વિશ્વ સંગીત દિવસ ..
ગુગલે આવું કૈક કીધું એટલે ખબર પડી, બાકી તો અમારા જેવા માટે બારેય મહિના ને ચોવીસે કલાક સંગીત જ સંગીત ચારેબાજુ ફેલાયેલું છે..!!
બાઈક ઉપર મોજમાં નીકળ્યો હોઉં અને મંદ મંદ પવન કાનેથી કપાતો જાય, અને એ જ પવન ષડ્જ આપી દયે ,એકવાર ષડ્જ મળે પછી શું બાકી રહે..?
ષડ્જ જેનું નામ.. જે `છ` ને જન્મ આપે તે ષડ્જ ઉર્ફે સા..!!
`સા` મળે એટલે પત્યું ,પછી તો પંચમ મળે, પંચમથી ગંધાર ને ધૈવત ,ધૈવત અને ગંધાર રિષભ અને નિષાદ આપે, ને દરેક અડધે અડધે કોમળ ને તીવ્ર મળી જાય..!!
સાત વત્તા પાંચ બાર સૂર નો સંસાર રચાઈ જાય ..!!
કેટલી સરસ રચના કરી આપણા બાપદાદાઓ એ..!
એક ષડજ ને બાંધીને આખું સંગીત અંકે કરી લેવાનું..!!
કણમાંથી ક્ષણ બને અને ક્ષણમાંથી કણ…!
પશ્ચિમ આ લીટી ને ફીઝીક્સ કહે અને અમે સંગીત..!!
પશ્ચિમ કહે બીગબેન ના ધડાકાથી સૃષ્ટિની રચના થઇ હતી અને શાસ્ત્રો કહે ઓમકાર ના નાદ થી સૃષ્ટિની શરૂઆત થઇ..
નાદબ્રહ્મ ..!!
નાના નાના સ્વરના સતત આંદોલનથી અનુનાદ થાય અને અનુનાદથી આખા બ્રીજ તૂટી પડે , ઉદાહરણ આવે કોઇપણ પુલ ઉપર લશ્કર માર્ચ કરતુ જાય તો પુલ તૂટી પડે ..
અનુનાદ ..!!
ભારતીય સંગીત..એટલે વેવ મીકેનીક્સ, દરેક સ્વરની પોતાની તરંગ લંબાઈ , સ્વરથી થોડા ઊંડા ઉતરો તો શ્રુતિઓ આવે ..!! જેટલું ઊંડા ઉતરી ને ઝીણું કાંતવું હોય એટલું કંતાય ..!!
મારા જેવાને તો સંગીત અને ખગોળ ઉર્ફે જ્યોતિષને પણ જોડવાનું મન થાય..!
જેમ બાર રાશી તેમ જ બાર સ્વરો..જેમ સૂર્ય ચન્દ્ર ને છોડી ને શુક્ર ,બુધ ,મંગળ ,ગુરુ, શનિ એ દરેક ગ્રહ બે રાશીનો સ્વામી તેમજ દરેક ષડ્જ અને પંચમ ને છોડીને દરેક સ્વર બે થાય … રે,ગ ,ધ ,ની કોમળ અને મધયમ તીવ્ર ષડ્જ પંચમ અચળ ..!
ગ્રહોમાં પણ સૂર્ય ,ચંદ્ર ને છોડીને બધા ગ્રહો બબ્બે રાશીનું સ્વામિત્વ ભોગવે ..
કોઈ પૂછે કે રાહુ કેતુ ક્યાં ગયા ..?
ક્યાંય નથી ગયા ,જયોતિષ એને છાયા ગ્રહો કહે ,અને ફીઝીક્સ જે જગ્યાએ સૂર્ય ચન્દ્રની ભ્રમણકક્ષાઓ છેદાય એ જગ્યાએ એક ગ્રહ જેટલું મેગ્નેટિક ફિલ્ડ પેદા થાય અને એ જગ્યા એટલે રાહુ અને કેતુ..
તો પછી સંગીતમાં રાહુ કેતુ ક્યા ..?
તાલ વાદ્યમાં, તબલાના દાયા બાયા માં રાહુ અને કેતુ..!!
આપણા ડમરું થી લઈને પખવાજ સુધીના દરેક તાલ વાદ્યની બે બાજુ છે એ રાહુ અને કેતુ ..!!
તાલ આવે એટલે લય આવે લય આવે એટલે સમય આવે ..!!
લય એટલે બે માત્રા વચ્ચે નું અંતર .. ટીક ટીક કરતી ઘડિયાળમાં બે `ટીક` વચ્ચેનો સમય એ લય છે ..
સમય આવે એટલે ગતિ આવે, અને ગતિ આવે પછી વેગ આવે, પ્રવેગ આવે …!!
શું ના આવે પછી..!!?
પણ આપણી `પીન` તો સમય ઉપર જ અટકી જાય..!!
ક્યારે જન્મ્યા અને ક્યારે મરીશું ? વચ્ચે નો સમય ક્યારે અને કેવી રીતે જતો રહ્યો કે કાઢવાનો એની મથામણમાં જન્મારો ઉર્ફે સમય જાય..!!
મારા સમયમાં થોડોક ઓગણ પચાસ વર્ષ પાછળ જાઉં તો મને મારી મોટી બા નું હાલરડું કાને પડે છે.. પાપા એ ટેપ રેકોર્ડરમાં મોટી બા ની અવાજ અને હાલરડું રેકોર્ડ કરી રાખ્યું હતું અને હજી હમણાં સુધી શૈશવ સાંભળતો હતો…!!
જીવનનું પેહાલું સંગીત એટલે હાલરડું અને જે જીવ હાલરડાંથી વંચિત રહી ગયો એનો ફેરો ફોગટ ..!!
શૈશવ મારો લાડકવાયો દેવ નો દીધેલ છે .. જળ કમળ છાંડી જા ને બાળા સ્વામી અમારો ..અને ભજનો પણ સમય મારો સાધજે વા`લા ..!
એકદમ હલકથી પણ એક સૂરમાં ગવાયેલા એ હાલરડાં ,ગીતો ,પ્રભાતિયા અને ભજનો આજે પણ કાનમાં ગુંજે છે .. આજે એ ટેપ સંતાડીને મુકવી પડી છે, પપ્પા એમના જીવનના એશીમાં વર્ષે એમની મમ્મીનો અવાજ સાંભળીને ઈમોશનલ થઇને રડવા બેસે છે ..!!
કદાચ એમની વધતી ઉંમર નો તકાજો છે, અને મને એવું લાગે છે કે પપ્પા એમની બા નો અવાજ સાંભળી અને આનંદ લેવા કરતા દુઃખી વધારે થાય છે માટે મેં એ ટેપ સંતાડી દીધી છે..!
પાપ કર્યું છે, પણ છૂટકો નથી ,મારાથી મારા બાપ ના આંસુ કેમના જોવાય..?
સ્વાર્થ.!!
પણ એ આંસુ સંગીત અને સૂરની તાકાત છે..!!!
દુનિયાનો કોક જ અભાગીયો હશે કે જેને સંગીત અડતું ના હોય ..
સંગીત ચડવું ના ચડવું જુદી વાત છે, માં સરસ્વતીની કૃપા હોય તો જ સંગીત ચડે પણ સંગીત અડે તો સહુ કોઈ ને ..!
આજકાલ કાનમાં પેલા ભૂંગળા ભરાવીને સંગીત સાંભળવા બહુ વાયરા વાયા છે , જો કે ત્રીસેક વર્ષ પેહલાનો આ વાયરો છે ,અમે પણ અમારી ટીનએજમાં કાનમાં વોકમેન ઘાલી અને સાંભળતા હતા અને પાછા કલર મારવા કાનમાં વોકમેન ઘાલી અને ચાલવા નીકળતા, દુનિયા ને બતાડવા ..! મારી જોડે વોકમેન છે..!!
પણ જલ્દી એ ક્રેઝ ઉતરી ગયો , કેમકે મને સંગીત નો સ્પર્શ ગમે છે ,સંગીત મને અડવું જોઈએ..!!
કરી જોજો અનુભૂતિ ..જો ખરેખર હ્રદયને ગમતું સંગીત સાંભળશોને તો તમારા કાન નહિ પણ તમારા રોમ રોમ સંગીત ને સાંભળશે ..
સંગીત ને તમારા શરીરને અડતું ફિલ કરી શકશો..!!
કોણ બોલ્યું કે પેલા લગનના ડીજે શરીર નહિ એની અંદરના મોટા આંતરડાને પણ ફિલ થાય છે..!!
હા ભાઈ એ પણ સંગીતનો એક ભાગ જ છે ..!!
શું થાય ?
બધી “વિભૂતિ” ને અનુભૂતિ થોડી કરવી હોય ? કોઈક ને અનુભવ પણ કરવો હોય ..!!
બીજું બધું બાજુ પર મુકો તો ઈશ્વર સુધી પોહચવાનો સેહલામાં સેહલો રસ્તો છે સંગીત..!
તમને આવડતો કોઇપણ એક શ્લોક મનમાં ગણગણી જાવ, અને પછી ફરીએકવાર જેવો આવડે તેવો થોડક સૂરમાં ગાવાની કોશિશ કરી ને ગાઈ જોવો…દુનિયાની સાડીબારી રાખ્યા વિના..અડધા ફૂટ દૂર ઉભો છે એમ જ લાગશે..!!
સંગીત ને ભણતા હતા ત્યારે એક ગીત શીખેલો એ યાદ આવે છે ..
ષડ્જ શિવ હૈ ,રિષભ ગીરીજા ,ગણપતિ ગંધાર હૈ |
રિદ્ધિ મધ્યમ ,સિદ્ધિ પંચમ ,ત્રિશુલ ધૈવતાકાર હૈ ||
તાલ ડમરું ગીત ગંગા ,લય મેં હી ઓમકાર હૈ |
નિષાદ નંદી શિવ ચરણ મેં સાત સૂર સંસાર હૈ ||
દુનિયામાં પેહલી સંગીત વિશારદની ડીગ્રી મહાદેવજી એ બજરંગબલી ને આપી હતી અને મને ગાંધર્વ મહાવિદ્યાલય એ..!!
અફસોસ …માસ્ટર ફાઈલમાં પડી છે..!!
ચાલો આપનો દિવસ શુભ રહે,
જીવન સંગીતમય રહે..!!
શૈશવ વોરા