થોડાક સમય પેહલા એક સમાચાર આવ્યા હતા
સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા એ રૂપિયા ૧૭૭૧ કરોડ એમના ખાતા ધારકો પાસેથી દંડ સ્વરૂપે વસુલ્યા…!
હવે પૂછો કે દંડ કયો..? તો કહે ખાતામાં મીનીમમ બેલેન્સ રાખ્યું નહિ માટે દંડ સ્વરૂપે રૂપિયા ૧૧૭૧ કરોડ વસુલ્યા..!!
આ..હા..
ધન્ય ધન્ય થઇ ધરા..અંગ્રેજ ગયા પણ સવાયા “રાષ્ટ્રવાદી” અંગ્રેજ મૂકી ગયા..!!
શું કેહવું ..?
દયાહીન થયો છે નૃપ રસહીન થઇ છે ધરા..!!
હવે આવા બધા “વેવલાવેડા” નો મતલબ નથી પાંચ વર્ષ પેહલા હતો..!!!
અચ્છા, બીજી એક આગળ સરસ વાત કે આ ૧૭૭૧ કરોડ રૂપિયા સ્ટેટબેંકના નેટ પ્રોફિટ ૧૫૮૨ કરોડ કરતા વધારે છે..!!
છી છી છી.. કેવો કારભારો હે..?
કાનપટ્ટી ઉપર બંધૂક મુક્યા વગર ગરીબના લુંટેલા રૂપિયાને પણ ઘાલખાધ સરભર કરવા વાપરવા પડે છે..!
બીજો એક એવો મેસેજ આવ્યો કે બેંકો હવે કોઈ જ સર્વિસ મફતમાં નહિ આપે,
ખરેખર કોઈ એ સાચું જ કીધું છે જન્મો જનમ અવતાર ભારતભૂમી પર આપજે ભગવાન પણ સામાન્ય માણસ બનાવી ને ના આપતો..!!
અરે જે માણસ મીનીમમ બેલેન્સ પણ પોતાના ખાતામાં રાખી નથી શકતો એ ગરીબની પાસે થી દંડ વસુલ્યો અને એ પણ આટલો મોટો..!!
છસ્સો રૂપિયા સુધી બેંકો મિનિમમ બેલેન્સના નામે કાઢી લ્યે છે, ત્રણસો રૂપિયાના રોજ ઉપર નોકરી કરતા ના ખાતામાંથી છસ્સો રૂપિયા કાઢી લેવાના.?
અરરરર…
ગરીબની કાળી મજુરીનાં બે દિવસની દા`ડીના રૂપિયા સેરવી લેવાના..?
હા`ય તો લાગે હો..
પરસેવાની કાળી મજુરીના રૂપિયા નોટબંધી કરીને બેંકમાં ભરવો પછી એ જ ખાતામાં મીનીમમ બેલેન્સ મેન્ટેન ના થાય એટલે દંડ વસુલવાનો..!!
બિચારા જોડે મીનીમમ બેલેન્સ રાખવા જેટલા રૂપિયા “પણ” નથી, એવો વિચાર ના આવ્યો, અને એની બદલે ચલ એઈ “ભિખારા” તારી પાસે જે હતું એ પણ હવે આપી દયે..!!
ક્યા ભવે છૂટશો હેં બેંકવાળા સાહેબ તમે..!!..???
કઈ માનસિકતા છે આ..?
એક કિસ્સો ક્યાંક વાંચેલો યાદ આવે છે..
અંગ્રેજનો જમાનો હતો..ભારત ભૂખ્યું ને નાગું હતું..
એક ગરીબ માં ને ચાર છોકરા પેટ ઘાલીને કોગળીયામાં એનો ધણી ગામતરે જતો રહ્યો અને નીચે ધરણી ઉપર વધ્યા પાંચ ભૂખ્યા અને નાગા જીવ..
ગામના બધા ઘરના બારણા બંધ થઇ ગયા,અને ભૂખ ઉભીને ઉભી રહી,
છેવટે શાહુકારને દરવાજે ગઈ માં..!!
મન ભરીને માણી ચૂસી પછી એનું પેટ ભરાય એટલી બે રોટલી આપી,
શરીરે થાકેલી માં એ બે રોટલી ખાઈ લીધી અને આશા હતી કે બીજી આઠ દસ રોટલી પણ મળશે ત્રણ કલાકના ચારપાંચ જણના ચૂંથણા પછી પણ “નીચ” શાહુકારે એનો ફાટલો સાડલો પણ ખેંચી લીધો અને કીધું કાલે ફરી આવજે તો સાડલો મળશે..!!!
આંખના સુકાયેલા આંસુડે ઢહડાતી ઢહડાતી એ માં જાતી `તી..આબરૂ ગઈ એનું દુઃખ એટલે નોહ્તું, કેમકે નજરે તો પેલા ભૂખે ટળવળતા જ વર્તાતા..
હારેલી થાકેલી એ છેવટે એક ધત્તુરાના છોડે થી બી વીણ્યા અને ઘેર જઈને…
કેટલા દૂર છીએ આ દિવસો થી..????
ભૂખે ટળવળતા ના બેંક ખાતેથી મીનીમમ બેલેન્સન અપેક્ષા..???
કયો વાદ છે આ ..? સામ્યવાદ ? સમાજવાદ ? મૂડીવાદ ?
કયો પક્ષ આ નિર્ણય કરે છે ??
કોંગ્રેસ?ભાજપ ? સમાજવાદી ? બહુજન ?
કદાચ ઉપરની વાર્તા જો સેહજ ધ્યાનથી અને સંવેદનાથી વાંચોને તો એસબીઆઈના શેર પણ પોર્ટફોલિયોમાં પડ્યા હોય ને તો આપણને વેચી મારવાની ઈચ્છા થાય..
આવા હરામના રૂપિયાના ડીવીડન્ડ આપડે નથી ખાવા..!
બેન્કિંગ સેક્ટરમાં “સુધારા” જ્યારથી આવી રહ્યા છે ત્યારથી કોઈને કોઈ રૂપે બેંકો રૂપિયા વસુલી રહી છે અને જવાબદાર સરકારી અધિકારીઓ આંખ આડા કાન કરી ને બધું લોલમ લોલ ચાલવા દયે છે..
એક જમાનામાં ચેકબુકો પણ મફત હતી આજે એના પણ પ્રજા રૂપિયા ચુકવે છે..!!
ધીમે ધીમે ઝીણો ઝીણો ટેક્સ ટેરરીઝમ આગળ આવતો જાય છે અને પ્રજા પીસાતી જાય છે..!!
એક બાજુ ઉઠી ગયેલા બહુ જ મોટા ઉદ્યોગપતિઓ છે અને બીજી બાજુ કિસાન લોબી છે..
બંને વર્ગને તદ્દન મફતનું જોઈએ છે..અને એ લોકો એકવાર મફતનું તોડી લીધા પછી રાજકારણીની છત્રછાયા શોધી લ્યે છે,અને અલ્ટીમેટલી શેહરોમાં રેહતી પ્રજા જે દિવસ આખામાં આમથી તેમ દોડાદોડી કરીને આઠ કલાક મજુરી કરીને રૂપિયા રળે છે એને ભાગે માર આવે છે..
ઘણી બધી વાર વિચારીએ છીએ કે જીવનના સવાર પડ્યે ટુથબ્રશ ઉપાડીએ છીએ એના થી લઈને રાત્રે ઊંઘતા સુધીની વપરાતી તમામ ચીજ વસ્તુઓ ઉપર ટેક્ષ ભારતના તમામ લોકો ભરી રહ્યા છે..ઇનડાયરેક્ટ ટેક્ષ એ કોઈને છોડ્યા નથી તો પછી એ બધા રૂપિયા જાય છે ક્યા ?
એક કેહવત છે કે ભેંસના શીંગડા ભેંસને ભારે ના પડે.. પણ સરકારના કેસમાં ઊંધું છે,ભેંસ ને એના શિંગડા જ ભારે પડી રહ્યા છે..
આજે એકદમ ધીમે ધીમે તબક્કાવાર વ્યાજના દરો ઘટતા જાય છે, અને વ્યાજ પર “ખાતી” એક પેઢી પોતાની જાત અને આયુષ્ય બધું જ સંકોરતી જાય છે..
કોઈ પૂછનાર કે કેહનાર નથી..
સરકારો ફક્ત અને ફક્ત મોટા જન આંદોલનથી જ ડરે છે અને પ્રજા જાતી અને ધર્મના નામે મત આપ્યા કરે છે,
ટેક્ષની બદલે સર્વિસ આપવાનો ચાર્જ સરકાર અને એના યુનિટો વસુલતા થઇ ગયા છે..એક જમાનામાં એવું કેહવાતું કે ટેક્ષ ભમરો ફૂલ પરથી મધ ચૂસે એટલો જ લેવો જોઈએ પણ આજે ફૂલને મસળી અને રસ વધારે મળે છે એટલે ફૂલ બિચારું કુદરતી રીતે કરમાઈ જાય એ પેહલા જ કસાઈવાડે જાય છે..
જજિયા વેરો બીજા સ્વરૂપમાં આવે તો નવાઈના લાગવી જોઈએ હવે..
ધાર્મિક સંસ્થાનોનાં બેંક એકાઉન્ટ ઉપર જમા થતા દરેક એક લાખ રૂપિયે દસ હજાર રૂપિયા કપાઈ જશે..!!
પણ આવું થવું જ જોઈએ,
આપણી પ્રજા તો જ જાગશે
પોતાના ખિસ્સામાંથી રૂપિયા ગયા તો ચુપચાપ સહન કરશે પણ એના ભગવાનના ખાતામાંથી રૂપિયા ગયા તો તલવારો લઈને રસ્તે આવશે..!!
ચૂંટણીમ મત આપીએ ત્યારે ક્યાં ભાન હોય છે આપણને કે આ બધામાંથી એક જે ચૂંટાશે એ આપણી કેવી કેવી રીતે પત્તરફાડશે..!!
ચાલો, ચૂકવો રૂપિયા, અને જીવો
નવો ટેક્ષ હવાનો પણ આવી શકે છે, એટીએમમાં દસ મિનીટ બેઠો ,
કેમેરો ગણી લેશે મીનીટો અને તમારા ખાતામાંથી એસી ચાર્જીસ કપાશે..!!
વાતાનુકુલિત અનુભૂતિ સેવા કર..
(હિંદુ નામ લાગે, એસી ચર્જિસ થોડું હજી બ્રિટીશ લાગે )
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા