ્રેઈન જેવી સગવડ હોય તો બે છેડે ગાડીઓ ઉભી હોય તો એકવાર એ ઓપ્શન લઇ લેવાય..!
અમદાવાદમાં શરુ શરુમાં બીઆરટીએસને લઈને મને એમ હતું કે શિવરંજનીથી અમે બેસી જઈશું અને ત્યાંથી જશોદા ચોકડી જતા રહીશું ,ત્યાં સામે લેવા આવી જશે ગાડી..!
અથવા તો ફીડર બસો હશે તો એમાં જતા રેહશું.. પણ હરામ છે કે ફીડર બસ નામે પણ ના ગોઠવી ..!!
હવે મેટ્રોનો ઉપાડો લીધો છે પણ સાથે સાથે મેટ્રો સ્ટેશન કે બીઆરટીએસ સુધી પોહચવા ફીડર બસો તો આપો ..!
આ તો શટલિયા ..કેન્ટીલીવર (“કૂલો” ગુજરાતીમાં અને મરાઠીમાં “ધ્ગડા” ) અડધું બાહર લટકતું રાખવું પડે..!!
શેહરો અને એમને જોડતા હાઈવે ટ્રાફિકથી ફાટી રહ્યા છે, દેશ આખામાં હવે ધીમે ધીમે કેરલા જેવું થઇ રહ્યું છે, આખું કેરળ આમ જુવો તો હાઈવે ઉપર વસેલું છે..!
કેરળમાં એક શેહર હાઇવે ઉપર પૂરું થાય ત્યાં બીજું ગામ આવે, ત્રીજું ચોથું એમ એકપછી એક આવ્યા જ કરે.. કોચીનથી ત્રિવેન્દ્રમ સુધી તમને એમ લાગે કે ગામ પૂરું જ નથી થતું..!
આપણા જેવા અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે ઉપર ફરનારા હાઈવે ક્યાં છે ? હાઈવે ક્યાં છે ? કરતા રહે..!!
એકસો ચાલીસ કરોડની વસ્તી થઇ છે અને બીજી મહત્વની વાત એ છે કે તમામ વસ્તી ફરતી થઇ છે એટલે રોડ રસ્તા ટૂંકા પડવાના જ ..!
સી-પ્લેનનું બાળ મરણ કરી મુક્યું ,અને બીજા લોકલ ઓપ્શન મળતા નથી, ગુજરાત એક એવું રાજ્ય છે કે જેમાં ઘણા બધા ડેસ્ટીનેશન એવા છે કે જેમની વચ્ચે પાંચસો કિલોમીટરના અંતર છે રાજ્યની અંદર જ , એટલે હવાઈ સેવાઓનો વિસ્તાર થવો જોઈએ પણ એવું થઇ નથી રહ્યું ..
આજે જીજે-૧,જીજે -૧૦ કે પછી જીજે -૫ બધુય તમને જીજે-૧૨ના ઇલાકામાં ફરતું મળે છે ..!
અરે છેક એમએચ-૧૨ (પુણે )અને એમએચ-૧૪(સાતારા) પાસીંગ અમદાવાદમાં ફરતી જોવા મળે છે એટલે વિચારો કે રોડ ઉપરના લોડ કેવા વધ્યા હશે ..!
આરજે -૨૭ તો જાણે જીજે-૨૭ હોય એમ અમદાવાદમાં રખડતા જોવા મળે છે ..!
એક મિત્ર હમણાં દસ દિવસમાં ૬૭૦૦ કિલોમીટરની જાત્રા કરી આવ્યો ..અમદાવાદથી ભોપાલ ત્યાંથી કાશી ,કાશી થી જગ્ગનાથપુરી, પુરી થી ઉજ્જૈન અને ત્યાંથી અમદાવાદ ઘેર ..!!!
એના શબ્દોમાં કહું તો “રોડ એટલા મસ્ત બન્યા છે કે અમદાવાદથી લખોટી રગડાવો તો પણ કાશી જઈને ઉભી રહે ..!!”
હોંશીલા એ આવા સરસ રસ્તા આપવા બદલ નીતિન ગડકરીજી અને પ્રધાનમંત્રીજીને સુંદર મજાનો ફીડબેક લેટર પણ લખ્યો ..!! ગદ્ગદ છે પાર્ટી..!!!
દસ દિવસમાં ૬૭૦૦ કિલોમીટર એટલે રોજનું સાતસો કિલોમીટરની એવરેજ ..
ખટારા જાય..!! આટલા બધા કિલોમીટર તો..!
આજે એવું ક્યાંક વાંચ્યું કે સાયરસ મિસ્ત્રીનો જ્યાં અકસ્માત થયો છે એવા ૨૩ બ્લાઈન્ડ સ્પોટ છે અમદાવાદ મુંબઈ હાઈવે ઉપર ..!
ચાલો ખબર તો પડી કે ૨૩ આંધળા કુવા છે, અને નજર હટાવશો તો રામ નામ સત્ય ..!
એર બેગ્સ, સીટ બેલ્ટ અને સ્પીડની ઉપર તડી બોલી છે પણ સમજવાનું જાત્તે જ છે જીવ જેટલો વધારે વહાલો એટલી ચીકાશ વધારે, બાકી પાછલી સીટ ઉપર બેઠા હોઉં તો સીટ બેલ્ટ કેટલાએ બાંધ્યો ?
ધર્મથી કેહજો ..
અરે લક્ઝરી બસમાં જતા હો ત્યારે કેટલા એ સીટ બેલ્ટ બાંધ્યો ? અને ધીમી બસ ચાલતી હોય તો ડ્રાઈવરને જઈને કેટલી વાર કહી આવો છો કે એ ભાઈ જરાક જલદી રાખ ને ..!!
દરેકને કોઈપણ વેહિકલમાં બેઠા પછી એમાંથી ઉતરવાની ઉતાવળ ફાટી નીકળી છે , એરક્રાફ્ટ હજી પાર્ક થાય એ પેહલા તો પબ્લિક ઉભી થઈને સામાન કાઢવા મંડી પડે છે..!
અધીરાઈ ઘુસી ચુકી છે દરેકના મનમાં ..દોડો જ દોડો ..!
બસ પછી ના થવાનું થાય ..!
પ્રભુ દિવંગતના આત્મા ને શાંતિ આપે ..
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*