અમદાવાદ વડોદરા એકપ્રેસ-વે પરના ટોલ બુથ ઉપર પાટિયા લાગી ગયા..
અમે ક્રેડિટકાર્ડ અને ઈ-વોલેટથી પેમેન્ટ સ્વીકારીએ છીએ..!
લાગે છે કે આ વખતે તો નરેન્દ્રભાઈ આખા દેશને મારીને XXXX બનવાશે જ, પછી ભલેને છાનોમાનો કાંદા ખાય..!
કેશલેસ ઈકોનોમી તરફનું આ બહુ મોટુ અને પેહલુ પગલુ..દેશભરના ટોલબુથને કેશલેસ બનવવાની પ્રક્રિયા ચાલુ છે..
એટલે હવે હિન્દુસ્તાનના કરોડો ટ્રક ડ્રાઈવરને ઈ-વોલેટ જખ મારીને રાખવું પડશે,અને હા જો ટ્રક ડ્રાઈવર ઈ-વોલેટ રાખતો થશે તો તો પછી તો એની પાછળ બીજા ઘણા લોકો ઈ-વોલેટ તરફ વળી જશે,હાઈવે પરના ઢાબાવાળાથી લઈને પેટ્રોલપંપ..!
સરકારે પણ રેડિયા અને ટીવી ઉપર ખુલ્લામાં શૌચાલય જતી વિદ્યા બાલનની “કાકી”ને નવરી કરી અને ઈ-વોલેટની પુષ્કળ જાહેરાતો કરવા માંડી છે..
દેશભરમાં જબરજસ્ત પરિવર્તનનો પવન ફૂંકાયેલો છે, બેંકની લાઈનમાં ઉભા રહીને થાકેલો ભ્રષ્ટાચાર નાબુદ થવાની આશાએ તોફાન કરતો અટકી જાય છે..! અને મજાની વાત એ છે કે કદાચ અત્યારે આઠમી તારીખ પછી ભ્રષ્ટાચાર સામાન્ય માણસથી ખરેખર ખુબ દુર જતો રહ્યો છે..કેશની તંગીએ ચાર રસ્તા પર ઉભા રહીને તોડપાણી કરવાવાળાના મોઢા સીવી લીધા છે..!
મારા જેવાને અમલદાર રાજ જેને “ઇન્સ્પેકટર રાજ” કહીએ છીએ એની સતત બીક લાગે,પણ અમલદારને ખબર હોય કે હું ગમે તેટલો રૂઆબ કે જોરજુલમ કરીશ પણ સામેવાળા પાસે આપવા માટે જ કઈ ખિસ્સામાં નથી,તો પછી આ અમલદાર તમારી પાસે કાયદાનો અમલ કરાવી અને છોડી દે..!
ચાલુ મહિનાનો પગાર સરકારી હુકમ પ્રમાણે ફક્ત અને ફક્ત ચેકથી જ આપવાનો છે,એની સૌથી મોટી અસર એવી આવશે કે બહુ બધા સ્મોલ અને મીડીયમ સાઈઝના ધંધા કરનારા લોકો લેબરના કાયદામાં ફસાઈ જશે..!
અને જૂની પેઢીના ઇન્સ્પેકટરો જે પેહલા પોતે પ્રોબ્લેમ ઉભા કરતા અને પોતે તોડપાણી કરીને એના સોલ્યુશન બતાડતા એ આખો “લોટ” હજી રીટાયર્ડ થયો નથી..!
એટલે એક જમાનામાં એમણે કરેલી “ચાલાકીઓ” એ નવી પેઢીને શીખવાડીને જશે અને નવી પેઢીના અમલદારો એ “ચાલાકી” નો સ્વાદ ચાખી ગઈ તો પછી….
જરૂર છે તાત્કાલિક ધોરણે બે ચાર દિવસમાં જ જીએસટીની જોડે જોડે જુના લેબર લો ને પણ ઠેકાણે પાડી દેવાની,અને જો જુના લેબર લો ને અસ્તિત્વમાં રાખીને બધા જ મજુરોને ચોપડે ચડાવશો તો પછી યુનિયનોની જમાત ફરી એકવાર ઉભી થઇ જશે..
સડેલા જુના લેબર લો તો તમામ ધંધાની ઘોર ખોદી નાખશે, નવું કરવું છે તો બધું જ નવું કરવું પડશે એક કાયદો જુનો અને બીજો નવો એમ નહિ ચાલે..
આમ જોવા જાવ તો આ તો આખા દેશનું લોહી બદલવાની વાત છે..!
આઠસો વર્ષથી પડેલી ટેવ કે સરકાર કોની? તો કહે મારી તો બિલકુલ નહિ અને રાજકારણી એટલે ચોર, મારા રૂપિયા બેંકમાં મુકું અને રાજકારણી એનો વહીવટ કરે અને રાજકારણી માધુપુરાની જેમ મારા રૂપિયા ચાવી ગયો તો..?
એના કરતા રોકડા તો રોકડા પણ અમુક રૂપિયાતો ઘેર રાખવા જ પડે ક્યારે આસમાની સુલતાની થાય અને કઈ મુસીબત આવી પડે અને બેંક રૂપિયા આપવાની ના પાડે તો..?
પણ અત્યારે તો આ આખે આખું આ માઈન્ડ સેટ બદલવાની પ્રક્રિયા ચાલી રહી છે અને સાશ્ચર્ય એક બહુ મોટા વર્ગનું માઈન્ડ સેટ બદલાઈ રહ્યું છે..!
નથી રાખવા રૂપિયા ઘેર જે થવું હોય તે થાય..! બેંકમાં જ મુકો..!
બહુ મોટી જવાબદારી નરેન્દ્રભાઈએ ઉપાડી છે ક્યાંક કોઈ ચૂક થઇ તો ભારે અફડાતફડી થશે…
અત્યારે તો જનધન ખાતા નોટબંધીનો આખો ખેલ ખતરામાં લઇ ગયા છે..મોટા પ્રમાણમાં ગરીબોને હાથા બનાવાઈ રહ્યા છે,પક્ષા-પક્ષી ના રાજકારણએ સમય અને સારી નીતિઓનો ઘણો ભોગ લીધો છે, આ જ જેટલી સાહેબ વર્ષોથી જીએસટી પસાર થવા નોહતા દેતા..!
હશે જાગ્યા ત્યાંથી સવાર..અને બાકી રહી ગયેલા છીંડા પુરવા લગભગ રોજ એક નવી જાહેરાત આરબીઆઈને કરાવી પડે છે..
ઇન્કમટેક્ષને ખતમ કરી અને ટ્રાન્ઝેક્શન ટેક્ષની સ્ટોરી બહુ દિવસોથી બજારમાં ફરી રહી છે,પણ થોડું અશક્ય લાગે છે આટલા મોટા દેશમાં ક્યા ટ્રાન્ઝેક્શનની ઉપર ટેક્ષ લેવા અને ક્યા પર નહિ..? ખેડૂતનું શું..?ખેતીની આવક જુદી કેમની કરવી..? અને અમેરિકા જેવા દેશો જોડે ડબલ ટેક્ષેશનની થયેલી સંધિઓ લાગુ કેવી રીતે કરાવવી..?
જે હોય તે પણ પ્રજા હજી પણ કઈક બીજા કડક પગલાની આશા રાખીને બેઠી છે, સીસ્ટમમાં નવા ફેરફાર ઝંખે છે..અને કદાચ એકદમ રાઈટ ટાઈમ પણ છે નવા ફેરફારો માટેનો, કેમકે કોંગ્રેસને વિરોધ કરતા આવડતું નથી અને પ્રજા ફેરફારની રાહ જોઇને બેઠી છે..!
એક સુધારો બીજો પણ કરવા જેવો છે જેમ ભાજપના બધા લોકોના બેંક સ્ટેટમેન્ટ અમિતભાઈએ મંગાવ્યા તેમ દરેક સરકારી અધિકારીના પણ મંગાવો અને દરેક સરકારી અધિકારીએ ફરજિયાતપણે તેમના દરેક ટ્રાન્ઝેક્શન ઈ-વોલેટથી જ કરવા એટલે ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટને પણ ખબર પડે કે કેટલા રૂપિયાના દૂધ અને શાકભાજી એમના ઘરમાં પણ આવે છે..!
શો રૂમો અને મોલની બહુજ કફોડી હાલત છે, આવકથી “અધિક” સંપત્તિ ધરાવતો વર્ગ ખરીદીએ આવતો નથી અને એ સિવાયનો વર્ગ એટીએમની લાઈનમાં જ ઉભો રહીને થાકી જાય છે..!
હા થીયેટરો ભરાઈ ગયા છે,અને ગયા વિક એન્ડમાં હોટલોમાં થોડી થોડી લાઈનો પડી હતી એટલે એવું કહી શકાય કે જેટલી આવક એટલી સંપતિવાળા હવે ધીમે ધીમે આઘાતમાંથી બહાર આવ્યા છે..!
તમામ આઘાતને પચાવવાવાળો અને ગમે તે પરિસ્થિતિનો તોડ શોધી કાઢવાવાળો આ દેશ હવે શું કરશે એ જોવું રસપ્રદ રેહશે અને મારા જેવા માટે અત્યારનો સમય એમના પૌત્રો પૌત્રીઓને વર્ણવવા માટેનો કદાચ શ્રેષ્ઠ હશે..!
પરિવર્તન જગતનો નિયમ છે અને પરિવર્તન સાચી દિશામાં જઈ રહ્યું હોય તો એ સમય શ્રેષ્ઠ કાળખંડ કેહવાય..!
ભ્રષ્ટાચાર દેશમાંથી જતો રહે પ્રજા ઈમાનદારીથી ટેક્ષ ભરતી થઇ જાય..!
આવું કૈક થાય તો ખરેખર એવું લાગે કે કલ્કી અવતાર થયા વિના જ કલિ નો અંત આવી ગયો.!
ચાલો ઈ-વોલેટ માટે તૈયાર થઇ જાવ,
આજે દાઢી સરખી કરવવા ગયો એક ભાઈએ કેશકર્તન કલાકારને પૂછ્યું અલ્યા પેટીએમ ખરું..?
પેટીએમ સિવાયના બીજા ઘણા ઈ-વોલેટ છે,પણ સિક્યુરીટી પેહલા ડાઉનલોડ કરજો,ઈ-વોલેટમાં ફાંદા થવાના ચાન્સ હોય છે, ઈ-વોલેટ એકદમ સેઈફ અને સિક્યોર નથી એટલે જરાક ધ્યાન રાખીને..
શુભ રાત્રી
શૈશવ વોરા