સ્ક્રીન ટાઈમ..
અચાનક જ ગજ્જબ મોટી સમસ્યા થઇ ને ઉભી છે આ સ્ક્રીન ટાઈમ..!!
જો કે મારા માટે તો પેહલા પણ હતી ,પણ લોકડાઉન પછી આ સમસ્યા બહુ બધા ઘરોમાં ગંભીર સમસ્યાના રૂપમાં બાહર આવી છે,
વધારે પડ્યા સ્ક્રીન ટાઈમ ને લીધે “ડ્રાય આઈસ” ઉર્ફે આંખોમાં રહેલા આંસુ સુકાઈ જાય અને એકદમ ડ્રાયનેસ ફિલ થાય, અથવા તો રાત પડ્યે આંખમાં કૈક ખૂંચતું કે ખટકતું હોય એવું લાગે ,બળતરા થવી એવી બધી સમસ્યાઓમાં ગજ્જબ નો વધારો થયો છે..!!
હમણા મારા “દોઢ સ્માર્ટ ફોન” એ મને એવું કીધું કે મારો સ્ક્રીન ટાઈમ મોબાઈલ ઉપર નો લગભગ ચાર કલાક છે દિવસના..લેપટોપ અને ડેસ્કટોપ ઉપરના સ્ક્રીન ટાઈમ જુદા..!!
હવે આ જ સ્ક્રીન ટાઈમ મારા બચ્ચાઓ નો જોઉં તો ઓનલાઈન ભણતર ને લીધે નહિ નહિ તો ય દિવસના આઠ થી દસ કલાક નો થઇ ગયો છે ..!!
સખ્ખત મોટી એલાર્મિંગ સિચ્યુએશન
છે આ ઓવર સ્ક્રીન ટાઈમ ની અત્યારે..!!
હમણા ચશ્માંની દુકાને જવાનું થયું હતું ત્યાં એવું જાણ્યું કે બ્લ્યુ લાઈટ
આંખો ને વધારે નુકસાનકારક છે એટલે ચશ્માં કરાવવા હોય તો બ્લ્યુ લાઈટ ફિલ્ટરવાળા કરાવવા..!!
રૂપિયા પૂછો કેટલા વધારે ? તો ચીસ નીકળી જાય મોઢામાંથી..!!
ટકા ની ડોશી ઉપર ઢબુના મુંડામણ થાય છે..!!
પણ આંખો ની હેલ્થ સારી રાખવી હોય તો જખ મારી ને કરવું પડે એવું છે અથવા તો તમારા ફોન કે ગેઝેટમાં બ્લ્યુ આઈ ફિલ્ટર નું ઓપ્શન હોય તો એને ચાલુ રાખવાનું એ બીજો વિકલ્પ છે..
લોકડાઉન એ ભારત દેશ ને ગેઝેટના વળગણ ઉપર ચડાવી દીધો છે ,દિવસભરમાં અઢળક ડેટા ચાવી જવાનો ને ગેઝેટની સામે ચોંટી રેહવાનું..!
આ એક જ કામ થઇ રહ્યું છે અત્યારે..!
ઓટીટી પ્લેટફોર્મ નો આંધળો ઉપયોગ થઇ રહ્યો છે, એક વેબ સીરીઝ ચાલુ થઇ એ પૂરી કર્યે જ છૂટકો ધડાધડ એપિસોડ જોઈ જ લેવાના.
જો કે એક જમાનામાં મને આવું વાર્તાની ચોપડીઓનું વળગણ હતું , ક મા મુનશી કે અશ્વિની ભટ્ટ કે પછી હરકિસન મેહતા એકવાર વાર્તા શરુ કરી એટલે ખલ્લાસ પૂરી કર્યે જ છૂટકો..!
સવારો સવાર જાય ..!
આજે પુસ્તકની જગ્યા ગેઝેટ લઇ ચુક્યું છે ..
હમણાં દુરદર્શન ઉપર એક ટોક શો જોઈ રહ્યો હતો,
હા , ટોક શો સારા અને સમજણવાળા ચીસાચીસ વિનાનાના ટોક શો જોવા હોય તો દુરદર્શન ના જોવા , જો કે આજે જ મેં ટીવી ના એક ટોક શો માં ચીસાચીસ કરી મૂકી હતી પણ કરવી પડે એમ હતું ..કાલે લીંક આપીશ..!
ખૈર , ઇલેક્ટ્રોનીક્સના મેન્યુફ્રેકચરીંગ વિષે ના દુરદર્શન ના એ ટોક શો માં એવો દાવો થયો હતો કે ભારત નું વિદેશી હુંડીયામણ ક્રુડ ઓઈલ પછી ઇલેક્ટ્રોનીક્સ ઈમ્પોર્ટ કરવામાં ખર્ચાય છે.. એનો સીધો મતલબ એવો થયો કે સોનાનું ઈમ્પોર્ટ ઘટ્યું અને ઇલેક્ટ્રોનીક્સનું વધ્યું ..
હજી ગઈસાલ સુધી ક્રુડ ,ગોલ્ડ અને ઇલેક્ટ્રોનીક્સ એમ લાઈનમાં આવતું હતું અને મનમોહનસિંહની સરકાર વખતે જ અનુમાન હતું કે ૨૦૨૦માં ઇલેક્ટ્રોનીક્સનું ઈમ્પોર્ટ ગોલ્ડ ઈમ્પોર્ટ ને પાછળ પાડી દેશે અને ૨૦૩૦ સુધીમાં ક્રુડ ઓઈલ ને પાછળ રાખી દેશે..!!
એક અનુમાન સાચું ઠર્યું છે..!!
ગેઝેટ વાપરવાની બાબતમાં હવે ભારત દેશ દુનિયાભરના રેકોર્ડ્સ તોડવા ઉપર આવી ગયો છે, એક રીતે જોઈએ તો સારી વાત છે જો આ ગેઝેટ્સ નો પ્રોપર ઉપયોગ કરીએ તો..!
પણ જો ખાલી ને ખાલી મનોરંજન માટે એનો ઉપયોગ થાય ગેઝેટ નો તો બધું એળે જશે..!!
ધંધામાં કે ભણતરમાં લેટેસ્ટ ટેકનોલોજી વાપરીએ તો આગળ ઝડપથી જવાય ,
પણ આ જ ટેકનોલોજી સોનાની કટાર જેવી છે ભેટે ભરાવાની બદલે પેટમાં ખોસી દીધી તો પત્યું..! ખોટા ખોટા સ્ક્રીન ટાઈમ વધે ને ખોટા ખોટા ડેટા ચવાઈ જાય..!!
આપણા ગુજરાતી ઘરોમાં અત્યારે ઓનલાઈન ભણતર એ પણ સોનાની કટાર જ છે, બાળક શું ભણી રહ્યું છે કે શું જોઈ રહ્યું છે એની ઉપર નજર રાખવી સખ્ખત જરૂરી થઇ પડ્યું છે,
એક સમયે જયારે ઈન્ટરનેટ ને કોપ્યુટર નવા નવા આવ્યા ત્યારે ઘણા બધા ઘરોમાં આ સમસ્યા થઇ ગઈ હતી કે બાળક ભણવાની બદલે બીજું આડુંઅવળું
જોતું હોય તો શું ?
આ સમસ્યાનો ઉપાય મારા એક વડીલ મિત્ર એ આપ્યો હતો , ઈન્ટરનેટ સાથેનું કોપ્યુટર ઘરની એવી જગ્યાએ કે ખૂણામાં ગોઠવો કે જ્યાં આવતા જતા ઘરના તમામ સભ્ય ની નજર પડે..!!
હવે અત્યારે જયારે ઓનલાઈન ભણવા બેસાડીએ છીએ ત્યારે બાળક ને એકલા રૂમમાં બેસાડવા કરતા ડાઈનીગ ટેબલ ઉપર જ બેસાડવાનું અને એની સામે દાદા કે દાદી ને ચોકીએ બેસાડવાના..! આમ પણ આપણા ઘરોમાં દાદા દાદીથી મોટ્ટો કોઈ જ કેમેરો નથી ..!!
જે ઘરોમાં દાદા દાદીની “ચોકીદારી” છે ત્યાં કદાચ બાળકોનો સ્ક્રીન ટાઈમ ઓછો છે એવું મારું ઓબ્ઝરવેશન છે..!
આમ જોવા જાવ તો આ ઓવર સ્ક્રીન ટાઈમની બીમારી આપણે ત્યાં હજી પા પા પગલી ભરી રહી છે પણ ધ્યાન ના રાખ્યું તો પછી ગંભીર રૂપ ધારણ કરે તેમ છે..!
ઓવર સ્ક્રીન ટાઈમ માણસ પાસેથી એની ક્રિયેટીવીટી છીનવી લ્યે છે, પોતાની હોબી, શોખ પાછળ આપવાનો સમય આ ઓવર સ્ક્રીન ટાઈમ ખાઈ જાય છે..!!
ઓવર સ્ક્રીન ટાઈમ બીજી પણ એક સમસ્યા સર્જી રહ્યો છે , માણસ થોડોક મૂઢ
થઇ જાય છે ,એની આજુબાજુની દુનિયામાંથી રસ ગુમાવી બેસે છે (લેક ઓફ ઇન્ટરેસ્ટ ઇન સરાઉન્ડીંગસ ) અને જાણકારો એને ડીપ્રેશન નું પેહલું પગથીયું ગણે છે..!
મારી ઓવર સ્ક્રીન ટાઈમ ની સમસ્યાનો ઈલાજ મેં એવો કાઢ્યો છે કે હું મોબાઈલ મારી પોહચથી થોડો દૂર મુકું , મોબાઈલ ને હાથમાં પકડવો તો કાયા ને કષ્ટ આપીને જ હાથ લાગે અને બીજો પ્રયત્ન એવો કરું છું કે ખુલ્લામાં બેસું , આજુબાજુની ગ્રીનરી ની સામે બેસવાથી આંખને ઘણી શાંતિ મળે છે..!
સતત મોબાઈલ કે બીજા સ્ક્રીનની સામે જોઈ રેહવા કરતા થોડીક થોડીક વારે વચ્ચે બારી ની બહાર એકાદ લીલા છમ્મ ઝાડ પણ ઉપર નજર ફેરવી લેશો તો આંખ ને ઘણી રાહત મળશે આવો મારો અનુભવ છે..!!
ઓનલાઈન ભણતરના અત્યારના જમાનામાં બાળકો માટે આ ઓવર સ્ક્રીન ટાઈમ બહુ જ વિચાર માંગી લે એવી સમસ્યા છે ,અને એનો ઈલાજ આપણે જ આપણા બાળક જોડે કોઈક રમતો રમવી રહી અને એ પણ , સ્ક્રીન ઉપર નહિ ..
આઈપેડ કે ટેબ્લેટ ઉપર લૂડો રમવા બેસી જાવ તો બધું એનું એ જ થઈને ઉભું રહે એટલે કૈક જૂની આપણા જમાનાની રમત રમવી જ રહી..!!
કપરું છે નહિ ..?
પણ ભાઈ એ બે આંખો પણ આપણી છે.. એને તો આપણી સાચવીએ એના કરતા વધારે સાચવી રહી ભાઈ મારા ..!!
ચાલો વિચારજો તમે પણ આ સમસ્યામાંથી બાહર કેમ આવવું ,
પણ પેહલા ઓવર સ્ક્રીન ટાઈમ એ સમસ્યા છે એવું સ્વીકાર કરજો પછી જ ઉકેલ મળશે..!
બાકી તો હરી હરી..!!
જીવનમાં જે વ્યક્તિ સમસ્યા ને સ્વીકારતો જ નથી એને વળી ઉકેલ કે સમાધાન શું..?
શુભ રાત્રી
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)