અંજલી ગાયકવાડ ને ઇન્ડિયન આઇડોલમાંથી કાઢી ..!!
ગધેડે સાકર ના નખાય ..!!
જો કે ભૂલ અંજલી અને તેના માતા પિતા ની છે કે જેમણે ઉત્તમ કક્ષાનું શાસ્ત્રીય સંગીત નું જ્ઞાન પોતાની દીકરી ને આપ્યું અને પછી ગધેડા નહિ પણ ખચ્ચરો જોડે ની રેસમાં પોતાની દીકરી ને ઉતારી..!!
ખચ્ચરો દોડે એવું બિચારો મને`ખ ક્યાંથી દોડે !!!..?
શાસ્ત્રીય સંગીત કે પછી બીજું કોઈ પણ શાસ્ત્ર હોય એને સમજતા પેહલા જે તે શાસ્ત્ર નું જ્ઞાન લેવું આવશ્યક છે, ડૂબો સો તૈરો .. તૈરો સો ડૂબો ..!!
જે શાસ્ત્રમાં ડૂબ્યો એ તરીને બાહર આવે અને જે તરવા ગયો એ ડૂબી જાય..મુઓ પડ્યો..!!
અંજલિ ગાયકવાડ ના જવાથી બીજું પણ એક કામ થઇ ગયું ,પેલા જે `જજ્ડા` જજ કરવા બેઠા હતા એમના પાણી પણ મપાઈ ગયા ..!!
સાકર એમણે પણ ના ખાવી જોઈએ ..!!
અને પબ્લિક એ તો ભૂલથી પણ નહિ..!!
ઘણી દુર્દશા છે ભારત વર્ષમાં ભારતના પોતાના વારસા માટે , એકલું સંગીત જ નહિ પણ બીજા ઘણા બધા ક્ષેત્રે પણ ..!
કલા ની કદર કરવામાં બહુ પાછળ રહી ગયા છીએ, લખતા દુઃખ થાય છે પણ પદ્મ પુરસ્કાર વિજેતા કલાકારો ના શાસ્ત્રીય સંગીતના જલસામાં મેં ચાલીસ પચાસ શ્રોતા માંડ થયા હોય એવા જલસા જોયા છે અને પુરસ્કાર રૂપે હજારમાં ,ફક્ત પાંચ આંકડામાં આપતા અને લેતા જોયા છે..!!
છેલ્લા દોઢ બે વર્ષથી તો બધું ઓનલાઈન ચાલી રહ્યું છે, એમાં પણ ફેસબુક ઉપર લાઈવ શાસ્ત્રીય સંગીતના કોઈ જલસા જોતા હોઈએ ત્યારે પણ ઘણી બધી વાર આખા ભારતમાંથી સો બસ્સો લોકો માંડ જોઈન થયા હોય ..!!!
આર્થિક દશાની કે અર્થ ની તો ઓનલાઈનમાં વાત કરવાની જ નહિ..!!!
કલા રાજઆશ્રયે હતી અને રાજ હવે રહ્યા નહિ , જુના રાજા રજવાડા ને કાઢ્યા બાકી હતું તે એમના સાલિયાણા પણ પુરા કર્યા , નવા રાજા રજવાડા પેદા કર્યા ,એમના સાલીયાણા ચાલુ કર્યા ..!!
જુના વાળા ને કલા પ્રત્યે લગાવ હતો ,સમજણ હતી હવે નવા પેદા થયા એ અમુક તદ્દન ઢોર કક્ષા ના ..!!
વાંચતા લખતા માંડ આવડે એવા કેટલાક તો એમને શાસ્ત્ર ની સમજ આપવા ક્યાં જવી ..??
એક બહુ ગંદો પ્રસંગ કહું તમને ..! અભણો ની છોડો ભણેલો ગણેલો સંપન્ન વ્યક્તિ કેવો હોય છે ..!
થોડાક વર્ષો પેહલા એક કેહ્વાતા મોટા માણસ ને મેં ફોન કર્યો કે આપ ઘણીવાર મને કેહતા હોઉં છો કે શાસ્ત્રીય સંગીતના કોઈ સારા પ્રોગ્રામમાં આપને આવવું છે તો આજે એક બહુ વિખ્યાત બાંસુરી વાદક નો પ્રોગ્રામ છે અને આપ ઈચ્છો તો આપ મારી સાથે આવી શકો છો તે માણવા ..
જવાબ સાંભળી ને મને તમ્મર ચડી ગયા ..
શૈશવભાઈ એક કામ કરો ને એમને આપણા ઘેર જ બોલાવી લ્યો ને થોડુક એમને સાંભળીશું ને સાથે જમશું ,થોડોક સત્સંગ કરશું ..!!
અરર ર ર .. મને થયું કે આ શું ?
ક્યાં જઈને અટકવું હશે આમને ? આટલી બધું ધૃષ્ટતા ?
પણ છે , આ ધરતી ઉપર આવા પણ માણસો છે ,
અને એમને હું ને તમે ઓળખીએ પણ છીએ ,એમના માટે સીજી કે એસજી રોડ ઉપર અડધી રાત્રે પેલા વાંસળી વગાડતા ને ભીખ માંગતા ભિખારી અને શાસ્ત્રીય બાંસુરી વાદક માં કોઈ ફર્ક જ નથી હોતો..!!!
એક ટંક જમાડી ને બાંસુરી સાંભળી ને બાંસુરીવાદક ઉપર ઉપકાર કરવો હતો એમને..!!
ઘણું મનોમંથન આ વિષય ઉપર કર્યું છે , કે કેમ આવું ? પણ ઉકેલ નથી દેખાતો..!
મેં જયારે મારી વિદ્યાર્થી અવસ્થામાં તાનપુરો હાથમાં ઝાલ્યો ત્યારે મારી આજુબાજુમાં દૂર દૂર સુધી તાનપુરા અને સિતાર ને જુદા પાડી શકે એવી કોઈ વ્યક્તિ નોહતી, સંગીત ને ભજન ,લોક સંગીત ,અને ફિલ્મી સંગીત ના દાયરામાં બાંધી દેવામાં આવ્યું હતું ..!
પેલું રંભા હો હો હો ..મૈ નાચું તુમ નાચો .. કરી ને કઈ એ ગીત ચાલ્યું હતું ત્યારે અને અપેક્ષા એની રેહતી મારી પાસેથી, હું ક્યારેક ધમણ ખોલી ને સા રે ગ મ પ ધ ની સાં કરતો , ખાલી સરગમ જ હો , તાન તો આવડતી પણ નોહતી અને લેતો પણ નોહ્તો ખાલી ને ખાલી અલંકાર , તો પણ કેવા કેવા શબ્દો સાંભળવા મળતા ..!!!
એકવાર પતંગ હોટેલમાં થોડાક મિત્રો જોડે હું ગયો હતો ત્યાં લાઈવ પ્રોગ્રામ ચાલે ગાવા નો, હવે થયું એવું કે કલાકાર સેહજ ઓળખાણમાં નીકળ્યો ,હાય હેલ્લો થયું ..
એક મિત્ર એ મને પૂછ્યું ઓળખે છે તું મેં કીધું હા ..એણે મને નીચું દેખાડવા વેઈટર ને બોલાવી ને સો રૂપિયા ની ટીપ કલાકાર ને મોકલાવી ને પછી મને ખેંચી ને મારી “આ જગ્યાએ તું બેઠો હોઈશ અને હું આવીશ તો બસ્સો આપીશ”
હસવું કે રડવું એની મને સમજણ ના પડી ,કેમ કે એ કલાકાર ની આર્થિક પરિસ્થિતિ હું જાણતો , એ સમયે જયારે નવ રૂપિયા ને નેવું પૈસે લીટર પેટ્રોલ હતું અને ત્યારે સો ની નોટ ઘણી મોટી હતી , પણ હું બાપ લાખ છપ્પન હજાર હતો ,પાશેરાની પેહલી પૂણી મેં જોઈ નોહતી એટલે મને બસ્સો તું આપી જાય xxx (ગાળ) …!!
એવો મગજમાં ઝાટકો આવ્યો હતો , પણ પેલા ને સો ની નોટ મળ્યા નો મને સંતોષ થયો હતો ,કેમ કે કલાકાર ઘણો ખુશ દેખાતો હતો..!!
પતંગ ની એક સારી વાત એ હતી કે રીવોલ્વીંગ હતી એટલે સ્ટેજ ત્યાનું ત્યાં રહ્યું અને અમારા ટેબલ આગળ વધી ગયા..!!
ગળી પીધું..!!!!
પચાસ વર્ષની આ જિંદગીમાં લગભગ છેલ્લા ત્રીસ વર્ષથી નજીકથી શાસ્ત્રીય સંગીત અને એના કલાકારો ને જોતો આવ્યો છું ,
ક્યાંક કોઈ ને “સ-રસ”, “સ:રસ” અને “સરસ” રીતે સંગીત ને વેચતા , મચડતા આવડ્યું છે ને સારું એવું અર્થોપાર્જન કરી ચુક્યા છે અને બીજી તરફ સ્ટેજ ઉપર ત્રણ ત્રણ કલાક ઝાડો પેશાબ દબાવી ને બેઠા રહી ને તાનપુરો વગાડી ને સંગત આપનારા આ જમાનામાં પણ પાંચસો સાતસો લેનારા છે..!!
રાજ આશ્રય હવે મળવા નો નથી , શાસ્ત્રીય સંગીત હોય કે બીજું કોઈ શાસ્ત્ર એણે પોતે પોતાની રીતે જ કમાવાનું છે અને પેટ ભરવાનું છે ..!!
વિખ્યાત કેનેડીયન વિચારક તારક ફત્તાહ એ એક પોસ્ટ શેર કરી છે લખે છે ઇસવીસન ૧૧૯૩માં બખ્તિયાર ખીલજી એ નાલંદા વિશ્વવિદ્યાલય ને તબાહ કર્યું ત્યારે આઠ લાખ પુસ્તકો ,હસ્તલિખિત પ્રતિઓ સતત સળગતી રહી અને એ પણ ત્રણ મહિના સુધી ..!! સદીઓ નું ભેગું કરેલું જ્ઞાન રાખ થઇ ગયું ..!
હવે જે બચ્યું છે શાસ્ત્ર એને બચાવવું રહ્યું ..
શાસ્ત્ર નો પ્રચાર , પ્રસાર અને સન્માન એક જ માર્ગ છે..!!
જોઈએ હવે આગળ અંજલી ગાયકવાડ કેટલી શુધ્ધતા જાળવી રાખે કે પછી પછી રંભા હો હો હો માં સા ગ મ ધ ની સાં , ગમ પ , મ પ સાં સાં જેવી સરગમો અને તાનો નાખી ને રી-મિક્સ બનાવી ને મારી જેમ સરસ્વતી ની પૂજા કરી ને લક્ષ્મી દેવી ની આરતી ઉતારવામાં લાગી જાય છે..!!
સમય જ કેહશે..!!
પણ સો વાત ની એક વાત ..!
ગધેડે સાકર ના નખાય એટલે ના નખાય..!!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*