છેલ્લા બે દિવસથી જેટલી વાર ટીવી ખોલો એક જ “બબાલ” ચાલી રહી છે..
સુપ્રીમ કોર્ટના ચાર જજ વર્સીસ સિજેઆઇ..
બહુ જ ગંદો જંગ છેડાઈ ગયો છે આ ભારતના લોકતંત્ર માટે,અને મીડિયા ચુપચાપ તમાશો જોઈ રહ્યું છે,સત્તાધારી પક્ષ બિલકુલ મોઢું સીવીને બેઠો છે અને કોંગ્રેસે ભૂલ કરી નાખી, રાહુલ ગાંધી ની પ્રેસ કોન્ફરન્સ કરીને..!!
એક બહુ સર્વસામાન્ય નિયમ છે જ્યારે “મોટા” ઘરમાં બધા “મોટા” બાઝે ત્યારે નાના-નાના હોય એ બધા ઘરની બાહર જતા રહે અને એક જ વાત કરે તમે બધા મોટા છો, અંદર અંદર સમજી લ્યો..!
સુપ્રીમ કોર્ટના જજ એટલે ડહાપણ નો ભંડાર અને આ ડહાપણના ભંડારો ક્યાં શું ચુકી ગયા ? શું થયું કે જજ સાહેબો મીડિયાની સામે આવી ગયા ? અને મીડિયાની સામે આવ્યા પછી પણ બહુ જ બડ્બોલુ ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ બંને મીડિયાની જીભડી એ આંટી ચડી ગઈ હોય એમ બધા ત..ત..ફ..ફ.પ..પ..કરે છે..?
ઘાંટા પાડી પાડીને બુમાબુમ કરતુ મીડિયા શું થયું છે ? એ આ મામલે બિલકુલ મોઢું સીવી ને કેમ બેઠું છે..? સામાન્ય પ્રજા ના કેસમાં મીડિયા પોતાની ટ્રાયલ ચલાવી અને ફટાફટ ચુકાદો આપી દે છે એ મીડિયા માટે આ ઝઘડો એ સર્વોચ્ચ ઝઘડો છે..આપો ચુકાદો ..!!!
કેમ ફાટી પડી છે ??
કહી દો સિજેઆઇ ખોટા છે, અથવા એમ કહી દો કે ચાર જજ સાહેબ ખોટા છે..!!
જનતા બિલકુલ કબુતરની જેમ મુંડી ૩૬૦ ડીગ્રી ફેરવી અને ઘુટર ઘુ કરી રહી છે, ઘડી માં ઉડીને એક ચેનલ અને ઘડીકમાં બીજી ચેનલે જાય છે..!!
મીડિયા બિલકુલ જજમેન્ટલ થયા વિના પેહલી વાર સમાચારને સમાચારની જેમ છાપી રહ્યુ છે..અને બોલી રહ્યું છે..
મોટા મોટા વકીલ સાહેબો ટીવી ઉપર આવી આવીને એક જ વાત કરી રહ્યા છે કે કુલડીમાં જ ગોળ ભાંગો..!!
સુબ્રમણ્યમ સ્વામી જેવા ચતુર સુજાણ આખો મુદ્દો બીજી તરફ લઈ જવાની કોશિશ કરી રહ્યા છે એમ કહી કહીને કે જજ સાહેબ મીડિયાની સામે કેમ ના આવી શકે ?
મુદ્દો ત્યાં છે કે જજ સાહેબ મીડિયાની સામે આવ્યા અને ખાલી “આત્માના અવાજ” ને જગાડીને જતા રહ્યા..
હવે મૂળ મુદ્દો એ છે કે “આત્મા નો અવાજ” શું કેહવા માંગે છે ..??
આ “આત્માના અવાજે” દેશને બહુ ટટળાવ્યો છે..
આત્મા નો અવાજ ક્યારે સાચો અને ક્યારે ખોટો એ આઝાદીના સિત્તેર વર્ષે નકકી થતું નથી..!
મૂળ સવાલ વિશે કોઈ જ બોલવા તૈયાર થતું નથી એક પેલા ધ વાયરવાળા વિનોદ દુઆ છેક સોરાબુદ્દીન એન્કાઉન્ટર સુધી આ લીંક ખેંચી ગયા, પણ એમની તટસ્થતા ઉપર વર્ષોથી પ્રશ્નાર્થ ચિન્હ લાગી ચુક્યું છે..
જનસાધારણ પૂછે છે કે અલ્યા થયું છે શું કે આ સુપ્રીમ કોર્ટના જજ સાહેબો એ લક્ષમણ રેખા ઓળંગી ?અને એમણે મીડિયાની સામે આવી ને શું ખોટું કર્યું અને શું સાચું કીધું ????
સુપ્રીમ કોર્ટમાં સરકારી અને વિપક્ષના જજ હોઈ શકે ??
અત્યારે કમ્પ્લીટ મીડિયા ક્યા જજે કયો ચુકાદો આપ્યો અને કેવો આપ્યો એની છણાવટમાં લાગી ગયો છે..કોઈ જ કશું બોલતું નથી પણ આપણે આ ઘટના ને કેવી રીતે મુલવવી ??
મને લાગે છે કે આ હિમશિલાની ટોચ છે, ક્યાંક બહુ જ મોટું રંધાઈ રહ્યું છે, ભારત ધીમે ધીમેં એકાદ પ્રકાર ની કટોકટી તરફ આગળ વધી રહ્યું છે..
સોશિઅલ મીડિયામાં એક મુહિમ ચાલી છે ફરિયાદી જજને કોંગ્રેસી જજ અને સિજેઆઇને ભાજપાઈ સાબિત કરવાની..
કેટલી ખતરનાક છે આ મુહિમ જેનો જનસાધારણને અંદાજ સુધ્ધા નથી, સુપ્રીમ કોર્ટના જજ “ફક્ત” અને “ફક્ત” ન્યાયાધીશ જ હોય કોઈપણ સંજોગોમાં એક પણ પોલીટીકલ પાર્ટી સાથે એમને જોડી “જ” ના શકાય ..
રાજનૈતિક પાર્ટીઓ ઇન્દિરા ગાંધીના જમાનાથી કુકર્મો કરતી આવી છે ,અને પોતાના કુકર્મો છુપાવવા માટે એ જમાનામાં પણ ન્યાયાધીશોને પ્રભાવિત કરવાના પુરા પ્રયાસો થયા હતા.. એક સવાલ એ છે પણ કે જસ્ટીસ લોયા કેસ નગરવાલા ખૂન કેસ તરફ જઈ રહ્યો છે..??
કોઈ મીડિયા બોલશે નહિ અને સવાલ ઉપર સવાલ નાખશે કેમકે હા પાડે તો હાથ કપાય અને નાં પાડે તો નાક..!!
સવાલ એવો પણ ચોક્કસ આવે કે કોઈ ના કુકર્મ છુપાવવા કે બહાર પાડવા મી લોર્ડ એ મીડિયા ની સામે આવવું પડ્યું અને આવ્યા તો મોઢું પૂરું કેમ ના ખોલ્યું ?
આજે ઘોર કલિયુગમાં દ્વાપરની એક “કમીની” ભેટ બહુ ચાલે છે અને એ છે “અર્ધસત્ય..”
હસ્તિનાપુર નરેશ યુધિષ્ઠિર દેન છે આ “અર્ધસત્ય” …
એ પછી હમેશા અર્ધસત્ય સમાજ જીવનની ઘોર ખોદતુ રહ્યું છે..
આઝાદી પછી જવાહરલાલ નેહરુનાં સમયથી જ ઈતિહાસ ની સાથે ચેડા થતા આવ્યા છે અને સત્યની બદલે અર્ધસત્ય ઈતિહાસમાં પણ ઘુસેડાતા રહ્યા છે..
ભારત ભયંકર સંક્રાંતિ કાળમાંથી પસાર થઇ રહ્યું છે, પેહલા પણ લખી ચુક્યો છું કે ઈતિહાસ જ્યારે રચાઈ રહ્યો હોય છે ત્યારે એ સમયની પ્રજાને ખબર જ નથી હોતી કે એ લોકો કેવા સમયમાંથી પસાર થઇ રહ્યા છે..!
પણ એટલું નક્કી છે કે આ વિવાદ વકર્યો તો ભારતના લોકતંત્રને એવો ઘા પડશે કે જેને રુઝાતા દસકાઓ નીકળી જશે અને જો ચુપચાપ કુલડીમાં ગોળ ભંગાઈ ગયો તો પણ શું હતું એ રાઝ ની ચર્ચાઓ લોકમોઢે દસકાઓ સુધી થશે..
ટૂંકમાં પેન્ડોરાની પેટી ખુલી ગઈ છે.. જજ સાહેબો નહિ બોલે તો જેટલા મોઢા એટલી વાતો થશે..
મને એક સવાલ ચોક્કસ થાય છે કે સોશિઅલ મીડિયા નું આટલું મોટું પ્લેટફોર્મ છોડીને માનનીય જજ સાહેબો એ ઈલેક્ટ્રોનિક મીડિયાનું પ્લેટફોર્મ કેમ પકડ્યું ??
આજકાલ તો મુખ્યમંત્રીઓ એમના રાજીનામા પણ સોશિઅલ મીડિયામાં આપે છે તો પછી હવે ઈલેક્ટ્રોનિક મીડિયા તરફ મી લોર્ડ કેમ ખેંચાયા ??
કદાચ બહુ મોટી રમતના મંડાણ થઇ ગયા છે એટલે બધા પોતાની જાતને સંકોરી અને સાચવી રહ્યા છે, મીડિયા મૂરખ નથી જ..!!!
આ વખતનો આત્મા નો અવાજ વત્તા અર્ધસત્ય ભારતને બહુ જ નુકસાન કરાવશે..ભેદભરમ ઉભા ને ઉભા છે અને રેહશે..
શુભ રાત્રી
શૈશવ વોરા