જય મસાણી માં,જય મારી ભડકાવાળી મા`ત ..
આટલું બોલી ને મરઘટિયાએ એક ભડભડ બળતી ચિતામાંથી અંગારો કાઢ્યો અને બીજી ચિતાની નીચે મુક્યો ..
મૃતકના જમણા પગને અંગુઠે એમના પુત્ર એ દાહ આપી દીધો હતો, પણ ચિતા હજી જોઈએ તેટલી આગ પકડતી નોહતી એટલે મેં એ મરઘટિયાને પૂછ્યું ..અલ્યા થોડા તલ મંગાવું..?
નીચી મૂંડીએ એક હાથમાં વાંસડો પકડી અને ચિતાના લાકડા ફેરવતો મરઘટિયો બોલ્યો નહી જરૂર પડે..અને બે ત્રણ મિનીટમાં એણે `ખોલી` નાખેલી `નનામી` ના વાંસ ને લઈને એની પાઈપ બનાવી કાઢી, ને એના વાટે ચિતાના નીચેના ભાગે જ્યાં એણે અંગારો મુક્યો હતો ત્યાં ઘી પોહચાડ્યું અને ચિતા એ આગ પકડી લીધી..!!
કૈક અસાધારણ રીતે ચિતાએ આગ પકડી હતી..
ભડકો ઘણો મોટો જતો હતો, અને હું એકધારો એ ચિતાના ભડકા ને જોતો વિચારતો હતો ..અને મહાકાલને યાદ કરતો હતો..!
છેલ્લા ઘણા દિવસથી હું એક્સાઈટેડ હતો,આઠમી અને નવમી સપ્ટેમ્બર મહાકાલની ભૂમિ ઉજ્જેણીમાં એક કોલમિસ્ટોની મીટ છે, આખા ભારતના, અને મને તેમાં આમંત્રણ મળ્યું હતું.. લગભગ ગામ આખાને હું કહી વળ્યો હતો..કે હું ઉજ્જેન જવાનો છું..
શ્રાવણની અમાસે બબ્બે જ્યોતિર્લીંગના દર્શનની એક ગજ્જબ લાલસા મને લાગી ગઈ હતી,
પણ અચાનક ગઈકાલ બપોરથી શરદી અને તાવનો જોરદાર હુમલો થયો, એકસામટી બેત્રણ દવાઓ ખાઈ લીધી પણ મેળ પડતો નોહતો, અને છેવટે છેલ્લી ઘડીએ ટ્રીપ કેન્સલ કરી પણ મનમાં મહાકાલ જ ફરતો રહ્યો..!!
જોગાનુંજોગ મારો એક ખુબ સારો મિત્ર પણ આજ તારીખોમાં ઉજ્જેન જવાનો હતો એટલે મને એમ હતું કે ત્યાં બધા ભેગા થઇ જઈશું પણ મહાકાલે કૈક બીજું ભાગ્યમાં નિર્માણ કર્યું હતું..
મને ત્યાં બોલાવવાને બદલે એ સાક્ષાત દર્શન આપવા આવ્યો..
જે મિત્ર ઉજ્જેન આવવાનો હતો એણે પણ ટ્રીપ કેન્સલ કરી, અને આજે બપોરે એ જ મિત્રનો ફોન આવી ગયો..”મમ્મી ગયા..!!”
તાવ અને શરદીને બાજુ પર મૂકી અને હું મિત્રધર્મ નિભાવવા દોડયો, લગભગ નેવું ની નજીક પોહચેલું ઘરડું મરણ હતું અને ઘણા સમયથી એક્સ્પેકટેડ હતું એટલે દુઃખ ઓછું હતું પણ લૌકિક વ્યહવાર તો કરવો જ રહ્યો..!!
મને પણ એ કાકી ની માયા ખરી, પણ થોડાક સમયથી તેઓની રીબામણી મારાથી નોહતી જોવાતી એટલે મને ખરેખર કહું તો મૃતક પીડામાંથી છૂટ્યા એવો હાશકારો વધારે હતો, મૃત્યુના દુઃખ કરતા..
મૃતકની અંતિમઈચ્છા લાકડામાં અગ્નીસંકારની હતી એટલે એ પ્રમાણે ની વ્યવસ્થા થઇ..!!
સાંજના સુમારે હું સ્મશાનમાં એક છેડે એકલો બેઠો બેઠો અડધી સળગતી,અડધી ઠંડી થયેલી એવી બીજી બધી ચિતાઓ ઉપર નજર ફેરવતો હતો , મનમાં મહાકાલને યાદ કરતો મહામૃત્યુંજય ના જાપ બાય ડીફોલ્ટ ચાલી રહ્યા હતા..
અને ત્યાં જ ચિતા અસાધારણ રીતે આગ પકડી અને ભડભડ બળતી હતી ,સેહજ પણ ધૂણી , ધુમાડો કઈ જ નહિ અરે ત્યાં સુધી કે મૃતદેહના બળવાની ટીપીકલ વાસ પણ નહિ ..!
મારા મન ને ખબર નહિ પણ કેમ શાતા વળી ગઈ હતી, અને ત્યાં જ મહાકાલ એની હાજરીનો મને સતત એહસાસ આપી રહ્યો હતો ..
મને એકલો પાળીએ બેઠેલો જોઇને બધી ચિતાઓને ઉથલાવી, અને મરઘટિયો મારી પાસે આવી ને બેઠો..એ સામેથી બોલવા લાગ્યો ..ભ`ઈ `બા` બહુ સારા હતા ને..મેં માથું ધુણાવી ને હા પાડી , મરઘટિયો આગળ બોલ્યો..કોઈ દિવસ કોઈને બા નડ્યા નહિ હોય..
ખરેખર એવુ જ હતું છેલ્લા પચીસેક વર્ષનો એ મિત્ર જોડે નો સબંધ અને એમના ઘરનો મારે આવરો જાવરો,વત્તા મારી એક પેહલેથી ટેવ રહી છે કે કોઈના ઘરે જાવ તો પેહલા ઘરના વડીલને કેમ છો કેમ નહિ કરી બેપાંચ મિનીટ વાત કરી લેવી, પછી ભલે બે કલાક બીજા બધા જોડે વળગીએ ..
અને એ ન્યાયે હું એ કાકી જોડે પેહલા વાત કરી લેતો, અને એ મને પ્રેમથી બે વાત કરે અને માથે હાથ ફેરવી અને પછી કહે પાણી લાવું બેટા..હું ના કહું, પછી એમનું કેહ્વાનું કે સારું સારું બેસો તમે છોકરાઓ ..
ખરેખર કાકી કોઈને ક્યારેય નડ્યા જ નથી.. એટલે મરઘટિયો બોલ્યો એટલે મને સેહજ આશ્ચર્ય થયું..
મેં થોડુક વિચિત્ર રીતે મરઘટિયાની સામે જોયું..એ તરત જ પામી ગયો અને બોલ્યો સાહેબ અહિયાં તો રોજના કેટલાય આવે, પણ આ બા નું જેમ સળગી રહ્યું છે ને એમ આગ બધાય જલ્દી ના પકડે .. જીવ સદ્ગતિએ ગયો છે ને એટલે , આટલું બધું હ`ળગે છે પણ બાજુમાંથી નીકળીએ છીએ ને તો પણ જરાય દઝાતું નથી, અમુક તો કેવા હોય કે ક્યાં તો હળગે જ નહિ અને હળગે તો દઝાડે ..
આ બા જીવના બહુ સારા હશે એટલે જ આટલું સરસ થઇ ગયું..!! બાકી આવું સારું હળગે જ નહિ..!!
મરઘટિયો આટલું બોલી ને અટક્યો નહિ સતત બોલતો ગયો, અહિયાં ફલાણા ને મેં બાળ્યા અને ત્યાં ફલાણાને ઘણા મોટા મોટા નામ આપતો ગયો અને ચિતાના જુદા જુદા સ્ટેન્ડ બતાડતો જાય..
અચાનક મરઘટિયો બોલ્યો સર આ સિદ્ધ કરેલી જગ્યા છે, સાક્ષાત છે , જુઓ ..
અને ક્ષણ માટે તો હું ધડકારો ચુકી ગયો ..
સાંજના સાત થયા હતા, સાબરમતીનો કિનારો હતો ,પાછળથી એકદમ જ ઠંડા પવનની લેહરખી હજી મને અડી ના અડી ત્યાં સામેથી ચિતાની ગરમ હવા આવી અને મને હવન કુંડના અગ્નિની ફીલિંગ આપી ગઈ, મારી આંખ બેઠા બેઠા જ બંધ થઇ અને મારા મોઢામાંથી નીકળી ગયું હે મહાદેવ..
હજી આટલું બોલું ત્યાં તો સરસ મજાના ઝરમરિયા વરસાદે મારી બંધ આંખ ઉપર જેમ મંદિરની આરતી પૂરી થઇ હોય ને પછી જળ છંટાયને એમ જળ છાંટ્યું…!!
મારી મહાકાલને મળવાની તમન્ના પૂરી થઇ ગઈ ..!!
શમ્ભુ શમ્ભુ ..!!
પછી તો લગભગ અસ્ખલિત અઘોર અઘોરી અને જુદા જુદા પરચા અને અમદાવાદના જુદા જુદા સ્મશાનોની વાતો એ કરતો રહ્યો એ મરઘટિયો..
મારા મનને શાતા આપનારને મારે કૈક આપવું જોઈએ એ ન્યાયે મેં એનું સામુદ્રિક જોયું અને મને લાગ્યું કે એનો ગુરુ પાવરફુલ છે, પણ ગતજન્મના કર્મએ એને ચાંડાલ બનાવ્યો છે , એટલે મેં એને કડક અવાજે પૂછ્યું તારો ગુરુ કોણ ,એણે કાન પકડ્યા સર મારા ગુરુ તો … મેં કડક અવાજે પૂછ્યું તારી બૈરી અને એક છોકરો ..?? હા સર મેં એને કીધું છોકરાને ભણાવજે અને ગુરુ ની કૃપાથી તું ઝટ આ બધા કામમાંથી મુક્તિ પામીશ..
બે હાથ જોડી અને એ ઉભો થઇ ગયો સર બીજું કઈ..ખબર નહિ પણ અચાનક મારા મોઢામાંથી રાડ નીકળી ગઈ..જતો રહે..હું કોઈ અગોચરમાં ખેંચાતો હોય એવું મને લાગ્યું એટલે મેં ફરી રાડ પાડી જતો રહે બસ .. તું જા હવે .. બીજા ડાધુઓ મારી સામે વિચિત્ર રીતે જોવા લાગ્યા, તો પણ પેલો મરઘટિયો કાન પકડી ને ઉભો રહ્યો મેં રીતસરની ત્રાડ નાખી જતો રહે..!!
અને ઊંધું ઘાલીને એ દોડ્યો અને ચિતાઓના લાકડા ઉઠાલાવા લાગ્યો..અને બોલતો ગયો જય મસાણી માં,જય મારી ભડકાવાળી મા`ત..
ફરી એકવાર આ ` અમાસીયા` ને મહાકાલ અને એની મહારાણી…!!!
નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ …!!
શુભ રાત્રી
શૈશવ વોરા