એ નવું ચાલુ થયું..હજી પર્યુષણ ચાલુ થયા નથી અને મિચ્છામી દુક્કડમ ના મેસેજ ચાલુ થઇ ગયા..!
અલ્યા એવા તે કેટલા “પાપ” કર્યા છે કે માફી માંગવાની આટલી ઉતાવળ આવી ગઈ..? અને મેસેજ પણ એટલા લાંબા લાંબા મોકલે કે એમ થાય કે ભાઈ બસ યાર માફ કર્યો પણ હવે તો છોડ..!
એક નાનું અને હંમેશા ધરમ-કરમમાં રચ્યું પચ્યું સોળ સત્તર વર્ષનું ટેણીયુ રોજે એટલા લાંબા લાંબા મેસેજ રોજ મોકલે છે કે હું થાક્યો અને આજે એને ફોન કરી ને કેહવું પડ્યું બકા તું તારી સવાર આખી ધરમમાં કાઢે,ના દારૂ પીવે,ના નોન-વેજ ખાય..નથી તું કોઈને “અડતો”, તો પછી “નડવા”નો તો સવાલ જ નથી,લગભગ તું “બાવા” નું જીવન જીવે છે અને તારે કેમ આટલા બધા મિચ્છામી દુક્કડમના મેસેજ મોકલવા પડે છે..?
કોઈને નડવું નહિ, કોઈને તકલીફ ના આપવી, મન વચન કે કર્મ થી હાની ના પોહચાડવી બીજા ઘણા ઘણા આવા સુંદર સુંદર વચનો છે,વાંચવાની મજા આવે પણ પ્રેક્ટીકલ લાઈફમાં તો બહુ તકલીફ પડે,સાલું સવાસો કરોડના એકસો બત્રીસ કરોડ થઇ ગયા અને આટલી વધતી ભીડમાં રસ્તો કરવાનો તો પછી કોઈને “નડવું” પણ અડે અને “અડવું” પણ પડે..!
અડીએ તો જ સવાસો ના એકસો બત્રીસ થવામાં કોન્ટ્રીબ્યુશન અપાય ને..!
વરસે એકાદ વાર બરાબર છે કે ભાઈ માફી માંગી લ્યો, ચાલે પણ આ તો ઉઘાડા પગે ચાલે અને કીડા-મકોડા બધાનું ધ્યાન રાખે,અને પછી પાછો કહે માફ કરો.. પણ કેમ યાર..?
અને ખરેખર જેણે રોજ માફી માંગવી જોઈએ એવા “હરામી” ઓ વર્ષમાં એક દિવસ પણ માંડ મિચ્છામી દુક્કડમ કરે..!
અમુક લોકો પ્રેક્ટીકલી તમને પેમેન્ટ આપવામાં “ધવડાવતા” હોય,મારા એક કસ્ટમર છે એમને ભૂલથી તમે વર્ષમાં ક્યારેય મળીએ તો પેમેન્ટમાં હજાર બે હજાર કાપી લ્યે એટલે એમને પર્યુષણ સિવાય ક્યારેય મળવાનું જ નહિ, પર્યુષણમાં પેમેન્ટ પૂરું કરે..
હું મોઢામોઢ કહીને પણ આવું કે સારું છે તમારું આ “કતલખાનું” વર્ષમાં આઠ દિવસ તો બધ રહે છે..!
વર્ષો પેહલા “સુખડી” કાપી લેવાની એક પરંપરા હતી..પેમેન્ટમાંથી એક બે ટકા કાપી લ્યે અને પછી એ કાપી લીધેલા રૂપિયાના દાનધર્મ કરે..પારકે રૂપિયે દાન કરે,અને મારા જેવો મોઢામોઢ કહે કે “પારકે” રૂપિયે શું દાન કરો છો તમારા “ગાંઠે” બાંધેલા છોડોને..તો જવાબ આવે “આંગળી ચિંધ્યા” નું પુણ્ય તો મળે ને..!
ટોટલ હલકાઈ.. ક્યારેક તો ગુસ્સો એવો આવે ને કે એની જ આંગળી ને…સમજી જાવ..!
આ માફી માંગી માંગી ને “હલકાઈ” કરનારો એક બહુ મોટો વર્ગ ગુજરાતમાં છે, એક મજેદાર કિસ્સો..!
એક સોસાયટીમાં આવું એક “માફીમંગુ” પ્રાણી રહે..આ “માફીમંગુ” પ્રાણી આમ તો લગભગ નવરું, કામધંધાના નામે શેરબજારમાં રમી ખાય અને ઘરમાં માફીમંગુ અને “એની” બે જ જણા રહે,એમના છોકરા મોટા થઈને એમના ઠેકાણે ઉડી ગયા હતા..
હવે આ માફીમંગુ દર અઠવાડીએ કોઈની પણ જોડે બાઝે, જેવા કે ધોબી,ઘરના કામવાળા, માળી, સોસાયટીના સફાઈ કામદાર, કોઈએ ખોટું પાર્કિંગ કર્યું હોય તો, ક્યારેક મ્યુનિસિપલ કર્મચારી..
ટૂંકમાં “મળવો” જોઈએ કોઈક,પછી એની “ખબર” લઇ નાખે અને પછી છેલ્લે “માફી” માંગે, અને માફી પણ એવી રીતે માંગે કે સામેવાળો આખો ઝઘડો ભૂલી અને ગોળ ગોળ થઇને જાય..!!
એ માફીમંગુની માફી માંગવાની આવડત ઉપર આપડે પણ “કાયલ”..! સાલો બે હાથ જોડી અને રડી રડીને માફી માંગે તમે દસ વાર માફ ના કરો ત્યાં સુધી તમને છોડે નહિ,તમને પગે લાગે,ભેટે..રડે બધા જ હથકંડા વાપરે..!
હવે એક દિવસ એવું થયું કે માફીમંગુ ની સોસાયટીની ગટર ઉભરાઈ, કોઈપણ પ્રકારની “અવ્યવસ્થા” તો માફીમંગુથી તો સહન થાય જ નહિ,એટલે પેહલા સોસાયટીના સફાઈ કામદારને લઇ નાખ્યો,પણ મેઈન મ્યુનીસીપલીટીમાંથી પ્રોબ્લેમ હતો એટલે વાત ગઈ ત્યાં સુધી..અને મ્યુનિસિપાલીટીમાંથી જવાબ અને ઉકેલ આવતા એકાદ બે દિવસ તો થાય જ, અને એ દરમ્યાનમાં માફીમંગુ ના ઘરમાં વાસ બહુ આવે એટલે માફીમંગુ નો પારો ચડતો ગયો..!
હવે જેવી મ્યુનિસિપલ સફાઈ કામદારની ટીમ લઈને એમના ઓફિસર આવ્યા કે પેલો માફીમંગુ પેહલા તો તૂટી પડ્યો, હવે આ પેહલા પણ માફીમંગુ એમને બધાને ભૂતકાળમાં “લઇ” નાખ્યા હતા, અને પછીથી આદત સે મજબૂર માફીમંગુ એ “માફી” માંગી લીધી હતી,એટલે આ વખતે એ બધાને એટલી તો ખબર હતી કે આ માફીમંગુ કકળાટ તો મચાવશે જ..
પણ એ ટીમમાં આવેલા એક સફાઈકામદાર મન થી બહુ મજબુત થઇને આવ્યા હતા, અને નક્કી કરીને આવ્યા હતા કે આજે જો આ માફીમંગુ એ “ખેલ” કર્યો તો એને છોડવો નહિ,અને એને સાથ આપવા એના ઓફિસર પણ તૈયાર હતા..!
ટીમને આવેલી જોઇને પેહલા તો માફીમંગુ જોરદાર ઝઘડો કર્યો અને જબરજસ્ત ગુસ્સામાં માફીમંગુ એ “ભૂલ” કરી..સફાઈ કામદારો માટે જાતિવાચક શબ્દો ઉચ્ચાર્યા અને આદત પ્રમાણે જેમ ફાવે તેમ માફીમંગુ બોલ્યો..
એક જ સેકન્ડમાં કામ અડધું મૂકી અને આખી ટીમ રવાના થઇ ગઈ,માફીમંગુને કઈ સમજણ જ ના પડી,એને પોતાનો ગુસ્સો ઠંડો કરીને માફી માંગવાનો સમય જ ના મળ્યો..!
માફીમંગુ ઘેર જઈને પાણીબાણી પી ને હિંચકે બેઠો પેલા બધા પાછા આવે એની રાહ જોતો બેઠો..કે ક્યારે એનો એપિસોડ આખો પૂરો કરું,
અને પેલા બધા પાછા આવ્યા, પણ જોડે માફીમંગુના “મામા” ઓ ને લઇને આવ્યા હતા,પોલીસની બે જીપો જોડે આવી હતી અને લુંગી અને ગંજીમાં માફીમંગુ ને પોલીસ સ્ટેશન ઉપાડી ગયા..!!
એટ્રોસિટી નો કેસ ઠોકી દીધો એની ઉપર..પછી તો માફીમંગુ જે રડે જે રડે,પોલીસ સ્ટેશનના બાંકડા પલળી ગયા અને રેલા છેક બહાર સુધી આવ્યા..માફીમંગુ ની ઘરવાળી બીજા સગાસબંધીને લઈને પોહચી, બધાને પગે લાગી માફીમંગુના આખા ખાનદાને માફીઓ માંગી,પણ પેલી આખી ટીમ ટસની મસ ના થાય હવે તો “આને” અંદર કરાવવો જ પડે, બીજી કોઈ વાત જ નહિ..
અમારે આને “માફ” નથી કરવો..!
બપોરની રાત પડી સોસાયટીમાં વાત ફેલાઈ કે માફીમંગુને “ઘાલી” દીધો.. માફીમંગુ ના “લક્ષણ”થી જાણીતા પેહલા તો બધા ખુશ થયા,પછી ધીમે ધીમે બધાને દયા આવી અને સોસાયટીની એક પછી એક ગાડીઓ પોલીસ સ્ટેશન પોહચી..
પેહલા “તોડ” કરવા લોકો કામે લાગ્યા,લાખ્ખો રૂપિયાની ઓફર કરી પણ ટીમ હાલે જ નહિ, કરોડો આપો તો પણ નહિ, આ માફીમંગુ ને સજા સિવાય બીજી કોઈ જ વાત નહિ, અંતે ઘણી સમજાવટને અંતે વગર રૂપિયાના તોડ થયે કેસ પાછો ખેંચાયો, પણ માફીમંગુને જે પોલીસ સ્ટેશનના બાંકડે આઠ દસ કલાક બેસાડી રાખ્યો હતો ત્યારથી ઝઘડા કરતો અને માફીઓ માંગતો બંધ થઇ ગયો છે..
ચુપચાપ હિંચકે ઝૂલ્યા કરે છે..!
એટલે આટલા બધા અને આટલા વેહલા મિચ્છમીદુક્કડમના મેસેજ જોઇને મને પણ એમ થાય છે કે જા નથી કરવો તને માફ..!
ચુપચાપ બેઠો રે ને યાર..!
અને હા એક વાત ક્લીયર કરું કે કોઈને એમ હોય કે આ માફીમંગુ ભાઈ જૈન હશે, તો તદ્દન ખોટી વાત છે, એ જૈન નથી એટલે પાઘડી પેહરવી નહિ..
હા જો તમારી અંદર આવો કોઈ માફીમંગુ બેઠો હોય તો વિચારી લેજો બાકી માફી માંગવાના “રીવાજ” લગભગ બધા જ ધરમમાં છે..!
અને “માફ” કરવાના પણ, એમનેમ સોમનાથ મંદિર ઉપર સત્તર સત્તર વખત…
એટલે આ માફીમંગુ “ધરમે” કોઈપણ હોઈ શકે છે..!
માટે મારી સાથે “માફીમંગુ” થઈને “બાઝવા” ના આવતા..!
આપની સાંજ શુભ રહે
શૈશવ વોરા