માફી માંગતા મેસેજીસ નો મારો ચાલુ થશે ..!!
શું માફી ? શેના માટે ? ક્યા કૃત્ય ની ? કોણ માંગે અને કોને આપે ?
ભારત ભૂમિ ઉપર જીવાતી જિંદગીઓ ઘણી બધી જીવનશૈલીઓ ને આધારિત જીવન જીવે છે, બહુલ મોટો જનસમુદાય હિંદુ જીવન શૈલી ને અનુસરે છે, જેમાં જુદા જુદા પંથ છે શૈવ,વૈષ્ણવ ,જૈન ,શીખ ..!
જીવનના ત્રણ મુખ્ય પ્રસંગ ,જન્મ લગ્ન અને મરણ ..!
મારો આ બધા પંથ ને એક જ શૈલી નો ભાગ ગણવા પાછળ નું મોટું આ કારણ એક જ છે તમામ પંથો ના જન્મ ,મરણ અને પરણ આ ત્રણે ના રીતરિવાજ બિલકુલ એક સરખા છે ને ખાનપાન ના પણ સાથે સાથે એકસરખા રીવાજ છે..!!
બાકીના “ધર્મો” છે તે પણ એક જીવન શૈલી જ છે ,પરંતુ એ લોકો એ વાત નો સ્વીકાર નથી કરતા..!! અને ધર્મ ને સીધો મૃત્યુ અને “મૃત્યુ પછીની જિંદગી” સાથે જોડી લે છે..!!
સાદું ઉદાહરણ અત્યારે પડોશમાં છે ફક્ત એક ઘર છોડી ને..!!
પેહલા તો સાખ પાડોશી ની વાત કરીએ તો પાકિસ્તાન હજી પણ પુષ્કળ રીતે હિંદુ જીવનશૈલી થી જીવન જીવી રહ્યું છે અને અત્યારે ત્યાં ગભરામણ ના પાર નથી..!!
જો કે ત્યાં પણ ઘણા રીતરિવાજ એવા છે કે જે નાં પાળવાથી ઈશ્વર નામની કોઈક અગોચર શક્તિ “માફ નથી કરતી” અને સજા આપે છે , સજા વર્તમાન જીવનમાં પણ હોઈ શકે અને “મૃત્યુ પછી ના જીવનમાં”..!!
એનાથી આગળ ના પડોશમાં ધર્મ ના ઠેકેદારો એ જે હુકમ કર્યા એના લીધે ત્યાં ની સંપૂર્ણ જીવન શૈલી બદલાઈ ગઈ..!! સ્ત્રીઓ માટે આજીવન લોકડાઉન લાગી ગયું..!!! ત્યાં માફી શબ્દ લગભગ નથી ..!! અને ત્યાં ઈશ્વર પણ માફ ત્યાં નથી કરતો એનો “એજન્ટ” હથિયાર નો ઉપયોગ કરે અને તાત્કાલિક ઢીશકાંઉ કરી નાખે છે ..!
બન્ને પાડોશીઓમાં એવા કેટલાય લોકો વસી રહ્યા છે જેમના માટે વિધર્મી સ્ત્રી હોય કે પુરુષ એમની સાથે કરેલા કોઇપણ દુષ્કૃત્ય ને પુણ્યકર્મ જ ગણી લેવાનું એટલે ત્યાં લગભગ શું માફી ? શેના માટે ? ક્યા કૃત્ય ની ? કોણ માંગે અને કોને આપે ? ત્યાં આવા બધા સવાલો માટેની જગ્યા જ નથી રેહતા..!!
માફી એ ઉચ્ચતમ જીવન શૈલી નો એક પાયો છે, એમાં પણ જાણ્યે અજ્ણ્યે થયેલા કૃત્ય ની માફી માંગવી એ ઘણી આદર્શ વાત છે પણ કુદરત જેને આપણે કહીએ છીએ એ ઝટ માફ નથી કરતી..!!
કોઈ પણ આદર્શ વાતમાં કે પરિસ્થિતિમાં કુદરત અને હું બંને માનતા નથી..!
મનુષ્ય જીવનમાં આદર્શ પરિસ્થિતિ ની નજીક જ પોહચી શકાય છે પામી ક્યારેય નથી શકાતી..! એ જ રીતે આદર્શ વાતો જ થાય છે જેને સામાન્ય જિંદગીમાં અમલમાં મુકવાના પ્રયત્નો બહુ ઓછા થતા હોય છે..!!
નાની નાની બાબતોમાં હિંસા અને એકબીજા ને હેરાનગતિ સતત કરવામાં આવતી જ હોય છે ..!!
ચાંપલાશપટ્ટી નો મતલબ નથી હોતો..!!
ગમે તેટલો મોટો વિદ્વાન હોય પણ એની પાસે પેલા બહુ જાણીતા સવાલ નો જવાબ નથી હોતો ..મારી માં કેમ મરી ગઈ ? મરવું એ એક કુદરતીપ્રક્રિયા નો ભાગ છે..!!
આ કુદરત છે , ઝાપટ જ મારે , ત્યાં સામા સવાલો જવાબો કે જ્ઞાન માફી કશું જ ના ચાલે..! બે દિવસ ઉપર સોસાયટીમાં વીજળી પડી , મારો સારથી બચી ગયો ,પણ ઘરના બે સેટટોપ બોક્સ અને ર્ક ટીવી ઉડી ગયું શું કરવાનું ? ઉડી ગયું તો ઉડી ગયું ..!! સારથી નસીબ નો પાધરો કે વીસેક ફૂટ દૂર હતો તે બચ્યો..!
આજકાલ હિંદુ જીવનશૈલી થી જીવતા ઘણા બધા લોકોમાં માફી એક દુષણ તરીકે ઘુસી ગયેલું જોઉં છું, એવી વાત થાય છે આજ સુધી નું એકાઉન્ટ પૂરું નવું ચાલુ..!!
ખત્તરનાક વાત ..!
મને તો દાંતે તરણું લઈને સોમનાથ મંદિર ભાંગવા આવી ચડેલો મ્લેચ્છ જ દેખાય..!
ભારત નો ઈતિહાસ સાક્ષી છે કે જેટલી માફી આપી એટલી મોંઘી પડી છે ..!
કંધાર મુક્યું પંજાબ અડધું બંગાળ અડધું ,બલુચ સિંધ કેટલું બધું ઈતિહાસ ની માફીઓ મુક્વ્યું છે અને લેટેસ્ટમાં નેવું હજાર સૈનિકો અને લાહોરની ભાગોળે હતા પણ ઠેર ના ઠેર ..!
રાષ્ટ્ર ની વાત કરું તો ક્ષમા વીરસ્ય ભૂષણમ ને દરેક વખતે આ ઘોર કળિયુગમાં ટાંકવાની હવે જરૂર નથી ,કદાચ હવે નક્કી કરવું રહ્યું કે કયું કૃત્ય માફી ને લાયક છે અને કયુ નહિ..!!
અને પર્સનલમાં એક વ્યક્તિ થી બીજી વ્યક્તિ પાસે માંગવામાં આવતી માફીમાં ક્ષમા વીરસ્ય ભૂષણમ એવું બધું લખવા નો મતલબ જ નથી..!
અલ્યા ચિંદી ચોરી ની માફી આપવાથી વીર ના થવાય..! અને છતાં પણ બીજી વાત એમ છે કે ભલે જઘન્ય કૃત્ય હોય પણ એને માફ કરો, જો વ્યક્તિ ખરા હ્રદયથી માફી માંગતી હોય તો ..!!
જો કે કમબખ્તી પણ અહિયાં જ ચાલુ થાય છે ..!!
દરિયાદિલી દેખાડી એક માટે , એટલે બીજો જાણી જોઈ ને કાંડ કરે અને માફી માંગવા લાઈનમાં આવી ને ઉભો રહી જાય.!!!
એવા પણ કેટલાય છે કે માફી માંગી લીધી એટલે ફરી નવું એકાઉન્ટ ચાલુ..!!
કરેલી ભૂલ ની માફી મંગાય.. પણ એક ની એક રીપીટ ભૂલ ની માફી ? એ તો બદમાશી કેહવાય ..!!
જાણ્યે અજાણ્યે થયેલા કૃત્ય ની માફી ?
જાણી ને કરેલા કૃત્ય ને પાપ કેહવાય અને એની સજા હોય માફી ના હોય ..!
અને અજાણ્યે થયેલા કૃત્ય ને તમે રોકી નથી શક્યા અને આગળ પણ રોકી નથી શકવાના તો પછી માફી નો દંભ શાને ?
એવા કામ જ નહિ કરવા કે માફી માંગવી પડે ..!!
માફી અત્યારે એક હથિયાર થઇ ને ઉભું છે ,ધંધામાં એક ટુલ તરીકે વપરાય છે, બદમાશીઓ કરી ને માફી મંગાય છે ..!!
કોઈ ધર્મ નો ઠેકેદાર કહી દેશે કે જા તે માફી માંગી તો તું છુટ્ટો ,કદાચ એકવાર એક ભૂલ ની માફી કદાચ કુદરત કે ઈશ્વર આપી દેશે પણ વાંરવાર એક ની એક ભૂલ થાય અને એની માફી પણ વારંવાર માંગવી એ નરી બદમાશી જ છે..!!
પોતાની જાત ને સંતોષ આપવા માફી માંગો તો ઠીક છે બાકી સામે વાળો પણ મૂરખ ચોક્કસ નથી..!!
ખરેખર ભૂલ કરી હોય અને દિલથી માફી માંગી અને ફરી એવા પ્રકાર ની ભૂલ ફરી વાર ના કરવી હોય તો જ માફી માંગવી બાકી તો જે દિવસે પોતે જાત્તે જ હર્રામખોરીઓ નથી કરવી એવું મનથી નક્કી કરશું ત્યારે માફી માંગવાની જરૂર નહિ રહે..!
બાકી બીજા કરતા મુઠ્ઠી ઊંચેરો પોતાની જાત ને બતાડવા નમી નમી ઠાલા શબ્દોથી મંગાતી માફી ..પાપ છે પાપ ..!
ચાલો બહુ લખ્યું ..બહુ દાઝેલો છું આ માફીઓ ના ચક્કરમાં ,એટલે જરાક ઝેર નીકળી ગયું બાહર ,
પપ્પા હમેશા કેહતા ઝેર ગળે રાખવું તમે જાત્તે પી જશો તો તમે મરશો અને બાહર ઓકી નાખશો તો સામેવાળો મરશે ..!
હું કોઈ ને માફ કરું છું કે નહિ એની મને ખુદ ને ખબર નથી પણ ઇગ્નોર ચોક્કસ કરી દઉં છું , છોડી દેવાનો ..ઠીક છે તારું તું કર ..!! અને હા ખરેખર ભૂલ ભૂલમાં સંજોગોવશાત કોઈ ભૂલ થઇ હોય તો બિલકુલ સભાન રહી ને માફી માંગું અને ફરી થી એવું કામ ના થાય એનું ચોક્કસ ધ્યાન રાખું છું..!
પણ હમણાં એવા કોઈ કામ કે કાંડ થયા જ નથી..!!
અઘરું છે ..!
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*