મહારાજ ..
ott ઉપર આવેલી ફિલ્લમ જોઈ કાઢી ,
જે દબાતા સ્વરે બાળપણથી સાંભળ્યું હતું એનું પડદે ચિત્રણ થયેલું જોયું..
ચરણસેવાના નામે થતો સ્ત્રીઓનો ઉપભોગ , બહુ ગંદી અને ઘૃણાસ્પદ પરંપરા, શાસ્ત્રોના સગવડિયા અનુવાદો ઉપર આઘાત કરતી સત્યઘટનાથી પ્રેરિત ફિલ્લમ..
એકવાર તો દરેક ધર્મના લોકોએ જોવી જ જોઈએ, અને હવે તો કોઈ ચોક્કસ રાજકીય વિચારધારાને વળેલા લોકો હોય ને પોતાના ઘરમાં ભામ ભેગી કરતા હોય એ લોકો એ પણ ખાસ જોવી જોઈએ..
ગામ હોય ત્યાં ઉકરડો હોય, પણ ગામ કરતા ઉકરડો પીરાણાના કચરા ડુંગરની જેમ મોટો થઇ જાય ત્યારે શું થાય એ દર્શાવ્યું છે..
ઉકરડા દરેક ધર્મ પંથમાં છે, કથા વસ્તુના લેખક અને કરસનદાસ સન્મ્માનના અધિકારી છે , આજે પણ ઉકરડા એક નહિ તો કોઈ બીજા પંથમાં છે જ અને છાશવારે એ બધાય ઉકરડાઓ છાપામાં ગંધાય જ છે..
પરિવારમાં રોજ સવારે પુષ્ટિમાર્ગીય ભજનો ગવાય સંભળાય, હવેલીએ વાર તેહવારે જઈએ અને ક્યાંક દબાતા સ્વરે “ આવું ” કશુક સાંભળતા ,કે ભૂતકાળમાં ક્યાંક આવું કશુક થયું છે ,એટલે જરાક સાચવીને..
જો કે પેઢીઓથી પરિવાર આખ્ખામાં એક ગજ્જબ સ્ટ્રીકટ સૂચના “ જીવતો ગુરુ કોઈ જ જોઈએ નહિ , પુસ્તક સિવાય કોઈ ગુરુ ઘરમાં આવવો ના જોઈએ ,અને ગુરુના ઘરમાં પગ મુકવાનો નથી ”
એ ન્યાયે હવેલીએ જઈએ હવેલીના મેન્ટેનન્સ પુરતા યથાશક્તિ પણ રૂપિયા પણ મુકીએ પણ પછી આગળ નહિ, જીવતા ગુરુની નજીક પણ નહિ જ જવાનું..
ઈશ્વર નામની સંસ્થામાં કેટલો ભરોસો રાખવો એ પણ માણસે એના ઈશ્વરને સ્વીકારતા પેહલા નક્કી કરવાનું હોય છે ,
અનેકો અનેક ચર્ચાઓ થઇ છે આ મુદ્દે અને યુધ્ધો લડયા જગતમાં એ પણ મોટા મોટા સામ્રાજ્યો ઈશ્વરના નામે લડ્યા ને બરબાદ થયા ,
અનહદ લોહી રેડાયા પણ અંતે તો ઠેરના ઠેર જ આવીને ઉભા રહી જઈએ છીએ..
આગળ લખતા પેહલા એટલું ફરી એકવાર કહી દઉં કે ઈશ્વરને આપણે બનાવ્યો છે કે આપણે ઈશ્વરને બનાવી રહ્યા છીએ એની મને હજી પણ સમજણ નથી પડતી ,
અને જીવનના પંચાવનમાં વર્ષે એટલી સમજણ આવતી લાગે છે કે કદાચ ક્યારેય સમજણ નથી પડવાની..
તો શું ?
એકલા જીવતા શીખવાનું ,ગમ્મે તેટલી ભીડ હોય એની વચ્ચે એકલતા અનુભવતા અને એને માણતા શીખવું જોઈએ..
માસ હિસ્ટીરિયાથી બચવાનો એક માત્ર રસ્તો ..
જગતના તમામ ધર્મગુરુઓ,રાજકારણી અને ટોળું ભેગું કરી શકે એવા લોકો માસ હિસ્ટીરિયાનો લાભ લ્યે છે , એમની પાસે રહેલી ટોળું ભેગું કરવાની આવડત અને એને કંટ્રોલ કરી અને એમાંથી યોગ્ય અને કામની લાગતી વ્યક્તિઓને અલગ તારવીને એનો પ્રેક્ટીકલી ઉપભોગ કરે છે..
ભીડને પ્રાણીઓનું નામ આપો તો ટોળું ભેગું કરનાર ગાયોના ટોળામાંથી સાંઢ છૂટો પાડે અને લાગ આવ્યો એનું માનસિક ખસીકરણ કરી નાખે , સાંઢ જીવનભરનો એનો ગુલામ..બીજી ગાયો એ જ શોધી શોધીને લાવે..!
ટોળું “ ભક્તિ “ કર્યા કરે અને પેલા ને મોજે મોજ ..!
આજે ઈશ્વરના નામે જગતમાં ગોઠવાયેલી તમામ સિસ્ટમોમાં ઈશ્વરની અનુભૂતિ કરવાની જ વાત છે ,સાક્ષાત્કાર ક્યાંય છે જ નહિ ,
એના પછી નેક્સ્ટ લેવલ ધર્મગ્રંથ આવે જેનો ધર્મગુરુઓ અનુવાદ ટોળા ભેગા કરવામાં અને પછી ઉપરોક્ત દર્શાવેલી પ્રક્રિયા કરવામાં વાપરે , નેક્સ્ટ લેવલ માનસિક ખસીકરણ થયેલા સાંઢનું આવે અને પછી બે ચાર બીજા લેવલ..
જીવનને સૌથી મોટો ભય છે મૃત્યુનો ,
સનાતન સત્ય છે એ મૃત્યુ છે..
પણ એનો જ આપણે સજ્જડ રીતે અસ્વીકાર કરીએ છીએ અને ત્યાં સુધી કે મૃત્યુ પામેલાના માટે પણ કૈક એવું શોધી કાઢીએ છીએ કે એને તો ફલાણું હતું એટલે મર્યા , મને તો તે નથી ,એટલે મને કંઈ નહિ થાય..
મૃત્યુ કોઈનું પણ હોય, એ ભય પેદા કરે જ છે મનુષ્યમાં ,
એક ત્રીજી પેઢીનો મિત્ર અત્યારે ICU માં ડચકા ખાય છે , દુઃખ થાય અને પછી એમ થાય કે બસ કાણીયો આટલું જ જીવ્યો ?? અમે એને કાણીયો કહીએ, પણ ક્યારે કેહતા થઇ જઈશું એની ખબર નથી..
કમબ્ખ્તી અહિયાં ..
જીવતો અત્યારે બોલતો નથી અને મર્યા પછી ચિઠ્ઠી મોકલવાનો નથી ,એકવાર સીએનજીની ભઠ્ઠીનું શટર બંધ એટલે અસ્થિ જ આવે ,હવે એને દારુથી ઠારવા કે દૂધથી ? કારણકે લીવર દારુએ પતાવ્યું છે ..!
આજ દિન સુધી મર્યા પછી કોઈની પણ ચિઠ્ઠી આવી નથી કે એ સ્વર્ગમાં ગુડાણો છે કે નર્કમાં , ઉપરથી દરેક ને મોક્ષની કામના ..
મને ઘણીવાર એમ થાય કે આપણે માણસજાત જીવતે જીવ મર્યા પછી મોક્ષ મળશે કે જન્નત મળશે એના માટે અહિયાં કેટલા લોહી ઉકાળા કરીએ છીએ !!!!!
પાપ અને પુણ્યની થીયરી પણ આવી જ છે , કોઈને પણ જો એણે પાપ કર્યું એવું ઠસાવી દેવામાં આવે અને સતત એની ઉપર પાપબોધનો મારો ચલાવો પછી જુવો ..
જીવતે જીવ માણસ ગુજરી જશે ..સાદું ઉદાહરણ અહીસાને વરેલા ધર્મમાં કીડી પણ કોઈ બાળક મારી નાખે તો બાળકના માથે એટલો મોટો પાપબોધ નાખે કે બાળક એનો પોતાનો જીવ બચાવવા પણ હિંસા કરવાની હાલતમાં ના રહે ..
અને એનાથી ઉંધી સિચ્યુએશન યુધ્ધમાં લાખ્ખોને હણનારાને શિરપાવ આપી અને હારતોરા થાય..
મહારાજ મુવીમાં મહારાજ પાપબોધથી મુક્ત છે , હક્ક સમજે છે સ્ત્રીઓના ઉપભોગને ક્યાંક તો ફરજના ભાગરૂપે હોય એવું પણ લાગે..!!
એક લડાઈ એવી પણ ચાલી કે હિંદુ અને સંતની ઉપર જ મુવી કેમ બનાવો છો ? વાત સાચી છે ,પણ બીજા ધર્મો અને પંથો ઉપર મુવી નહિ બને તો એમનો વિનાશ વધુ જલદી વેરાશે ,ખોટી પરંપરા કુટુંબ હોય કે સમાજ એનો નાશ કરે કરે અને કરે જ ..
એટલે હિંદુ ધર્મમાં સવાલ પૂછવાની અને પોતાનો મત મુકવાની આઝાદી છે તે રેહવી જ જોઈએ , રહી વાત સનાતન ધર્મને નુકસાન થવાની તો ખોટી વ્યભિચારી પરંપરાનો એક કણ (પીપીએમ = પાર્ટ પર મિલિયન ) પણ ક્યાંક જીવતો હોય તો એનો નાશ કરવો જ પડે , ભલે ને બે મેચ્યોર વ્યક્તિની સંમતિથી કેમ ના હોય ..
જો કે પંચાવન વર્ષના મારા જીવનમાં હવેલીએ અનેકો અનેક વાર ગયો છું ક્યાંય આવા પ્રકારનો અનુભવ નથી થયો અને કદાચ આવી કોઈ પરંપરા હવે બચી પણ નહિ હોય ..
હા એક જુઠણની પરંપરા બાળપણમાં જોઈ હતી એ પણ હવે બંધ થવી જોઈએ..
હિંદુ છો ,
કોઇપણ પંથમાં માનો છો તો સો ટકા જો જો આ મુવી ,અને હિંદુ નથી તો બસ્સો ટકા આ મુવી જો જો ,અને જે કોઈ ખોટી પરમ્પરા દેખાય એનો કરસનદાસની જેમ વિરોધ કરવાની ક્ષમતા કેળવી અને સમાજને અંધયુગમાંથી બાહર લાવજો..!
ઘણું નાસ્તિક જેવું વિચારું છું એવું લાગશે પણ હકીકતે રોજ મંદિર ગયા વિના મને ચાલતું જ નથી , એક સધિયારો લાગે છે , કોઈક સાથે છે એવું સતત લાગે છે અને જીવન આશાના તાંતણે જ જીવાય છે ..
કેહવું સેહ્લું છે કે ભીડમાં એકલા જીવતા શીખી જાવ, પણ એકલતાના ભારા સૌથી વધારે કાઠા હોય ..
મારા હ્રદયમાં મારો લાડલે લાલ હતો, છે અને રેહવાનો..
મારો શ્રીજી આજ કે આનંદ કી જે કહે છે અને મને પણ એમાં જ રસ છે ,
આપ મુઆ ફિર ડૂબ ગઈ દુનિયા..
બોલ શ્રી ગીરીરાજધરણ કી જે ..
લાડલે લાલ કી જે,
દ્વારિકાધીશ કી જે ,
આજ કે આનંદ કી જે ,
આનંદ કરવાને વાલે કી જે…
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*