ગોરંભાયેલા આકાશે સવાર પડી છે ..
શ્રાવણી સવાર જેવો ભાસ થાય છે ,પણ છે તો ચૈત્ર ..
ચૈતર વૈશાખના વાયરા ગાયબ છે હજી, શ્રાવણના સરવરીયા અને શારદીય ઠંડક કેડો નથી મુકતી ..!
દરેક વસ્તુ તેના સ્થાન અને સમયે જ શોભે , ઋતુઓમાં પણ એવું જ છે સમય ઉપર આવેલી ઋતુ વ્હાલથી પૂજાય પણ કસમયે આવે તો ગાળો ખાય ..!
ઉત્તર ભારત ગઈકાલે રાત્રે ધરુજી ગયું , નિષ્ણાતો એમ કહે છે હજી તો બહુ મોટો ઝટકો બાકી છે , ઇન્ડો-તિબેટીયન પ્લેટો ટકરાવામાં જ છે અને ગમ્મે ત્યારે મહાવિનાશ વેરશે..
હશે કુદરત છે.. માણસજાત સદીઓથી એની સામે લડતી આવી છે અને હજી પણ લડતી રેહશે , કુદરતને નાથવાના ઘણા પ્રયત્ન થયા છે ,ક્યાંક સફળતા મળી અને જ્યાં સફળતા નથી મળતી ત્યાં આગોતરા પ્લાનિંગ કરીને સમજદારી વાપરી અને માણસ જાત ખસી જાય છે અને કુદરતને એનું કામ પૂરું કરી લેવા દે છે ..
સમગ્ર ભારતીય ઉપમહાદ્વીપના ઉત્તર ભાગે જે ખતરો તોળાઈ રહ્યો છે એની લગભગ કલ્પના કરવી અશક્ય છે જે દિવસે ધરા ધ્રુજી અને એ પણ થોડીક મીનીટો માટે એ દિવસે મહાપ્રલય છે, હિમાલય ખોદીને જેટલી જેટલી ઈમારતો ઉભી કરી છે એમાંનું જે કુદરતને મંજુર હશે એ ટકશે બાકીનું બધું એ પોતાનામાં સમાવી લેવાશે ..
કેદારનાથનો અનુભવ છે, જે ટકવાનું હતું એ જ ટક્યું બાકી બધું વહી ગયું , માથે ઝળુંબી રહેલો મહાવિનાશક ભૂકંપ જો હેમાળાની નદીઓ વેહણ બદલશે તો મેદાની ઇલાકા પણ નહિ બચે ..
ખૈર સવાર સવારમાં આકાશ આવું ગોરંભાયેલું હોય અને રાત્રે ઊંઘતા પેહલા ભૂકંપના સમાચાર જોયા હોય અને સવારે ઉઠીને છાપા ખોલો એટલે એમાં પણ એ જ બધું એટલે આવા બધા વિચાર આવે..!
ચૈત્ર સુદ એકમ એટલે ગુડી પડવો ,ભારતમાં શરુ થતા ઘણા બધા નવા વર્ષમાંનું એક વર્ષ આજથી પણ શરુ થાય, એમાં પણ એક નવું ચાલુ થયું છે હિંદુ નવવર્ષ કરીને ચાલુ કર્યું છે..
અલ્યા તો દેશના બીજા ભાગોમાં વસતા હિંદુઓ પોતપોતાની રીતે ઋતુઓ આધારિત પોતાની કાલગણના અનુસાર નવા વર્ષની શરૂઆત કરે છે તો શું એ બધા હિંદુ નથી ?
કમબખ્તી છે આ હિંદુ ધર્મની અને સમાજની, જોડવા કરતા તોડવામાં વધારે પ્રયત્નશીલ રહે છે, હિંદુનો દુશ્મન હંમેશા હિંદુ જ રહ્યો છે, સદીઓનો ઈતિહાસ ખોલીને જોઈ લ્યો દરેક મોટા યુદ્ધ અને વિનાશમાં પાછળ તો કોઈકની મંથરાવૃત્તિ દેખાશે જ..!
જલિયાવાલા બાગમાં હુકમ આપનારો અંગ્રેજ હતો પણ ગોળીએ વીંધનારો કોણ હતો ? ભારતીય તો હતો.. એક એવો વીરલો નોહતો કે જનરલ ડાયરને લમણે ફોડી ઘાલે ? પચીસ પચાસ હજાર અંગ્રેજ ઉપમહાદ્વીપ ઉપર રાજ કરીને તારાજ કરી ગયા પણ હજી ઓછું પડે છે ..!!
“હું” એટલે બધો મોટો છે કે અમે જેવી કોઈ વાત જ નથી, અને બધા હું કહું તેમ કરે એવી જીનેટીકલી જન્મે ત્યારથી છદ્મ મહેચ્છા લઈને જીવતો હોય છે, ખુબ નાની નાની વાતમાં પણ એકબીજાના જીવનમાં ચંચુપાત કરી લેતો હોય છે ..
ખાવા પીવાથી માંડીને કપડા સુધી એકબીજામાં એટલા બધા ચંચુપાત કરી મુકે કે છેલ્લે મહાભારત સર્જાય અને એમાં પછી દગાફટકા ..
ફાવે વાંદરો.. આ ખુબ સંક્ષિપ્ત શબ્દોમાં ઉપમહાદ્વીપનો ઈતિહાસ ..!
વિશ્વગુરુ થવાની જે આજકાલ ચાલી છે એ પણ આ જ છે, અમે દોરવણી આપીશું ..!
હવે મે`લોને છા`લ ભ`ઈ.. હજી હમણાં તો સાડા છ કરોડ જાજરૂ બનાવ્યા છે અને લોકોને હંગતા શીખવાડ્યું છે એની કથા છેક લંડન જઈને કરી, અને પછી એમ કહીએ કે અમે વિશ્વગુરુ તો ક્યાંથી મેળ પડે ? જગત હસે ..
વિશ્વવિજેતા થવાય વિશ્વગુરુ નહિ .. સો વાતની એક વાત ..
દુનિયા જેની લાઠી એની ભેંસ એવા સિધ્ધાંત ઉપર ચાલે છે, બાકી ફિલોસોફી તો માંદો સાજો થાય કે ક્યાંકથી સરખો માર પડે તો જ યાદ આવે, નહિ તો છાકટો થઈને જ જણ જગતમાં ઝૂમે..!!
બધે દૂધમાં અને દહીંમાં નહિ ચાલે ..
જે ઋષિ સુનકના પ્રધાનમંત્રી બન્યા પછી ઓવારણા લઈને ફરતી હતી સોશિઅલ મીડિયા ઉપર પ્રજા , એ પ્રજાને ભારતીય હાઈ કમિશ્નર લંડન ઉપર થયેલા કાંડ માટે બોલતા ફાટી પડી છે ..
બધ્ધી જ બકરીઓ બરફ ખ`ઈ ગઈ છે .. જાવને કહોને તમારા ઋષિ સુનકને કે અલ્યા આ શું છે ?
આ અંગ્રેજ પ્રજા છે..એની માસ્ટરી છે તમારા માણસ પાસે રહીને જ તમારું નખ્ખોદ કઢાવે ..!! જે દિવસના ઋષિ સુનક બેઠા છે એ જ દિવસથી કહું છું કે ચેતીને ચાલો..!
હજી પણ રાજાધિરાજ ચૂંટાયેલા પ્રતિનિધિને એમના વતી રાજ કરવાનો પરવાનો આપે છે..
સમજણ પડી ?
મહારાણી પાછા થયા તે રાજાધિરાજ બેઠા ગાદીએ .. હવે રાજાના નામના સિક્કા પડશે પણ તમને અને મને કશો ફર્ક નહિ પડે, પેહલા કઢાય એટલા સોના ચાંદી અને ઝવેરાત ઉપમહાદ્વીપમાંથી કાઢી ગયા હવે ખાણો ખોદી અને જમીનોમાં જે કુદરતી તત્વો છે એ કાઢી જશે..
હરખપદુડા થઇ ગયા લીથીયમનો ભંડાર મળ્યો …
અરે અક્કરમી મળ્યો તો સંતાડી રાખ, નહિ તો આખી દુનિયા તારો હિમાલય ખોદી અને કાઢી જશે , રૂપિયો આપીને કલ્લી કઢાવી જશે ..!!!
અને આ રાણી વિક્ટોરિયાના જણેલા જ્યાં કશું બાકીના બચે એ દેશને રણમેદાન બનાવીને એ લોકો અંદર અંદર બાખડે..! આખે આખા એ દેશનો ખો નીકળી જાય ..! (એવું કેહવાય છે કે આખા પશ્ચિમ જગતમાં આજે તમામ રજવાડા રાણી વિક્ટોરિયાના વારસો સત્તાની નજીક છે ,નવ સંતાન અને છેતાલીસ એમના સંતાનો નો વસ્તાર ડોશીનો હતો , અત્યારે તો એ હજારોમાં હશે ..)
જાપાની પ્રધાનમંત્રી આવ્યા , અહીંયા પાણીપુરી ખાધી અને સીધા ઝેલેન્સકીના ટેબલ ઉપર જઈને બેઠા .. સાલું શું સમજવું ? ઝેલેન્સકી એકેય વાર ભારતનું સારું બોલ્યા નથી ..!!
માલ હૈ તો તાલ હૈ વરના તું કંગાલ હૈ .. બાવડે બળ જોઈએ ..!
દેવા કરીને ઘી પીવો પણ જોડે જોડે કસરત કરીને બાવડા મજબુત રાખવા પડે , એટલે જેના દેવા કર્યા હોયને એ ઉઘરાણીએ આવતા પણ ડરે ..!!
માળો લોંઠકો સે ..
આ આંતરરાષ્ટ્રીય નીતી અને રાજનીતી છે ..!!
અહિયાં તો દેવા કરીને ઘી પીવાય છે, પણ પાચન શક્તિ છે જ નહિ, ઘી પીવાય જાય એટલે સવારે ઝાડા થઇ જાય ..!!
જાય જાજરૂમાં..!!!
ભારતીય ઉપમહાદ્વીપમાં મારી જેમ દરેક સ્ત્રી અને પુરુષ પોતાને “જ્ઞાની” નહિ “મહાજ્ઞાની” સમજે છે અને એ “મહાજ્ઞાન” ને લઈને જ જાય છે કબરમાં કે સમશાનએ..!!
મોકાણ એક જ છે માટીડો મર્યા પછી પણ મરતો નથી, પેલું “મહાજ્ઞાન” એને મુકવા આવનારામાં ચડી જાય છે ..!!
હેંડો તારે આપણું આજનું “મહાજ્ઞાન” પૂરું
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*