ભારતવર્ષના મંદિરો અને તેની સાથે જોડાયેલા કષ્ટ..
ગઈ અગિયારસના છત્રીસ કલાક એવા આવ્યા જીવનમાં કે જેમાં એવી બે સવાર પડી એક સવારે દ્વારકાધીશના છપ્પનભોગના દર્શન થયા અને ભગવાન સોમનાથની ધજાજી ચડતી જોવાનો અને પૂજનમાં સહભાગી થવાનો લાહવો લુંટ્યો..!!
ટેકનોલોજીની મદદથી આ શક્ય બન્યું..
અગિયારસે દ્વારકાધીશના છપ્પનભોગનો પ્રસાદ દ્વારકાધીશ મંદિરના પ્રાંગણમાં બેસી અને આરોગ્યો અને ગાડીઓ મારી મૂકી સીધ્ધી ભગવાન સોમનાથને આંગણે, એકદમ નવા ચકાચક રોડ રસ્તા અને નવી નવી ગાડીઓ એટલે ડ્રાઈવરો પાઈલોટ થઇ ગયા છે, માધવપુર ઘેડના બીચ ઉપર પગ પલાળવાનો મોહ ત્યજ્યો એટલે મારા આરાધ્યના નગારા શરણાઈઓ ગુંજી અને હરિહરાની આરતીનો લહાવો લુંટ્યો ..
બારસની સવારે ભગવાન સોમનાથની ધજાજીના પૂજનનો લહાવો …
હરિહર બંનેની અદ્દભુત કૃપા પામ્યા ફક્ત છત્રીસ કલાકમાં ..
હું પેહલેથી કહું જ છું કે હું નસીબ લઈને જન્મ્યો છું , અને હા આ મારો પર્સનલ બ્લોગ છે એટલે “હું” સિવાયની બીજી વાત ઓછી હોય એ પણ જાણવું , સંસારી જીવ છું એટલે “હું” ને ઓછો કરવાનો પ્રયત્ન થાય પણ “હું” નીકળે તો નહી જ એટલે વાંચતા વાંચતા એ અપેક્ષા રાખશો નહિ ..!!
ખોટા દંભ નહિ .. ગમે તેટલી ભક્તિમાં તરબોળ થઇ ગયા હોઈએ પણ મારા જો ઉઘાડા પગ ઉપર કોઈ બૂટવાળો પગ આવે તો ગંદી ગાળ મોઢામાંથી નીકળે જ,
સુરત ખોટું બદનામ છે, અમદાવાદમાં એનાથી વધારે ગાળો બોલાય છે અને એનો સિંહફાળો છે નવી ગાળોના સર્જનમાં ..!!
કાશ્મીરના ભગ્ન સરસ્વતી મંદિરથી લઈને રામેશ્વરમ જયોતિર્લિંગ.. બ્રહ્મા,વિષ્ણુ,મહેશ અને સરસ્વતી ,લક્ષ્મી,અને પાર્વતી આ બધા દેવી દેવતાઓ તેમના વાહનો વત્તા મસ્જીદો ,ચર્ચ , અને દેરાસરો.. એમાં પણ દેરાસરો ઉપર તો વિશેષ પ્રેમ એટલે મંદિરની બાજુમાં દેરાસર હોય તો મોઢું ચોખ્ખું કરી અને ચોક્કસ ત્યાં જઈ જ આવવાનું અને નવકાર મંત્રના જાપ એટલા જ ભાવથી થાય આપણે ..!!
લગભગ આખા ભારતવર્ષના મંદિરો-દેરાસરો-મસ્જીદો-ચર્ચ-ગુરુદ્વારા આપણે દર્શનાર્થી તરીકે અને ટુરિસ્ટ તરીકે જોવાઈ ગયા છે અને એ પણ ત્રણ-ચાર-પાંચ વખત…
હવે અગિયારસ અને બારસ આ બે દિવસમાં મને આવેલા વિચારો ..!!
તો એંશીના દાયકામાં અમારા સારથી અલી મહમંદકાકાને અમને અમદાવાદથી સોમનાથ કે દ્વારિકા પપ્પાની ફિઆટમાં પોહચાડતા સવારે પાંચ વાગ્યે નીકળીએ તો લગભગ રાત પડી જતી ..
અને ત્યાં પોહ્ચ્યા પછીનો સીન તો નકરી ગંદકી ,ચારેબાજુ રખડતી ગાયો અને પોદળા , માખીઓ બણબણતી .. બારેબાર જ્યીતીર્લીંગ ,બધી જ શક્તિપીઠ અને બધા જ ધામ અને બધી જ પુરી ત્યાં આ જ હાલ હતા ..!
ભગવાનની જાત્રા એનું નામ જ કષ્ટ …
ભલે બાળક હતો પણ મારું મન ત્યારે જ બળવો પોકારતું …
બોલો એવું હોય ખરું ????? ભગવાનની યાત્રા એટલે તો આનંદનો અવસર હોવો જોઈએ ત્યાં કષ્ટ શેના વળી ?
પણ કષ્ટને શારીરિક રાખી અને માનસિક સુખનો અનુભવ કરવાનો, આવી બધી નાલાયક થીયરીઓ વેહતી મૂકી દીધી અને મારા જેવો ભગતડો હિન્દુડો ચુપચાપ એને સ્વીકારી અને જીવતો થઇ ગયો હતો ..!!!
એવું કેમ થયું ? તો એનો જવાબ મારું મન આપે છે કે ચૌદસો વર્ષની ગુલામીએ તમને અને મને “સ્વીકાર” કરવાનું શીખવાડી દીધું , મંદિરોને ઘોલકી બનાવી નાખ્યા અને હિંદુ સ્વપીડનનો માસ્ટર થઇ ગયો ..!!
યદા યદા હી ધર્મસ્ય .. એવું કીધું હતું એટલે એને ઝાલી લીધું .. નીચી મૂંડીએ આ જન્મના નહિ તો પરભવના પાપ એમ સ્વીકારીને દુઃખ ને જીવન બનાવી લીધું .. કોઈક આવશે અને મારો ઉદ્ધાર કરશે ..!!
ઘોલકી જેવા મંદિરોના ગભારામાં ભીડમાં પીસાતો અને ધક્કા ખાતો એક ઝાંખી માટે તરસતો હિંદુ ચુપચાપ ઈશ્વરના ચરણે દાનનો પ્રવાહ વેહવડાવતો રહ્યો અને હજી પણ એ પ્રવાહ ચાલુ છે ..!!
એકવાર ઈશ્વરને ચરણે રૂપિયા ધરી દીધા પછી એનું શું થાય છે અને એ રૂપિયા ક્યાં જાય છે એ પૂછવાનો રૂપિયા મુકનારને હક્ક નથી એવું એના મનમાં ઠસાવી દેવામાં આવ્યું છે, જે લોકો એ પૂછ્યું એમને બદમાશ અને નાલાયક ઠેરવી દેવાયા અને એ લોકોને બદમાશ અને નાલાયક ઠેરવવા માટે અમુક જયચંદોને તેમાં ભાગ આપી અને તેમના મોઢા ખરીદી લેવાયા ..!
હિંદુનો દુશ્મન હિંદુ જ છે ..!!!
છતાંય વસુધૈવ કુટુંબકમ અને ભય કોનો સૌથી મોટો તો કહે ભાઈનો …!
જય હો .. નક્કી કરી લ્યો ..!!
ભારતવર્ષના તમામ મંદિરો હવે જીર્ણોધ્ધાર માંગી રહ્યા છે , એ સમયે ભારતીય ઉપમહાદ્વીપની (ઉપમહાદ્વીપ એટલે અફઘાનિસ્તાન થી લઈને બર્મા સુધીનું અખંડ ભારત ) વસ્તી કદાચ તેત્રીસ કરોડ રેહતી અને ટાંચા સાધનો એટલે અમદાવાદથી કાશી ગયેલો પાછો આવે પણ ખરો અને ન પણ આવે એટલે કોઇપણ જાત્રા સ્થાન ઉપર આટલી પબ્લિક એક સાથે ભેગી થતી જ નહિ અને બાપદાદા એટલા હોંશિયાર હતા કે જ્યાં ભીડ ભેગી કરવાની હતી તે સ્થાન નદી કિનારે રાખ્યા , કુંભમેળા ..!!
એમ કેહવાતું કે જાત્રા જીવનમાં એક જ વાર થાય ,હવે અત્યારે તો વિક એન્ડ કન્સેપ્ટ આવી ગયો .. હેંડો અંબાજી ,હેંડો નાથદ્વારા,હેંડો સોમનાથ .. બધું હેંડો હેંડો જ ચાલે છે..!!
અફાટ ભીડ અને માનવા મેહરામણ છે એકે એક તીર્થસ્થાનો ઉપર .. બાકી રહ્યું એમાં સરકારે પ્રેર્યા એટલે વસ્તી `નેકળી` જ પડે છે ..!!
તમામ મંદિરોના ગભારા (ગર્ભગૃહ ) સહીત એટલા મોટ્ટા કરી મુકવા જોઈએ કે જેથી એક સાથે પાંચ પાંચ હજાર માણસ દર્શન કરી શકે , ટેકનોલોજીની મદદથી જુના સ્ટ્રક્ચરને બીજે રિપ્લેસ કરીને મૂકી શકાય અને દરેક જગ્યાએ એસ્કેલેટર સરકતી સીડી મૂકી અને ધકકામુક્કી નિવારી શકાય તેમ છે ,મોટ્ટા મોટ્ટા હોલમાં અત્યારે ઘણી બધી જગ્યાએ તિરુપતિ અને શિરડીમાં લોકોને પૂરી રાખવામાં આવે છે અને પછી ધાડીયા છુટ્ટા મુકવામાં આવે છે તેની બદલે ખુબ દૂરથી મોટ્ટા હોલમાં એસ્કેલેટર ઉપર જ ઉભા કરી અને ધીમે ધીમે દર્શન કરતા કરતા પબ્લિક આગળ આવે તો ભીડનો પણ ઉકેલ આવે..!!
આ બધું અને બીજું ઘણું બધું થઇ શકે તેમ છે .. પણ મંદિરમાં મુકવામાં આવી રહેલા રૂપિયા સરકારી ખજાના કે ટ્રસ્ટની ફિક્સ ડીપોઝીટમાં જવાને બદલે યાત્રાળુઓની સુવિધા માટે વપરાય તો ..!
ફક્ત કોરીડોર કરવી તે સમસ્યાનું સમાધાન નથી , કોરીડોર એ ગંદકીનું સમાધાન ચોક્કસ છે પણ ભીડનું નહિ .. ભીડ મેનેજમેન્ટ માટે હજ યાત્રાના મેનજમેન્ટ તરફ નજર કરવી પડશે , અને ત્યાં પણ થતી ભગદડ રોકી શકાતી નથી એટલે એનાથી એક સ્ટેપ આગળ વધીને સમસ્યાનું સમાધાન શોધવું રહ્યું ..!!
બાકી ભીડ ભીડના ભડાકા …
જાત્રા દર શનિરવી ના થાય ..
બાર વર્ષે ભગવાન સોમનાથે બોલાવ્યો ત્યારે મેળ પડ્યો..!!
રખડી ખાવું હોય તો આબુ જાવ ..
પણ વચ્ચે અંબાજીની ધજાજી ના દર્શન કરી અને “નેકળી” જવાનું ..
ખોટી ભીડ ગભારામાં ના ઉભી કરો ..!!!
મંદિર ગભારામાં ભીડના કરો ..!!
જય સોમનાથ – જય દ્વારકાધીશ
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*