પેચ બરાબર નો ફસાયો ..
માંબાપ ને ફી નથી ભરવી અને શિક્ષકો ને પગાર જોઈએ..!
બંને બાજુ નો વર્ષો જુનો ખાર નીકળી રહ્યો છે અત્યારે,
શિક્ષણને બજાર ને હવાલે કરી મુક્યું પછી શું હાલહવાલ છે એ જોવાની ફુરસત એકેય સરકાર ને નોહતી,
ઉપરથી વેહતી ગંગામાં હાથ ધોવા રાજકારણીઓ એ પોતાની સ્કૂલો અને કોલેજો ખોલી ને નોટો છાપવાના મશીન ઉભા કરી મુક્યા ,
અને હવે જયારે ઘોર મંદી બજારોમાં છે ત્યારે સ્કુલ સંચાલકો ને શિક્ષકો બીજી તરફ સ્કુલ સંચાલકો અને વાલીઓ વચ્ચે જંગ જામ્યો છે..!
આમ જુવો તો પાઘડી નો વળ છેડે આવ્યો છે ,
માંબાપ જોડે કમ્મર તોડી નાખે એવી ફી ભરવાના રૂપિયા નથી , અને શિક્ષકોનો પગાર ના કરો તો એ ભૂખ્યા મરે ..!
કઈ ભૂલ નું આ પરિણામ છે એ સેહજ પાછળ જઈ ને જોવાનો આ સમય છે કેમ કે આ સમસ્યાનું સમાધાનમાં તો બંને બાજુ ખેંચ પકડ મુઝે જોર આયા એવો ઘાટ છે..!
પેહલા તો એ વાત નો સ્વીકાર કરવો પડશે કે જે કામ કરોડો રૂપિયા પાણીની જેમ ખર્ચ્યા પછી લાખ્ખોની સંખ્યામાં કોપર ટી, કોન્ડોમ મફત વેહચ્યા (અહિયાં જે મુર્ખ ને વેચ્યા અને વેહચ્યા શબ્દ નો ફર્ક ના ખબર હોય એ સ્ક્રોલ કરી જાય ,આગળનું તારી બુદ્ધિ બહારનું છે ) પછી ના થયું એ કામ સ્કુલ અને કોલેજની ઉંચી ફી એ કરી આપ્યું..!!
કુટુંબ નિયોજન ..!!
મધ્યમ વર્ગના માણસની કમાણી નો લગભગ ચોથો ભાગ એના બાળક ના શિક્ષણ પાછળ ખર્ચાય છે જો “સારું શિક્ષણ” આપવું હોય તો ..! અને ઘણા કેસમાં તો અડધોઅડધ..!!
(હવે બીજો વર્ગ કે જેને એમ હોય કે અમે તો મ્યુનિસિપલ શાળામાં ભણ્યા હતા એ લોકો પણ સ્ક્રોલ કરી જાય .. તમે હવે મનુષ્ય નથી રહ્યા પ્રબુદ્ધ જીવ ..આપ જીવતે જીવ મોક્ષ પામ્યા છો .. સ્ક્રોલ કરી જાવ આગળ વાંચશો નહિ..)
આજ ના મધ્યમ વર્ગ ને “સારા શિક્ષણ”ની લ્હાયમાં સ્કુલ ને ટ્યુશન કલાસીસની ગજા બાહરની ફી ભરતો કરી મુક્યો છે બજાર ને હવાલે થયેલા શિક્ષણ એ ..!!
હવે આ “સારું શિક્ષણ” ની સમાજમાં સળી ઉર્ફે ફાંસ કોણે ભરાવી ?
પાછળ જાવ જીવનમાં અને વિચારો કે આ “સારા શિક્ષણ” ની આગ લગાડનાર કોણ છે ?
કોની સરકાર હતી અને એણે આ “સારા શિક્ષણ” ની આગ લગાડી ?
હવે ત્યાંથી થોડુક આગળ વિચારો “સારા શિક્ષણ” ની લાગેલી આગમાં પોતાની ખીચડી કોણે પકાવી ?
થોડાક સમય પેહલા કોઈક એક યુનિવર્સીટીની ટીવીમાં જાહેરાત આવતી હતી કે અમારી કોલેજ ૩૦૦ એકરમાં ફેલાયેલી છે અને એની ઉપર એક મીમ બન્યું હતું કે ભાઈ મારે મારા છોકરા ને તારી કોલેજમાં ભણવા મોકલવાનો છે ચરવા નહિ..!!
“સારા શિક્ષણ” ની આગમાં મોટા મોટા ચરવાગાહ
ઉભા થઇ ગયા તમારા અને મારા રૂપિયે..!!
હું ચોથા ધોરણમાં હતો, સાલ આવે ૧૯૭૯-૮૦ ત્યારે જે સ્કુલમાં હતો એ સ્કુલે પોતાની એક બીજી બ્રાંચ ખોલી હતી, એ નવી બ્રાંચ માટે “દાન” માંગવામાં આવી રહ્યું હતું,
નવ વર્ષના શૈશવ ને “દાન”ની એક આખ્ખી રીસીપ્ટ બુક પકડાવી દેવામાં આવી હતી અને એમાં એક એક ઈંટ કરી ને આખી બુક મારે દાનમાં લાવવા ની હતી ને રીસીપ્ટ ફાડવાની હતી,
ડોક્ટર માંબાપ ના સંતાન હોવાને કારણે મને આખી પચાસ પત્તાની બુક આપવામાં આવી હતી..!
મારી મમ્મીએ બહુ જ મક્કમતાપૂર્વક ફક્ત એક જ ઈંટ ના રૂપિયાનું “દાન” આપી ને આખી રીસીપ્ટ બુક સ્કુલમાં પાછી મોકલાવી હતી અને જોડે સંદેશો મોકલ્યો હતો કે ચેરીટેબલ ટ્રસ્ટ હોય તો પણ તમારા માટે અમે કોઈના ઓબ્લીગેશન નથી લેવા માંગતા, તમારી ચેરીટી તમારા સોર્સથી કરો..!!!
ગુજરાતીમાં તમારા ધક્કે અમારે ધરમ નથી કરવો..!!
હવે આજ ની સમસ્યાનું સમાધાન..
શિક્ષકોને પગાર પુરેપુરો ચૂકવવો જ જોઈએ અને વાલીઓને ફી માં રાહત પણ મળવી જ જોઈએ ..
હસવું અને લોટ ફાંકવું એવું લાગે છે, પણ નથી..!
“દાન” લઈને ઉભી થયેલી સ્કુલ કોલેજોના ડીસઇન્વેસ્ટમેન્ટ
કરી નાખો અત્યારે, જેટલી ફિક્સ ડીપોઝીટો હોય કે પછી ત્રણસો એકરની મોટી ચરવાગાહ
ની જમીન હોય એમાંથી થોડીક જમીનો સરકાર હસ્તગત કરી અને વેચી મારો અને શિક્ષકોના પગાર કરો..! વાલીઓ ને રાહત આપો..!
શિક્ષણના નામે અઢળક હરામખોરીઓ કરી છે ઘણા બધા સંચાલકો એ,મોટી મોટી જમીનો અને બિલ્ડીંગો પ્રેમથી બથાવી
ને બેઠા છે થોડાક ઓછા કરો ..!!
ઓન લાઈન શિક્ષણ બંધ કરી ને અત્યારે તો વાલીઓના નાક દબાવ્યા છે , શિક્ષકો અને વાલીઓ સીધા ઘર્ષણમાં આવે તો એમની ચરવાગાહ અકબંધ રહી જાય એવો દાવ ગોઠવાયો હોય એવું ભાસે છે..!!
કાયદા ને ગધેડો કીધો છે પણ કાયદાનું પાલન કરવાનાર ને શું કેહવું એના વિશે આવું કેહનારો મૌન છે..!!
આ પાલન કરવાનારમાં માનનીય થી લઈને એનકાઉન્ટર સ્પેશીયલીસ્ટ બધા ય આવે..!
બેરામજી જીજીભોય અને જમશેદજી પછી બહુ ઓછી સંસ્થાઓ મળી કે જ્યાંથી રીઅલ બ્રેઈન મળ્યા આપણને..!
એકસો ત્રીસ કરોડની વસ્તીમાં અને સાલ ૨૦૨૦માં આજે પણ ભણતર સ્કૂલો કોલેજો કરતા ટ્યુશન કલાસીસમાં મેળવવા જવું પડે છે આ પરિસ્થિતિને શું કેહવું ?
ક્યારેક એ સવાલ ઉપર પણ ચર્ચા થવી જોઈએ કે સ્કુલ છે તો ટ્યુશન કલાસીસ કેમ અને ટ્યુશન કલાસીસ છે તો સ્કુલ કેમ ?
બે માંથી એક જ કેમ નહિ ?
માંબાપ ને સ્કુલની ફી ભરતા જોર
એટલે પણ આવે છે કે સ્કુલમાંથી “સારું શિક્ષણ” મળતું નથી અને ટ્યુશન કલાસીસની ફી તો ભરવી જ પડે છે..!!
સમય જ સમય છે હજી વિચારવા માટે લોકડાઉન અડધું જ ખુલ્યું છે , આવનારા દિવસો હજી પણ વધારે કપરા હોઈ શકે છે , એકલા શિક્ષણ નહિ બીજા ઘણા ક્ષેત્રોમાં આવી બાબલો આવી શકે છે ,
રસ્તો એક જ છે..
પેઢીઓથી ચડી બેઠેલા સ્થાપિત હિતો ને તોડી પાડો ..!!
પેઢી દર પેઢી આવતા સંચાલકો ને હટાવો ,શિક્ષણ ની ગુણવત્તા સુધારવા એકાઉન્ટીબીલીટી લાવો,
તારા ક્લાસના કેટલા છોકરા પાસ થયા અને કેટલા નાપાસ એના ઉપરથી તારો રીપોર્ટ બનશે માસ્તર અને પછી જ તારો સેલેરી વધશે ..!
બિલકુલ ઇન્સ્યોરન્સના સેલ્સવાળા ના ટાર્ગેટની જેમ.!
સતત ત્રણ વર્ષ તારા ક્લાસનું રિઝલ્ટ બગડ્યું તો હોટલમાં નોકરી શોધી લે આખી ચોપડી યાદ રાખવાનું તારું ગજું નથી, એક પત્તા નું મેન્યુ કાર્ડ યાદ રાખજે જન્મારો નીકળી જશે..!
પોતાના બાળક ને કલાસીસના ભાર વિના રીઝલ્ટ મળતું હશે તો માંબાપ ને પણ ફી ભરતા જોર નહિ આવે ,અત્યારે તો કલાસીસ ની અને સ્કુલ ની બબ્બે ફી ભરવા ની આવે છે એટલે એટલું તો નક્કી જ છે, આ બંનેમાંથી એક તો હરામ ના રૂપિયા તોડી ખાય છે..!
અને પેહલી જવાબદારી સ્કુલની જ આવે..!
બાકી શિક્ષકની ગોદમાં પ્રલય અને ઢીંકણું રમે છે એવું બધું જુનું જુનું આ ફોર-જી અને ફાઈવ-જી ના જમાનામાં બોલવાનો મતલબ નથી,
વાંચવા ને બોલવામાં સારું લાગે બાકી પ્રેક્ટીકલી એકેય અત્યારનો ચાણક્ય ના પેંગડામાં પગ ઘાલે એવો છે નહિ ,ખાલી દિમાગમાં ફાંકો રાખી ને ફરે એ વાત જુદી..!!
ધાડ પાડો ધાડ..ખાણ નીકળશે રૂપિયાની ત્રણસો એકર ની યુનીવર્સીટી ચરવાગાહમાં..!
અંદર અંદર લડવા નો મતલબ નથી ..
શિક્ષકો ની એકાઉન્ટીબીલીટી , ટ્યુશન કલાસીસ નો અંત નહિ થાય ત્યાં સુધી સાપ નોળિયા લડતા રેહવા ના..
કેટલી ઇંટો નું તમે ચોથા ધોરણથી તમે “દાન” કરતા આવ્યા છો ? અને તમે આપેલી ઈંટ ઉપર ક્યાં “વિઠ્ઠલ” પ્રભુ ઉભા છે જરાક જુવો તો ખરા સમય મળે તો ..!!
રાઝા પંઢરી ચા , કાહ્ન્ડા રાઝા પંઢરી ચા..!!
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ..
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા , વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા..
જય હો વિઠ્ઠલ પ્રભુ ની જય હો..!!
મારા વિઠલા સૌ ને અહી નું અહી જ દેખાડ્જે પ્રભુ દેવ ..!
શુભ રાત્રી
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)