મહારાણી ઈતિહાસ બની ગયા અને કાળની ગર્તામાં દફન થઇ ગયા ..!
ઘણા લોકો એમ પૂછે કે આપણે શું લેવાદેવા ?
અલ્યા બસ્સો વર્ષ સુધી દેવા-દેવા કર્યું છે તો હવે લેવાનો ત્રાગડો ગોઠવો કંઇક,
બોલ્યા મોટા આપણે શું લેવા-દેવા ?
હવે આટલું કહીએ એટલે સીધ્ધી પાર્ટી કોહિનૂર ઉપર આવી જાય..!!!
અલ્યા `પિત્તળ` તારા સગ્ગા સાળાને ત્યાંથી કે તારી બેનના ઘેરથી દસ સ્ટીલની થાળી વાડકા તો લેતો આવ પેહલા … બીજા દિવસે ફોન કરીને પાછું મંગાવી લેશે ..અને આ તો કોહિનૂર ..!!
જે વસ્તુ બ્રિટીશ તાજમાં જડાઈ ચુકી છે એની ઉપર દાવો કરો તો ગાંડામાં ખપીએ , જો કે ગાંડા આપણે એકલા નથી પાકિસ્તાન , ઈરાન અને અફઘાનિસ્તાન બધાય કહી ચુક્યા છે કે કોહિનૂર અમને પાછો આપો અમારો છે..!
ખેતર ..ખેતર ..ખેતર ..!!
જે દેશમાં પગ મુકો એ ભેગું મીટર ફરવા લાગતું હોય ને જ્યાં હંગવા મુતરવાના પણ રૂપિયા લઇ લેતા હોય એ તમને દાવો કરો એટલે કોહિનૂર આપશે એમ ?
બાકી એકસો છવ્વીસ વર્ષ પછી આવું મૈણું થયું છે ને આવું જોરદાર ફયુનરલ એરેન્જ થયું છે..!
જો કે સિત્તેર વર્ષથી તો મા`ડી અડીંગો જમાવીને બેસી ગ્યા`તા તે બીજા નો વારો કેમ નો આવે ?
પબ્લિક પણ મારી બેટી ખરી લોંઠકી નીકળી ..
વરસી વિવાહની જેમ ઉજવાઈ, મહારાણીના કોફીન ઉપર ફૂલો ફેંકાયા અને હીપ હીપ હુર્રે .. ત્રણ-ત્રણ વાર બોલાયું , ઉપરથી શાંતિ કે મૌન રાખવાને બદલે વસ્તીએ ચારેકોર તાળીઓ પાડીને મહારાણીના કોફીન ને વધાવી લીધું..!
રૂઢીવાદી અંગ્રેજોની આંખો તો કપાળે ચડી ગઈ ..!
લે હાય હાય આમારી પ્રજા આવી બદ્દ્તમીઝ થઇ ગઈ ..???!!!!
મહારાણીના કોફીનની અદબ ના જાળવી ..!!
બદલાતો જમાનો કોઈ ને પણ છોડતો નથી એનું પ્રત્યક્ષ ઉદાહરણ લંડનની જનતાએ પૂરું પાડ્યું ..!!
ઘણું માણસ લંડન આવી પડ્યું હતું ,અંગ્રેજ સરકારે તો રીતસર મૈણામાં આવવા માટેના નોતરાં મોકલ્યા હતા અને મલક આખું મોઢે થવા આવ્યું પણ ખરું એ નવાઈની વાત છે ..!
એવું સાંભળવા મળ્યું કે મોટા મોટા દેશોના રાજનેતાઓને એમ કેહવું પડ્યું કે તમારી ચાર્ટર્ડ ફલાઈટો ઘેર મૂકી ને કોમર્શીયલ ફલાઈટોમાં આવો અને સામે પક્ષે પણ તુર્ર્મખાનો એ જવાબ વાળ્યા કે “એવા બધા કોમર્શીયલ ફલાઈટોમાં અમે ના આવીએ , તો પછી અમારા રાજદૂત છે જ તમારા દેશમાં, એ અમારા વતી હાજરી પુરાવી જશે..!!”
આપણે ત્યાં જેમ બેસણું એ શક્તિ પ્રદર્શનનો મોકો છે એમ જ અંગ્રેજી સરકારે પણ મહારાણીના મૈણાને શક્તિ પ્રદર્શનનો એક બહુ મોટો મોકો બનાવી દીધો..!
રશિયાવાળાને ના બોલાવ્યા અને કારણ આપ્યું કે તમે યુક્રેન ઉપર હુમલો કર્યો છે એટલે અમે તમે મોઢે થવા આવો એવું નથી ઈચ્છતા, યુક્રેનવાળા ઝેલેન્સકીભાઈના ઘરવાળા આવીને મોઢે થઇ ગયા..
જો કે અંદરખાને મર્યા મહારાણીને પણ રશિયનો માટે ઘણો ખાર ..
કેમ કે રશિયાનો છેલ્લો શાસક ઝાર નિકોલસ મહારાણીના દૂર દૂરના સગામાં થાય ..!
ઝારના પરિવારને બહુ જ બુરી રીતે રેંહસી નાખવામાં આવ્યો હતો, ત્યાં સુધી કે નાના નાના બાળકોને પણ છોડ્યા નોહતા આખો વંશવેલો જ સાફ કરી મુક્યો હતો..! એટલે મહારાણીને રશિયનો દીઠાં ના ગમે ..!
રશિયા અને યુરોપના રજવાડાઓ માટે આમ જોવા જાવ તો મહારાણીના વડ-વડ દાદીમાં મહારાણી વિક્ટોરિયા આજ ના યુરોપના જેટલા રાજવંશ છે એ બધાના દાદી થાય છે ..!
મહારાણી વિક્ટોરિયાને નવ સંતાનો અને એમના ૪૭ પૌત્રો-પૌત્રીઓ આ બધામાંથી ૩૫ જીવ્યા, અને બધા ક્યાંક ક્યાંક યુરોપ આખાના રાજઘરાનામાં ગોઠવાયા, એટલે આખા યુરોપ-રશિયાના તમામ રાજઘરાનામાં મહારાણી વિક્ટોરિયાનું એકાદું છોકરું તો હોય જ ..!!
પાછા બધા અંદર અંદર જ પરણે ..!
એની વે અત્યારે તો સોશિઅલ મીડિયાના જમાના આવી ગયા છે એટલે જનતા ફીરકી લેવામાં કોઈને છોડતી નથી અને હવે છોડશે પણ નહિ ..!
મહારાજા થયા પછી સહી કરવા ગયા અને પેન લીક મારી ગઈ એમાં તો બાકી દુનિયાભરની જનતા જનાર્દનએ રમઝટ બોલાવી લીધી, મીમ્સ બજારમાં તેજી તેજી આવી ગઈ ..!
હવે વાત કરીએ કે…આપણે શું ?
તો હજી કોમનવેલ્થમાં ગુડાણા છીએ , પ્રતીકાત્મક રીતે આપણે ત્યાં કંઈ ગડબડ થાય તો કિંગ ચાર્લ્સ ત્રીજા એ તમારા અને મારા ધણી થઇ શકે ..!
પાકિસ્તાનના ધણીયાણી મહારાણી ૧૯૫૨ થી પાંચ વર્ષ રહી ચુક્યા હતા અને આપણા બંધારણના ઘડવૈયાઓ એ કીધું કે કંઈ બહુ મોટી ગુંચવણ પડે તો એમની તરફ જો જો એમની લોકશાહી આપણા કરતા જૂની છે એટલે ઉકેલ મળી આવશે..!
હરે રામ હરે કૃષ્ણ ..!
ચીન દેશની જોડે ગમે તેટલા વાંકા પાડીએ પણ હવે એમની જેમ આપણે આપણી રીતે જીવતા શીખી લેવું જોઈએ અને સમજી લેવું જોઈએ કે આ નવા નવા રાજા બન્યા જેટલા દેશોના એ બધા અંદર અંદરથી તો મુઆ એક જ છે..!
આપણને પેહલા અમેરિકાએ દાડિયે રાખ્યા ,પછી ઓસ્ટ્રેલિયા , ન્યુઝીલેન્ડ પછી કેનેડા એમ એકપછી એક આપણને દાડિયે બોલાવે ને આપણે હરખાતા હરખાતા જઈએ પણ ખરા ..!
બેસ્ટ એક્સપોર્ટ ઈઝ હ્યુમન એક્સપોર્ટ ..પાછા આવું બોલીએ ..!!
એમ ? એવું છે ? તો તમારા અને ચીનાઓ સિવાય કોણ આવી રીતે ભણાવી ગણાવીને પોતાના છોકરા એક્સપોર્ટ કરે છે હેં ?
એમનું ફ્યુચર બનતું હોય તો જવા તો દેવા પડે ને ..!!
કઈ કેટેગરીમાં બોલાવે છે આ રાણીના ફોટાવાળા ડોલરિયા અને યુનિયન જેકના કલરના ઝંડાવાળા તમને ?
સ્કીલ્ડ લેબર .. એનું ગુજરાતી થાય “કુશળ કારીગર..!!!”
અલ્યા એન્જીનીઅર તું તો ત્યાં કારીગર તરીકે ઓળખાય ..!!
સવારે નાકું ભરાય ત્યાં જા ..!! કુશળ કારીગર..!!
બહુ લુચ્ચી અને લોંઠકી પ્રજા છે ..
માનીએ કે આઝાદ થયા પણ એવું કશું નથી, જે પ્રોબ્લેમ ને હેન્ડલ નોહતા કરી શકતા એ માથે મારીને બધુંય લુંટીને જતા રહ્યા છે ..! અને હજી છોકરાંવને હથેળીમાં ચાંદ દેખાડી દેખાડીને વૈતરાં કરવા ઉપાડી જાય છે અને આપણે હોંશે હોંશે મોકલીએ છીએ..!
અમુક ટીવી ઉપર એન્કરો બોલતા હતા કે મહારાણી મર્યા તે ફ્ડચે જઈ રહેલી બ્રિટીશ ઈકોનોમીને ઘણો ફાયદો થયો ..!
લો બોલો .. જતા જતા `ય આપતા ગયા ..!!
નસીબ તો ખરા આમના ..
બસ્સો વર્ષ સુધી દુનિયા આખીને લુંટીને ભેગા કરેલા માલ ઉપર છેલ્લા સિત્તેર વર્ષથી ધણી થઈને બેઠા છે..!
અહીં તો વસી વધે નહિ ને કુત્તા ખાય નહિ ..!
એક સાંધે ત્યાં તેર તૂટે ..!
હશે ત્યારે જેવા જેના ભાગ્ય ..
ઘરડે ઘડપણ ક્વીન કોન્સોર્ટ કેમિલાજીને કોહિનૂર અંગે અડાડવા મળશે એવું કહે છે મીડિયા ..!
જે પુરુષે કોહિનૂર અંગે અડાડ્યો એના સામ્રાજ્યનું ધનોતપનોત નીકળી જાય છે અને જે સ્ત્રીએ પેહર્યો એનું નસીબ ખુલે છે આવું કેહવાય છે કોહિનૂર માટે..!
શું વિચાર આવ્યો તમને..? હેં હેં .. બોલો બોલો ..?
એ જ ને ..
મને પણ ..
પેહરાવી દો ત્યારે કોહિનૂર ડો`હા ને ..
ત્યારે શું વળી ..!!
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*