
અષાઢી બીજ..આજે રથયાત્રા..પણ મારા જેવા જન્મે અને કર્મે અમદાવાદી હોય અને જેના બાળપણ કોટની રાંગે ચડી,ઉતરી,કુદકા અને ભૂસકા મારીને વીત્યા હોય એને મોઢે રથયાત્રાની બદલે “રથજાત્રા” શબ્દ જ મોઢે આવે..!
એક બુમ પડે “મંદિરમાં કોણ છે”..
અને સામે લાખ લાખની જનમેદની પડઘાય “રાજા રણછોડ” છે..
બીજી બુમ આવે “જય રણછોડ“..
અને માણસનો મહાસાગર પડઘો પાડે “માખણચોર..”
સૌ પેહલા રુમઝુમ કરતા ગજરાજ, જોડે મલપતી મલપતી ચાલે ચાલતી ગજગામિનીઓ નિજમંદિરે જમાલપુરથી નીકળે,પાછળ ચાલે સો ખટારા, ત્રીસ અખાડા,અને અઢાર ભજનમંડળીઓ અને ઘણી રાહ જોયે પછી દેખાય બલભદ્રનો રથ, વચ્ચે સુભદ્રાજી અને છેલ્લે મારો કાળીયો દેખાય..!
ખલાસીયાના છોકરા છેકે છેક થી બાપદાદાના કર ઉતારવા ઉઘાડા પગે રથ ખેંચે અને પોળોના રેહવાસીઓ અમીછાંટણાં કરે અને રસ્તાને ભીના રાખે..!
છોકરાઓના પગ બળતા હશે…!
ડોલે ડોલે પાણી ધાબેથી પાણી છંટાય, હૈયે હૈયા દળાય એવી ભીડ, અને પોળે પોળે સામૈયા થાય અને અક્ષત,અબીલ,ગુલાલના છાંટણા થાય..!
“રથજાત્રા” નો ખરો ચાર્મ પકડાય મ્યુનીસીપલ કોઠેથી..મ્યુનીસીપલ કોઠે સામૈયું થાય અને પછી રાયપુર ચકલે બધું મોજમાં આવે, વેહલી સવારની જનતા થનગનાટ કરતી ખટારે ચડી હોય, થોડું અજવાળું થયું હોય પણ મ્યુનીસીપલ કોઠો આવે પછી દર્શને આવેલી પ્રજા અને બનીઠનીને આજુબાજુના રેહવાસીઓ બહાર આવ્યા હોય, અને ખેલ કરવાવાળાને ઓડીયન્સ મળે એટલે સવારના છ વાગ્યાની પોતના “કર્તવ” દેખાડવા મથતી પ્રજા પછી ફૂલ ફોર્મ પકડે, અને પોળોની બહાર બંધાયેલા મોટા મોટા લાઉડસ્પીકરમાં ભક્તિ સંગીત અને એ જ બુમો ચાલુ થાય હેઈ “મંદિરમાં કોણ છે..??”
સમો બંધાઈ જાયને રેલો રેલાય..!
ખટારામાંથી ચોકલેટો અને જાંબુ,મગના પરસાદ નો વરસાદ વરસે, જાત જાતના ટેબ્લો..આ વખતે ૧૧૦ ઉપર ખટારા,અને ત્રીસથી વધારે અખાડા અને ૧૮થી વધારે ભજનમંડળીઓ છે..!
હું તો ધક્કા મારી મારી ને પેહલવાનો ને અખાડામાં મોકલું છુ..એક જ તેહવાર છે જ્યાં એકસામટા લાખો માણસ તમારી આ મેહનતને જોશે, જા ચડી જા અખાડે..! લોકો દૂધના કેનના કેન તારી ઉપર ખાલી કરશે..ગર્વ સે કહો હમ હિંદુ હૈ..!
અમદાવાદનો પોતાનો તેહવાર એટલે આ “રથાજાત્રા”.. લાગલગાટ એકસો ચાલીસ વર્ષ એ નાની વાત નથી..!
છસ્સો વર્ષ જુના આ શેહર અમદાવાદમાં ખરેખર સામાજિક સહહ્રદયતાનું ઉત્તમ ઉદાહરણ વર્ષો સુધી આ રથજાત્રાએ પૂરું પાડ્યું છે..
અમદાવાદની સ્થાપનાથી લઈને શેહરની જોડે જોડાયેલી તમામ વાર્તામાં સામાજિક સમરસતા અને હિંદુમુસ્લિમ એકતાની વાતો આવે છે..!
આજના તાલેબાની ઇસ્લામી શાસક જેવો તો ચોક્કસ એહમદશાહ નહી હોય, નહિ તો “લક્ષ્મીજી તારા શેહરને છોડીને જાય છે” એવું કેહનારા સિપાઈનું માથું ઉતારી લીધું હોત..બાદશાહ તાલેબાની હોત તો લક્ષ્મીજી ના અસ્તિત્વને જ બાદશાહ સ્વીકારત નહિ..પણ એની બદલે બાદશાહે કીધું “રસ્તો શું..?” અને સિપાઈ એ જવાબ આપ્યો “મારું માથું વાઢી લ્યો લક્ષ્મીજીને વચને બાંધીને આવ્યો છું, હું પાછો નહિ જાઉં ત્યાં સુધી લક્ષ્મી ઉભા છે” અને બાદશાહ સિપાઈનું માથું ઉતારી લીધું અને ભદ્રના કિલ્લાના દરવાજે સિપાઈને દફનાવ્યો..!
એક “ખાટી” વાત આજે ચોક્કસ કહીશ..આપણી પોતાની ભાજપની મૂર્ખી સરકારે ભદ્ર પ્લાઝાના નામે “નવીનીકરણ” અને “વિકાસ” કરવાના નામે ભદ્રના કિલ્લાની સામે ફુવારામાં વચ્ચોવચ મુકેલી માતા મહાલક્ષ્મીની મૂર્તિ હટાવી લીધી..!
સિપાઈની કબર ત્યાની ત્યાં જ છે, અને કેહવાતી મુરખોની હિંદુવાદી સરકારે કારંજ પોલીસ સ્ટેશનની સામે ઉભેલી માતા મહાલક્ષ્મીની મૂર્તિ હટાવી લીધી..!
ખાડીયાના મારા વૈચારિક મિત્ર મૌલિકભાઈ જોશી ઘણું ઝઘડ્યા,પણ કોઈએ વાત સાંભળી જ નહિ, “વિકાસ”નો નશો ચડેલો હતો અને એમાં એક પૌરાણિક વાર્તાનું પ્રતિક એવી માતા મહાલક્ષ્મીજી મૂર્તિ શહીદ થઇ ગઈ..
અને ભાજપમાં રહીને ભાજપને મોઢામોઢ કેહનારા મારા મૌલિકભાઈ જોશીને પણ હવે તો ઉપરવાળાને એમની પાસે બોલાવી લીધા…!
હજી પણ કોઈ સત્તા સ્થાને બેઠેલાને જરાક સમજણ આવે તો મોડું નથી થયુ .. ફરીવાર મહાલક્ષ્મીજીની મૂર્તિ ભદ્રકાળીના ચોકે જઈને પધરાવો..!
અત્યારે સરસપુરની અઢાર અઢાર પોળોએ લાખો માણસોને તૃપ્ત કર્યા અને બલભદ્રજીનો રથ પ્રસ્થાન કરી ગયો છે..બધું સમયસર ચાલી રહ્યું છે..!
કેટલા વર્ષો સુધી રથ સરસપુર છોડે અને જીવ પડીકે બંધાઈ જતો..આખે આખો શેહરનો વિસ્તાર એટેન્શનમાં આવી જતો,પોલીસ અર્ધલશ્કરી દળો અને રેપીડ એક્શન ફોર્સને બંદુકો હાથમાં લઇ લેવો પડતી..અત્યારે પણ લખતી વખતે રૂંવાડા ઉભા થઇ ગયા છે..!
ગજરાજોની અને રથ વચ્ચેના અંતર ઘટાડી દેવામાં આવતા અડધા ખટારા સરસપુરથી વિદાય કરાતા અને “યોધ્ધા” જ ખટારે રેહતા..!
ગાંધીનગરમાં બેઠેલા મુખ્યમંત્રી પણ એટેન્શનમાં આવી જતા અને પળે પળની જાણકારી રાખતા.. સાલ ૧૯૮૨ અને એમાં પણ ૧૯૮૫ પછીની અમદાવાદની તમામ રથયાત્રા એ દરેકે દરેક મુખ્યમંત્રીની એન્યુઅલ એક્ઝામ થઇ ગઈ છે..!
મારા દિલમાં ૧૯૮૫ની રથયાત્રા જે “ઘસરકો” કરતી ગઈ છે અને એમાં પણ સમાચાર આવ્યા કે રથ ઘેરાઈ ગયો છે અને કેરોસીન છાંટાઇ રહ્યું છે..પણ એવું નોહતુ, એના કરતા પણ ખતરનાક હતુ.. આજે વર્ષોના વહાણા વાયા છે પણ ઘા તાજો જ હોય એમ લાગે છે..!
ગજરાજો એ લાજ રાખી હતી અને ચારેબાજુથી વરસતા પત્થરો,કાચના બાટલા, સળગતા કાકડા, અને આમતેમ જીવ બચાવવા દોડાદોડી કરતા ભજનમંડળીના બૈરા અને જેમતેમ કરીને લોહોલુહાણ પણ, મરીશું તો અહિયાં જ પણ રથ તો એકલા નહિ મુકીએ એવો નિર્ધાર કરીને ઝીંક ઝીલતા એ છોકરાઓ આજે આધેડ થઇ ગયા છે..!
આજની પેઢીના છોકરા જેને કાશ્મીરને જોઈને ફેસબુક પર કકળાટ કરવા જોઈએ છે, અને રાષ્ટ્રભક્તિના ક્યારેક સામાજિક સમરસતાના દોરા પડે છે એને માટે એ ૧૯૮૫ની રથયાત્રાની વાતો સાંભળવી જોઈએ..
કદાચ “આતંકવાદ”ની ગુજરાતમાં શરૂઆત હતી,અને સૌપ્રથમ એકે-૪૭ ૧૯૮૫ની રથયાત્રા પછી ગુજરાતમાં આવી અને પોલીસ પાસે તો ૩૦૩ (થ્રી નોટ થ્રી) જે ચાઈના વોરમાં વપરાઈ હતી એ જ હતી..!
ટીવીવાળા હજાર વર્ષ જૂની વાર્તા કરશે પણ ૧૯૮૫ની વાત નહિ કરે..બહુ વર્ષો “જનતા કર્ફ્યું” પાળ્યો..પણ આશા રાખું કે ફરી એકવાર એકબીજાના તેહવારનો આનંદ લેતા થઇએ, નહિ કે આડી નજરે જોઈને ચાતરી જઈએ..!
ટીવી ઉપર ઉસ્માન મીર જય “જય જય જગન્નાથ”ની ધૂન બોલાવી રહ્યા છે અને રાગ સારંગ છે..!
હૈયું ગદગદ થાય છે..
હિન્દુસ્તાન છે, આ સેક્યુલર નહિ,
સૌને સ્વીકારતું અને સૌને પ્રેમ આપતુ હિન્દુસ્તાન..!
તારક ફતાહ સાચું કહે છે ઔરંગઝેબ નહિ, દારા શિકોહ જયારે ઉપમહાદ્વીપનો આઇડોલ બનશે ત્યારે જ શાંતિ આવશે..!
ત્રણે રથોને સરસપુરવાસીઓ એ વિદાય આપી દીધી છે, રથ નિજમંદિર ભણી પ્રસ્થાન કરી ગયા છે..!
પ્રભુને વિનતી કે શાહપુર દરવાજેથી બહાર આવી અને હવે સાબરમતીને ઓળંગો, સીજી રોડ પર આવો, સમર્થેશ્વર મહાદેવથી લો ગાર્ડન અને પાલડી ચાર રસ્તાથી નિજમંદરે સિધાવો ક્યારેક..!
અરે ત્રણ વર્ષે એકવાર અધિક માસ હોય ત્યારે અથવા જે વર્ષે અષાઢ અધિક હોય ત્યારે આવો, પણ આવો પ્રભુ..!
તમારું નગર ઘણું વધી ગયું છે પ્રભુ, તમે પણ થોડા આ બાજુ આવો અને ભકતો ને લાભ આપો..!
જય જગન્નાથ
શૈશવ વોરા