આજે થોડો વેહલો ઘરે આવ્યો અને એક ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનવાનું નસીબ પ્રાપ્ત થયું..
GSLV માર્ક III D-1 નું પ્રક્ષેપણ થતું ટીવી પર લાઈવ જોવા મળ્યુ..!
ભારતનું પોતાનું પેહલુ રોકેટ જેનું પોતાનું વજન ૬૪૦ ટન,રીપીટ ૬૪૦ ટન…! અને ૪ ટન નું વજન લઈને રોકેટ જીયો સ્ટેશનરી ઓરબીટમાં પોહચી ગયુ..!
GSLV ની સીરીઝ બહુ જ ડીપ્રેસીવ રહી છે અત્યાર સુધીમાં, કાલે મેચનો બહિષ્કાર કરીને ડીડી ન્યુઝ જોતો હતો ત્યારે કાઉન્ટ ડાઉન ચાલુ થયું હતું અને ત્યારે જ સેહજ થડકારો થઇ ગયો હતો કે ભગવાનીયા હિન્દ મહાસાગરમાં ડુબાડી ના દે`તો મારા રોકેટને..!
પેહલા જ ટ્રાયલમાં સફળ થનારું આ પેહલુ જ GSLV છે,અને એમાં પણ આ સાઈઝનું..રોકેટના કેસમાં PSLVમાં તો ISROની પૂરી મહારથ છે,પણ GSLVમાં બહુ માર ખાધો છે ISRO એ,
અટલબિહારી બાજપાઈના સમયમાં અણુ ધડાકા કર્યા ત્યારે આ GSLVના ક્રાયોજેનિક એન્જીનની ટેકનોલોજી અમેરિકા આપણને આપવાનું હતું પણ ધડાકા કર્યા અને પ્રતિબંધ લાગી ગયા અને અમેરિકાએ ઠેંગો દેખાડ્યો પછી ISRO એ ચેલેન્જ ઉપાડી લીધી તે છેક આજે ટેક પૂરી થઇ..!
હવે આવો મેદાનમાં, તમે ભલે એપોલો-૧૧ ૧૯૬૯માં મોકલી દીધું પણ અમે હવે બહુ બહુ તો ૨૦૨૪માં ચન્દ્ર ઉપર તિરંગો લઈને પોહચી જઈશું..!
ISRO એ ૧૨,૫૦૦ કરોડ રૂપિયા માંગ્યા છે, હું માનું છું કે એકાદ બે દિવસમાં સરકાર સેન્કશન કરી દેશે..અને મિશન મુન નો ઓફીશીયલ આગાઝ થઇ જશે, ઓલરેડી એના એન્જીનના સફળ પ્રયોગ થઇ ચુક્યા છે..
હવે ચન્દ્ર ઉપર જઈને કાઢી શું લેવાનું..?
તો જવાબ છે ચંદ્ર ઉપર મળેલો હિલીયમનો તદ્દન નવો મળેલો આઈસોટોપ હિલીયમ-૩, હિલીયમ-૩ જો હાથમાં આવે તો ફોસિલ ફ્યુઅલની ગુલામીમાંથી છુટકારો મળે..અમેરિકા,રશિયા,ચીન અને યુરોપ યુનિયન ચંદ્ર સુધી પોહચી ગયા છે, આપણે પાછળ રહી ગયા હતા આજે લાઈનમાં આવી ગયા..
સમાનવ યાન મોકલી અને પાછા લાવવા માટે હજી આવનારા બે વર્ષમાં આનાથી ત્રણ ગણું મોટું ક્રાયોજેનિક એન્જીન જોઇશે, તૈયારીઓ પુરજોશમાં ચાલુ છે,કદાચ દોઢ બે વર્ષમાં એનું પણ પરીક્ષણ થઇ જશે પછી ટ્રાયલ કેપ્સ્યુલ મોકલાશે..
આલ્બર્ટ આઇન્સ્ટાઇનના E=MC2 એ દુનિયાને એનર્જીના દરવાજા દેખાડ્યા અને હિલીયમ-૩ નામનો આઈસોટોપ ખુબ જ એનર્જી આપે છે અને એ પણ ઓછા રેડીએશને.. સૂર્યમાંથી આવતા સૌર પવનો ચન્દ્રને થાપટ મારે છે અને હિલીયમ સાથે ત્યારે સૌર થાપટોનું રીએક્શન થઇને હિલીયમ-૩ બને છે,અત્યારે તો ક્યાંક સાચું અને ખોટું એવું બધું બધી વેબસાઈટ લખે છે, કોઈક લખે છે આખા અમેરિકાની ઇલેક્ટ્રિકસીટી એક વર્ષ માટે ૨૫ ટન હિલીયમ-૩ જોઈએ..થોડો વધારે પડતો આ આંકડો લાગે છે..!
આ પેહલા પણ લખી ચુક્યો છું કે એક તદ્દન નવો ધંધો દુનિયા શોધી કાઢ્યો છે, અને એ છે અવકાશમાં રખડતા ભમતા પથરા જેને એસ્ટ્રોઇડસ તરીકે ઓળખવામાં આવે છે, એમને સાજા સમા ધરતી પર તાણી લાવવાના અને એમાંથી મળતી રેર મેટલ્સ અને બીજા તત્વોમાંથી એનર્જી પેદા કરવાની..!
ખતરો બહુ મોટો છે આ કામ કરવામાં આવર્ત કોષ્ટકમાં રહેલા અત્યારના ટોટલ 118 તત્વો એ જાણીતા એલિમેન્ટ છે, આ ૧૧૮ એ ૧૧૮ આપણા જાણીતા “પલીત” છે, પણ એસ્ટરોઈડમાંથી કોઈ એવુ ૨૨૩મુ એલિમેન્ટ નીકળ્યું અને ભૂત સાબિત થયું તો શું કરશો..?
અજાણ્યા ભૂત કરતા જાણીતું પલીત સો ગણું સારુ..!
આવું કોઈ અજાણ્યું તત્વ જેના ભૈતિક રસાયણિક ગુણધર્મ આપણી જૈવિક સૃષ્ટિને કેવી રીતે અસર કરશે એ જોયા જાણ્યા વિના ધરતી ઉપર તાણી લાવવું એ ધરતીના અસ્તિત્વ માટે બહુ ખતરનાક સાબિત થાય..
હવે નાસા કે ISROને આ કેહવત હું ક્યાં શીખવાડવા જવાનો ..?
પણ આ વિષય ઉપર જબરજસ્ત ચર્ચાઓ ચાલે છે એપોલો-૧૧ પણ ચન્દ્રની માટીના નમુના લઈને આવ્યું ત્યારે પણ આ ખતરાની ચર્ચા ચાલી હતી પણ અત્યારે તો હવે જે થાય તે અને જે હોય તે પણ લગભગ દસેક અમેરિકન પ્રાઈવેટ કંપની અવકાશમાં ફરવા માટેના બુકિંગ લેતી થઇ ગઈ છે અને સાવ હવામાં વાત નથી ગુગલ કરીને જોવો,બહુ નક્કર પ્લાનીગ સાથે આગળ વધી રહ્યા છે એ લોકો..!
એક વાત તો નક્કી છે કે ISRO એ ઝડપ કરવી પડશે ચંદ્ર ઉપર જો ખરેખર ખુબ મોટા પ્રમાણમાં હિલીયમ-૩ પડ્યો છે તો એને ઘર ભેગો કરવો જ રહ્યો, અને શક્યતા પૂરે પૂરી છે ,સાવ સાદી બુદ્ધિથી વિચારીએ તો ચન્દ્રના આટલા ઓછા ગુરુત્વાકર્ષણ બળને લીધે વાતાવરણ તો ના ટકે,ખાલી હાઈડોજ્ન અને હિલીયમ જેવા વજનમાં હલકા ગેસ જ ચંદ્ર પર ટકી શકે,કદાચ શુક્ર ઉપર પણ શક્યતા ખરી..પણ પેહલા નજીક જ્યાં હોય ત્યાં દુનિયા દોડે એ ન્યાયે ચન્દ્રનો જ વારો આવે..
GSLV માર્ક III D-1 નું પ્રક્ષેપણ પા શેરાની પેહલી પૂણી છે અને શકન સારા છે હૈયે હામ છે એટલે બે ત્રણ વર્ષમાં GSLV માર્ક III D-1 કરતા ત્રણ ગણુ વજનદાર GSLV માર્ક III D-3 લોન્ચ થઇ જશે અને અવકાશમાં એક ડગલુ વધારે આગળ જતા રહીશુ ..!
શુભ રાત્રી
શૈશવ વોરા