મહારાણી એલીઝાબેથ બીજા સ્વર્ગે સિધાવી ગયા ..!!
૯૬ વર્ષની ઉંમર અને સિત્તેર વર્ષનું રાજકાજ સંભાળીને મહારાણીએ વિદાય લીધી..!!
વર્ષોથી મહારાણીના મૃત્યુની રીહર્સલ પ્રેક્ટીસ કરી રહેલા બકિંગહામ પેલેસના સ્ટાફને અને દસ ડાઉનીંગ સ્ટ્રીટને આજે સિત્તેર વર્ષે ફરી એકવાર સમાચાર મળ્યા “ લંડન બ્રીજ ઈઝ ડાઉન”
પ્રોટોકોલ ગોઠવાયેલો છે, બીબીસીના તમામ એન્કરો એ કાળા વસ્ત્રો ધારણ કરી લીધા છે અને યુનિયન જેક અડધી કાઠીએ ફરકી રહ્યો છે,
દુનિયાભરની ન્યુઝ ચેનલો મહારાણી અને શાહી પરિવારના સમાચારો પ્રસારિત કરવાના ચાલુ કરી દીધા છે,
તોંતેર વર્ષના “પ્રિન્સ ચાલર્સ” ને બદલે “કિંગ ચાલર્સ” નું સંબોધન થઇ રહ્યું છે અને બીબીસી કહે છે કે “કિંગ અને ક્વીન આવતીકાલે લંડન આવશે..!!”
ચર્ચાઓ ચાલી રહી છે કે એકલા “કિંગ ચાલર્સ” નું સંબોધન આવશે કે પછી “કિંગ ચાલર્સ ત્રીજા” નું સંબોધન કરવામાં આવશે ?
મોટેભાગે “કિંગ ચાલર્સ” નું સંબોધન ભવિષ્યમાં ઉપયોગમાં લેવાશે..
મહારાણી એલીઝાબેથની ઈચ્છા અનુસાર કેમિલા પાર્કરને “કવીન” તરીકે સંબોધન કરવામાં આવશે..!!
છૂટાછેડા લઈને કિંગ ચાલર્સ અને ક્વીન કેમિલા બંને એ બીજા લગ્ન કરેલા હોવાથી નવા “કવીન કેમિલા” ને બંધારણીય રીતે “ક્વીન”નું સંબોધન મળે તેમ નોહ્તું પણ મહારાણી એલીઝાબેથ જતા જતા બધું સરખું કરતા ગયા ..!!
ભારતના નંબર વન દુશ્મન વિન્સ્ટન ચર્ચિલ , મહારાણીના જીવનના સૌથી પેહલા બ્રિટીશ પ્રધાનમંત્રી અને ત્યાંથી છેલ્લા બે દિવસ પેહલા જ વરાયેલા નવા પ્રધાનમંત્રી શ્રીમતી ટર્રુસ્સ જેમને ગઈકાલે મહારાણીએ પોતાના વતી રાજ કરવાનો પરવાનો સોંપ્યો , ચૌદ પ્રધાનમંત્રી સાથે કામ કર્યું..!!
સિત્તેર વર્ષમાં વીસ અમેરિકન પ્રમુખો જોયા મહારાણીએ અને દુનિયાભરના અનેકો અનેક શાસકો સાથે ઘરોબો , કોમનવેલ્થ રાષ્ટ્રો , કેનેડા ને ઓસ્ટ્રેલિયા જેવા અનેક દેશોના બંધારણીય વડાનું પદ મહારાણી ભોગવતા ..!
એક સમયે મહારાણીથી પણ વધારે લોકપ્રિય એવા પ્રધાનમંત્રી માર્ગરેટ થેચરની ઓફીસમાંથી પૃચ્છા થઇ કે મહારાણી કેવા રંગના વસ્ત્રો પેહરવાના છે..? બહુ સાદો પણ મક્કમ જવાબ બંકીંગહામ પેલેસએ મોકલ્યો હતો કે તમારે એની સાથે કોઈ લેવા દેવા નહિ તમે તમારું કામ કરો ..
છોભીલા પડેલા દસ ડાઉનીંગ સ્ટ્રીટ ક્લીયર કર્યું કે આવો સવાલ પૂછવા પાછળનું કારણ એવું હતું કે શ્રીમતી માર્ગારેટ થેચર અને મહારાણીના વસ્ત્રોનો રંગ એક ના થઇ જાય, પણ પેલેસએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે મહારાણી એ મહારાણી છે..!!
જે સલ્તનતે બર્તાનીયાની સલ્તનતનો સૂરજ પૃથ્વી ઉપર ક્યારેય આથમતો નોહ્તો એ સૂરજ સૌથી પેહલીવાર મહારાણીના શાસનમાં આથમ્યો ..!
વડ-વડ-દાદી મહારાણી વિક્ટોરિયાના સમયમાં ખુબ આગળ વધેલા સામ્રાજ્યવાદને મહારાણી એલીઝાબેથના શાસનમાં સમેટવાનો વારો આવ્યો ,ઘણા બધા સંકટો આવ્યા ,પોતાના સામ્રાજ્યને નાનું થતું જોયું , એવા કપરા સમયે રાજપરિવારનું મહત્વ ટકાવી રાખ્યું અને દુનિયાભરમાં પોતાની લોકપ્રિયતા જાળવી રાખી..!
અમેરિકન ચેનલોએ મોતનો મલાજો બાજુ ઉપર મૂકી અને ચર્ચાઓ ચાલુ કરી દીધી છે કે હવે બ્રિટીશ મોનાર્કી આગળ ચાલશે કે નહિ ?
મહારાણી હતા ત્યાં સુધી તો બધું બરાબર છે પણ નવા વરાયેલા “કિંગ ચાલર્સ” જેમનો ભૂતકાળ વિવાદોથી ભરેલો છે એ મહારાણી જેટલું માન-સન્માન મેળવી શકશે ?
ઓસ્ટ્રેલિયા એ તો એકવાર રિપબ્લિક થવાની પચાસના દાયકામાં કોશિશ કરેલી છે પણ એ સિવાય પણ તેર દેશ બીજા છે કે જે મહારાણીને હેડ ઓફ ધ સ્ટેટ માની રહ્યા છે, એ બધા દેશો “કિંગ ચાલર્સ” ને પોતાના હેડ ઓફ સ્ટેટ રાખશે ખરા ?
એકવાર એ ચૌદ દેશોમાંથી કોઈક સરક્યું તો પછી કોમનવેલ્થનું અસ્તિત્વ રેહશે ખરું ?
“કિંગ ચાલર્સ” માટે બહુ જ મોટો પડકાર છે ..!
એક સમસ્યા બીજી પણ છે ..,
જે સમયે મહારાણીની તાજપોશી થઇ ત્યારે પણ ચેલેન્જીસ ઓછી નોહતી પણ એવે સમયે પ્રેક્ટીકલી ખડ્ડૂસ કેહવાય એવા વિન્સ્ટન ચર્ચિલ બ્રિટીશ પ્રધાનમંત્રી હતા ,મહારાણી પાસે લોર્ડ માઉન્ટન બેટન, પ્રિન્સ ફિલિપ જેવા મજબૂત સલાહકારો ,એમની માતા ક્વીન મધર એલીઝાબેથ, અને મહારાણીના દાદીમાં ક્વીન મેરી જે ભારતના પણ મહારાણી રહી ચુક્યા છે, એ એમના મજબૂત આધાર હતા ..!
આ બધ્ધી એવી વ્યક્તિઓ હતી કે જેમની પાસે વિક્ટોરિયન યુગના સાટાપાટા ,રાજકાજના જબજસ્ત અનુભવ હતા, એ સમયે બબ્બે વિશ્વયુદ્ધ લડાઈ ચુક્યા હતા,
બ્રિટન ખુવાર થઇ ચુક્યું હતું અને અમેરિકાએ પોતાની વૈશ્વિક પ્રભુસત્તા સ્થાપિત કરી નાખી હતી અને બ્રિટીશ રાજને ફરી એકવાર સરખું કરવાનું હતું ..સહિત યુદ્ધની શરૂઆત થઇ ચુકી હતી..
બિલકુલ અત્યારે એવો સમય ચાલી રહ્યો છે .. સામ્રાજ્યવાદ ખત્મ થયો છે ,પણ આર્થિક સામ્રાજ્યવાદ બહુ મોટો થઇ ગયો છે , ભારત જેવી પાછળ રહી ગયેલી ઈકોનોમીએ તાજેતરમાં બ્રિટનને મ્હાત આપી અને આગળ વધી ગઈ છે,
હજી તો દબાતા સ્વરે ચર્ચાઓ ચાલી રહી છે કે આટલી મોંઘી રાજાશાહીને ક્યાં સુધી “પાળી” રાખવાની ?
“દેશ ને મોંઘી પડી રહેલી રાજશાહી” ના સમર્થકો મહારાણીની `બ્રાંડ વેલ્યુ` કાઢી લાવ્યા હતા અને બ્રિટનની ઈકોનોમીને રાજાશાહી કઈ રીતે ફાયદો કરાવી રહી છે એ શોધી લાવ્યા હતા અને વિરોધીઓના મોઢા બંધ કર્યા હતા ..
મહારાણી એલીસબેથના રાજ્યાભિષેક સમયે સામ્રાજ્યવાદનું પતન થયું હતું,
કિંગ ચાર્લ્સના આ રાજ્યાભિષેક સમયે આર્થિક સામ્રાજ્યવાદ અસ્તાચળે જઈ રહ્યો છે,
બ્રિટન પાસે એકદમ નવા સવા પ્રધાનમંત્રી શ્રીમતી ટર્રુસ્સ છે, વિન્સ્ટન ચર્ચિલ નથી ,
કિંગ ચાર્લ્સ પાસે રાજ પરિવારમાંથી એમના બેહન પ્રિન્સેસ એન સિવાય અનુભવી એવા બીજા એવા કોઈ ચેહરા નથી કે જે બ્રિટીશ મોનાર્કીને પેલેસમાં સાચવી અને બાંધી રાખી શકે..!
નવા પાટવીકુંવર પ્રિન્સ ઓફ વેલ્સ વિલિયમ અને પ્રિન્સેસ ઓફ વેલ્સ કેટ મિડલટનને બ્રાંડ વિન્ડસરને ફરી એકવાર મજબૂત કરવા માટે ઘણી મેહનત કરવી રહી ..!!
મહારાણીની ગેરહાજરીમાં આવનારા દિવસો બ્રિટીશ રાજપરિવાર માટે ઘણા કપરા સાબિત થાય તેમ છે , ઓગણીસમી ,વીસમી અને એકવીસમી સદીને જોડતી સૌથી મોટી કડીએ આજે ધરતી ઉપરથી વિદાય લીધી છે..!
સિત્તેર વર્ષનું રાજકાજ અને એ પણ વૈશ્વિક .. જરાય નાનીસૂની વાત નથી ..!
હું હંમેશા લખું છું કે ઈતિહાસ જે પ્રજાની આંખ સામે રચાઈ રહ્યો હોય છે તે પ્રજાને ભાન જ નથી હોતું કે અમારી આંખ સામે ઈતિહાસ રચાઈ ગયો ..!
કદાચ આપણે પણ એવી જ એક પેઢી છીએ ..!
મહારાણીની વિદાય સાથે આર્થિક સામ્રાજ્યવાદ વિદાય લેશે ? આવનારો સમય કેહશે..!
આપણે ભારતીયો નસીબમાં માનવાવાળી પ્રજા છીએ ,અને હું પણ એમાં નો એક ખરો ..!
“તમારો રાજ નસીબ લઈને જન્મ્યો હોયને તો રૈયતને બહુ ચિંતા અહી રેહતી, પણ રાજ જો અભાગીયો હોય ને તો રૈયત રાન રાન ને પાન પાન થઇ જાય ..!!”
અને હા કર્મના ફળ વ્યક્તિ હોય ,સમાજ હોય કે દેશ બધાએ ચોક્કસ ભોગવવા પડતા હોય છે..!
છેલ્લા સમાચાર પ્રમાણે “ હિઝ મેજેસ્ટી કિંગ ચાર્લ્સ થર્ડ” નું સંબોધન બીબીસી એ કર્યું છે ..!
બ્રિટનનું રાષ્ટ્રગીત બદલાઈ ચુક્યું છે “ગોડ સેવ ધ કિંગ..”
રેસ્ટ ઇન પીસ “ધ ક્વીન એલીઝાબેથ સેકન્ડ”
સમય કા ઇકતારા જબ બોલે જલ થલ નભ મેં મધુરસ ઘોલે ..
ૐ નમ:શિવાય
શૈશવ વોરા
(QED)
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*