સંતાનોને કેવા ઉદાહરણ આપવા અને કેમ ..?
મારા બે મિત્રો છે ..સરખી જ ઉંમરના..અમે જોડે ભણ્યા ,જોડે રમ્યા ,જોડે મોટા થયા ..
એક મારી જોડે બીએસસી સુધી રહ્યો અને પછી એના બાપના ધંધે લાગી ગયો..બીજો એન્જીનીયર થયો, અમેરિકા ગયો સારું એવું કમાયો..અને પાછો ઇન્ડિયા આવ્યો..
હવે થયું એવું કે અમેરિકાવાળો એન્જીનીઅર ઇન્ડિયા પાછો આવ્યો, અને એણે લગભગ સાડા ત્રણ કરોડનો બોડકદેવમાં એક ફ્લેટ લીધો અને ઉપરથી એમાં દોઢ એક કરોડનું ઇન્ટીરીયર કર્યું ..
જુના મિત્રો હોવાને નાતે એણે અમને જમવા બોલાવ્યા, અને અમે સહપરિવાર જમવા પણ ગયા..
સ્વાભાવિક રીતે અમારે અહિયાં રહેલા મિત્રના પત્ની બાળકો સાથે આત્મીયતા વધારે જ હોય,અને અમેરિકા ગયેલા અને પાછા આવેલા મિત્ર સાથે સમય ને લીધે જે અંતર પડી ગયું હોય એ અંતર કવર થતા થોડી વાર લાગે..
અમે અમેરિકાથી આવેલા મિત્રને ત્યાં બંને પરિવાર ગયા જમ્યા, આખા ફ્લેટની ગાઈડેડ ટુર લીધી અને ખરેખર પ્રશંસાને પાત્ર એવો આલાગ્રાંડ ફ્લેટ બનાવ્યો હતો એણે..
જમી પરવારીને છુટા પડ્યા ..
પેલા અહિયાં રહી ગયેલા મિત્રના પરિવાર સાથે અમે અમેરિકાવાળાના ફ્લેટની નીચે આવજો આવજો કરતા ઉભા રહી ગયા, મારા મિત્રના સોળ વર્ષના દીકરા એ સવાલ પૂછ્યો શૈશવ અંકલ આ અંકલનો ફ્લેટ કેવો જોરદાર છે , આવો ફ્લેટ કરવો હોય તો શું કરવું પડે ..?
હજી મારા મોઢે જવાબ આવે ત્યાં તો એનો બાપો બોલી પડ્યો .. આપણું ઘર પણ બેટા અત્યારે પાંચ કરોડનું તો છે જ ને..
મારી ખોપરી ટર્ન મારી ગઈ..
મેં મારો મિત્ર આગળ બોલે એ પેહલા કીધું ..બંધ થઇ જા તું .. મેં એના સોળ વર્ષ ના દીકરાને કીધું કે બેટા જો પેહલી વાત તો એ આવે કે ભણવું પડે ,અને સાદું સીધું નહિ ક્યાંક સારી યુનીવર્સીટીમાંથી માસ્ટર્સ અને પછી ડોકટરેટ લેવલ નું ભણવું પડે, પછી સતત એક દસકો જે ફિલ્ડનું ભણ્યા હોઈએ એ જ ફિલ્ડમાં ફૂટાવું પડે ,અને ત્યારે આવો ફ્લેટ અને ઘેર એક બીએમડબલ્યુ અને એક મર્સિડીઝ આવે..
પેલા મિત્ર એ સામી દલીલ કરી..ખોટી વાત છે તારી શૈશાવ્યા ,નસીબ જોઈએ નસીબ..એના નસીબમાં હતું તો એને બધું સીધું મળ્યું ,અને ગયો અમેરિકા અને ત્યાંથી અત્યારે ટ્રીમેંન્ડસ કમાઈને આવ્યો છે ,પણ વરસ થી વધારે ટકશે નહિ પાછો જ જશે..
મેં એક નિ:સાસો નાખી અને સામી દલીલ કરવાનું છોડી દીધું…
વાતને લંબાવવાનો મતલબ નોહતો..પણ દુઃખ ચોક્કસ થયું કેમકે આવી વાત સોળ વર્ષના દીકરાની સામે કરીને એ મિત્ર પોતાના દીકરા ને પ્રારબ્ધને હવાલે કરી રહ્યો હતો ..કર્મ ની બદલે..!!
ઘણા બધા લોકો મેં આવી રીતે જોયા છે કે જે લોકો પોતાના સંતાનોની સામે બિલકુલ જ બાળક એમની વાત સાંભળી અને શું વિચારશે ,કે પછી એ એના ફ્યુચરમાં તમારી વાતો ને કેવી રીતે લેશે એનો રત્તીભાર વિચાર કર્યા વિના જ `ભરડે` રાખતા હોય છે..
ઘણા પેરેન્ટ્સ ને “લુઝ ટોક” કરવાની ટેવ હોય છે, આજકાલ ઘણા કપલ્સ પોતાના બાર વર્ષથી મોટા સંતાનો ની સામે પણ ક્યારેક અણછાજતું વર્તન કરી બેસતા હોય છે , અને આવા જયારે મારી સામે આવે ત્યારે હું તો મોઢા મોઢ કહી દઉં છું કે અલ્યા રાત આખી ઓછી પડે છે કે દા`ડે ગામ ને દેખતા આ પ્રેમલા પ્રેમલીના નાટકો કરો છો..
એક્ચ્યુલી આવા `પ્રેમલા પ્રેમલી`ની ખાલી પંદર વર્ષની દીકરી યુનીવર્સીટી એરિયામાં એક એની સ્કુલના છોકરા જોડે લપાઈને એક ખૂણામાં બેઠેલી અને મારી કાગડા જેવી નજરે ચડી ગઈ હતી..
અને ત્યારે એના માંબાપ નો જે `વારો` પાડ્યો હતો પછી અમે…
ટીનએજમાં આવેલું સંતાન માંબાપના વાણી અને વર્તન પરથી ઘણું બધું શીખતું ,ગ્રહણ કરતુ અને પછી એ પ્રમાણે આચરણ કરતુ હોય છે..
આપણે જયારે વાત વાત પણ કોઈ ક મુદ્દામાં ઢીલાશ મુકીએ કે કડપ રાખીએ એની સીધી અસર એ તરુણ માનસ પર પડતી હોય છે ,અને ખરેખર તો ટીનએજ એ તો આખા જીવન નો `મોલ્ડ` છે..
ટીનએજમાં જે માઈન્ડ સેટ `મોલ્ડ` થાય છે એ લગભગ જીવનભર રેહતું હોય છે..
તમે તમારા મગજને ગમે તેટલું કેળવો ,ગમે તેટલી તમારી ઉંમર થાય પણ રહી રહીને તમારું દિમાગ ટીનએજ તરફ દિવસમાં એક વાર તો જતું જ રેહતું હોય છે…
જો તમે ખરેખર ઇચ્છતા હોવ કે તમારું સંતાન ભણે ગણે અને આગળ વધે તો એ જ પ્રકારના ઉદાહરણ અને વાતો એની સામે થવી જોઈએ અને હા એમાં પેહલી શરૂઆત પોતાની નિષ્ફળતાની કબુલાતથી થવી જોઈએ ..
બેટા હું ઓછું ભણ્યો કે ઓછી મેહનત કરી માટે હું આટલું ઓછું પામ્યો છું એટલે જો તારે તારી ઈચ્છાઓ ,સપનાઓ અને તમન્ના પ્રમાણે જીવવું હોય તો તારે આટલું ભણવું રહ્યું અને પછી આટલી મેહનત કરવી રહી એમ પેહલી નિખાલસ કબુલાત અને પછી ટાર્ગેટ આપવા રહ્યા..
હમણા પરદેસથી મારા ઘરે સ્વજન આવ્યા છે, મારી દીકરીઓને લઈને એરપોર્ટ લેવા ગયો હતો અને મારી મોટી દીકરી બોલી ગઈ કેટલા વર્ષ થઇ ગયા આ ઇન્ટરનેશનલ ટર્મિનલની અંદર પગ જ નથી મુક્યો છે, મારો તો જીવ બળી જાય છે આ ટર્મિનલ જોઈ જોઈ ને…આડકતરી રીતે પરદેસ ફરવા લઇ જવા માટેનું મારી ઉપર દબાણ હતું ..
મારો જવાબ હતો …બળવો જ જોઈએ જીવ બેટા..બરાબર છે..
મારી દીકરીએ મને કીધું …હાય હાય કેવા પપ્પા છો તમે તો .. કોઈ પોતાની દીકરીનો જીવ બળે એવું ઈચ્છે..
મારો જવાબ હતો .. હા બેટા જીવ બળે છે એનો મતલબ સીધો છે કે તમારે પરદેસ રખડવાના સપના છે ,અને જીવ બળશે તો જ એ સપના પુરા કરવા માટે તમે દોડશો મેહનત કરશો,જીવનમાં દર બે ચાર મહીને કે છ મહીને પણ તમારે આ ટર્મિનલમાં અંદર પગ મુકવો હોય તો ચોટલી બાંધો અને માંડો ભણવા, આપો યુએસ-એમએલ-ઈ..કરો માસ્ટર્સ અને કમાવ ડોલર્સમાં અને ભોગવો દુનિયા.. અમે ના કરી શક્યા ,હવે તમારામાં તાકાત હોય તો કરો તમે ..
મારી નાની દીકરી તરત બોલી ..પોઈન્ટ હો ડેડી પોઈન્ટ..આપડો જીવ તો બળવા નો ચાલુ થઇ ગયો છે , પણ તમે છે ને થોડું પેલું ફાયર એક્સટીંગવિશર બે ત્રણ વર્ષે એકવાર અમારી ઉપર છાંટી દેજો .. તો પછી આપણને તો ચાલશે..કોઈ પ્રોબ્લેમ નથી જીવ ઓલવાઈ જશે થોડા ટાઈમ માટે..!!
મારું બેટું .. પ્રજા પણ આપડી જ ને ..
આપણી ભાષામાં જ આપણને સમજાવી દીધું કે બે ચાર છ મહીને કઈ પરદેસ નથી જવું ,બે ત્રણ વર્ષે એકાદ વાર તમે લઇ જજો ને તો ચાલશે , કઈ ભણવાની મજુરી નથી કરવી..!!
આવું છે ભાઈ, બહુ ચતુરાઈની વાતો કરીએ તો ચતુરાઈ ભર્યા જવાબ આવે ..
મમ્મી હમેશા કહે છે કે જણે કોઈ ના પોહચે એને એના પેટ પોહચે..
હશે ત્યારે ..
ઘરની વાણી પોપટ બોલે..
શુભ રાત્રી
શૈશવ વોરા