મીડિયા, સોશિઅલ મીડિયા અને જમીન ..!!
થોડીક ઘટનાઓ એવી બની કે સેહજ વિચારવાનું મન થયું ..
એક ગુજરાતી પત્રકાર એ રાજીનામું આપી અને રાજકારણમાં ઝંપલાવવા નું નક્કી કર્યું..!
બીજું ફેસ્બુકે કે ડોનાલ્ડ ટ્રમ્પ નું એકાઉન્ટ બે વર્ષ માટે સસ્પેન્ડ કર્યું..!
શું સમજવું ?
મીડિયા કે સોશિઅલ મીડિયાથી `ઉપર` આવે ને પછી છેક સત્તા ની નજીક જવાનો પ્રયત્ન કરવાનો ? અને બીજા ભાગમાં સત્તા થી દૂર ગયા એટલે ઉતર્યા અમલદાર કોડીના કરી ને સોશિઅલ મીડિયા ના હેન્ડલર ભૂતપૂર્વ અમેરિકન પ્રમુખ ને પણ કોડીના કરી મુકે..??
બહુ અજબ ગજબ ના સીન ગોઠવાઈ રહ્યા છે..!!
સૌથી પેહલી વાત એ આવે છે કે *દુનિયાભરના લોકતંત્રોમાં એક એક વ્યક્તિ જોડે `મતિ` હોય કે નહિ `મત` ચોક્કસ છે..!*
હવે આ `મત` ને બંને અર્થમાં લેવો ઘટે છે એક મત એટલે `ઓપીનીયન` અને બીજો મત એટલે `વોટ` ..!!
કેવી વિડંબણા છે ..!
ગુજરાતી શબ્દ વાક્યના શ્લેષ ને સમજાવવા અંગ્રેજી શબ્દો નો આશરો લેવો પડે છે..!!
ખૈર .. પેહલા તો પ્રોબ્લેમ મત ઉર્ફે ઓપિનિયન છે ..!
અહિયાં મીડિયા અને સોશિઅલ મીડિયાની ગજ્જબ ભૂમિકા આવે છે ,
આ બંને જગાએથી જન સાધારણ ના માથે સતત હેમરીંગ (હેમરીંગ નું ગુજરાતી માથા ઉપર થતી સતત ટકટકારી કરી શકો છો ) થતું જ રહે છે અને એ પણ મંથન ના નામે..!
પ્રજાને સાચી ખોટી તમામ પ્રકારની માહિતીઓ પૂરી પાડવામાં આવી રહી છે આ ઇલેક્ટ્રો-મેગ્નેટિક વેવ્સના જમાનામાં , મીડિયા એ પોતાના અલગોરિધમ ડેવલપ કર્યા છે અને સોશિઅલ મીડિયા એ એમના પોતાના..!
મીડિયા ને પબ્લિક ને શું ગમે છે એ છોડી ને પબ્લિક શેનાથી એક્સાઈટ થશે તેમાં વધારે રસ છે, કેમ કે જો પબ્લિકના શરીરમાં એડ્રીનાલિન વધશે તો જ દર્શક એના હાથમાંથી રીમોટ બાજુ ઉપર મુકશે નહિ તો ફટાક કરતી ચેનલ બદલી નાખશે..!!
ઝલાઈ જ રેહવો જોઈએ મારી ચેનલ ઉપર , અને એના માટે રડવું પડે તો રડો ,હસવું પડે તો હસો કે પછી ભલે ન્યુઝ ચેનલ રહી પણ રંગભૂમિના તમામ નવે નવ રસ નો ઉપયોગ કરી ને પેલા `મત` વાળા `ટોપા` ને ઝાલી રાખો , રીમોટ સુધી એનો હાથ જવો જોઈએ નહિ..!!
મુઆ એન્કરો રડે ..!! મનોરંજન ચેનલના પેલા જજો રડે ..!! ઠહાકા મારી મારી ને તદ્દન ફાલતું વસ્તુઓ ઉપર હસે ,એલિયન ને પણ તમારી ને મારી બાજુમાં અડી ને ઘર અપાવી દે , સાખ પાડોશી બનાવી દે ..!!
આ બધું મીડિયા કરે અને સોશિઅલ મીડિયા ?
એકવાર કૈક સર્ચ કરો એટલે તમને એ પ્રમાણે દેખાડ દેખાડ કરે , અર્ધનગ્ન સ્ત્રી ને સર્ચ કરો તો પછી એને લગતી પોસ્ટ આગળ કરે અને નગ્ન પુરુષ ને સર્ચ કરો તો એને લગતું બતાવ્યા કરે ..!!
મારા કેસમાં સોશિઅલ મીડિયા ને ખબર છે કે આ માટીડો રાત્રે સુતા પેહલા કૈક શાસ્ત્રીય સંગીત સાંભળશે એટલે રોજ સાડા દસ પછી કોઈ ને કોઈ શાસ્ત્રીય સંગીતની ચીજ આગળ ધરે મને ..!
અલ્ટીમેટ ટાર્ગેટ શું ?
તો કહે ઊંઘ આવે ને શૈશવના હાથમાંથી મોબાઈલ પડી જાય નહિ ત્યાં સુધી મારું સોશિઅલ મીડિયા છોડી ને શૈશવ બીજા મીડિયા ઉપર જવો જોઈએ નહિ..!!
ગંદુ ..!
પણ જમીન ..?
હરામખોરો થી ખદબદતી ..!!
પાપી પેટ કા સવાલ છે એમ કરી ને એકે એક જીવડો નાલાયકી ને હરામખોરી ના નેક્સ્ટ લેવલ શોધતો હોય..!!
જે માણસ ને ટીવી ઉપર કે રૂપેરી પડદા ઉપર જોવો બહુ ગમતો હોય એને એકાદ વાર રાજકારણના અખાડામાં જીતાડે પછી છપ્પન નો ભાવ આપે..!!
આજકાલ તો ઘણા બધા ને એવું બોલતા સાંભળું છું કે રાજકારણી તો હરામી જ હોવો જોઈએ ,સીધા સાદા અને કોઈ સતપુરુષ નું કામ નહિ એને જીતાડવા આપણો મત (વોટ) ના બગાડાય ..!
બોલો કયો કળિયુગ ? ઘોર કે એનાથી નેક્સ્ટ લેવલ ?
ટાર્ગેટ દરેક નો એક જ મત ..!
`મતિ` ફેરવી ને `મત` બદલાવો જોઈએ અને પછી `મત` મારી તરફેણમાં પેટીમાં પુરાવો જોઈએ..!
એ માટે મીડિયા સોશિઅલ મીડિયા અને ઉપરથી અંચળો ઓઢવા નો સેવા નો ..!
મો. ક. ગાંધી … મો. ક. ગાંધી ..!!
એમણે પોતડી પેહરી એટલે ભારતીય રાજકારણમાં સાદગી નો દંભ ઘુસ્યો , બાપા એ એકાદી તો બા ને બનારસી સાડી લઇ આપી હોત ક્યારેક તો ભારતીય રાજકારણી એ આટલા બધા સાદગીના દંભ પાળવા ના પડતે..!!!
પણ હવે જે ચીલો પડ્યો છે એ ચીલે ચાલવાનું છે મારા કનકકાકા કેહતા ચીલે લીલું ના થાય..!!
સાચી વાત છે , આપણને સેવક ઉર્ફે નેતામાં સૌથી પેહલી સાદગી જ જોઈએ છે..!!
યાદ કરો ,ખરી સાદગી કે સાદગી નો દંભ કરતા નેતાઓ છેલ્લા એક દસકામાં કેટલી ચૂંટણીઓ જીતી ચુક્યા છે અને જેમણે સાદગી ને તિલાંજલિ આપી એ બધા ક્યાં છે ?
બોટમ લાઈન ઉપર આવું ..!!
સત્તાની મધલાળમાં મીડિયા સારી પેઠે ભાગ પડાવી ચુક્યું છે અને હવે સોશિઅલ મીડિયા ને હાથ મારવો છે એટલે સત્તા અને સોશિઅલ મીડિયા બન્ને એકબીજાના પુછ્ડા અત્યારે કાતરવા ઉપર આવ ગયા છે , જોવાનું એ છે કે કોણ મોટું બચકું ભરી ને પૂછડી જોડે પેટ કતરી જાય છે એ જોવાનું છે…!
બાકી તો ક્યારેક મતપેટી ખુલે ત્યારે લાગે કે જનતા નામની ચીજ એટલી કમીની છે કે ખેલ બધા જોવે છે ને પણ પેલું કહે છે ને સુનો સબ કી કરો મન કી આ વાત ને બિલકુલ આત્મસાત કરી ને બેઠી છે..!
બધા આંગળીઓના ખેલ છે , મીડિયા ને રીમોટથી જનતા નચાવે છે અને સોશિઅલ મીડિયા ને સ્ક્રોલ કરી ને..!!
જોઈએ હવે આગળ આગળ કેવા ખેલ પડે ..!!
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*