નીટ ના રીઝલ્ટ આવી ગયા ..
આપણી આજુબાજુમાં પાંચસો પચાસથી લઈને ત્રીસ માર્ક સુધીના બાળકો છે..બે દિવસથી ક્યાંક હરખની હેલી ચડી છે તો ક્યાંક માતમ છે ..
બહુ જ કફોડી પરિસ્થિતિ વચ્ચે લટકેલા છોકરાઓ ના માંબાપની છે..
જે બાળકોના સ્કોર પાંચસો ની ઉપર છે એ તો બધા સમજો કે દાકતર થઇ ગયા પણ પછી જે વચ્ચે લટક્યા છે, નથી આ પાર કે નથી પેલે પાર એમાં અત્યારે માથાકૂટ ચાલી રહી છે…
મેનેજમેન્ટ સીટો ઉપર છોકરાને દાકતર બનાવાય કે નહિ..??!!
મેડીકલની મેનેજમેન્ટ સીટ એટલે પાંચ વર્ષનો બધું મળીને સાહીઠ લાખથી તે કરોડ રૂપિયા નો ખર્ચો ગણી જ લેવાનો..
જેમના બાળકો ને મેનજમેન્ટ સીટ પર એડમીશન મળે તેવી શક્યતા છે એમને ત્યાં આ સવાલ ઉભો થાય છે, અને ક્યાંક કુટુંબ સભા બેસી રહી છે તો ક્યાંક મિત્રો ની સલાહ લેવાઈ રહી છે..
આ બધા ની વચ્ચે એક વાત તો ખરી કે વર્ષો સુધી બાંધીને રાખેલી માંબાપની બાંધી મુઠ્ઠી છોકરા ખુલ્લી કરી નાખે છે..
અમુક કેસમાં તો માંબાપ રીતસરના ઉઘાડા પડી જાય છે બિચારા બાપડા થઇ જાય છે..
એક મિત્રના મિત્ર,
એમના દીકરાને લગભગ મેનેજમેન્ટ સીટમાં એડમીશન મળે તેવી શક્યતા છે ,પણ મધ્યમવર્ગ નો માણસ છે એનો બાપ,
છોકરાએ ક્યાંક કેરિયર કાઉન્સેલિંગ અને બીજી ચાર પાંચ જગ્યાએ થી “જ્ઞાન” ભેગું કરી લીધું હતું એટલે કુટુંબ સભામાં પ્રપોઝલ મૂકી દીધી કે આપણો ફ્લેટ ગીરવે મૂકી દયો અને પચાસ લાખની લોન લઇ લ્યો અને મારું મેડીકલમાં એડમીશન લઇ લ્યો…
વીસ વર્ષથી ઘર સાચવતી માં અને પચ્ચીસ વર્ષથી સવારથી સાંજ નોકરું કુટતો બાપ બંને ને ચક્કર આવી ગયા…
પચાસ લાખની લોન તું ક્યારે પાછી ભરે..? અને આપણી પાસે વળી એવી તે કઈ મૂડી છે કે આવું જોખમ લેવાય..ફ્લેટની લોન પૂરી થયે પાંચ વર્ષ થયા છે..
પચાસ લાખ કમાવવા અને પચાસ લાખ બચાવી અને ભેગા કરવા અને પછી ચૂકતે કરવા આ બંનેમાં આસમાન જમીન નો ફર્ક છે…!!
ઘરમાં રમખાણ મચી ગયું છે..
બહુ જ અઘરું છે આજ માં જમાનામાં ભણતર પાછળ રૂપિયા ના આંધણ કરવા..
અને સૌથી મોટી વાત કે ખાલી ભણવાની ફી ચુકવ્યે જ બધી જવાબદારી પૂરી થઇ જાય છે ?
પૂછો તમારા માંબાપને ?
એક જમાનો હતો કે માંબાપ ચૌદ પંદર વર્ષે છોકરાને બજારમાં રખડતો મૂકી દેતા અને કેહતા જાવ કુટી ખાવ તમારું, પણ આજે લગભગ ત્રીસ ત્રીસ વર્ષ સુધી સંતાનોને ટેકા કર્યા કરવા પડે છે..
અને એ પણ તન,મન અને ધન ત્રણેયથી ટેકા કરવા પડે છે…
દીકરો હોય કે દીકરી બિલકુલ છૂટી નથી પડાતું ..
પેહલા એમની ફી ઓ ભરો રૂપિયાથી ઘસાવ, પછી એમને પરણાવો ફરી એકવાર રૂપિયાથી આપણે ઘસાવાના, પછી એમના છોકરા મોટા કરી આપો તનથી ઘસાવો, અને જન્મ્યા ત્યારથી જ ચિંતા ના કરીશ હો બેટા મમ્મી પપ્પા છે એમ સધિયારા આપી આપીને મનથી ઘસાવો…!!
અને એમાં ઉપરથી બિચારા મધ્યમવર્ગના માંબાપને છોકરા મોઢા મોઢ કહી દે છે કે તમારી પાસે કરોડ રૂપિયા નથી તો તમે જિંદગી આખી કર્યું શું ?
એવા સમયે મારા જેવો આખા બોલો કામ લાગે અને ફટ કરતા સાલા ને મોઢા ઉપર કહી દે અમે અમારાથી થાય એટલું કર્યું અને હવે વારો તમારો છે, જોઈએ છે શું ઉકાળો છો તમે અને આ તારો શૈશવકાકો નેવું વર્ષ પેહલા મરવાનો નથી, એટલે જાવ લાગી પડો આજથી, અને કરોડ રૂપિયા ભેગા થાયને એ દિવસે આવજો આશીર્વાદ લેવા એટલે પચાસ હજારનું કવર આપશું અમે તમને, જાવ નીકળો બજારમાં..!
મેડીકલના એડમીશન જેવો જ સીન અત્યારે અમેરિકા કેનેડા અને ઓસ્ટ્રેલીયા ભણવા જવાની જીદ કરતા છોકરાઓના માંબાપ નો છે..
નાખી દેતા પચીસ ત્રીસ લાખ જતા રહે અને ત્યાં સેટ ના થાય અને લીલા તોરણે પાછો આવ્યો તો ?
ટોરેન્ટોમાં અત્યારે રોજ ઓન એન એવરેજ ચારથી પાંચ ગુજરાતી સ્ટુડન્ટ ફૂટપાથ પર આવી જાય છે..
કોઈ સગાવહાલાના ટેકા કે પછી એક્સ્ટ્રીમ હાઈ માર્કશીટ ના હોય તો પરદેસ ભણાવવાના જોખમ પણ ખેડવા જેવા નથી ..અને એમાં પણ બે રૂમમાં જ ચાલતી યુનીવર્સીટીમાં એડમીશન લઇને ત્યાં પોંહચી જાવ અને પછી સેટ થઇ જવાશે એવી ગણતરી તો હરગીઝ નાં મુકાય..
નરી મજુરી જ કરવી પડે છે બાળકોને ત્યાં…અને માબાપે અહિયાં ..
છ સાત મહીને એક વાર દસ હજાર ડોલર મોકલવાના આવે એટલે સીધા સાડા છ લાખ રૂપિયા બાપના ખાતામાંથી જતા રહે અને એ રૂપિયા ભેગા કરતા બાપાને બે-ચાર વર્ષ લાગ્યા હોય…
વાટ લાગી જાય છે જે છોકરાઓને પરદેસમાં ભણવા મોકલેલા છે એમના માંબાપ ની તો…
બે દિવસ પેહલા એક ઓર્થોપેડિક ડોક્ટર મળી ગયો …ગેલસપ્પા ને ધંધો કરવો હતો …
મારી છટકી ,ટોપા (ગાળ ,ગાળ ) તો પછી તું ઓર્થોમાં ગયો જ કેમ ? અને ગયો પછી તો હવે તારે પ્રેક્ટીસ કરવી જ રહી, એક મેડીકલની સીટ બગાડવાનો મતલબ નથી દોસ્ત…તારી સોશિઅલ અને મોરલ રિસ્પોન્સીબીલીટી છે કે હવે એક ડોક્ટર તરીકે જ પ્રેક્ટીસ કરવી રહી..એ તું છોડી દે તે ના ચાલે, બિલકુલ ના ચાલે..મેડીકલ પ્રેક્ટીસ ચાલુ રાખીને ધંધો કર પણ મેડીકલ પ્રેક્ટીસ બંધ કરીને તો ધંધો નાં જ થાય..!!
મેં આગળ ચલાવ્યું…અલ્યા તારી ઓર્થોની લાઈનમાં તો લોકો અમદાવાદમાં ચાર્ટડ પ્લેન લાવ્યા ગધેડા, અને તું ધંધા કરવા નીકળી છે..
દસ મિનીટના મારા ભાષણ પછી બિચારો ગળગળો થઇ ગયો અને બે હાથ જોડીને બોલ્યો ..શૈશવ ભાઈ મારે મેડીકલ પ્રેક્ટીસમાં ધંધો નથી કરવો ..મારે ધંધો અને મેડીકલ પ્રેક્ટીસ બંને ને અલગ રાખવી છે ,જેમ હર્ષદકાકા (મારા પપ્પા) એ મેડીકલ પ્રેક્ટીસમાં ધંધો નથી કર્યો એમ મારાથી મેડીકલ પ્રેક્ટીસમાં ધંધો નહિ થાય …
મારી આંખમાં એ છોકરાની વાત સાંભળીને ઝળઝળિયાં આવી ગયા, અનાયાસે એના માથે મારો હાથ જતો રહ્યો..
કશું જ વધારે કેહ્વાનો મતલબ નોહતો એ છોકરાને …મારાંથી પંદર વર્ષ નાનો હતો પણ દુનિયા કદાચ વધારે સમજી લીધી હતી…
મેડીકલ પ્રેક્ટીસમાં ધંધો નહિ થાય ..
રૂપિયા ખર્ચી અને ડોક્ટર બનતી કે બનાવતી વખતે એટલું યાદ રાખજો મેડીકલ પ્રેક્ટીસમાં ધંધો નથી કરવાનો..
નહીતર સીધો ધંધો જ કરો, ધીરુભાઈ અંબાણી કે ગૌતમ અદાણી કોઈ ડોકટર નથી ..
બાળકને ધંધો કરવો છે, કે તમારે કરાવવો છે તો સીધો ધંધો કરો ડોકટર ના થશો..ખોટી મેડીકલની સીટ ના બગાડશો..
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા