“ ભારતીય દંડ સંહિતા ૪૯૭ પ્રમાણે જો કોઈ પુરુષ એ જાણતો હોવ છતાં કે કોઈ મહિલા કોઈ બીજા વ્યક્તિની પત્ની છે અને એ વ્યક્તિની સહમતી કે તે વ્યક્તિના મેળાપીપણા વગર જ તે મહિલા સાથે યૌનઆચાર કરે છે તો તે પરસ્ત્રી ગમન ના અપરાધ નો દોષી છે…આ અપરાધ બળાત્કારની શ્રેણીમાં નહી આવે..અને આ અપરાધ માટે પુરુષને પાંચ વર્ષની સજા થવી જોઈએ..”
કેવું અટપટું લાગે છે નહિ ..?
ચાલો સાદી ભાષામાં એક સાચો કિસ્સો કહું ..
મારા જીમ નો ટ્રેઈનર ..રંગેરુડો રૂપે પૂરો..એકદમ દીસંતો કોડીલો કોડામણો ..
રોજ સવારે લેડીઝ ટાઈમમાં આવતી એક પાંત્રીસ વર્ષની મહિલા એની ઉપર “ડોરા” નાખે..
એક દિવસ એ મહિલાએ “દાવ” નાખ્યો કે મારા ઘરમાં કોઈ નથી અને મારા એકટીવામાં પેટ્રોલ ખલાસ થઇ ગયું છે તું મને ઘરે મૂકી જા..
ટ્રેઈનર થોડો ગભરુ એણે મને ફોન લગાડ્યો…ભાઈ ઘરે મુકવા ગયો તો મારી ઈજ્જત લુંટાઈ સમજો.. તો શું કરું ? મેં કીધું કઈ નહિ..એક લીટર પેટ્રોલ તારી બાઈકમાંથી કાઢીને એના એક્ટીવામાં નાખી દે સિમ્પલ.!
પણ હવે જો આ સિચ્યુએશનમાં “પેલો” “પેલી”ને ઘેર મુકવા જાય અને પેલો કૈક કોઠું-કબાડું કરે તો કલમ ૪૯૭ લાગુ પડે , કેમકે પેલીના પતિની સંમતી વિના કે એના પતિની હાજરી વિના આ કાંડ થયો છે માટે “વ્યભિચાર” થયો ગણાય ,પણ પત્નીની સંમતી હતી માટે બળાત્કારનો કેસ ના થાય પણ વ્યભિચાર નો કેસ ગણી લેવાય અને “પેલો” પાંચ વર્ષ માટે જેલમાં જાય ..!
મારી સમજણ પ્રમાણે આ ૪૯૭ની જૂની વ્યાખ્યા..!!
હવે આમાં ઘણા બધાના ભવાં ચડી ગયા..
અલ્યા કેમ ..?
શું ખોટું કર્યું છે આ કલમ કાઢીને નામદાર સુપ્રીમ કોર્ટે ..?
ક્યાં સુધી સ્ત્રી ઉપર પુરુષની માલિકીની હક્ક રાખવો છે ?
કાયદો ૧૫૮ વર્ષ પેહલા નો છે..
હવે આ જ ૪૯૭ કાયદા પ્રમાણે પતિની સંમતી થી પત્ની જોડે “કોઈપણ” કૃત્ય થાય તો કોઈ પ્રોબ્લેમ નથી..!!
શું સ્ત્રી એ વ્યક્તિ નથી ..?
જો સ્ત્રીને વ્યક્તિ તરીકે સ્વીકારતા હોઈએ તો પછી એને અભિવ્યક્તિની આઝાદી આપવી જ રહી અને અભિવ્યક્તિની આઝાદી પછી નું પગલું આવે છે આચરણ , અને આચરણ ક્યાંથી આવે ?
આચરણ આવે આચારથી ..
હવે દરેક આચાર સદાચાર હોય એવું જરૂરી નથી એ દુરાચાર પણ હોઈ શકે છે..
અને એ વ્યભિચાર પણ હોઈ શકે..
હવે આ કલમ ને સર્વસંમતીથી કાઢી નાખવાથી આપણે એમ અર્થ કરીએ કે સ્ત્રીને વ્યભિચાર કરવાની છૂટ આપી દીધી નામદાર કોર્ટે તો એ ખોટું અર્થઘટન છે..
ફક્ત સ્ત્રીને પુરુષ ના માલિકીપણા થી મુક્ત કરી છે ..
કારણકે સ્ત્રી ક્યારેય પુરુષ ઉપર આવું માલિકીપણું દાખવી નથી શકતી તો પછી સ્ત્રી ઉપર પુરુષ શા માટે રાખે ?
અત્યારે બેંગ્લોરની એક પાંચ–છ–સાત સિતારા હોટેલના બારમાં બેઠો છું મારી સામે દુનિયાભરની પ્રજા બેઠી છે, સ્ત્રી અને પુરુષો સમાન રીતે દારુ ઠપકારી રહ્યા છે અને નજરથી મને અભાગીયો કહી રહ્યા છે, મારા મિત્રો પણ મને આવું જ કૈક કહે છે , તારા જેવો દુનિયાનો એક જ નંગ હશે કે આવી જગ્યાએ આટલો દારુ સામો પડ્યો હોય એ મૂકીને લેપટોપ ખોલીને બ્લોગ લખવા બેસે ..
અત્યારે મારી સામે બેઠેલી લગભગ દરેક પ્રજા ના દેશમાં પ્રજા સ્ત્રીના શરીર માટેના પુરુષને અપાતા માલિકી હક્કમાંથી સ્ત્રીને મુક્ત કરી ચુકી છે..
તો શું મારે એમ માની લેવાનું કે આ બધી સ્ત્રીઓ વ્યભિચારી છે..?
નાં ..
દોઢ સદી જુનો વિચાર…
“સ્ત્રીનું શરીર એ એક “એસેટ” છે અને એની ઉપર માલિકી એના પતિ ની છે..”
આવા વિચારથી તો મુક્ત થવું જ રહ્યું…!!
રહી વાત વ્યભિચારની તો એ તો સંસ્કાર ઉપર જાય છે..
ઉપરના ઉદાહરણની વાત જ આગળ ચલાવું તો એ સ્ત્રીની ફરિયાદ હતી કે એનો હસબંડ મહિનામાં એકવાર કામધંધા માટે યુરોપ કે ચાઈના જાય છે અને હમેશા યુરોપ જાય તો આમસ્ટરડેમ અને ચાઈના જાય તો થાઈલેન્ડ જઈને પાછો આવે છે અને એના કપડામાંથી ઘણી બધી ના મળવા જેવી વસ્તુઓ મળે છે માટે એ જે ત્યાં લેવા જાય છે એ હું અહિયાં તમને આપું છું..!!
આવી દલીલ લઈને ટ્રેઈનર જ્યારે મારી પાસે આવ્યો ત્યારે મારે એને એટલું જ કેહ્વાનું રહ્યું કે તારા મમ્મી કે પપ્પા આ સિચ્યુએશનમાં હોય તો શું કરે ..?
એનો જવાબ હતો એ લોકો તો ક્યારેય આવું “ગંદુ” ક્યારેય વિચારે જ નહિ ..
મેં કીધું તો પછી તારે પણ ક્યા વિચારવાની જરૂર છે..? જવા દે એ મુઈ મરતી..તું તારું કામથી કામ રાખ ને..
મને લાગે છે કે આ કલમ નાબુદ થવાથી જે લોકો એવા માઈન્ડ સેટમાં આવી ગયા છે કે હવે વ્યભિચાર વધી જશે તો એ વાત ખોટી છે કેમકે વ્યભિચારી વ્યક્તિ વ્યભિચાર કરતી વખતે એની ઉપર કઈ કલમ લાગશે અને કયો ગુન્હો લાગશે એટલુ લાંબુ ક્યારેય વિચારતી જ નથી..!!
પછી એ સ્ત્રી હોય કે પુરુષ..
મોટાભાગના વ્યભિચારી કામદેવના બાણથી ઘાયલ થયા હોય અને પછી નસીબના જોરે એકલતા હાથ લાગે, કે પછી જાતે કરીને કે સ્માર્ટનેસ વાપરીને એકાંત શોધી લેવામાં આવે ત્યારે વ્યભિચાર જ થતો હોય છે..
વ્યભિચાર કરતા પેહલા કે પછી ક્યારેય કાયદા નો રેફરન્સ લેવાતો જ નથી..!!
આવા દોઢસો બસ્સો વર્ષ જુના કાયદાઓને હવે કાઢી અને તાત્કાલિક ફેંકી દેવા જોઈએ ..
સરકારી વકીલની દલીલ હતી કે આવું કરવથી લગ્ન નામની સંસ્થાને નુકસાન પોહચશે..
ખોટી દલીલ છે હું તો સામાન્ય હિન્દુસ્તાનીને એટલું જ પૂછું જે અલ્યા આવો કોઈ કાયદો હતો એની તને ખબર છે ખરી ..?
તો પછી મે`લો ને છા`લ… વાત ના વતેસર કર્યા વિનાના..!!
ગમે તે કહો અને ગમે તેટલા હક્ક આપો તો પણ આ દેશની મહિલાઓ અત્યંત માપમાં અને સભાન રહી ને દરેક હક્કને પોતાના હાથમાં લ્યે છે..અને જેટલા હક્ક ભોગવે છે એના કરતા વીસ ગણી ફરજો પણ સામે બજાવે છે માટે આવા ફાલતું કાયદા જતા હોય તો જાય એના માટે હવે સાત જજની બેંચ બેસાડીને ફરી એકવાર અપીલ કરાવવી એ ખોટું છે..
અને ગામ હોય ત્યાં ઉકરડા તો રેહવાના..!! એટલે એવા ઉકરડા માટેના કાયદાના હોય..!!
ચાલો રાત ઘણી વીતી છે અહિયાં વિરામ મુકું છું
શુભ રાત્રી
શૈશવ વોરા