રાનું મંડલ..બહુ દિવસથી ચાલ્યું છે, રંક થી રાય થઇ ગયા , એવું બધું છપાઈ રહ્યું છે અને સાક્ષાત સરસ્વતી એવા લતાજી એ સલાહ આપવી પડી કે `પોતાનું` કૈક કરો તો જ ટકી રેહવાશે નકલ કરવાથી કશું નહિ વળે..!!
આખી સલાહમાં આ `પોતાનું` શબ્દ જ એટલો બધો અગત્યનો છે,પણ લગભગ જીવનમાં દરેક વ્યક્તિ આ શબ્દ ભૂલી જાય છે , અને જે માણસ આગળ નીકળ્યો છે એનામાં `એવું` શું છે એ શોધી અને એની નકલ કરવાનો ટ્રાય કરે છે, અંતો ત: ગત્વા કૌવા ચલા હંસ કી ચાલ જેવો ઘાટ થાય છે..!
મોટા માણસો ની જીવનકથાઓના વેચાણના મોટા આંકડા એની સાબિતી છે..!
મોટેભાગે જીવનમાં સ્કુલ સમયથી મહાપુરુષોના જીવનચરિત્રો વગેરે વગેરે શીખવાડીને એટલો બધો અહોભાવ બીજા પ્રત્યે ઉભો કરી દેવામાં આવે છે કે આપણે આપણો શું `ભાવ` છે એ જ ભૂલી જઈએ છીએ અને અડધી જિંદગી જાય ત્યારે ભાન થાય અને પછી સમય વીતી ગયો હોય..!!
નકલ થી સાવધાન, ઠેર ઠેર પાટિયા મરેલા હોય છે પણ નકલ સિવાય બીજું કશું થતું નથી..!!
બહુ અઘરું છે જીવનમાં પોતાનાપણું જાળવી રાખવું પણ..
પેહલા ટપલા પડે જીવનમાં અને પછી માર પડે ..!!
સૌથી છેલ્લે દુઃખ મળે પોતાનું જાળવી રાખવામાં..!!
જો કે અત્યાર સુધીની જીવન જર્નીમાં એવું પણ જોવા મળ્યું છે કે પોતાનું જાળવી રાખવા અને એને ખીલવવા માટે અનુકુળ વાતવરણ મળવું એ પણ નસીબના ખેલ છે બાકી તો પેટીયું રળવામાં નકલ જ કામ લાગે..!
પોતાનું જે છે એને પેહલા ઓળખી અને સમજવું વધારે અગત્યનું થઇ પડે છે..!
રાનું મંડલ નો અવાજ ખરેખર સોનાનો છે પણ કાચા સોનાને સોના ની ઘંટડીમાં ફેરવો પછી જે રણકાર મળે એ જુદો હોય..!
રાનું મંડલ ની પછી અને પેહલા આવા ઘણા ચીંથરે વીંટાયેલા રતન બાહર આવ્યા છે પણ કમનસીબે એમના શરીરે રેશમની સાડી બહુ ટકતી નથી..!
પોતાનું ઓળખી અને નિખારવું પડે ત્યારે રેશમી સાડી કે ઝભ્ભા તન પર ટકી રહે..!
સંગીત એ ઈશ્વર ની દેન હોય તો જ તમને મળે..
મારા સંગીત ગુરુ સરોજબેન ગુંદાણી પાસે હું જયારે બાળપણમાં સંગીત શીખતો ત્યારે એમને હેરાન કરતો ..હાથે કરી ને એક સૂર ઉપર ગાઉં કે પછી નીચે ગાઉં અને એમને ગુસ્સો કરાવું ,ખબર નહિ પણ મને એમને હેરાન કરવાની મજા આવતી, પછી બહુ થાય એટલે એ સાવ રડવા જેવા થાય પછી નટખટ હું જીદ છોડી અને મૈયા ને શરણે જાઉં ત્યારે એ કેહતા દીકરા મારા કોઈ કરોડ રૂપિયા ખર્ચે ને તો પણ એના ગળામાં સૂર ના આવે, સૂર ગળામાં ઉપરવાળો જ મુકે, આ ઈશ્વરની ભેટ છે બેટા અને તારું નસીબ છે કે તને સૂર ની જોડે સંસ્કાર જોડવા ની તક મળે છે..!!
સારેગમપધનીસાં .. ગાઈ લેવા કદાચ સાવ સેહલા છે ,પણ ઓળખી-સમજી ને ગાવા અઘરા છે, આખો સામવેદ છે સંગીત ,અને સંગીતની મજા પેહલા સમજવામાં પછી એને પચાવવામાં અને પછી વારો આવે કલાકારીનો ..!!
અમે તો હજી સમજવામાંથી જ ઊંચા નથી આવતા..
અચાનક મળતી સફળતાને મોટાભાગના લોકો સંજોગ કે પછી પોતાની આવડતમાં ખપાવી દેતા હોય છે ,એક વર્ગ એવો મળે કે જે મળ્યું એ ભાગ્ય ને આધારે મળ્યું છે એવું માની લ્યે છે..
દરેક વ્યક્તિ સફળતા નિષ્ફળતા ને જળ કમળવત રાખી શકે એવું તો શક્ય નથી ,ભલે એમ કહીએ કે સુખ-દુઃખ મનમાં ન આણીએ રે .. પણ સફળતા સુખ લાવે જ છે અને પછી પાછળ ઘણું બધું..!
તો પણ ભાગ્યને આધારે સફળ થયા એવું માનનારા ક્યાંક ઈશ્વરના ડર ને સામે રાખી ને જીવતા હોય છે એટલે સફળતાના નશામાં બહુ જલ્દી બહુ ખોટું કરતા જરાક ડરે ..એટલે થોડીક લાંબી ચાલે સફળતા.. બાકી તો કેબીસીની હોટ સીટ પર કરોડો જીતેલા કંગાલીયત ની અવસ્થામાં જીવી રહ્યા છે..!
એકલા સંગીતમાં નહિ બીજા કૈક ફિલ્ડમાં રાયથી રંકના દાખલા પડ્યા છે અને રાનું મંડલના અત્યારના ઠેકેદાર હિમેશ રેશમિયા એ પણ પેહલી સફળતા પછી સિધ્ધા પંચમ દાની સામે શિંગડા ભરાવ્યા હતા , પોતાના નેઝલ અવાજ ને બર્મન દા ના અવાજ જોડે કમ્પેર કર્યો હતો અને પછી માફામાફીના ખેલ પડ્યા અને પાર્ટી ઠરી ને ઠામ થઇ..!
જો કે એમણે પોતાનું જે કમ્પોઝીશનનું ફિલ્ડ છે એ પકડી રાખ્યું અને પછી ધીમે ધીમે આગળનો રસ્તો પકડ્યો..
સોશિઅલ મિડીયા એ હવે રાનું મંડલ જેવા ઘણા ને `ફેમસ` કરી મુક્યા છે,
હમણાં જ પૂરી થયેલી ભાદરવી નવરાત્રીમાં વર્ષો પેહલા ઘીકાંટા રામાપીરના મંદિરે કોર્ટની પાછળના પ્રાંગણમાં ડાયરા થતા અને ત્યારે સંગીત શીખતા અને ડાયરા જોવા જતા હતા ,સાથે એક તબલચી મિત્ર પણ રેહતો .. એક દિવસ સ્ટેજ ઉપર રીતસર ધમાલ થઇ હતી..કોઈ એક વડીલ કલાકારે કીધું કે ફલાણા કલાકાર ને હું આગળ લાવ્યો અને પેલો કલાકાર ત્યાં જ ઓડીયન્સમાં હાજર હતો અને કલાકાર પાર્ટી સ્ટેજ ઉપર ચડી અને માઈક પકડીને રા`ડો નાખવા લાગી કે હું મારી મેહનતથી ઉપર આવ્યો છું કોઈ એ યશ લેવો નહિ અને આમને તેમ પછી તો પેલા વડીલે પણ બાકી ના રાખ્યું પેલા કલાકારને ક્યા છાપરામાં રેહતો હતો એ બધું યાદ કરાવ્યું અને પબ્લિકને પણ આખા જો`ણામાં મોજ આવતી હતી ..
નામ તો નથી લખતો પણ હકીકત એ છે કે પેલા વડીલ ઉકલી ગયા છે અને “ઊંચા” આવેલા કલાકાર ને આજે કોઈ ઓળખતું સુધ્ધા નથી..!
જોઈએ હવે રાનું મંડલની શું ગતિ થાય છે .. પણ લતાજી જેવો અવાજ હોવાથી લતાજી તો ના જ થવાય અને નકલ પેટીયું જ રળી આપે બસ એનાથી વિશેષ કાઈ જ નહિ..!!
બાકી તો બોલીવુડ જેટલું ખતરનાક જંગલ બીજું એકેય નહિ ત્યાં કામક્રીડાના કલાકાર ને પણ યે દુનિયા હૈ પિત્તલ ની સોનાના બનાવી નેનવાજવામાં આવે છે અને નાં પણ કેમ હોય ..
આ બોલીવુડના ગુરુ દાદા સાહેબ ફાળકે ના ગુરુ મહાન ચિત્રકાર રાજા રવિ વર્મા એ જયારે ભારતવર્ષ ને સૌથી પેહલીવાર જે દેવી દેવતાના દર્શન કરવ્યા એ દેવી ને ચીતરવા માટે એમને મોડેલની જરૂર હતી અને ત્યારે તે સમય નો સભ્ય સમાજ મોડેલ બનવા તૈયાર ના હતો છેવટે એક ગણિકા ને મોડેલ બનાવી અને દેવીઓના ચિત્રો બન્યા..!!
તુલસી ઇસ સંસાર મેં ભાત ભાત કે લોગ ..
દુનિયા છે ચાલતું રેહવાનું..
આપની રવિવારની સાંજ શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*