
થોડા સમય પેહલા મેં ગીતની એક લીંક શેર કરી હતી..ધોમધખતી ગરમીમાં ગીતના શબ્દો હતા કાન..માં ..પવન કહીને ચાલ્યો ..કે હે આવ્યો મેહુલીયો..
બસ બિલકુલ આનાથી ઊંધું છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના રાજકીય આલમમાં ગીત વાગતું હતું કાન માં પવન કહી ને ચાલ્યો કે હે..
બેન ગયા ઘેર..કે પછી ક્યાંકના રાજ્યપાલ..!! કેટલા બધાને આવું સાંભળીને કાનમાં ઠંડક થતી..?
અને આજે ખરેખર ઢોલ વાગ્યા..અને છેવટે બેન એ કંટાળીને રાજીનામુ મુક્યુ..!!
હું પેહલા લખી ચુક્યો છું કે મેં અને મારા જેવા સવા છ કરોડ ગુજરાતીઓ એ નરેન્દ્ર મોદીને ગુજરાતની ગાદી સોપી હતી,નરેન્દ્ર મોદીને મેં મારો મત આપ્યો હતો આનંદીબેનને નહિ..!!
પણ સંસદીય લોકતંત્રની કમબખ્તી છે તમને જે માણસની ધૂર્ત એલર્જી હોય એના ફોટા તમારે રોજ સવાર પડ્યે જોવા પડે..!
બેન લખે છે “નરેન્દ્ર મોદીની જગ્યા આવવું એ આકાશના તારા ગણવા જેવુ કઠીન કાર્ય હતું..”
લો ત્યારે છેક હવે ખબર પડી બેન..?
પણ એક વાત માનવી પડે ટકી રેહવા માટેના પ્રયત્નો ભરપુર કર્યા બેને..
પેહલા સાહેબથી પણ વધારે કડક છું એવું દેખાડવા બહુ જ જબરો કડપ રાખ્યો, પટેલ આંદોલન વખતે પેહલા હું સાહેબથી વધારે સારી છું એમ બતાડવા GMDC ગ્રાઉન્ડ પર પટેલને પાટીદાર થવા દીધા..
અને પછી ખબર પડી કે આ તો દાવ થઇ ગયો, એટલે સાહેબથી વધારે ક્રૂર છું એવું બતાડવા દમન નો કોરડો વીંઝ્યો..
પછી સાહેબની જેમ રેડિયા પર રડ્યા પણ ખરા..!!!!
પણ પ્રજા છે મારી બેટી કોઈ વાતે માને નહિ અને એક જ વાત ચાલી.. બેન જાય છે..બેન જાય છે..!!
આગળ રાજીનામાના પત્રમાં બેન લખે છે કે “મને એ વાતનો ગર્વ છે કે તેઓએ ગુજરાતના વિકાસની કંડારેલી કેડીએ જ ઝડપથી આગળ વધવામાં હું ક્યાય પાછી પડી નથી..”
બેન કોઈ વખાણ ના કરે તો જમાઈએ જાતે જ વખાણ કરવા પડે..હે
પાછળ પડ્યા કે આગળ ગયા એ તો ઈતિહાસને કેહવા દો અને આત્મશ્લાઘામાંથી બહાર આવો..!
સાહેબ પણ આત્મશ્લાઘા કરે છે પણ જબરજસ્ત હોશિયારી વાપરીને કરે છે..!
સાહેબના પગલે ચાલવાની ઘણી કોશિશ કરી પણ નકલ અને અક્કલ
આ બે ચીજમાં બેન ભરાઈ ગયા..!!
સાહેબ ના ફોટા તો જોવા ગમે એવા હોય છે, એમના કપડાથી લઈને લોકેશનનું સિલેકશન અને ફેશિયલ એક્સપ્રેશન બધું જ એક અભિનેતા,મોડેલ અને છાજે એવું નયનરમ્ય હોય છે..સાહેબ પાસે છટા છે..એક કરિશ્મા છે.. મીત્રોં બોલે ત્યારે ત્રોં ઉપર મીંડું લાગે અને એકદમ ઇન્દિરા ગાંધીની જેમ ભારત માતા કી …ભારત માતા કી .. બોલાવી લે ..
અને બેન ખોટું ના લગાડતા પણ તમે બહુ જ બોરિંગ લાગતા હતા..!!
તમે ગાદીએ બેઠા ત્યારે જ મને લાગતું હતું કે ૨૦૧૭ આ ગાદી પર તમે નહિ ભાળો..!!
એક સવાલ પુછવાનું મન થાય છે બેન ..આજે તો તમે જવાબ ચોક્કસ નહિ આપો કેમકે જો સાચો જવાબ આપી દેશો તો ક્દાચ ક્યાંક જેમ પ્રણવ દા એ મ્ભ્ભ્મ માં કીધું હતું કે મને રાયસીના હિલ્સની લોનમાં ઇવનિંગ વોક લેવું ગમશે,
એમ તમને પણ અત્યારે જયપુરના રાજભવનની લોન ગમતી હશે, અને જો આ સવાલ નો સાચ્ચે સાચ્ચો જવાબ આપી દો તો પછી જયપુરના રાજભવનની લોનમાં ઇવનિંગ વોક નુ તમારું સપનુ પૂરુ ના થાય..
બળ્યું મને તો રાજભવન ના ઝાપા જ નસીબમાં છે એટલે હું તો સવાલ પૂછી જ નાખું ..
તમારા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમ્યાન ખરેખર તમે ખરેખર તંત્ર પર “પકડ” લઇ શક્યા હતા ખરા..? તમારા અધિકારીઓ ફક્ત અને ફક્ત તમને જ રીપોર્ટીંગ કરતા કે બીજી બેચાર જગ્યાએ પણ રીપોર્ટીંગ કરતા..?અને તમારા “હુકમ”નું અક્ષરસહ પાલન થતું કે પછી બીજે ક્યાંકથી ગ્રીન સિગ્નલ આવે તેની રાહ જોવાતી..?
આમ તો આવા સવાલો ના જવાબ મોટેભાગે તમે નેવું વર્ષના થાવ અને કોઈક એકાદું પુસ્તક લખો કે લખવો ત્યારે એમાં જ આપશો,પણ અમે રહી જનતા સવાલો તો પૂછવાની..જવાબો આપવામાં મોડું કરશો તો પછી મતલબ નહિ રહે એ જવાબોનો..
પણ એક વાત તો કેહવી પડે બાકી ગુજરાતની એકાદ બે “ટોળકી” નક્કી કરે કે આને ઉથલાવો, એટલે પછી પાર પડ્યે છૂટકો ભલે ને પછી ખુદ નરેન્દ્ર મોદીએ “એપોઇન્ટ” કરેલા મુખ્યમંત્રી કેમ ના હોય..?
સાહેબ તમે પાછા પડ્યા હો તમારા કરતા સોનિયા ગાંધી વધારે “મજબુત” નીકળ્યા દસ દસ વર્ષ મનમોહનસિંહ ને ગાદીએ ટકાવી રાખ્યા અને તમે બેનને બે વર્ષમાં ઘેર બેસાડી દીધા..!!
નરેન્દ્ર મોદીની હવે ખરી કસોટી આવી છે..દલિત પાટીદારની આંધી વચ્ચે ગુજરાતમાં નવુ નામ મુકવાનું છે અને ૨૦૧૭ જીતવાની છે..
બેન તો સાહેબની શતરંજમાં ઊંટ હતા જોઈએ વઝીરે આઝમ હવે ઘોડો ઉતારે છે રમતમાં કે હાથી..
રાજસ્થાનના જુના કિલ્લાઓમાં જુના સમયમાં યુદ્ધ સમયે જયારે દુશ્મનના કિલ્લાનો દરવાજો તોડવાનો હોય ત્યારે એક મદમસ્ત મોટા તાકાતવર હાથીને દારુ પીવડાવવામાં આવતો અને કિલ્લાના દરવાજે લાગેલા મોટા મોટા ભાલાની આગળ એક ઊંટ ઉભું રાખવામાં આવતું..
દારૂ પીધેલો હાથી દોડતો આવીને એકદમ ફોર્સથી દરવાજાની આગળ આવેલા ઊંટ જોડે અથડાતો અને દરવાજે લાગેલા ભાલા ઊંટના શરીરમાં પેસી જતા અને હાથીના ફોર્સથી કિલ્લાનો દરવાજો તૂટી જતો..
પણ ઊંટના રામ રમી જતા..!
સમજદારને ઈશારો કાફી છે..
પ્લાન A ,પ્લાન B અને પ્લાન C પણ તૈયાર હશે..!
ચતર સુજાણ છે દિલ્લીની ગાદીએ..!
રાહ જુવો નાગપુર પોતાનું ધાર્યું કરાવે છે કે પછી વડનગર ..?
સમય જ કેહ્શે
શુભ રાત્રી
શૈશવ વોરા