કાનુડો બનવાની મજા કેટલી..?
નાલાયકો ..
કાનુડાના જીવનમાં ગોપીઓ,રાધા ,રુકમણી અને બીજી બધી રાણીઓ સિવાય ઘણું હતું..!!
એક જ વાત કાનુડો લખો એટલે..!
કાનુડા ને એક નહિ અનેક માંબાપ ના પ્રેમ પણ મળ્યા છે, ગોકુળ વૃંદાવનના અનેક માતાપિતાઓ કાનુડા ને પોતાનો બાળ સમજી ને પ્રેમ કર્યો છે અને વૈષ્ણવ પરમ્પરામાં આજે પણ બાળ સ્વરૂપ ને પોતાનું સંતાન સમજી ને લાડ લડાવવામાં આવે છે..!
એટલે “પેલા ચશ્માં” ઉતારો અને પછી ફરી એ સવાલ કાનુડો બનવાની મજા કેટલી ?
મને પૂછો અનહદ..!!
એક કરતા વધારે માતાઓ અને પિતાઓ નો પ્રેમ મળ્યો હોય એને પૂછો..!
જીવનએ મને સમય સમય ઉપર માતાપિતાના આખ્ખા સેટ ના સેટ આપ્યા, બહુ ઓછા લોકો ને જીવનમાં આવા લાહવા મળે છે..!
હમણાં થોડાક સમય પેહલા મને એક ફોન આવ્યો ..
શૈશવ ..બેટા શૈશવ શું કરું છું તું ? ક્યાં ખોવાઈ ગયો છે ?
એકદમ ઘરડા પુરુષ નો પ્રેમાળ અવાજ , જો કે મને એક ક્ષણ પણ ના લાગી..!
ખાલી ત્રણ વત્તા ત્રણ ફક્ત છ શબ્દો જ બોલાયા હતા ,પણ લાગણીઓ નો આખ્ખો મહાસાગર ઠલવાઈ ગયો હતો.. હજી હું બોલું કે ..હા બોલો કાકા કેમ છો ?
ત્યાં તો ફોનમાં અવાજ આવ્યો ઉભો રે તારા કાકી ને આપું ..!!
અરે પણ કાકા હું કાકી જોડે વાત કરીશ ,પણ સાંભળે તે બીજા ..
મીઠો મધ નીતરતો અવાજ આવ્યો ..શૈશવ કેટલું સરસ ગાય છે બેટા, મેં તને આસ્થા ચેનલ ઉપર જોયો હતો..!!
એક સેકન્ડ માટે હું અચકાયો ..હું વળી આસ્થા ચેનલમાં ક્યારે ગાવા પોહચી ગયો ? પણ કાકી નું એકધારું બોલવાનું ચાલુ હતું ..તું ભાગવત સપ્તાહમાં આરતી ઉતારતો હતો અને ગાતો હતો ને ..એમાં મેં તને જોયો , બેટા નાનો હતો ત્યારે જેટલું મીઠ્ઠું ગાતો હતો ને એવું જ સરસ હજી ગાય છે તું ..!!
મારી આંખોમાં ઝળઝળિયાં આવી ગયા , ગળે ડૂમો ભરાઈ આવ્યો એમના મારા ઉપર ના પ્રેમ અને ભરોસા માટે..!!
વાત જાણે એમ હતી કે થોડા સમય પેહલા મારા સગ્ગા કાકા અમેરિકા મુકામે દેવ થયા અને એમની પાછળ મારા કાકા ના દીકરાએ ભાગવત સપ્તાહ નું આયોજન કર્યું હતું ,જેનું લાઈવ પ્રસારણ આસ્થા ચેનલ કરી રહી હતી , અમારો સમગ્ર વોરા પરિવાર અને મિત્રો કોવીડ ને કારણે ઓનલાઈન આસ્થા ચેનલ દ્વારા જોડાયા હતા , પણ અમદાવાદમાં હોવા ને લીધે આરતી કરવા નો લાહવો મને મળ્યો હતો..!
ખરેખર આરતી પાછળ કલાકારો ગાઈ રહ્યા હતા અને એમનો અવાજ ચેનલ ઉપર ટેલીકાસ્ટ થઇ રહ્યો હતો, હું તો સાવ ધીમે ગાતો હતો પરંતુ ટીવી ઉપર જોનાર ચોક્કસ ખબર પડે કે બેકગ્રાઉન્ડમાં ગવાય છે અને વગાડવામાં આવી રહ્યું છે, તો પછી કાકી ને કેમ લાગ્યું કે શૈશવ ગાતો હતો ?
લાગે ,બસ્સો ટકા લાગે..
*જયારે કોઈ માં તમને જયારે દીકરા ની નજરે જોતી હોય અને દીકરા જેટલો જ પ્રેમ કરતી હોય ને ત્યારે એને દરેક જગ્યાએ એનો દીકરો જ દેખાય..!!*
મારે બિલકુલ કબુલ કરવું પડે કે કૃષ્ણ સાથેની મારી સજ્જડ ઓળખાણ કરાવનાર એ મારા પાડોશી કનુકાકા અને જ્યોત્સનાકાકી છે..!!
અમદાવાદ શેહર ના ખાનપુરમાં શૈશવ ની બિલકુલ સામેનું ઘર એટલે કનુકાકાનું..!!
શૈશવ જન્મ્યો ત્યારે એમને છ એક વર્ષની એક દીકરી, શૈશવ છ મહિના નો થયો ત્યારથી શીરો અને જ્યોત્સના કાકીના ઠાકોરજીની સેવાના પ્રસાદ નો એકાધિકાર ભોગવતો..!!
છ મહિના નો શૈશવ બાવીસ પાઉન્ડ એટલે કે લગભગ દસ કિલો નો હતો..!!! મને તેડાવો પણ બહુ અઘરો હતો ,હાથ દુખી જાય પણ કાકા મને રોજ તેડી ને આંટો મારવા લઇ જાય આવું મમ્મી કહે ..!
*એ જમાનો હતો કે જયારે બાળકો ને બહુ મોટા થાય ત્યારે ખબર પડતી કે આ ઘર પાડોશી નું છે આપણું પોતાનું નહિ ..!!*
બાળપણથી સવાર, બપોર, સાંજ એમના ઘરમાં મારો કોઈ જ રોકટોક વિના આવરો જાવરો , સોસાયટીમાં સાંજ પડ્યે અમે રમતા હોઈએ અને જેવું અંધારું થાય એટલે કાકી અમારા ત્રણે ભાઇબેનના નામની બુમ પાડે , પેહલા અમારે ઘરની બહાર ચોકડીમાં હાથપગ ધોવાના અને પછી એમના ઘરમાં જવાનું ,
બધાએ ફરજીયાત નીચે જમીન ઉપર બેસવાનું અંધારું થઇ જાય અને પેહલા ધૂન બોલવાની શ્રી કૃષ્ણ શરણં મમ ..શ્રી કૃષ્ણ શરણં મમ …જય શ્રી કૃષ્ણ શરણં મમ .. કદમ કેરી ડાળો બોલે ..!
આખી ધૂન પૂરી થાય પછી વારો આવે.. દઢ ઇન ચરણન કેરો ભરોસો ..ત્યારે ખબર નોહતી કે બિહાગ રાગ છે પણ ગાવાની મજા આવતી , અને છેલ્લે એકાદું ભજન ..!
આટલું કર્યા પછી જો મમ્મી પેશન્ટ નો લોડ વધારે હોય અને દવાખાનેથી આવ્યા ના હોય તો કાકી અમારા ઘરે આવે અને અમને જમવાનું પીરસી ને જમાડી દે , અને આઠ-દસ વર્ષ ની એ ઉંમર, ટેલીવિઝન પેહલા નો જમાનો, પેટમાં પડે એટલે રખડી રખડી ને થાકેલા અમારા ત્રણે ભાઇબેન ના કપડા પણ કાકી બદલાવે અને અમને ઊંઘાડી પણ દે ..!!
મમ્મી આજે પણ એમ કહે છે કે મારો પડોશ હોય નહિ ને મારા છોકરા મોટા થાય નહિ..!!!
*જુના સમય ની બલિહારી હતી કે પાડોશી ના સંતાન ને પોતાના સંતાન જેટલો જ પ્રેમ કરવાનો ને કોઈ જ ઉપકાર કર્યા ની લગીરે ભાવના નહિ..!!*
રજા ના દિવસે સવાર વેહલી પડી હોય તો કાકી ના ઠાકોરજી ની સેવામાં એમની જોડે બેસી જવાનું ..! કાકા નો દુકાને જવાનો સમય થાય તો પૂછે આવવું છે દુકાને ?
આપણે તો રાહ જોતા હોઈએ હા ..!
જા કપડા બદલતો આવ .. ફટાફટ દોડી ને.. મમ્મી હું કાકા ની દુકાને જાઉં છું કપડા બદલી આપ,
મને કાકા ની દુકાને જવું બહુ ગમતું કારણ પૂછો કેમ ?
તો શું કે ત્યાં એમના ગુમાસ્તા અને માણસ મને “શૈશવભાઈ” કહી ને બોલાવે શેઠનો છોકરો સમજી ને ,અને બપોરે મારા માટે સ્પેશિઅલ બે સમોસા આવે નાસ્તામાં , સાંજે પાછું બીજું કશુક આવે, ચોકલેટ પીપર તો જેટલા વેપારી આવે એમાંથી એકાદ બે તો ખીસામાં રાખતા જ હોય અને આપણને પકડાવે..!!
અને બીજી સૌથી મોટી વાત જે વેપારી આવે અને પૂછે કે તમારો બાબો છે તો કાકા ક્યારેય ના પાડે નહિ ,હા મારો બાબો છે ..!!
એટલે પારકું લાગવાનો સવાલ જ નહિ ,કાકાની હાર્ડલી ત્રણસો ચારસો ફૂટ ની દુકાન ,સ્ટાફમાં ગણી ને બે માણસ ને બે ત્રણ ટેમ્પાવાળા ,ચા વાળો આવે ને જાય દર દસ મીનીટે પણ , હેંડો નાના શેઠ આંટો મારવા એમ કરી ને ટેમ્પાવાળો કે ચા વાળો આંગળી પકડી ને સેહજ બજારમાં લઇ જાય અને એકાદ ચોકલેટ આપી ને પાછો દુકાને મૂકી જાય ,
પણ એ બધા ની વચ્ચે હું મારી જાત ને એમાં રાજા નો દીકરો ફિલ કરતો..!!!
ફોન પર થયેલી એક અડધી મિનીટની વાત .. “બેટા નાનો હતો ત્યારે જેટલું મીઠ્ઠું ગાતો હતો ને એવું જ સરસ ગાય છે તું ..!!” મને ગજ્જબ રીતે બાળપણમાં ખેંચી ગઈ , એક પછી એક કેટલાય પ્રસંગો જીવનના નજર સામેથી નીકળી ગયા ..!
છેલ્લે કાકા ને પપ્પા ના બેસણામાં મળ્યો હતો પછી આ કાળમુખો કોવીડ આવ્યો એટલે મળવાનું થયું નહિ ..!
પણ પપ્પા ના બેસણામાં કાકા ને મળ્યો ત્યારે એમનો અને કાકી નો ખોળો યાદ આવી ગયો ને ઉદ્ગાર નીકળી ગયો હતો .. કાકા તમારા ખોળામાં ખાટ ઉપર જેવી ઊંઘ ને શાંતિ મળતી હતી એવી બીજે ક્યારેય નથી મળતી..!!
કાકા મારી સાથે ચોધાર રડ્યા..!!
*કમબ્ખતી છે જીવનની એકવાર મોટા થયા પછી નાના નથી થવાતું અને ગયેલા પાછા નથી આવતા..!!*
મારે આજકાલમાં કાકા કાકી ની ખબર લેવા જવું પડશે આ કોગળિયું ધીમું પડ્યું છે ત્યાં..!!
*યાદ કરજો કોઈક ખોળો તમે પણ જો જીવનમાં પામ્યા હો તો એને યાદ કરી લેજો..! અને થાય તો એમને મળી આવજો,*
*ઘડપણ ફક્ત અને ફક્ત સમય માંગે છે આપણી પાસે બીજું કશ્શું જ નહી ..!!!*
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*