Global Mobility Summit ‘MOVE` ઉર્ફે મૂવ નો ધમાકાભેર આગાઝ થયો, બે દિવસની આ સમીટમાં ૨૦૦૦થી વધારે ઓટોમોબાઈલ સાથે સંકળાયેલા લોકો ભાગ લેશે અને ક્લીન એનર્જીની વાર્તાઓ થશે..
પેહલે જ દિવસે સરકાર આદત પ્રમાણે ઓવર પરફોર્મ કરી ગઈ `ઈવી` ઉર્ફે `ઇલેક્ટ્રિક વેહિકલ` માટે લાલ જાજમ બિછાવી દીધી પણ ટેકનોલોજી,આંકડા અને ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી પોતે જ સપોર્ટમાં નથી..
હજી હમણાં જ થોડાક સમય પેહલા મેં મારો ભારતની એક માત્ર `ઈવી` રેવાનો મારો સાત વર્ષ નો યુઝએક્ષ (યુઝર એક્સપીરીયન્સ ) શેર કર્યો હતો..
ઈવી બનાવવા અને વાપરવા એટલા સેહલા નથી,ઘણી જધામણ થાય છે, પણ હવે”હેન્ડ્યું” છે તો પછી “હેન્ડ્યું”…
મારુતિના ભૂતપૂર્વ જગદીશ ખટ્ટર એક ટીવી શો પર ઈવી માટે પોતાનો મત રજુ કરી રહ્યા હતા .. એમનું લગભગ ચિલ્લાવાનું બાકી હતું..એમના કેહવા પ્રમાણે એક સ્ટેપ સરકાર `મિસ` કરી રહી છે ..
પેટ્રોલ અને ડીઝલ કાર ઉપરથી સીધા ઈવી પર જમ્પ લેવાને બદલે પેહલા હાઈબ્રીડ પર જાવ અને પછી ઈવી પર જાવ, એમનેમ આંધળુકિયા કરવાનો મતલબ નથી, ઈવીના ચાર્જીંગ સ્ટેશન ઉભા કરતા ફીણ નીકળી જશે..
ટુ વ્હીલર કદાચ ચાલી જાય ઈવીમાં, પણ ફોર વ્હીલર તો ઘણા અઘરા છે..
હું પણ સાત વર્ષ `ઈવી` ફોર વ્હીલર વાપર્યા પછી સહમત છું એમની સાથે ,સિધ્ધો જ જમ્પ વાગે તેમ નથી, પંદર વર્ષ પેહલા સીએનજી સ્ટેશન ઉભા કરવા માટેના બહુ મોટા ટાર્ગેટ મુકાયા હતા,પણ એ ટાર્ગેટ આજે ૨૦ ટકા જ એચીવ થયા છે,અને સીએનજી માટે તો બીજું કશું કરવાનું નોહતું ,જે પેટ્રોલ પમ્પ છે ત્યાં જ સીએનજી સ્ટેશન મુકવાના હતા તો પણ બધું ફ્લોપ ગયું , તો પછી હવે ઈવી ના ચાર્જીંગ સ્ટેશન કેમના ઉભા કરીશું ..?
હવે આ બધાની વચ્ચે બીજા પણ એક સમાચાર થોડા સમય પેહલા હતા કે સરકાર ૩૫૦૦ કરોડ રૂપિયા “પાણી”માં નાખવા જઈ રહી છે…
આવનારા પાંચ વર્ષમાં ૩૫૦૦ કરોડની સબસીડી ઈવી માટે સરકાર આપશે પણ ..પણ ..પણ તમારા અને મારા માટે નહિ ,સરકાર પોતાની ઈવી બસો દોડાવશે એના માટે..
કૈક સ્કીમ બનાવી છે નામ પણ મોટુંમસ આપ્યું છે Faster Adoption and Manufacturing of Hybrid and Electric Vehicle ( FAME ) .. આ સ્કીમના બીજા ભાગ રૂપે આ રૂપિયા રીલીઝ થશે..
માન્યું કે ઘણી જદ્દોજેહદ ચાલી રહી છે ઈવી માટે,
પણ હજી દુનિયામાં ક્યાંય મેળ પડતો નથી..
બધાય ગાડીઓ બનાવનારા કન્સેપ્ટ કાર ઓટોફેરમાં મૂકી મૂકી ને નાસી જાય છે પછી ક્યાં ભાગી જાય છે એ ખબર પડતી નથી ,એક મોટી આશા પેલા સ્પેસ એક્સ વાળા એલન મસ્કે જન્માવી છે, જો કે લાગે છે કે એ ભ`ઈ હવે ટેસ્લા ને બાજુ પર મૂકીને રોકેટોની પાછળ પડ્યા છે..
માંડ માંડ ભિખારી થતા બચ્યા એલન મસ્ક ..
ગુજરાતી વેપારી વાણીયો એમ કહે કે દરેક નવો ધંધો પેહલા પાંચ નો ભોગ લ્યે છઠ્ઠો ફાવે..!!
જો કે આ કાયદો અમેરિકનોમાં બહુ ઓછો લાગુ પડે છે ,હજી પણ અમેરિકા લેન્ડ ઓફ ઓપોર્ચ્યૂનિટીઝ ખરી એટલે ત્યાં કૈક નવું અને સરસ કરનારા ફાવે છે, અને એનું સીધું લેટેસ્ટ ઉદાહરણ છે એપલ ..એપલનું માર્કેટ કેપ ૧ ટ્રિલિયન ડોલર થયું..
ભારતની ઈકોનોમીની સાઈઝ જો સાચ્ચું બોલીને કાઢવામાં આવે તો ૩ ટ્રિલિયન ડોલરથી વધારે નથી જ થતી…!!
અલ્યા ઓ ૧૩૦ કરોડ કીડા-મકોડાઓ ૧ ટ્રિલિયન ડોલર કોને કીધા..??!!!
ક્યારેય ટેસ્લા શું છે ? એલન મસ્ક કોણ છે ?શું કરી રહ્યા છે ? કશું જ જાણવાની કે જોવાની કોશિશ કરી..? હું પણ નથી કરાવવા નો ગુગલ પડ્યું છે, મન થાય તો ખોલીને વાંચી લેજો ત્યારે શું વળી ..
આ મોટી મોટી મીટીંગો અને ઉપરથી ૩૫૦૦ કરોડનું આંધણ થવાનું છે તે જીવ બળ્યો એટલે સવાર સવારમાં લખવા બેઠો ,
હવે મૂળ મુદ્દો ત્યાં છે કે દરેક `ઈવી` એ સખખ્ત ડેલીકેટ વસ્તુ છે અને એનું મેન્ટેન્સ બહુ પરફેક્ટ રીતે થવું જોઈએ નહિ તો બે ત્રણ વર્ષમાં ભંગારવાડે નાખવા નું થાય,ઈવી પાછળ ખર્ચેલા રૂપિયા તો પાંચ છ વર્ષ ઈવી સરખું વપરાય તો જ વસુલ થાય..
આપણે એમ માનીએ કે સબસીડી લઇ લીધી છે એટલે આપણા તો વસુલ થઇ ગયા તો એ ખોટું છે..
સરકારી ઈવી અને એના ચાર્જીંગ સ્ટેશન ની લાઈફ કેટલી ..?
કદાચ પેહલા લખી ગયો છું કે ઇલેક્ટ્રિક એનર્જીને કેમિકલ એનર્જી અને કેમિકલ એનર્જીને એકબીજામાં પરિવર્તિત કરતી વખતે સખ્ખત હીટ જનરેશન થાય છે અને ઈવીમાં સાદી હીટ સીંક કે પછી બીજા કુલન્ટ આમાં એટલા ઈફેક્ટીવલી કામ નથી કરતા..
એટલે ઈવી ની બેટરીઓમાં સમય સમય પર પાણી બહુ ચોકસાઈથી ભરતા રેહવું પડે છે..અને જો એમાં જરાક પણ ગફલત થઇ કે બેટરીઓનું આયુષ્ય સમાપ્ત,
ભાઈ ખબર છે મને, કે મેન્ટેન્સ ફ્રી બેટરીઓ બજારમાં મળે છે ,પણ ઈવીમાં એ નથી ચાલતી , પાવર થ્રો કરવાની કેપેસીટી જોઈએ બેટરીમાં ખાલી સેલ મારીને અટકી નથી જવાનું ઈવી ની બેટરી એ..
લીથીયમ બેટરી ઉપર મોટો મદાર છે ઈવી ની સફળતા માટે, પણ એ બધું ફક્ત ચાઈના માં જ બને છે કશું અહિયાં બનતું નથી એટલે ખોટા સપના આંખોમાં આંજવા જેવા નથી ..!!
શ્રીમાન જગદીશ ખટ્ટર એમ પણ કહે છે કે ઈવી વાપરવાથી એમ માની લઈએ કે પ્રદુષણ ઘટશે તો એ વાત પણ ખોટી છે કેમકે ઈવી ને ચાર્જીંગ કરવા માટેની ઇલેક્ટ્રિકસીટી તો આજે પણ કોલસામાંથી બને છે ..
વાત તો સાચી .. એક નહિ તો બીજી રીતે ફોસિલ ફયુલ તો વાપરવું જ પડે છે ,બિન પારંપરિક વીજળી તો હજી મળતી જ નથી, દેશ આખામાં લગભગ કોલસા જ વપરાય છે વીજળી પેદા કરવા..
બીજા એક વક્તા એમ બોલી ગયા કે ચાલો માની લીધું કે પ્રદુષણ ઓછું છે પણ ઉનાળામાં દિલ્લી જેવા શહેરમાં એકસામટી એક લાખ ઈવીને ચાર્જીંગમાં રાતે મુકીએ તો એક જ સેકન્ડમાં સમગ્ર ઉત્તર ભારતની આખી ગ્રીડ ટ્રીપ થઇ જશે..!! એટલો પાવર સપ્લાય કરી શકે એવી ગ્રીડ નથી, અને નથી એટલો પાવર..!!
મારું બેટુ આ તો આગળ કુવો અને પાછળ ખાઈ થઇ ગઈ..!!
જગદીશ ખટ્ટરજી કહે છે કે ઈવી, ઈવી કરી ને બહુ આકળા થવા જેવું નથી ,
યુરો પાંચ આવી ગયું છે અને યુરો સિક્સમાં તો પેટ્રોલ અને ડીઝલ બંનેમાં લગભગ નહિ જેવું પ્રદુષણ થશે એ ટેકનોલોજી લગભગ હાથ વેંત છે..એટલે પ્રદુષણ જ ઘટાડવું હોય તો પંદર વર્ષથી જુના વાહનોને સ્ક્રેપ કરો અને નવી ટેકનોલોજી ફરજીયાત કરો..
“વાત તો સો`લા આ`ને સચ બોલી ત`ણે ભાયા..”
અત્યારે ખાલી ખાલી `ઈવી` ના `ધખારા` કરી અને રૂપિયા પાણીમાં નાખવા એના કરતા થોડી રાહ જોવી સારી, આમ પણ પ્રદુષણ એક દસકાથી તો સહન કરીએ જ છીએ તો વર્ષ બે વર્ષ વધારે..!!
અને હા એક બીજી બાજુ પણ પબ્લિક ખતરનાક રીતે મચી છે, પાણીથી ગાડી ચલાવા માટે..
આપણે પણ સ્પેશિઅલ કેનેડાથી કીટ મંગાવી અને પાણીથી ગાડી ચલાવવાની કોશિશ કરી હતી ..
એ ફરી ક્યારેક ,,
અને હા વધારે ચસ્કો હોય કે ચળ થઇ ગઈ હોય આટલું વાંચી ને “run your car from water” આટલું ગુગલ કરો, જ્ઞાન નો ભંડાર ખુલશે ..
પણ હા એટલું કહી દઉં કે અખતરો કરતા નહિ ,કેમકે પાણીથી ગાડી ચલાવવા જતા ગાડીના પીસ્ટન અને ક્રેન્ક જતા રહે છે.. એન્જીન ઉતારવાના વારા આવી જાય છે, એટલે જાતે `એલન મસ્ક` બનવા જતા નહિ, હું બની ચુક્યો છું..!!
અખતરા કરવામાં તો આપણને ઝટ કોઈ પોહચે નહિ હો..!
અત્યારે તો સખ્ખત શરદી અને તાવથી પીડાતો હું હવે વિરામ અને આરામ લઉં
ચાલો આપનો દિન શુભ રહે..
શૈશવ વોરા