સ્લીપલેસ નાઈટ ..
“યાર શૈશવ્યા અઠવાડિયામાં ઓછામાં ઓછા બે દિવસ એવું થાય છે કે આખી આખી રાત ઊંઘ નથી આવતી ..”
બીજો મિત્ર ઉવાચ .. “એને સુ પૂછે છે ?બે પેગ લઇ લેવાના એટલે સવાર ..”
ત્રીજો મિત્ર ઉવાચ.. “સ્ટ્રેસ કાઢી નાખ મનમાંથી .. જે થવાનું હશે તે થશે જ તારા જેવી સેટ જિંદગી આપણા બદ્ધામાંથી કોઈની નથી તો પણ સ્ટ્રેસ કેમ રાખે છે ?”
ચોથો મિત્ર .. “એવું બધું ગણકારવાનું નહિ અને બહુ લાગે તો ડોક્ટરને બતાડી દે એકવાર..”
શૈશવનો બોલવાનો વારો પછી આવ્યો .. “ દવાઓમાં કોઈ ફેરફાર ?”
“ના”
“કોઈ સ્ટ્રેસમાં વધારો ? કે બીજી પરિસ્થિતિમાં ફેરફાર ?”
“ના કઈ જ નહિ ..જેમ ચાલતું હતું એમ બધું ચાલ્યા કરે છે છતાં પણ ઊંઘ નથી આવતી અને એ પણ આખી આખી રાત ..”
“પથારીમાં પડ્યો પડ્યો શું કરે ?”
“મોબાઈલ મ્યુટ કરીને મંતરું અને દુનિયાભરના વિચારો ,પછી એસીડીટી ..”
“રોજ સવારે પાંચ કિલોમીટર દોડતો હતો એનું શું ?”
“એ તો ચાલુ જ છે , આખી રાત જાગ્યો હોઉં તો પણ દોડી આવું ..”
“તો પછી જો બકા જીવનમાં આપણે એવી અવસ્થામાં છીએ કે ઊંઘ અને ભૂખના સરવાળા ,બાદબાકી નહિ કરે રાખવાના .. ભૂખ લાગે તો ખાવું, ઊંઘ આવે તો ઊંઘવું અને મોબાઈલ જોડે મંત્રણા જરાક ઓછી રાખવી , જાત જોડે જીવવાનો સમય આવી ગયો છે , ટોળામાં ઘણું જીવ્યા હવે જરાક જાત જોડે જીવતા શીખી લ્યો ..!!”
બીજો મિત્ર ઉવાચ .. “ એટલે ..? હવે આણે ગાર્ડનમાંથી દોડીને ઘેર આવે છે એની બદલે ત્યાં બાંકડે એકલા એકલા બેઠા રેહવાનું અને ત્યાં બેઠા બેઠા ઘુવડની જેમ બધું જોયા કરવાનું ?”
ત્રીજો મિત્ર ઉવાચ.. “ હે ..હે.. બેઠો રહીશ તો પેલી સ્કુલવાળીઓ બે ચાર આવવાની ચાલુ થઇ છે, અને રોજનું બેસવાનું કરી નાખીશ તો બાકી બધી પણ આવતી થઇ જશે , રીયુનીયનમાં પાછું બધું ભેગું થઇ ગયું છે ..”
સભા ખખડી અને હાસ્ય વેરાયું ..
ચોથો ઉવાચ .. “અલ્યા હવે શું એ બધીનું કામ ..? મેનોપોઝ આવી ગયા, ખાલી વાતો જ કરવાની રેહશે,..!!”
બીજો ઉવાચ .. “ તો પેહલા જાણે શું ય કરીને ઉંધા પડી ગયા , અલ્યા હખણો રે`જે છોકરા છોકરી પરણાવવાનો વખત આવીને ઉભો છે ..”
ત્રીજો ઉવાચ .. “ એનું તો ટેન્શન નથી ને તને ?”
ચોથો ઉવાચ .. “ અરે યાર ટોપિક બદલો યાર એ શૈશવ્યા તું આની ઉપર બ્લોગ લખી નાખજે અમે વાંચી લઈશું , આ ટોપાને ઊંઘ નથી આવતી એમાં પછી હવે ક્યાંની ક્યાં વાતો લઇ જશો તમે તો ..”
આખી ચર્ચામાં એટલી શાંતિ રહી કે એકાદો એમાં ના ભસ્યો કે દા`ડે કઈ ઉંધા કામ કર્યા હોય તો જ રાત્રે ઊંઘ ના આવે ..
ઘણા કારણો છે ઊંઘ ના આવવાના .. સ્ટ્રેસ , મેઈલ મેનોપોઝ , શરીરને પુરતો થાકના લાગવો , મનને પણ પુરતો થાક ના લાગતો હોય, આવું ઘણું બધું હોઈ શકે છે ..
પેહલો પ્રયત્ન મોટેભાગે દરેકનો મિત્રોની વચ્ચે બેસીને સમાધાન શોધવાનો હોય છે , સહેજ ખુલ્લા મનથી અને છુટ્ટા મોઢે વાત કરીને પણ જો સમાધાન નીકળતું હોય તો સારું , બાકી બધું આગળ વધવું નહિ ..
પણ એ માટે શૈશવ્યા જેવા ચાર પાંચ મિત્રો હોવા જરૂરી છે કે જ્યાં પેટ છુટ્ટી વાત કરી શકો..!! ઉંમરના એવા પડાવ ઉપર આવીને ઉભા છીએ કે ઘરડા થવું ગમતું નથી અને જુવાનીને ઝાલી રાખવી છે ..!
ગઈકાલે જીમમાં બે-ચાર બાવીસ ત્રેવીસના લખોટાઓ એ.. કાકા.. ઓ ..કાકા કરીને બૂમ પાડીને મને બોલાવ્યો , એટલે મારી બાજુમાં ઉભેલા સત્તર અઢાર વર્ષના બાળકે કીધું એ કાકા નહિ કેહવાનું ખોટું લાગશે ..હજી કંઈ ઘરડા નથી થઇ ગયા ..
પેલા બૂમ મારનારાએ એને પૂછ્યું ..તું ઓળખે છે આ કેટલા વર્ષના છે ? બાળક બોલ્યું ત્રીસ બત્રીસ .. પેલો કહે બાવ્વ્વ્ન પુરા થશે આ ડોહાને તો ..!!
પણ સાચું કહું એટલું સારું લાગ્યું કે હજી જનતા ત્રીસ-બત્રીસ ના સમજે છે આપણને ..!
છ્દ્મ અવસ્થા છે, હું પણ જાણું છું એટલે જ સામેથી કહું છું કે.. કાકો છું બે તારો , પણ બત્રીસના કહે એ ગમતી વાત ચોક્કસ લાગે ..!
શરીર અને મન બંનેની પોતાની મર્યાદાઓને ઓળખી અને પછી કોસ્મેટીક વાપરીએ તો દુઃખના થાય, ધોળા વાળ આવ્યે વર્ષો થયા પણ કોસ્મેટીક વાપરવાની ચાલુ કરી મુક્યું ,
શરીરમાં રોગની એન્ટ્રી થઇ જીમમાં જઈને રોગને ધક્કા મારીને દૂર રાખ્યા ,મનની ઘણી સમસ્યાઓ ઉદ્દભવી પણ દુનિયાભરનું વાંચ્યું ,લખ્યું , સંગીતમાં મનને વાળી લીધું અને મન-રોગ-શરીર –દવાઓ-પેગ ના વિષચક્રથી દૂર રહ્યા અને હજી દૂર રેહવાનો સભાન પ્રયત્ન ચાલુ છે ..!!
ઊંઘ ના આવવી કે પછી ઓછી થવી એ સ્વાભાવિક પ્રક્રિયા છે જીવનની, ઉંમરની સાથે સાથે થાય જ છે, જુવાનીયાઓની જેમ દસ-દસ કલાક કે બાર-બાર કલાકની ઊંઘ ના રહે, પણ એનો સહજ ભાવે સ્વીકાર કરવો રહ્યો ..!
ઊંઘ નથી આવતી એમ કરીને એનો સ્ટ્રેસ લઈને એસીડીટી કરવી અને પછી ખા-ખા કરવાનું વજન વધારીને સ્યુગર વધારવી અને પછી બ્લડ પ્રેશર .. વિષચક્રમાં ફસાઈ જવાય..!
એક સમય એવો આવે જીવનમાં કે જેમ અત્યારે કહી દીધું કે અમૃતકાળ ચાલી રહ્યો છે એટલે આપણે અમૃતકાળ સમજી લેવાનો, પછી શુભકાળ આવશે ,લાભકાળ આવશે અને આવું માની ના લઈએ તો રોગકાળ આવે, ઉદ્વેગકાળ આવે અને “કાળ” કાળ આવે ..!!!
હોર્મોનના ફેરફાર ઉંમરની સાથે થવાના જ છે, બદલાતી જિંદગીનો સ્વીકાર કરવો જ રહ્યો,
આરંભનો સ્વીકાર અનાયાસે થઇ જાય છે પણ અંતનો સ્વીકાર કરતા જન્મારો નીકળી જાય છે..!
ઘણું લખાય તેમ છે પણ આઠસો શબ્દોની મર્યાદા જાત્તે જ બાંધી છે એટલે અટકવું જરૂરી છે .. એક હીરોનો મેસેજ છે પેલીના તો સોળ હજાર ફોલોઅર્સ છે ઈન્સ્ટાગ્રામ ઉપર પણ તમારા તો જુવો ફેસબુક ના ચાલે ..
જમાના સાથે જવાબ જમાના જેવો આપવો રહ્યો .. “તો મૈ ક્યાં જોબ છોડ દુ ?”
જિંદગી કેલીડોસ્કોપ ..કાચની તૂટેલી બંગડીઓમાંથી પડતી ડીઝાઈન ક્યારેય એક સરખી નહિ ..! સ્વીકારી લો ..!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*