અડધી રાત્રે ઊંઘ ઉડે અને કઈ કામ ના સુઝે એટલે પેહલું કામ થાય રસોડામાં જવાનું અને પછી ડબ્બા ખંખોળવાનું..
આજે અત્યારે એવું જ કૈક થયું,
આજે સવારના વેહલા પરોઢે સાડા ચાર વાગ્યે ઉઠી અને કચ્છ ગયો, અને સાંજ પડ્યે પાછો પણ આવી ગયો,રસ્તામાં જબરજસ્ત “ઘોર્યો”,પણ શરદી પીછો છોડતી નથી એટલે સાંજે ઘેર આવીને તરત જ એક “ફર્સ્ટક્લાસ” શરદીની ગોળી ઠઠાડી લીધી,અને એ શરદીની ગોળીની આડ અસરમાં નવ વાગ્યામાં આંખો ઘેરાઈ અને આપણી વિકેટ પડી પણ ગઈ,ઈચ્છા તો એવી જ હતી હવે વેહલી પડે સવાર અને એ પણ નવ પેહલા તો નથી જ ઉઠવું,એવું નક્કી કરી લીધું હતું,પણ કમબખ્ત ઊંઘ કુકડા જેવી થઇ ગઈ છે અને પેટ હાથી નું..!!
બાર વાગ્યે આંખ ખુલ્લી ગઈ એટલે રસોડામાં જઈને પેટપૂજા કરી પછી થયું લાવો કૈક લખીએ એટલે ઓફીસબેગમાં અંધારે અંધારે હાથ નાખ્યો લેપટોપ કાઢવા, લાઈટ તો કરાય જ નહિ, જો ભૂલથી લાઈટ થઇ અને શ્રીમતીજી જાગી ગયા તો..ચુપચાપ ઊંઘી જા અને ઊંઘના આવે તો પડ્યો રહે પણ લાઈટ બંધ કર..એટલે છાનામાના ઓફિસબેગમાંથી લેપટોપ કાઢ્યું અને ચાર્જર માટે મારી જ ઓફીસબેગમાં અંધારે અંધારે હાથ નાખી અને બેગ ફંફોળવાનું ચાલુ કર્યું અને હાથમાં કૈક મેટલનું વાગ્યું,એટલે પછી તો લાઈટ ચાલુ કરી અને બેગમાં હાથ નાખીને એ વસ્તુ બહાર કાઢી..
સરપ્રાઈઝ…!!
પાપાની એક મહિના પેહલા ખોવાઈ ગયેલી રિસ્ટ વોચ મળી..પાપાના સિત્તેરમાં જન્મ દિવસે હું એમના માટે લાવ્યો હતો,આમ તો પાપા કપડા પણ ખાદીના પેહરે છે, અને એમણે પોતાના માટે ક્યારેય જીવનભર કોઈ ખર્ચો કર્યો નથી એટલે દસ વર્ષ પેહલા એમની સિત્તેરમી બર્થ ડે વખતે મેં બજેટ બનાવીને “ખર્ચો” પાડ્યો હતો,અને એક મસ્ત “બ્રાન્ડેડ” રિસ્ટવોચ એમના માટે મેં લઇ લીધી હતી..પેહલા તો એમનો પેટેન્ટેડ ડાયલોગ આવ્યો કે..શું જરૂર હતી આટલો બધો ખર્ચો કરવાની..?પણ પછી પ્રેમથી એમણે પેહરવાની ચાલુ કરી દીધી..મહિના પેહલા એ રિસ્ટવોચ એમનાથી ખોવાઈ ગઈ,આખું ઘર બા-દાદા એ ગાંડું કર્યું ઘરના બધા મેમ્બર્સ અને નોકરો એ ઘરનો ખૂણે ખૂણો ફેંદી કાઢ્યો પણ દાદાની ઘડિયાળ હાથમાં ના આવી..
છેવટે એમને બહુ જીવ બાળતા જોઇને હું સેઈમ એવી જ બીજી વોચ લેવા પોહચી ગયો,પણ સાલા ઘડિયાળવાળા એ દસ વર્ષમાં તો ચાર ગણા ભાવ કરી નાખ્યા..એક લાખ દસ હજાર બોલ્યો..
મને પેહલા તો પાપાથી ઘડિયાળ ખોવાઈ ત્યારે દુ:ખ નોહતું થયું,પણ જયારે પેલો ઘડિયાળની દુકાનવાળો એક લાખ દસ હજાર બોલ્યો ત્યારે મને બહુ જ દુઃખ થયું,મનમાં એક હાયકારો નીકળ્યો અને એવું થઇ ગયું કે યાર લાખ રૂપિયાની વસ્તુ ઘરમાંથી ગાયબ થઇ ગઈ..? છેવટે એવી નહિ પણ બીજી એના જેવી જ લગતી સસ્તી ઘડિયાળ લઇ આવ્યો,અને પાપાને પેહરાવી દીધી કે લ્યો આ તમારી નવી ઘડિયાળ પેલી હતી એનાથી વધારે સારી..! પેલી ભૂલી જાવ..હું ખોટું બોલ્યો અને પાપાને પણ એની ખબર પડી ગઈ,કે આ ખોટું બોલે છે ગમે તેમ તો બાપ બાપ છે..!
અને અત્યારે અડધી રાત્રે એ ઘડિયાળ અચાનક મારી બેગમાંથી હાથમાં આવી પેહલા તો ખુશ ખુશ થઇ ગયો અને પછી દુઃખી..
પેલી નવી લાવેલી ઘડિયાળના ખોટા રૂપિયા બગડ્યા ને..!
કેવો સ્વભાવ થઇ ગયો છે નહિ ? પેહલા જયારે ઘડિયાળ ખોવાઈ ત્યારે એ ઘડિયાળની જૂની કિંમત ખબર હતી, ત્યારે…! હશે ત્યારે મુઈ બીજું શું ? અને જેવી ખબર પડી કે લાખ રૂપિયા ઉપરની કિંમત થઇ ગઈ છે અત્યારે તો.. ત્યારે…એક સેકન્ડમાં આખી લંકા લુંટાઈ ગઈ એવી ઘાટ થયો,હવે લુંટાયેલી લંકા પાછી મળી તો પેલી નવી સસ્તાવાળી “ખોટી” લઇ લીધી એવું થાય છે,ખોટા ખોટા રૂપિયા “પડી” ગયા નવી ઘડિયાળ ના..
સાલું કેમેય કરીને પોહચાતું નથી આપણી જાતને, દુઃખી જ થવાનું નક્કી કર્યું છે એટલે દુઃખ જ મળે..
હવે અત્યારે બીજી પણ બીક લાગે છે,સવાર પડ્યે બંને સાસુવહુ એક થઇ જવાની અને એવો ખખડાવશે..મમ્મી કેહશે જયારે જોવો ત્યારે ઓફિસબેગ ખુલ્લી મૂકી રાખે છે, અને પાછુ અમારે તો તારી બેગ ને અડાય નહિ.. તારા પપ્પાથી કદાચ ભૂલમાં પડી ગઈ હશે અને સીધી ગઈ તારી બેગમાં, વાંક તો તારો જ કેહવાય..અને એમના વહુરાણી ટાપશી પુરાવશે..પાછું મમ્મી ગમે ત્યાં આખા ઘરમાં ઓફિસબેગ રખડાવે છે..!
મારે તો શું કેહવાનું ..?
બળ્યો આ પુરુષ નો અવતાર..!!
પણ ખરેખર ક્યારેક આવું પણ થાય કે નહિ ?
અને પાપા ચોક્કસ એમ કેહ્શે કે આ નવી ઘડિયાળ લાવ્યો છે એ બદલાવી લાવ,અને છોકરીઓ માટે લેતો આવ,મારે બબ્બે ઘડિયાળનું શું કામ છે ?
આખો રવિવાર મારો ઘડિયાળના વહીવટમાં જશે.. હું એમ કહીશ કે હવે ના બદલી આપે અઠવાડિયું થઇ ગયું એટલે મમ્મી એમ કેહશે અઠવાડિયું જ થયું છે, ક્યાં મહિનો થયો છે..?અને જો હજી એવી ને એવી છે,એવું લાગે તો બસ્સો પાંચસો બીજા ઉમેરીને લેડીઝ વોચ લઇ લેજે છોકરીઓને કામ લાગશે..
અરે પણ એ બધા જોડે ઢગલો છે, ભલે રહી પાપા પાસે બે ઘડિયાળ…
સામો જવાબ આવશે..હવે અમારે શું કરવાનું આ બબ્બે ઘડિયાળો રાખીને..?
માંબાપ ..!
કોને કીધા નહિ ? એક વસ્તુથી ચાલે છે તો બીજી શું કામ ? તમે બે નહિ પાંચ રાખો અમારે તો “એક જ બહુ છે..!”
ઘેર ઘેર માટીના ચુલા..
છોકરાના સંતોષમાં અમારો સંતોષ, તમારે જોઈએ, અમારે તો ચાલે..!
જીવતર આખું છોકરા છોકરા કર્યા અને હવે એમના છોકરા છોકરા કરે..! પોતના અસ્તિત્વને લગભગ ઓગાળી નાખ્યું,
સુડતાલીસે પોહચેલો હું આટલા વર્ષમાં પેહલીવાર પાપા માટે લેંઘાનું કાપડ લેવા ગયો, અને મને એ પણ ખબર નહિ કે એક લેંઘા માટે કેટલા મીટર કાપડ જોઈએ..કયુ કાપડ લેવાય એની પણ ખબર ના પડે સારામાં સારું આપી દો, નસીબ જોગે એક મિત્રના પત્ની ત્યાં આવી ગયા અને એમણે રોકી પાડ્યો..ના આ ના લેવાય..બધું મોંઘુ એ સારું ના હોય,પાતળું કાપડ જોઈએ લેંઘા માટે,પેલું બીજું સસ્તાવાળું આપો રોજ પેહરવામાં આ જ વપરાય..
આજે પણ મારી રજે રજ ની એમને ખબર હોય..
અને આપણને..?
જે સવારે વાંચે એને ગુડ મોર્નિંગ અને રાત્રે એને શુભ રાત્રી
શૈશવ વોરા