એક ફોન આવ્યો હતો બે દિવસ પેહલા ..!!
સેશવભાઈ બોલો હું નગીનદાસ (કાલ્પનિક નામ )બોલું , ઓળખાણ પડી ભ`ઈ બહુ વર્ષ પેહલા તમે મારી દુકાને આવ્યા હતા અને પછી આપણે અમદાવાદમાં બાહર મળ્યા હતા અને પૈસાની લેવડદેવડ કરી હતી યાદ આવે છે ભ`ઈ..?
હું સેહજ થોથવાયો એટલે મેં ફરી પૂછ્યું ક્યાંથી બોલો કાકા ?
ભ`ઈ xxxનગરથી ,યાદ નહિ આવતું તો છોડો રેહવા દો` હો` , આ તો તમારો નંબર ફોન માં દેખાયો ને તો થયું લાવ વાત કરી જોઉં માફી માંગી લઉં , ભ`ઈ જીવનમાં મારાથી જે કોઈ ભૂલ થઇ છે એની માફી માંગુ છું હો ભ`ઈ ,તમને જાણ્યે અજાણ્યે દુભવ્યા હોય તો માફ કરજો હો ભ`ઈ અને ખુબ સુખી થાવ ,તમારા છોકરાવ ને ભણાવજો હો સુખી રેહજો .. ફોન મુકું હો ભ`ઈ..!!
વારો હતો મારો ..ફોન કપાઈ જાય એ પેહલા યાદ કરી લેવાનો .. યાદ આવી ગયું ..!!
લગભગ વીસેક વર્ષ પેહલા ૧૩૮ કલમ ની કેસ કર્યો હતો એક પાર્ટી ઉપર ,એમના ચેકો રીટર્ન થયા હતા ને ત્યારે મારામાં પણ ભર જુવાની નું જોશ હતું ,
એવા કેવા રૂપિયા દબાઈ જાય ? ના ચાલે ,
રૂપિયા તો કઢાવવા જ પડે ..!!
ત્યારે કનકકાકા એ કીધું બેટા જાય તો જવા દે ,લઇ જનારો સુખી થાય એમ માની લેવાનું પણ આ બધા કોર્ટ કચેરીના ચક્કર રેહવા દે ,ખર્ચો વધી જશે રૂપિયા ગયા છે એના કરતા કઢાવવાનો ..!
પણ માને તો શૈશવ શેનો ? અરે કાકા કહી ને રૂપિયા આપી જશે તમે ચિંતા ના કરો કાકા..!!
પછી તો વકીલ ,કોર્ટ , સમન્સ અને વોરંટ બધું ય પાછળ પડી ને કઢાવ્યું અને સામેવાળી પાર્ટી પ્રાઈવેટ લીમીટેડ કંપની હતી એટલે એમના બધા ડીરેક્ટર ને કેસમાં લઇ લીધા ..!!
રીતસર રમણે ચડ્યો હતો હું ,અમદાવાદથી પચાસ સાહીઠ કિલોમીટર દૂર નું આવેલું એક નગર અને ત્યાંના પોલીસસ્ટેશનમાં અડીંગો જમાવ્યો હતો ,
એક સીનીયર પોલીસવાળા કહે સાહેબ વોરંટ તમે ભલે લાવ્યા પણ અમે તપાસ કરી છે એ પ્રમાણે આ આરોપી નગીનદાસ આબરૂદાર માણસ છે ,એને ત્યાં વર્ધીમાં જઈશું તો એની આબરૂ ધૂળધાણી થઇ જશે …!
શૈશવ જરાક નરમ પડ્યો સારું તો મારી જોડે એક જણ સાદા ડ્રેસમાં આવો પણ આ મુદત નગીનદાસ ચૂકવો ના જોઈએ ..!
પોલીસવાળા કહે તમે વોરંટ લાવ્યા છો એટલે અમે કઈ બહુ નહિ કહીએ પણ સાહેબ તમારી ક્યાંક ભૂલ તો નથી ને ?
મદ ચડ્યો હતો મને ગુલતાન હતો .. કોઈ ભૂલ નથી એ ડીરેક્ટર છે અને હું પેહલા એકવાર ઉઘરાણી કરવા ગયો હતો ત્યારે એ ડોકરાએ મને ઘરના ઓટલેથી કાઢી મુક્યો હતો..!! ડામીસ છે , અને આપણી પાસે વોરંટ છે સાહેબ ઉપાડી લાવો બીજી વાત મુકો..!!
પોલીસ ઉપાડી લાવી ,જામીન થયા અને પછી ત્રણ ચાર દિવસ બાદ મને ફોન આવ્યો કે અમે તમારા ઘરની બાહર ઉભા છીએ બાહર આવો ..!
એક વાર તો બીક લાગી ગઈ ,તરત જ ચાર પાંચ ફોન લગાડી દીધા ત્યાં ફરી ફોન આવ્યો ગભરાશો નહિ અમે સમાધાન કરવા આવ્યા છીએ ..
છેવટે હિમ્મત કરી ને બાહર નીકળ્યો સોસાયટી ની બાહર એક ગાડી ઉભી હતી એમાં બે ઘરડા અને બે જુવાન છોકરા હતા ..
નગીનદાસ એ મને પૂછ્યું કે ક્યાં બેસીશું ?
મેં કીધું આગળ આવો પ્રહલાદનગર એક કોફી બાર છે ત્યાં આવો હું પાછળ આવું છું ..!
નગીનદાસ કહે તમે આગળ જાવ અમે પાછળ ..
એટલામાં બે બાઈકો ઉપર મારા દોસ્તો આવી ગયા મેં આંખ ના ઈશારાથી સબ સલામત નો સંદેશો આપી દીધો ,હું મારું બાઈક લઈને આગળ થયો પેલા મારા મિત્રો અને નગીનદાસ ની ગાડી બધું પાછળ આવ્યું ..!
રવિવાર ની ઉનાળાની ભરબપોર હતી કોઈ જ ટ્રાફિક નહિ .. હું મારા મિત્રો અને નગીનદાસ ને એ લોકો ચાર જણા ગોઠવાયા એક ટેબલ ઉપર ..
નગીનદાસએ સીધો સવાલ કર્યો મને .. માલ લેવા માટે મેં તમને ક્યારેય ઓર્ડર આપ્યો છે ?
મેં કીધું ..ના , પણ હમેશા તમારી કંપનીમાંથી જ તમારા જમાઈ નો ફોન આવતો હતો ..!
નગીનદાસ બોલ્યા ..એ મારો જમાઈ નહિ પણ આ મારી જોડે આવ્યા છે આ મારા ભાઈબંધ એમનો જમાઈ છે અને આ બંને એમના છોકરા છે..!
પેલા ત્રણે જણા નીચું જોઈ ગયા ..
નગીનદાસ એ મને પૂછ્યું તમને ખબર છે આ કંપનીમાં મેં કેટલા રૂપિયા મુક્યા છે ?
મેં કીધું ના કાકા ,પણ મારે શું લેવા દેવા તમે ડીરેક્ટર છો એટલે તમારા નામનું વોરંટ નીકળે ..
નગીનદાસ બોલ્યા .. ભ`ઈ આ મારા ભાઈબંધના જમાઈ એ કંપની નાખી મારે તો ચવાણા , ફરસાણ ની દુકાન છે દિવસના અઢાર કલાક મેહનત કરી ને ઝારો જાતે ઝાલી ને મેં રૂપિયા ભેગા કર્યા હતા અને આમના જમાઈ ઉપર વિશ્વાસ મૂકી ને મેં રૂપિયા આલ્યા હતા ,પણ નશીબ આડું તે કારખાનું ના ચાલ્યું અને જમાઈ આમનો બોદો નીકળ્યો તે ઉઘરાણીના રૂપિયા આવે તે બધા વાપરી ખાધા ,આ તમારા જેવા બીજા ચાર લોકો એ આ ચેક રીટર્ન ના કેસ ઠોક્યા છે , મારા બાપા કહી કહી ને મારી ગયા કે કોઈ દિવસ કોરી ચેકબુકમાં કોઈ ને સહી કરી ને ચેકો નાં આલતો પણ મારી મતિ મરી ગઈ હતી અને મને લાલચ હતી કે મારો છોકરો મોટો થાય ને કારખાનું ત્યાં સુધી માં એને તૈયાર મળે તો એને મારી જેમ આ ઝારો હાથમાં ના ઝાલાવો પડે ..! પણ બધુય જ્યું ..! હવે આ મુઠ્ઠી વાળી ને જે રૂપિયા લાયો છું એ લઇ લો અને તમે કેસ પાછો ખેંચો , નગીનદાસ એ પોતાના સેવિંગ ખાતામાંથી લખેલો ચેક મને પકડાવ્યો ..!
હું બોલવા ગયો નગીનદાસ સો ના સાહીઠ ના હોય ત્યાં તો એમણે ગજ્જબ રીતે એમના એક હાથથી મારા બે હાથ ઝાલી લીધા અને એમનો બીજો હાથ મારા મોઢા ઉપર દબાવી દીધો અને સજળ નેત્રે બોલ્યા બસ ભ`ઈ આબરૂ બજારમાં ના ઉછાળશો મારી, મુક્ત કરો મને ..! આટલું બોલી અને મને ચેક પકડાવી ને ઉંધા ફરી ને એ સીધા ગાડીમાં જઈને બેસી ગયા પેલા ત્રણેમાંથી વડીલે કીધું મારા છોકરા ની ઉંમરના છો પણ માફી માંગુ છું કેહતા હો તો પગે પડું ..
હું એમને પડતા મૂકી ને ગાડી પાસે દોડી ગયો .. ઠીક છે નગીનદાસ હું માની ગયો પણ ચા પાણી તો કરતા જાવ સમાધાનના ..!
નગીનદાસ કશું જ બોલ્યા વિના શૂન્યમસ્ક ચહેરે ફક્ત હાથ જોડી ને મારી સામે માથું નમાવી ગયા ..
ત્યાં સુધીમાં બીજા વડીલ પણ આવી ગયા હતા ગાડીમાં એમણે કીધું ના ભાઈ આજે જવા દો, હજી બીજી બે જગ્યાએ જવાનું છે આવું જ કામ છે .. બસ માફ કરી દેજો..!!
ગાડી મારી આંખ સામે સડસડાટ ઉપડી ગઈ ..!
મિત્રો મેચ્યોર હતા મારા .. ભાગતા ભૂત ની લંગોટ ભલી લઇ લે .. અને કેસ પાછો ખેંચી લે..!
મેં એમ જ કર્યું ,પણ સેહજ કઠયું હતું ત્યારે ,ઉંડે ઉંડે એમ લાગ્યું હતું કે નગીનદાસ નિર્દોષ હતા , કોઈ ક ની ઉપર વિશ્વાસ મુક્યો એની સજા ભોગવી હતી એમણે ..!!
એ દિવસ અને ગઈકાલ નો દિવસ ..
લગભગ વીસ વર્ષના વહાણા વાયા અને ફરી ફોન આવ્યો હતો એમનો એ પણ માફી માંગવા..!!
ફોન કપાય એ પેહલા મેં કીધું યાદ આવી ગયું કાકા કેમ છો તબિયત કેમ છે ? કાકી ને કેમ છે તમારો દીકરો કેમ છે ? શું કરે છે બધા ?
નગીનદાસ બોલ્યા ભઈ બધું સારું છે , xxxનગર નું ઘર અને દુકાન કાઢી નાખી છે દીકરો કેનેડા જતો રહ્યો છે અને અમને અહિયાં સાયંસ સીટી ઘર અપાવી દીધું છે હું ને તમારી કાકી અહિયાં સુખ શાંતિ થી રહીએ છીએ બધું સારું છે હો ભ`ઈ , તમારે બધુ સારું છે ને ..
મેં કીધું સુખ શાંતિ છે નગીનદાસ ..
ભ`ઈ .. માફી માંગુ છું હો ભૂલચૂક ની
મારાથી બોલાઈ ગયું નગીનદાસ માફી મારે માંગવી પડે તમે નિર્દોષ હતા અને છતાં પણ તમે મને સાહીઠ ટકા ચૂકવી દીધા હતા ..
ના ભ`ઈ ના , વાંદરા ના હાથમાં છરી તો મેં જ આપી હતી ને , મેં છરી આપી ત્યારે એ તમને મારી ગયો ને , હશે ત્યારે તમને મનમાં ડંખ નથી તો હું નિરાંતે મરીશ ..!
મેં કીધું ના નગીનદાસ ના જરાય ખટકો નથી ,તમે પણ હૈયે ભાર ના રાખશો , કઈ પણ કામકાજ હોય તો ચોક્કસ કેહજો ..
નગીનદાસ બોલ્યા .. ભ`ઈ ઘણી હાશ થઇ અને જરાકે એવું હોય તો કેજો હું બાકી ના દુધે ધોઈ ને આપી જઈશ ..!
એ સજ્જન માણસ નો ખટકો મને એક એક વાક્યે વાક્યે પીડા આપી રહ્યો હતો ,
મારે ભાર દઈને કેહવું પડ્યું ગઈ ગુજરી ભૂલી જાવ નગીનદાસ અને એકાદવાર મળો મને..!
નગીનદાસ એ કીધું ખુબ ખુબ સુખી થાવ ને ,તમારા છોકરા ખુબ પ્રગતિ કરે તમારા માંબાપ તમારાથી ઠરે ..જે શ્રી ક્રષ્ણ ..!!
ફોન કપાઈ ગયો..!!!
બિલકુલ સત્યઘટના છે .. !
આ જિંદગીમાં કોણ કેવા કેવા કેવા ભાર હૈયે લઈને ફરતું હોય છે અને એ પણ કેટલા વર્ષથી કોને ખબર ..!!
મારી આંખમાંથી એક ટપકી ગયું હતું .. જોડે જોડે આનંદ પણ હતો એમના હૈયા નો ભાર હળવો કર્યા નો ..!!
આવું છે રોજ કૈક નવા પરચા જિંદગી આપે છે , જેને ઠગારો ,ડામીસ માન્યો હતો પેહલી નજરે, એ કેવો સત્પુરુષ નીકળ્યો ..!!
યાદ કરજો જીવનમાં ક્યારે ક તમે પણ કોઈક ને ઓળખવામાં ખત્તા ખાધી હશે અને એનો જયારે સાક્ષાત્કાર થાય ત્યારે એમ થાય કે ધરતી માર્ગ આપે ને સમાઈ જાઉં..!!
વીસ વર્ષ ઓછો સમય નથી હૈયે ભાર રાખી ને જીવવા નો ..!!
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*