વિશ્વ ગુજરાતી દિવસ ..!!
હેં ..!!?? એટલે શું ?
ગુજરાતી એટલે શું ?
પીન્ટુની મમ્મી બોલે તે ? કે પછી ચિન્ટુના પપ્પા બોલે તે..?
હસવું આવે તેવી વાત છે ..!
કદાચ દુનિયાની અંગ્રેજી પછી તદ્દન નધણીયાતી ભાષા કોઈ હોય તો ગુજરાતી હશે..!
જો કે આવું એટલે કહું છું કે મને ત્રણ જ ભાષા આવડે છે એક ગુજરાતી , બીજી અંગ્રેજી અને ત્રીજી હિન્દી..!!
ગુજરાતીમાં અંગ્રેજીના પેહલા વઘાર
થતા, હવે અંગ્રેજીમાં ગુજરાતી તળાઈ
રહી છે..
અને હિન્દીને પતાવવા માટે તો ઉર્દુ પેદા જ કરવામાં આવી હતી એટલે હવે એમાં કંઈ બહુ બુદ્ધિ મારવાની જરૂર લાગતી નથી..!!
પણ એટલું નક્કી કે આજે ગુજરાતી એક ભાષા તરીકે કેટલું ખેંચશે એ પ્રશ્નાર્થ તો ખરો જ ..!!
અમારી ઉંમરના કેટલાય અડબંગ ગુજરાતી છે કે જે મને એમ કહે છે કે આ શું ગુજરાતીમાં લખે છે અંગ્રેજીમાં લખ ને..!!
એવો ગુસ્સો આવે ને પણ શું થાય ? કેટલા ના મોઢે ગળણા બાંધવા ?
આ જન્માષ્ટમીની જ વાત કરું તો દીકરીને લઈને ફરસાણની દુકાને ફરાળી ચેવડો લેવા ગયો હતો , ત્યાં મસ્ત મજાના સેવ-ગાંઠિયા પડતા હતા, તાવડામાં તેલ ઉકળતું હતું અને કારીગર ઝારાથી એમાં સેવ-ગાંઠિયા પડતો હતો અને મને ટીખ્ખળ સૂજી ..
મેં પૂછ્યું બોલો જોઉં એન્જીનીઅર આ ભાઈના હાથમાં જે હથિયાર છે તેને શું કેહવાય ?
સામે જવાબની બદલે સવાલ આવ્યો.. શું કેહવાય ?
મેં સાશ્ચર્ય કીધું ..ખરેખર ? બેટા તને નથી ખબર કે આને “ઝારો” કેહવાય ? તળવા માટે વપરાય એને ઝારો કેહવાય ?
બિન્દાસ્ત રીતે ના આવી ..!!
બાજુમાં બીજા એક ત્રાહિત સજ્જન પુરુષ ઉભા હતા મને કહે એનો વાંક નથી તમારો છે વાંક છે..!
મારી ઘેટી ભરાઈ ગઈ ..!
પેહલું કામ રસોડામાં લઇ જઈને ,તવેથો ,વેલણ , આરસી , ચીપીયો ,સાણસી ,ખાયણી, દસ્તો , ઝેરણી , ઝારો , વઘારિયું , કઢાઈ , ત્રાંસ , તવી , વગેરે વગેરે જે કાઈ દેખાયું અને અવેલેબલ હતું તે બધ્ધા જોડે ઓળખાણ કરાવી ..!!
કેટલી સમૃદ્ધ ભાષા છે પણ હવે થોથામાં રહી જવાની ..!!
સાધન જ નહિ રહે તો ઓળખાણ શેની આપવી ?
ઘરમાં ઢોકળા બનતા હોય તો ઢોકળીયાની ખબર પડે ને ..!!
પીઝા-પાસ્તા સોસ અને કેચપ વચ્ચે શું ફર્ક છે એ ફટાફટ બોલશે , સબવેમાં જઈને બધી જાતના સોસ બોલશે ,પણ ચટણી ખાલી સુગંધથી ફુદીનાની છે કે કોથમીરની એ નહિ કહી શકે આવનારી પેઢી ..!!
દાળની વાત કરો તો રીતસરની મોકાણ મંડાઈ જાય, અને દાળઢોકળી ..અરરરર ..!!
સૂડી શું કામ આપે અને ઘરમાં શેના માટે હોય એવું સોપારા જેવી નવી પેઢીને પૂછ્યું છે..?
અથાણાની રાજાપુરી કેરી કાપવાનો સૂડો
તો ક્યાંય શોધ્યો ઘરમાં મળે નહિ..!!
વિરમગામના ઘરમાં ચાર મોટા ઓરડા ભરીને વાસણો હતા અને લગભગ દોઢસો બસ્સો માણસ જામી લ્યે ત્યાં સુધી ફરાસખાનામાંથી વાસણ લાવવા ના પડે ..!!
બધુય ગયું , જોડે ગુજરાતી ભાષા અને શબ્દો પણ ગયા ..!!
ઝેરણી જ ઘરમાં ના હોય તો સમજણ કેવી રીતે પડે ? પેલું હેન્ડ મિક્સી ઇલેક્ટ્રિકનું આવી ગયું ..!!
તાવડી ગઈને નોન સ્ટીક આવી એમાં ગુજરાતી ભાષાના શબ્દોનો અને બાળકોનો શું વાંક ?
મીઠાઈ બનાવવાની ચોકી દેખાડવા ક્યાં લઇ જવા પડે છોકરાવ ને ?
આ તો ખાલી રસોડા રસોડાની જ વાત થઇ પણ બીજા કોઇપણ ક્ષેત્રમાં એટલું બધું જીવન બદલાઈ ચુક્યું છે બોલચાલની ભાષામાં જેટલા ગુજરાતી શબ્દો વાપરીએ એટલા જ અંગ્રેજી શબ્દો બેધ્યાનપણે વાપરી લઈએ છીએ અને એનો સહજ સ્વીકાર પણ કરી લીધો છે આપણે ..!!
બીજી એક તકલીફ પણ થઇ છે બોલચાલની ભાષામાં સહજ રીતે શ્લેષ કરી લેતા કે કટાક્ષ થતા અને ભાષાની મજા લેવાતી એ બધું પણ હવે બહુ ખૂટે છે ..
મારા એક નાગર મિત્રને ત્યાં જતો ત્યારે વર્ણાનુપ્રાસ કરતા એના મમ્મી .. પવાલામાં પાણી લાવજો અને ત્યારે હું અચૂક બોલતો કેમ તમારે ત્યાં બુઝારામાં પણ પાણી લાવવાનો રીવાજ ખરો ?
અને હાસ્ય વેરાતું ..
ક્યારેક એવું પણ થતું કે હું એના મમ્મી બોલે તે પેહલા કહું ..પદ્માબેન પવાલામાં પાણી લાવજો ..અને લાવજો બોલતી વખતે નાટકીય લેહકો કરતો લા…આં…વ..અ જો… અને ત્યારે સામે નાટકીય જવાબ પણ વળતો… શૈશવકુમારની ઈચ્છા હોય તો એક વાર બુઝારામાં પણ પાણી લાવીને પ્રયત્ન કરી જોવો જોઈએ ,આગંતુક એ અતિથી થઈને આવ્યા છે તો એમની ઈચ્છા શિરોમાન્ય રાખવી રહી…
અને અસ્સલ અમદાવાદીમાં હું મારા મિત્રને પૂછતો .. અલ્યા શિરોમાન્ય કે શિરોધાર્ય ?
કોઈ કારણ વિનાની ભાષાની વિદ્વતા બતાડવાની કોશિશ અને ચર્ચાઓ થતી ..!!
આજે …!!!!!???
રાણીનો હજ્જીરો બોલું છું ને તો કોઈ સમજતું નથી ..!!
એટલે શું ?? કરીને ઉભા રહી જાય છે પોપટીયાઓ
..!!
દ:ખ ..દ:ખ ન ઝાડવા છે ગુજરાતીને માથે ..!!
ખરેખર બુઝારું કોને કેહવાય એ કેટલાને ખબર ? માટલા ઘરમાં રહ્યા હોય તો બુઝારું અને પાણિયારું શબ્દ આવે ને બોલવામાં ..!!
આર ઓ આવી ગયા ..!!
થાય તો થોડી કચકચ કરી લેજો તમારા સંતાનો સાથે ગુજરાતીમાં .. થાય તો હોં ..!
નહિ તો રેહવા દેવું .. ખોટા ગુજરાતી માટે થઈને ઘરમાં બાઝણું ઉભું નહિ કરવાનું..!
હાલો ત્યારે નિંદરડી આંખમાં આંટાફેરા કરી રહી છે એટલે વિરમું છું ..!
હું તો ગુજરાતીમાં જ લખવાનો અને આપણી ગુજરાતી આપણા જેવી જેનું અંગ્રેજી ભાષાંતર કરવું અશક્ય જ હોય ..
ટણપો
..
એઈ ટણપા
અહિયાં આવ તો ..!
કરો અંગ્રેજી ટણપા
નું .. થાય ? ના થાય ..
બસ આ જ સુગંધ માતૃભાષાની ..!
ગાળ દઈએ ને તો એમાં પણ પ્રેમ વર્તાય ..!
શુભ રાત્રી ………………..ટણપા, સુકોડાની જેમ પથારીમાં પડ્યો પડ્યો જાગે છે, ઊંઘ નથી આવતી ટણપા ? ઘો
રી `જા હવે..!!!
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)