થોડાક દિવસ પેહલા એક માળિયું ખોલ્યું ને પપ્પાના કેમેરા હાથ લાગ્યા,
અને પછી એક અજીબો ગરીબ સિચ્યુએશનમાં હું આવી ને પડ્યો..
સાચું કહું તો પેહલા બહુ બીક લગતી હતી પપ્પા ની કોઇપણ ચીજ ને હાથ લગાડતા, અને પપ્પા ના ગયા પછી જીવ જ નોહતો ચાલતો એમની કોઈ વસ્તુ ને હાથ લગાડતા..!! રડી પડાશે એવી સતત બીક લાગ્યા કરતી..!
પણ સેહજ મન મક્કમ કરી ને માળિયું ખોલી જ નાખ્યું..!!
પપ્પા ને ફોટોગ્રાફી નો શોખ ને એમનો શોખ મારા કાકાએ અમેરિકા બેઠા બેઠા પૂરો કર્યો..!
એક કેમેરો એવો હાથ લાગ્યો જે પપ્પા લગભગ બાર વર્ષના હતા ત્યારે એમણે લીધેલો, એટલે લગભગ સિત્તેર વર્ષ જુનો , પછી બીજો કેમેરો પણ મળ્યો જે મારો પેહ્લો કેમેરો હતો,
હું બાર વર્ષનો હતો ત્યારે મને આપવામાં આવ્યો હતો શ્રીલંકાની ટ્રીપ પર ગયો હતો ત્યારે, આડત્રીસ વર્ષ જુનો..!!
પછી ઘણા બધા સ્લાઈડના રોલ્સ મળ્યા, બધા જ કોડાક કલરમાં..બે પ્રોજેક્ટર કાઢ્યા એક મુવી સુપર ૮ કેમેરો અને એનું પ્રોજેક્ટર..!!
બાળપણમાં ત્રણેય ભાઇબેનમાં હું એક જ નસીબવાળો હતો કે જેને એ બંને પ્રોજેક્ટર ઓપરેટ કરવા મળતું ,
મજાની વાત તો એ થઇ કે પ્રોજેક્ટર ને સ્લાઈડના રોલ્સ જોઈ ને મારાથી રેહવાયું નહિ એટલે જય બજરંગબલી કરી ને ફફડતા જીવે પાવર
આપ્યો..
પિસ્તાલીસથી પચાસ વર્ષ જૂની વસ્તુ એટલે મનમાં બીક હતી કે પાવર
આપીશ એ ભેગો ભડાકો થશે..!! પણ બજરંગબલી એ કૃપા વરસાવી ને પેહલા ફેન ચાલુ થયો એટલે તરત જ મેં લેમ્પ ઓન કર્યો..!!
પિસ્તાલીસ વર્ષ જૂની અમેરિકન પ્રોડક્ટ ફર્સ્ટ ક્લાસ ચાલી..!!!
પછી ડરતા ડરતા એક સ્લાઈડ્સ નો રોલ કાઢી ને લોડ કર્યો ,મસ્ત ભીંત ઉપર ઈમેજ આવી ..
મારી આંખમાંથી ધાર થઇ ગઈ એકવાર તો ,
મમ્મીના શ્રીમંતના ફોટા..!! એ પણ કલરમાં..!!
શૈશવ હજી ધરતી ઉપર નોહતો અવતર્યો..એ પેહલાના ફોટા..!!
દીકરી ને કીધું ઝટ ડીજીટલ કેમેરો કાઢ ને ફટાફટ ક્લિક કર..મનમાં ભગવાનનું નામ લેતો ગયો અને એક પછી એક ફોટા પ્રોજક્ટરથી ભીંત ઉપર પાડતો ગયો ને દીકરી ક્લિક કરતી ગઈ લગભગ ચારસો ઉપર ફોટા નીકળ્યા..!!
આખ્ખો સિત્તેરની સાલ નો દાયકો અમે ડીજીટલ કરી લીધો..!!
જે બીક હતી કે જુના ફોટા જોઈશું અને પપ્પા યાદ આવશે ને દુઃખ દુઃખ પહાડ તૂટી પડશે એની બદલે અચાનક એક જવાબદારીનું ભાન થયું..!!
અત્યાર સુધી સચવાયેલા ફોટોગ્રાફ્સમાં પપ્પાના મિત્રો અને એમના પરિવાર અને જોડે જોડે અમારા વોરા કુટુંબના બધાના બાળપણ પણ નીકળ્યા..!!
જવાબદારી એવી આવી કે જે પપ્પાના મિત્રોના ફોટા મળ્યા એમાંથી લગભગ કોઈ જ આજે હયાત નથી ને એમના બાળકોના ફોટા જેમાં ઘણા અમારા જેવડા છે ને એમાંથી ઘણા તો લગભગ સાહીઠ ઉપર પોહચી ગયા છે ,
હવે એમના ફોટા એમને પોહચાડવા રહ્યા..!!
જો કે ડીજીટલ માધ્યમ છે , વોટ્સ એપ છે એટલે એમ તો દરેક ને ફોટા મોકલવા સેહલા છે પણ પેહલી લાઈન લખી ને કે અજીબો ગરીબ સિચ્યુએશન આવી..!!
એ સિચ્યુએશન એવી કે ગમતા નો ગુલાલ કરું ને ફેસબુક ઉપર એ બધા ને ટેગ કરું અને એમના ફોટા ફેસબુક પર મુકું કે પછી પર્સનલી મોકલું એ નક્કી નથી થતું..!!
કેમકે એક વિચાર એવો આવે છે કે ઘણા બધા ને પોતાના બાળપણના કે જુવાની ના ફોટા નથી ગમતા હોતા અને કારણ પૂછું તો એમ કહે છે કે કેવા ઘઘા
જેવા લાગતા હતા આપણે ..!!
એટલે ગુલાલ કરવા જતા ગાળો ખાવી પડે એવું થાય તો ..?
અત્યારે મને ખબર નથી કે એ લોકો ને એમના બાળપણના ફોટા ગમશે કે નહિ અને ગમશે તો પબ્લિકમાં બતાડવા ગમશે કે નહિ..!!
પણ મને તો ગમે છે..!!
આપણે તો પેહલા ઘઘા
જેવા હતા તે હવે ક્યાં સ્માર્ટ
થઈને અમિતાભ બચ્ચન થઇ ગયા..!!
એવું જુના ફોટા જોડે એવું તે શું વેર ..?
એક મિત્રની બેહને તો એનું બાળપણનું આખું આલ્બમ ઉડાડી મુક્યું..!
મેં કીધું અરે શું કરવા પણ ? તો કહે ના મારે હું એવી ગંદી દેખાતી હતી એવું યાદ જ નથી રાખવું..!!
પસંદ અપની અપની ભાઈ, આપણે શું કેહવું એકવાર એણે આખા આલ્બમ નો નાશ જ કરી મુક્યો પછી શું ..?
બીજો એક મિત્ર ક્યારેય ફોટા ના પડાવે એમ કહે કે મારા ફોટા બહુ ગંદા આવે છે..!!
બોલો હવે..? કઈ નહિ આપણે જ આપણી જાત ને ગંદી માની લીધી તો પછી કોઈ શું કહે..?
જો કે મારી જોડે પણ દાવ થયેલો એકવાર..
એક મોડેલ મિત્રની જોડે વેહલી સવારે એનું શૂટ હતું તો એની જોડે પોહચી ગયો હતો, બસ જોવા માટે કે મારું બેટું આ ફોટો શૂટમાં હોય છે શું ?
હવે પેલો મિત્ર તો પ્રોફેશનલ મોડેલ ,સાલા ના પાટિયા ચડે અમદાવાદમાં મોટા મોટા ચારેબાજુ , એટલે એ તો એક પછી એક પોઝ આપી ને ઉભો રહે અને પેલો ફોટોગ્રાફર ફટાફટ ક્લિક કરે..
હવે ત્યાં જ લેપટોપ ખોલી ને ફોટા લોડ કરે ,આપણને જે એકદમ મસ્ત લાગે એ ફોટામાં ખોડ કાઢે ને ફરી ફોટા પાડે,
બે કલાક ચાલ્યું બધું ,પછી અમારા મનમાં કીડો
સળવળ્યો ..
પેલા ફોટોગ્રાફર ને કીધું બે ચાર મારા પણ પાડ બકા.. બે કલાક પેલા પ્રોફેશનલ મોડેલ ને પોઝીંગ કરતો જોઈ ને મનમાં ફાંકો ચડી ગયો હતો કે આમાં શું હવે ? આપણે પણ કરીએ અને પછી તો ફુલ્લ કોન્ફીડન્સથી કાગડો હંસની ચાલ ચાલ્યો..!
વીસ પચ્ચીસ ક્લિક થઇ મારી , બિચારો ફોટોગ્રાફર કઈ બોલે તો નહિ શરમ નો માર્યો પણ મને મોઢા ઉપર થી લાગ્યું કે કૈક ગડબડ છે, મારા ફોટોગ્રાફ્સ લેપટોપમાં લોડ થયા ને મને તો મગજમાં એમ જ હતું કે ઝન્નાટ
ફોટા હશે પણ ભૂંડાભૂખ જેવા ફોટા..!
મેં કીધું ડિલીટ માર..!! મોડેલ મિત્ર અને ફોટોગ્રાફર બંને ખડખડાટ હસે..
મોડેલ મિત્ર મને કહે તને એમ હતું કે જોર ફોટા આવશે..?
મેં કીધું હાસ્તો આ તો પ્રોફેશનલ ફોટોગ્રાફર છે કમ સે કમ હું જેવો લાગુ છું એનાથી દસ ગણો તો સારો લાગવો જ જોઉં ને..!!
પેલો પાછો હસ્યો અને બોલ્યો સો ગણા સારા લાગો છો શૈશવભાઈ શેઠ , પણ તમારા દિમાગમાં તમારી ઈમેજ જુદી છે એટલે પેહલા એને ડીલીટ મારો પછી જુવો અરીસામાં ને એના પછી આ ફોટા જુવો , અને હા સેઠજી પોઝીંગ માટે કમ સે કમ ત્રણ મહિના ની પ્રોપર ટ્રેનીગ જોઈએ એમ ટાંટિયા ની આંટી મારી ને નીચે મુંડી ઘાલી ને ઉભા રહી જાવ ને એને પોઝીંગ ના કેહવાય..! મોડેલીંગ કરવું જ હોય ને તો પેહલા પોર્ટફોલિયો બનાવો પછી કૈક મેળ પડે..!!
પેલા ફોટોગ્રાફર મહાશય તૈયાર જ હતા બોલો શૈશવભાઈ ક્યારે બનાવવો છે પોર્ટફોલિયો..?
કીડો
મર્યો નોહતો દિમાગ નો ,એટલે ભાવ પૂછ્યો એકદમ “સારા માઈલો” પોર્ટફોલિયો દોઢેક લાખ નો થાય જે કોઈને હાથમાં પકડી ને જોવો ગમે..!!
કીડો
તરત જ રામશરણ..!!
આવું છે ભાઈ ફોટા પુરાણ ,પણ મને તો ગમે છે મારા ફોટા, જાત ને તો પ્રેમ કરવો જ રહ્યો ભાઈ..!!
મને લાગે છે હું બીજા બધા ને તો પર્સનલી જ મોકલીશ ,એમને ગુલાલ કરવો હશે તો એમની વોલ ઉપર કરશે હે..
જો કે પપ્પાએ મારા મમ્મીના બેબી શાવર ઉર્ફે શ્રીમંત ઉર્ફે ખોળો ભર્યા નું ફોટો શૂટ જાત્તે કર્યું હતું, એમાંથી એક ફોટો હું મુકું છું ..
હા આ એ જ ફોટો છે કે જેમાં શૈશવ એની મમ્મીની કોખમાં છે..!!
એકાવન વર્ષ પેહલા નો શૈશવ..!!
મુકજો , તમે પણ જેટલા જુના ફોટા અવેલેબલ હોય એટલા..!
ગમતા નો ગુલાલ કરજો..!!
જેવા છીએ એવા છીએ વળી ,
ઘઘા
જેવા ને ઘઘી જેવા , એ શું વળી..?
શુભ રાત્રી
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)