એક નિર્દોષ સવાલ..ફેસબુકમાં કોઈ પોસ્ટ કે વિડીયો ઉપર લાઈક કરતા કોમેન્ટ વધી જાય તો શું સમજવું ? અથવા કોઈ વિડીયોના વ્યુ કરતા લાઈક વધી જાય તો ?
શર્ટ કરતા ગંજી લાંબી થઇ ગઈ એવું જ ને ..!!
વાતમાં મોણ ઘાલ્યા વિના સીધી જ વાત ..
લાઈક કરતા કોમેન્ટ વધી એટલે તમને જે તે પોસ્ટ કે વિડીયો ને ચગાવવામાં રસ છે એમાં પબ્લિક ને નથી..!!
વ્યુ કરતા કોમેન્ટ વધે એટલે સમજવું કે લોકો ફોર્માલીટી માટે લાઈક મારી ને આગળ વધી ગયા છે આપણે કોઈ “મહાન વિડીયો” બનાવ્યો નથી..!!
સીધી જ વાત..!!
થાય છે ઓન લાઈન જિંદગીમાં આવું બધું , ક્યારેક ઓનલાઈન “મહાન” બનવાના ચસકા થાય ને જીવનના કોઈક તબક્કે સણકો ઉપડે પણ ખરો કે હવે તો હું મારું ધાર્યું કરી ને જ રહીશ , મારે કૈક એચીવ કરવું છે , મારા છોકરા છોકરી ને ક્યાંક આગળ મુકવા છે નાખો ઓનલાઈન મીડિયામાં..!!
બહુ ઓછા લોકો એવા છે કે સોશિઅલ મીડિયા ઉપર ગણતરી અને સમજણપૂર્વક ની પોસ્ટ નાખતા હોય..!
ઓનલાઈન મહાન
બનવા જનારા કે બની બેઠેલા વાસ્તવિક જીવનમાં સખ્ખત વામણા ભાસે છે, મેં એવા અનુભવ લઇ લીધા છે..!
એક ઓનલાઈન સોશિઅલ મીડિયાની “તોપ” , સાલી એવા તુચ્છકાર અને ખતરનાક પોસ્ટ નાખે આઈટમ કે તમને એમ લાગે કે સાક્ષાત “માયા સારાભાઈ” ના પેટે જ અવતરણ થયું છે આ ધરતી ઉપર આમનું ,અને જયારે “સાક્ષાત્કાર” થયો ત્યારે ૨૦૦૨ મોડેલ ની ઓફીશયલી ડીસકાર્ડ કરવી પડે એવી ખખડપાંચમ વેગન આર લઈને માયા સારાભાઇ ના “સુપુત્ર” આવ્યા..!!
અને વાતો નું લેવલ બાપરે ..એમ જ થાય કે ભાઈ તું ઓનલાઈન જ બરાબર છે ઓફ લાઈન નહિ સહન થાય..!!
જો કે આપણે પણ શંભુડે જ બોલાવ્યા હતા કોફું પીવડાવા માયા સારાભાઇ ના સુપુત્ર ને એટલે ખુલ્લામાં શ્વાસ લેવામાં રાહત રહી..!
ક્યારેક સોશિઅલ મીડિયાના સિંહો અને સિંહણો ની વાસ્તવિકતા બહુ વરવી હોય છે..!
વચ્ચે અમે લોકડાઉનમાં મારી નાની દીકરીના આગ્રહથી એક સચિન જીગર ની ચેલેન્જ ઉપાડી લીધી હતી અને એક વિડીયો નાખ્યો હતો.. ની ની સા સા ગ ગ સા વાળો..!
એક કે સવા મિનીટનો વિડીયો હતો, ગુજરાતના ઘણા જાણીતા કલાકારો એ એ સરગમ ઉપર હાથ અજમાવ્યો ,સોરી ગળું અજમાવ્યું હતું એની ઉપર..
પણ અમારા ગુરુ કેહતા કે મોર કળા કરે ને એટલે પાછળથી નાગો દેખાય..!!
ઘણા બધા એમાંના સ્ટેજ પરફોર્મના પાંચ પાંચ લાખ લેનારા ગુજરાતી કલાકારો એ ગળુ ખંખેરી લીધું હતું લાઈકો અને વ્યુ ના ઢગલા થયા પણ અમારા જેવા પુરાતત્વ વિભાગના બની બેઠેલા ભારત દેશના વડા ને ખોદકામ કર્યા વિના કેમ ચાલે..?
એટલે અમે આખી ઓરીજીનલ કલીપ ને વીસ વાર સાંભળી અને પછી એક પેન ને પેપર લઈને ભાતખંડે પધ્ધતિથી સરગમ લખવાનું ચાલુ કર્યું ,આખી સરગમ ને લખી નાખી પેહલા, લીપીબદ્ધ કરી..
પછી જાણીતા લોકો ને સાંભળવાના ચાલુ કર્યા ને એક એક સ્વર ને પકડી પકડી ને લીપી જોડે મિલાવવા નો ચાલુ કર્યો..!!
ગજબ નવરાશ હતી ને લોકડાઉનમાં તો..!
મારું બેટું નરી બદમાશી, ગોખણીયા એ જીવનમાં તાન ગોખી મારી હોય એટલે સવા મિનીટની સરગમમાં બહુ પ્રેમથી સરગમના સ્વરો બદલી અને પોતાના ગોખેલા સ્વરો ઠોકી માર્યા..!!! કોન્ફિડન્સ થી..!
બાળપણમાં સંગીત શીખતો ત્યારે જેમ જેમ સમજણ થોડી ઘણી આવી તેમ તેમ ડર વધતો ગયો ,પછી ગુરુજી એ સમજણ પાડી.. બેટા પેહલી વાત તો ડર કાઢો , દુનિયામાં કૈક લોકો ભૂપાલી રાગમાં દુર્ગા ની તાનો ફટકારી દે છે .. અને એ પણ કોન્ફીડન્સથી ..! તારે વળી ક્યાં તારી આગળ પંડિત લગાડવું છે..? સાચું અને સમજણથી શીખો પણ ડર્યા વિના..!! આવું ખોટું કરતા લોકો ડરતા નથી તો તારે તો સાચું ગાવા નું છે હિંમત રાખો..
મને એ વાક્ય યાદ આવી ગયું ભૂપાલીમાં દુર્ગાની તાનો..!!
સોશિઅલ મીડિયાની ઓનલાઈન જિંદગી આવી જ છે.. ભૂપાલીમાં દુર્ગાની તાનો ગાઈ વગાડી લે..
પણ ડખો ત્યારે આવે કે ભૂપાલીમાં દુર્ગા વધી જાય ત્યારે પછી લાઈકો કરતા કોમેન્ટ વધે..!!
પબ્લિક ને સમજણ જ ના પડે કે આ રાગ ભૂપાલી હતો કે રાગ દુર્ગા..?
પેલું મીમ હતું ને પરેશ રાવલનું માથું ખંજવાળતું આખિર કેહના ક્યા ચાહતે હો ભાઈ ?
ભૂપાલી કે દુર્ગા..?
ધીમે ધીમે કાઠા
થઇ રહેલા જીવન ઓનલાઈન જિંદગી તરફ વળ્યા છે અને ક્યારેક બિલકુલ કોઈ જ પોસ્ટ નહિ નાખતા કે બહુ જ ઓછા એક્ટીવ એવા લોકોની કૈક વધારે પડતી એગ્રેસીવ પોસ્ટ અને એ પણ સતત આવે ત્યારે સેહજ વિચાર કરવો પડે એ જિંદગી માટે..!
એક ફેસબુક ફ્રેન્ડ એવી વ્યક્તિ કોઈક ગુન્હામાં સંડોવાઈ છે , ગુન્હો એણે કર્યો છે કે નહિ એ તો પોલીસ અને અદાલત નક્કી કરશે, પણ થોડીક છાનબિન પુરાતત્વ વિભાગના બની બેઠેલા વડા તરીકે અમે કરી ..વચલા માણસ નો જવાબ આવ્યો.. પાંચ-છ માણસનું ઘર, એમાં બે વૃધ્ધોના ખાટલા ,દવાના અને ઘર ચલાવવાના રૂપિયા જોઈએ ,લોકડાઉનમાં ધંધો બંધ, કદાચ ગુન્હો કર્યો પણ હોય..
મારી દલીલ હતી કે ગુન્હો કરવો એ રસ્તો નથી ..
સામેવાળા એ સ્પષ્ટ જવાબ આપ્યો .. જુવો શૈશવભાઈ એ તો ઘંટીના બે પડ વચ્ચે પીસાતો હોય ને એ જ જાણે.. આટલા બધા જજમેન્ટલ ના થાવ..!!
કબૂલ .. કાન પકડવા રહ્યા..! જજ ને જજમેન્ટ આપવા દો..!
પણ આશ્ચર્ય ની વાત એ નીકળી કે આટલા બધા કોર્ટ કચેરીના પોલીસના લફરા વચ્ચે માટીડા એ એની પ્રોફાઈલ અપડેટ કરી..!!
બોલો શું કેહવું ?
લગભગ દરેક ને એવું થઇ ચુક્યું છે જીવનની વસ્તીવિક પરિસ્થિતિથી ભાગી છૂટવા સોશિઅલ મીડિયામાં મોઢું ખોસી દેવું છે અને સમય ને પસાર કરી દેવો છે..!
બચ્ચન દાદા ભલે કેહતા નીકલ જાયેગા યે વક્ત ભી નીકલ જાયેગા..!!
પણ આપણ ને એટલી જલ્દી નાણાવટી એડમિશન નહિ આપે ને આપશે તો પોસાશે નહિ, આપણો તો “નાણાવટી સાજન” વાજતું ગાજતું માંડવે આવી ને ઉભું રહે અમુક તમુક લાખનું ,પછી પોંખ્યે જ છૂટકો..!!
બાકી તો જો ફિલ્લમ ની હિરોઈન જેમ જાણી કરી ને એમના શરીરના કોઈ ભાગ થોડા દેખાય એમ કપડા ફાડી નાખે છે એમ આપણે જાણી કરી ને પોસ્ટ નાખી હોય અને પછી લાઈક કરતા કોમેન્ટ વધારી હોય તો પછી ભાભી તું સ્માર્ટ નહિ ડબલ સ્માર્ટ છે , અને ભૈલા તે આ ધંધો કર્યો હોય તો કૈક રોકડા શોધી લેજે બાકી તો નાણા વગર નો ..
૨૦૦૨ મોડેલ ની ખખડપાંચમ વેગન આર ..!
આપનો રવિવાર શુભ રહે
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)